ફારસી ભાષા અને સાહિત્ય

મૂળ ઈરાન (Persia) દેશની ભાષા તે ફારસી. તેનો ફેલાવો પશ્ચિમમાં તુર્કીથી લઈને પૂર્વમાં ચીનની સરહદ સુધીના મધ્ય એશિયાના દેશોમાં થયો છે. ભારતીય ઉપખંડમાં પણ તે પ્રસાર પામી છે. ભારતીય ઉપખંડની વાયવ્યે આવેલા ઈરાન દેશમાં આર્યોની સંસ્કૃતિ વિકાસ પામી  હતી અને તે પ્રદેશમાં ઇન્ડો-ઈરાનિયન કુળની ભાષાનો ઉદભવ થયો હતો. ભાષાના પ્રારંભિક સ્વરૂપને ‘પારસી-એ-બાસ્તાન’ અથવા પ્રાચીન પારસી; મધ્ય સ્વરૂપને ‘પારસી-એ-મ્યાના’ અથવા મધ્ય પારસી અથવા પહેલવી અને આધુનિક સ્વરૂપને ‘ફારસીએ કુનૂની’ કહેવામાં આવે છે. ઈરાનમાં પર્સવ નામની આર્યોની એક પેટાજાતિનો વસવાટ હતો, તેથી સમગ્ર દેશને ‘મુલ્કે પાર્સ’ પણ નામ આપવામાં આવ્યું હતું. પાછળથી ઈરાનના નૈર્ઋત્ય ભાગનું નામ પાર્સ પડી ગયું હતું. અરબી ભાષામાં પ(p)નો ઉચ્ચાર નથી તેથી પ(p)ને ફ(f)માં બદલવામાં આવે છે. આમ ‘પાર્સ’ ઉપરથી ‘ફાર્સ’ દેશ અને ‘પારસી’ ઉપરથી ‘ફારસી’ શબ્દ પ્રચલિત થયો છે. પ્રાચીન ફારસીના નમૂના 2000 કે તેથી પણ વધુ જૂના શિલાલેખોમાં અને ખતે મીખી અથવા ખીલારોકી લિપિમાં જોવા મળે છે. મધ્ય સ્વરૂપ અથવા પહેલવી ભાષાના નમૂના ‘અવસ્તા’, ‘દીનકર્ત’ જેવાં જરથોસ્તી ધર્મનાં પુસ્તકો તથા ‘કારનામક અર્દશીર બાબકાન’ તથા ‘અયાતકારે ઝરીરાન’ જેવી સાહિત્યકૃતિઓમાં જોવા મળે છે. મધ્ય સ્વરૂપની ફારસી ભાષા, અવસ્તાઈ તથા પહેલવી લિપિઓમાં લખવામાં આવતી હતી. પ્રાચીન ફારસીમાં સંસ્કૃત ભાષાના શબ્દોને મળતા શબ્દો જોવા મળે છે. મધ્ય સ્વરૂપની અવસ્તા તથા પહેલવી ભાષામાં સંસ્કૃત ઉપરાંત, ઈરાનની પશ્ચિમ દિશામાં આવેલા મેસોપોટેમિયા જેવા સરહદી પ્રદેશોની ભાષા તથા લિપિઓની અસર દેખાય છે. આમ પશ્ચિમ તથા પૂર્વના દેશોની ભાષાઓ તથા લિપિઓથી પ્રભાવિત થઈને વિકાસ પામી રહેલી ફારસી ભાષામાં ઈસવી સનના સાતમા સૈકામાં મહત્વના ફેરફારો થયેલા જોવા મળે છે. આ ભાષા, તે સમયે ઝડપથી આગળ વધી રહેલી અરબી ભાષાથી પ્રભાવિત થઈ અને તેણે નવું સ્વરૂપ પકડ્યું. આ નવી અથવા આધુનિક ફારસીએ અરબી લિપિ તથા અરબી શબ્દભંડોળ અપનાવી લીધાં. આમ, જુદી જુદી વિકસિત ભાષાઓના સમન્વયથી ઉત્પન્ન થયેલી નવી ફારસી ભાષા અનેકગણી સરળ અને મધુર સ્વરૂપે બહાર આવી.

