ફારૂકી, અનીસ (જ. 1938, સુલતાનપુર, ઉત્તરપ્રદેશ) : ભારતીય ચિત્રકાર અને શિલ્પી. 1959માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી 1962માં આગ્રા યુનિવર્સિટીમાંથી ચિત્રકલાની અનુસ્નાતક પદવી મેળવી તથા 1964માં કલા-ઇતિહાસ વિશે પીએચ.ડી.ની પદવી મેળવી. 1962થી 1966 દરમિયાન તેમણે કાનપુર, દહેરાદૂન, અલીગઢ અને દિલ્હીમાં પોતાની કલાકૃતિઓનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ રાજ્ય લલિત કલા અકાદમી; દિલ્હીની સાહિત્યકલા પરિષદ; ઑલ ઇન્ડિયા ફાઈન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટી; લલિત કલા અકાદમી યોજિત રાષ્ટ્રીય પ્રદર્શનો; હૈદરાબાદનાં ઑલ ઇન્ડિયા ડ્રૉઇંગ એક્ઝિબિશન, ઇન્ડિયા-ત્રિવાર્ષિક પ્રદર્શન, કલામેલા તથા ટ્રેડ ફેર ઑથોરિટી ઑવ્ ઇન્ડિયા યોજિત ઘણાં સમૂહ-પ્રદર્શનોમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે.
1981માં તેમને દિલ્હીની સાહિત્ય કલા પરિષદનો ઍવૉર્ડ મળેલો. હાલમાં (2001) તે દિલ્હી ખાતે કલાસર્જનમાં વ્યસ્ત છે.
અમિતાભ મડિયા