ફારસી પદ્યસાહિત્ય : ફારસી ભાષામાં કવિતાનું મુખ્ય લક્ષણ એ છે કે તે સંપૂર્ણપણે છંદવાળી અને પ્રાસબદ્ધ હોય છે. તેમાં અરબી ભાષાના છંદોનો ઉપયોગ થાય છે. ફારસીમાં શરૂઆતમાં શૌર્યગાથાઓ કે વીરરસ-ગાથાઓ તથા શાસકોનાં પરાક્રમોની વાતો હમાસા (epic) સ્વરૂપનાં મસ્નવી કાવ્યોમાં વર્ણવવામાં આવતી હતી. આ પ્રકારનું જગવિખ્યાત કાવ્ય દસમા સૈકાનું કવિ ફિરદૌસીનું ‘શાહનામા’ છે. આ પછી તસવ્વુફ(અધ્યાત્મવાદ)ના પ્રભાવ હેઠળ સૂફીવાદી મસ્નવી કાવ્યો લખાયાં હતાં. આ પ્રકારનાં લાંબાં કાવ્યોમાં નીતિ, ધર્મ તથા અધ્યાત્મવાદ સંબંધી વિષયોની ચર્ચા કરવામાં આવતી હતી. આ પ્રકારના કાવ્યસાહિત્યમાં તેરમીથી પંદરમી સદી સુધીનાં મસ્નવી કાવ્યો, જેવાં કે કવિ જલાલુદ્દીન રૂમીનું મસ્નવી-એ-મઅન્વી, કવિ અત્તારનું મન્તિકુત તૈર, શેખ સઅદીનું બૂસ્તાન તથા નિઝામી ગંજઈ, મોલાના જામી અને અમીર ખુસ્રોની બીજી અનેક કૃતિઓ અગત્યનું સ્થાન ધરાવે છે. રૂમી તથા સઅદીની મસ્નવીઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલ છે. મસ્નવી પ્રકારમાં શોક વ્યક્ત કરતાં મરસિયા કાવ્યો પણ લખવામાં આવે છે. પ્રખર કવિઓએ આપ્તજનો તથા અન્ય જનોના મૃત્યુના પ્રસંગે લાગણીભર્યા મરસિયાઓ લખ્યા છે. વળી સમાજ કે રાષ્ટ્રની પડતી કે કોઈ માનવરચિત અને કુદરતી આફત વિશે જે મરસિયા લખાયા છે તે વાસ્તવિકતા ઉપર આધારિત હોઈ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. શેખ સઅદીએ બોધદાયક અને જગતની ક્ષણભંગુરતા દર્શાવતા મરસિયા લખીને નવી ભાત પાડી છે. કસીદા પ્રકારનાં કાવ્યોમાં, મોટાભાગે દરબારી કવિઓ પોતાના આશ્રયદાતા રાજવીઓ અને અમીરઉમરાવોની પ્રશંસા કરતા હતા. કસીદામાં પ્રસ્તાવનાનો ભાગ મહત્વનો હોય છે, જેમાં કવિ નૈસર્ગિક વાતાવરણ તથા ઊર્મિઓનું વર્ણન કરે છે અને પછી અતિશયોક્તિથી પ્રશંસા લખે છે. કસીદાની પ્રસ્તાવનામાંથી ગઝલ કાવ્યપ્રકારનો ઉદભવ થયો છે. કસીદાની જે પ્રસ્તાવનામાં યુવાની, પ્રેમ, વિયોગ વગેરેની લાગણીઓ વર્ણવવામાં આવતી તેના માટે ‘તગઝ્ઝુલ’ શબ્દ વપરાતો હતો. સમય જતાં કસીદાના પ્રારંભિક ભાગને જુદો પાડી તેને ‘ગઝલ’ નામ આપવામાં આવ્યું અને ગઝલનો વિકાસ એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે થઈ શક્યો. મસ્નવી અને કસીદાથી ભિન્ન ગઝલની એક આગવી છટા છે. ફારસી સાહિત્યે ગઝલ દ્વારા ઊર્મિકવિતાના ક્ષેત્રે મહત્વનું યોગદાન કર્યું છે. ફારસીમાં લૌકિકથી લઈને અલૌકિક વિષયો ઉપર ગઝલો લખવામાં આવી છે અને તેની અસર એશિયાના બધા દેશોના કાવ્યસાહિત્ય ઉપર પડી છે. ઈરાનમાં સનાઈ, રૂમી સઅદી, હાફિઝ શીરાઝી, જામી અને હિન્દમાં ખુસ્રો, નઝીરી તથા ફૈઝી જેવા કવિઓ પોતાના ગઝલસંગ્રહો મારફત વિશ્વઆકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગઝલની જેમ રુબાઈ પણ કવિતાનો ખાસ ફારસી પ્રકાર છે. ઉમર ખય્યામે રુબાઈ કાવ્યો લખીને તેને મહત્વનું સ્થાન અપાવ્યું છે.

ઈરાનમાં ફારસી કવિતાનો વિકાસ : ફારસી ભાષા એક જીવંત, મધુર અને સરળ ભાષા છે. તેમાં સાહિત્યનો એવો ઉન્નત તથા વિપુલ ભંડાર છે, જેની તુલના જગતની મહાન ભાષાઓના સાહિત્ય સાથે કરી શકાય. તેની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તેની 1000 વર્ષ  જૂની કૃતિઓ પણ તાજગી, સરળતા તથા સાતત્ય ધરાવે છે. ફારસીમાં ગદ્ય અને પદ્યસાહિત્યની રચનાનો પ્રારંભ લગભગ એકસાથે થયો હતો, છતાં ગદ્યના મુકાબલે પદ્યને પ્રાથમિકતા મળેલ છે. ઈરાનમાં આઠમા સૈકામાં ઇસ્લામી સભ્યતા સાથે અરબી ભાષાનો પ્રવેશ થયો હતો અને 3 સૈકાઓ સુધી ઈરાનની વચલી ફારસી અથવા પહેલવી ભાષા અને અરબી ભાષા વચ્ચે સમન્વય સધાતો રહ્યો હતો. આ સમય દરમિયાન ઈરાનીઓએ અરબોના રાજકીય, ધાર્મિક તથા સાંસ્કૃતિક વર્ચસ્ હેઠળ અરબી ભાષા તથા તેના સમૃદ્ધ સાહિત્યિક વારસાને અપનાવી લઈને તેના વિકાસમાં પણ પોતાનો ફાળો આપ્યો હતો. આનો એક ફાયદો એ થયો કે જે નવી ફારસી ભાષા ઉદભવી રહી હતી, તેને નવું બળ પ્રાપ્ત થયું અને દસમા સૈકામાં તો એ ભાષા એવી સક્ષમ બની ગઈ કે તેમાં સ્વતંત્ર રીતે સાહિત્યિક રચનાનો દોર શરૂ થઈ ગયો. દસમા સૈકામાં ઈરાનમાં સફ્ફારી, તાહિરી, સામાની અને બૂયા જેવાં રાજકીય રીતે સ્વતંત્ર નાનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં જેમના આશ્રય હેઠળ ફારસી ભાષા શાસન અને સાહિત્યની ભાષા બની ગઈ. આ નવી ફારસી ભાષાનો ઉદભવ અને વિકાસ તે વખતના ઈરાનના ઈશાન વિસ્તાર ખુરાસાન, માવરાઉન-નહર(સમરકંદ, બુખારા)માં થયો હતો અને ત્યારે એ ભાષા ‘ફારસી-એ-દરી’ કહેવાતી હતી.

ઈસવી સનનો દસમો સૈકો ફારસી કવિતાના વિકાસનો મહત્વનો સમય ગણાય છે. તેમાં રૂદકી સમરકન્દી (અ. 940); દકીકી (અ. 974) અને ફિરદૌસી (અ. 1020) જેવા પ્રખર કવિઓ થઈ ગયા. અબુલ કાસમ ફિરદૌસીએ પોતાના મહાકાવ્ય દ્વારા ઈરાનની પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિને સજીવન કરી હતી. તેણે 60,000 પંક્તિઓના ‘શાહનામા’ની રચના પાછળ પોતાના જીવનનાં 30 કીમતી વર્ષો તથા બાપદાદા પાસેથી વારસામાં મળેલી બધી જમીનજાગીર લગાવી દીધાં હતાં. તેમાં પ્રાચીન ઈરાનની ભાષા, ઈરાનના પ્રાચીન સમ્રાટો ક્યૂમર્સથી લઈને યઝદજર્દ સુધીનાઓનો ઇતિહાસ, રુસ્તમ અને સોહરાબ જેવા પહેલવાનો – શૂરવીરોનાં પરાક્રમો, પ્રાચીન રહેણીકરણી, પોશાક, રીતરિવાજો, માન્યતાઓ, યુદ્ધો, વિજયો વગેરેને હંમેશ માટે યાદગાર બનાવી દીધાં છે. નિર્વિવાદપણે ફિરદૌસી ઈરાનનો સૌથી મહાન કવિ છે. તેણે રચેલું ‘શાહનામા’ કાવ્ય એક ઉચ્ચ કક્ષાની સાહિત્યિક કૃતિ છે. દસમા સૈકામાં તેની રચના થઈ ત્યારથી જ્યાં જ્યાં ફારસી ભાષા પ્રચલિત રહી છે એવા તમામ પ્રદેશોમાં, સમૂહમાં તેનું વાચન, તેના મહત્વના અંશોનું નાટ્યરૂપાંતર અને વિશ્વની અન્ય ભાષાઓમાં તેના અનુવાદો હંમેશાં ચાલુ રહ્યાં છે. ગુજરાતી ભાષામાં તેનો છંદોબદ્ધ અનુવાદ પણ થયો છે. ફિરદૌસીનું ‘શાહનામા’ ઈરાનમાં એટલું લોકપ્રિય હતું કે શાહનામાના વાચકો(શાહનામાખ્વાન)નો એક સાહિત્યરસિક વર્ગ ઊભો થયો હતો. કવિતા-કલાની ર્દષ્ટિએ ‘શાહનામા’ની શૈલી સુર્દઢ હોવાની સાથે સાથે કોમળ, સરળ અને લાગણીભરી છે.

ઉપર ઉલ્લેખ પામેલી દસમા સૈકાની ફારસી શાયરીમાં દુ:ખ તથા નિરાશાના તત્વને કોઈ સ્થાન મળ્યું નથી. તેના બદલે બધા જ પ્રકારના કાવ્યપ્રકારોમાં આધ્યાત્મિક આનંદ, સફળતા, ગર્વ, શૌર્ય અને વિચારસ્વાતંત્ર્ય જેવાં તત્વો જોવા મળે છે. તેમાં અસલ ઈરાની આત્મા પ્રતિબિંબિત થયેલો જોવા મળે છે. કેન્દ્રમાં બોધ છે. તેમાં આનંદનો અતિરેક નથી, પણ નીતિ અને માનવતાનાં ઉચ્ચ ધોરણો ર્દષ્ટિ સમક્ષ રાખીને હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ સર્જવામાં આવ્યું છે.

અગિયારમા અને બારમા સૈકાઓમાં ફારસી શાયરી વિકાસના શિખરે પહોંચી શકી હતી. તે વખતે ઈરાનના શાસકોએ મોટા પાયા ઉપર અને પદ્ધતિસર રીતે કવિઓ-લેખકોને પ્રોત્સાહન આપવાનું આયોજન કર્યું હતું. તેમના દરબારોમાં ઉન્સુરી, ફફુખી, મિનૂચહરી, કતરાન, નાસિર ખુસ્રો જેવા ફારસી કવિઓ થઈ ગયા, જેમણે શુદ્ધ કવિતાનો રિવાજ પાડ્યો હતો. તેમણે અગાઉના કવિઓની વર્ણનાત્મક કવિતાને બદલે ઊર્મિપ્રધાન કવિતા લખી હતી. તેમણે શાયરીમાં ફારસી અને અરબીનો સમન્વય સાધ્યો હતો અને ફારસીને અરબીની સમકક્ષ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

ઊર્મિપ્રધાન કવિતામાં ઉમર ખૈયામ માત્ર ઈરાન જ નહિ, પણ સમગ્ર વિશ્વના પ્રથમ કક્ષાના કવિ ગણાય છે. તેમણે બે પંક્તિઓ અથવા 4 મિસરાવાળી ટૂંકી રુબાઈ કાવ્યરચનાઓ દ્વારા એક તરફ આનંદમય જીવન અને બીજી તરફ નાશવંત દુનિયા વિશેના તાત્વિક વિચારો તરતા મૂક્યા છે. તેમને રાજવીઓના દરબારો અને વિદ્વાનોની સભાઓમાં સન્માનનીય સ્થાન પ્રાપ્ત થયું હતું. વાસ્તવમાં ઉમર ખૈયામ બૌદ્ધિક વિચારક હતા. ખગોળ, ચિકિત્સા અને ગણિત તેમના રસના વિષયો હતા. એટલે જ તેઓ હકીમ કહેવાતા હતા. તેઓ હળવાશના અનુભવ માટે રુબાઈ રચતા હતા. તેમણે ફુરસદના સમયમાં રચેલી કવિતામાં ઉચ્ચ વિચારોને સરળ અને મધુર વાણીમાં વ્યક્ત કર્યા છે. ખૈયામે માનવીના જે ગૂઢ પ્રશ્નો તથા સૃષ્ટિના સર્જનસંબંધી પાયાની સમસ્યાઓનો બુદ્ધિ અને વિચાર દ્વારા ઉકેલ શક્ય ન હતો, તેમને અંતરના ભાવો વડે સુમધુર અને સરળ કવિતામાં ઉકેલી આપ્યા છે. ખૈયામના વિષયોમાં સૃષ્ટિના સર્જન વિશે માનવીનું અજ્ઞાન, માનવજીવનનો ઉદ્દેશ, ક્ષણિક જીવન, દુ:ખ, મૃત્યુ, દંભ, અભિમાન વગેરેનો સમાવેશ થાય છે. એકધારા કંટાળાજનક જીવનમાંથી મદિરાની મસ્તી દ્વારા છુટકારો મેળવવામાં તેઓ મદહોશ જણાય છે, પરંતુ તેઓ કદી હોશ ખોતા દેખાતા નથી. ખૈયામે માનવીનાં દુ:ખદર્દ માટે તેના ભાગ્યને દોષિત ગણાવ્યું છે. અને ભાગ્યના પ્રતીકરૂપ આકાશને સંબોધીને તેમણે મોટેભાગે કાવ્યરચનાઓ કહી છે. તેમની પાયારૂપ માન્યતાનો નિષ્કર્ષ એક રુબાઈમાંથી નીચે પ્રમાણે મેળવી શકાય છે :

જે દિવસ પસાર થઈ ગયો તેને યાદ નહિ કર;

જે ભવિષ્ય આવ્યું નથી તેની ફરિયાદ નહિ કર;

જે વીતી ચૂક્યું છે અને જે આવ્યું નથી તેની શી ચિંતા ?

વર્તમાનમાં ખુશ રહે અને જીવન બરબાદ નહિ કર.

બારમા સૈકામાં ઈરાન અને તેની આસપાસના પ્રદેશોના રાજવીઓ તરફથી ફારસી ભાષા-સાહિત્યને વધુ પ્રોત્સાહન મળ્યું અને તેમના આશ્રય હેઠળ ફારસીના દમામભર્યા કવિઓ જાહેરમાં આવ્યા; દા.ત., સનાઈ, અનવરી, ખાકાની, નિઝામી ગંજઈ, ઝહીરુદ્દીન ફારયાબી વગેરે. તેમની સાહિત્યિક કૃતિઓએ તે સમયને ફારસીના વિકાસનો મહત્વનો યુગ બનાવી દીધો. ઈરાનના પૂર્વ વિસ્તારોમાં પ્રચલિત ફારસી-એ-દરી હવે પશ્ચિમ તથા દક્ષિણના વિસ્તારોમાં પ્રસાર પામી હતી. પરિણામે તે વધુ ને વધુ અરબી ભાષાના તથા અન્ય સ્થાનિક બોલીઓના પ્રભાવ હેઠળ આવવા લાગી. આ ફારસી ભાષા ઉપર્યુક્ત બધા કવિઓની રચનાઓમાં જોવા મળે છે. ખાસ કરીને અનવરી, ખાકાની અને ઝહીર ફારયાબીએ રાજવીઓ અને અમીર-ઉમરાવોની પ્રશંસામાં કસીદા કાવ્યો લખીને ફારસી શાયરીની સાથે સાથે ફારસી ભાષાને પણ નવો વળાંક આપ્યો. તેમણે રાજશાસનમાં કવિઓના તથા લેખકોના મહત્વના સ્થાનને પણ સિદ્ધ કરી બતાવ્યું. આ 3 કવિઓએ પોતાની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કવિતાને સાધન બનાવ્યું. માત્ર કવિતા લખવા ખાતર કવિતા લખવાના ઉચ્ચ આદર્શને બદલે પોતાનું હિત સાધવા માટે તેનો ઉપયોગ તેમણે કર્યો. આ પ્રક્રિયામાં ફારસી ભાષા ઘણી સુર્દઢ બની, કેમ કે પોતપોતાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં કવિઓ વચ્ચે હરીફાઈઓ ચાલતી હતી અને તેમાં માત્ર કુશળતાને સફળતા મળતી હતી. પરિણામે આ કવિઓએ ભાષા, વર્ણન, કવિત્વ, અલંકારો જેવી બધી બાબતોમાં વૈવિધ્ય દાખલ કર્યું. આનાથી ભાષા તથા કવિતા બંને સમૃદ્ધ બન્યાં. તે સમયે શાસકોમાં પણ સર્વોપરીતા માટે મુકાબલો ચાલતો હતો. તેઓ એકબીજા ઉપર સરસાઈ મેળવવાના આશયથી કવિઓ મારફત પ્રચાર-યુદ્ધ ચલાવતા હતા. કવિ જેની તરફેણ કરતો તે રાજવી લોકચાહના મેળવી જતો હતો. આથી દરબારોમાં સારા કવિઓની માગ વધી ગઈ અને કીર્તિ અપાવનાર બળ તરીકે કવિઓ તથા લેખકોનો સ્વીકાર થવા લાગ્યો હતો.

અગિયારમા અને બારમા સૈકાઓના કવિઓમાં સનાઈ અને નિઝામી ગંજઈ નવી ભાત પાડનાર કવિઓ તરીકે નોંધપાત્ર બન્યા છે. હકીમ સનાઈ(અ. 1150)એ કવિતાને ધરતી ઉપરથી ઉઠાવીને આધ્યાત્મિક વાતાવરણમાં પહોંચાડી દીધી હતી. સનાઈએ કારકિર્દીની શરૂઆત દરબારી કસીદા-લેખક તરીકે કરી હતી; પરંતુ પાછળથી સાધુ-સંતોના સંપર્કમાં આવીને તથા તેમની પાસેથી આધ્યાત્મિક શિક્ષણ મેળવીને રાજદરબારોનો ત્યાગ કર્યો અને એકાંત પસંદ કર્યું. ફારસીમાં આધ્યાત્મિક કવિતાનો તેમણે પાયો નાંખ્યો. સનાઈએ અન્ય પ્રચલિત કાવ્યપ્રકારો ઉપરાંત મસ્નવીઓની પણ રચનાઓ કરી હતી. તેમની 10,000 પંક્તિઓની એક મસ્નવી ‘હદીકત-અલ-હકીકતે’-(આધ્યાત્મિકતાનું ઉદ્યાન) એ સનાઈને અમર બનાવી દીધા છે. કવિએ આ મસ્નવીમાં, સંસારત્યાગ, બાહ્યના સ્થાને અંતર્જ્ઞાનની પ્રાપ્તિ, આત્મપ્રશંસા, અભિમાન વગેરેથી બચવાના પ્રયત્નો તથા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાની પદ્ધતિઓની ચર્ચા કરી છે. તેમણે આધ્યાત્મિક વિચારોની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન તથા બોધ અને શિખામણને પણ સ્થાન આપ્યું છે. સનાઈની આ કૃતિએ, ફારસી ભાષામાં વિશ્વવ્યાપી ધોરણે આધ્યાત્મિક મસ્નવી કાવ્યો લખવાની એક ભવ્ય પરંપરાનું મંડાણ કર્યું હતું. તેના અનુકરણમાં માત્ર ફારસીમાં જ નહિ, બલકે એશિયાની અનેક ભાષાઓમાં (દા.ત., તુર્કી, ઉર્દૂ, સિંધી, બંગાળીમાં) પણ આધ્યાત્મિક મસ્નવી કાવ્યો લખાયાં છે. સનાઈએ પોતાનાં મસ્નવી અને અન્ય પ્રકારનાં કાવ્યોમાં આધ્યાત્મિક અનુભવોના વર્ણન માટે એક વિશિષ્ટ પ્રકારની ભાષા, ખાસ પ્રકારના શબ્દો, રૂપકો અને ઉક્તિઓ વિકસાવ્યાં હતાં, જેને પછી આ પ્રકારની કવિતા માટે નમૂનારૂપ સ્વીકૃતિ મળી છે.

આ યુગના બીજા મહાન ફારસી કવિ નિઝામી ગંજઈ થઈ ગયા છે. નિઝામી (અ. 1202) વિદ્વાન કવિ હતા. તેમણે યુવાવસ્થામાં પોતાના યુગના વાતાવરણને અનુરૂપ જુદાં જુદાં જ્ઞાનવિજ્ઞાનોનું શિક્ષણ મેળવ્યું હતું, જેની ઝલક તેમની કવિતામાં દેખાય છે. તેમણે ફારસીમાં પહેલી વખત, લાંબાં કાવ્યોનો એક ગુચ્છ તૈયાર કર્યો હતો, જે ખમ્સા અથવા પંચના નામે ઓળખાય છે. આવા ખમ્સામાં 5 મસ્નવીઓનો સમાવેશ થાય છે. પાછળના અનેક કવિઓએ નિઝામીના અનુકરણમાં ‘પંચ’ની રચના કરી છે. નિઝામીના ખમ્સામાં (1) ‘મખ્ઝન-અલ-અસ્રાર’, (2) ‘ખુસ્રો વ શીરીન’, (3) ‘લયલા વ મજનૂન’, (4) ‘હફ્ત પીકર અથવા બેહરામનામા’ અને (5) ‘સિકંદરનામા’ નામની 5 મસ્નવીઓનો સમાવેશ થાય છે. આ 5 મસ્નવીઓની એકંદરે 28,000 પંક્તિઓ થાય છે. પહેલી મસ્નવી ‘મખ્ઝન-અલ-અસ્રાર’માં આધ્યાત્મિક વિચારોનું નિરૂપણ થયું છે અને બાકીની 4 મસ્નવીઓ ઐતિહાસિક તથા રોમાંચક કથાઓ ઉપર આધારિત છે. ખુસ્રો વ શીરીન, ઈરાનના પ્રાચીન સમયના સમ્રાટ ખુસ્રો અને તેની પ્રેમિકા શીરીન તથા શીરીનના આશક ફરહાદની દાસ્તાન રજૂ કરે છે, જ્યારે ‘લયલા વ મજનૂન’ અરબી ભાષાના પ્રખ્યાત કથાસંગ્રહ ‘અલિફ લયલા’ (1001 રાત = અરેબિયન નાઇટ્સ)ની એક પ્રેમકથા ઉપર આધારિત છે. કવિ નિઝામીએ આ બંને દાસ્તાનોને સુંદર કવિતામાં મઢીને અમર બનાવી દીધી છે. તેમની લોકપ્રિયતાનો ખયાલ એ હકીકત ઉપરથી મેળવી શકાય છે કે નિઝામી પછી ફારસી તથા અન્ય એશિયન ભાષાઓમાં ગદ્ય તથા પદ્યમાં તેનું અનુકરણ થયું છે. પાછળના પ્રતિભાશાળી કવિઓ આ બે મસ્નવીઓ ‘ખુસ્રો વ શીરીન’ અને ‘લયલા વ મજૂનન’ના નમૂના ઉપર કાવ્યો લખીને પોતાની પક્વતા, પૂર્ણતા તથા નિપુણતા પુરવાર કરવાના પ્રયત્નો કરતા રહ્યા છે. નિઝામી ગંજઈ કથાના નિરૂપણ ઉપરાંત કવિતાકલામાં પણ અનુપમ પુરવાર થયા છે.

બારમા સૈકાના ઉત્તરાર્ધ અને તેરમા સૈકાના પૂર્વાર્ધમાં થઈ ગયેલા બીજા વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ ફરીદુદ્દીન અત્તારે તેમના સમકાલીન સનાઈએ પ્રગટ કરેલી મશાલ પ્રજ્વલિત રાખી હતી. અત્તારે (અ. 1229) પણ યુવાનીના દિવસો જ્ઞાનપ્રાપ્તિમાં પસાર કર્યા હતા. તેમને સૂફી સંતોની સોબત પ્રાપ્ત થઈ હતી. તેઓ વ્યવસાયે હકીમ હતા અને અત્તારખાનું (ઔષધાલય) ચલાવતા હતા. તેઓ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહીને પણ કાવ્યરચનાઓ કરતા હતા અને ધીમે ધીમે એક આધ્યાત્મિક પ્રચારક તરીકે તેમના વ્યક્તિત્વનું પોત પ્રકાશિત થયું હતું. તેમણે અગાઉના સૂફી સંતોના વિચારોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. એને પરિણામે અધ્યાત્મવાદી કવિઓનાં જીવનચરિત્રોનો એક મહાસંગ્રહ તૈયાર કર્યો હતો, જે ‘તઝકિરા-અલ-અવલિયા’ (સંતોનો સ્મરણગ્રંથ) નામે ઓળખાય છે. ફારસીમાં આ પ્રકારનો એ પ્રથમ વિશ્વકોશ છે. તેનો અન્ય ભાષાઓ ઉપરાંત ગુજરાતીમાં પણ અનુવાદ ઉપલબ્ધ છે. કવિ અત્તાર પોતે ઇશ્કે હકીકી અથવા અલૌકિક પ્રેમની આગમાં દીપકની જેમ બળતા હતા અને તેમણે પોતાની આસપાસ પતંગિયાં જેવા ચાહકો પણ એકત્રિત કર્યા હતા. તેમના હૃદયમાં પ્રજ્વલિત પ્રેમના અગ્નિની ચિનગારીઓ તેમનાં મસ્નવી કાવ્યોમાં પ્રગટ થઈ છે. તેમની સૌથી વધુ વિખ્યાત મસ્નવી ‘મન્તિખ-અલ-તૈર’ છે. તેમાં અત્તારે પ્રાચીન ભારતીય બોધકથાઓનો રૂપક તરીકે બહોળો ઉપયોગ કર્યો છે. માણસ જે સત્ય અથવા પરમાત્માને બાહ્ય જગતમાં શોધે છે તે વાસ્તવમાં ખુદ તેની અંદર તેના આત્મામાં વસેલો છે. આ વાત અત્તારે ‘સીમુર્ગ’ની વાર્તા દ્વારા રજૂ કરી છે.

ઈરાનના બીજા પ્રશિષ્ટ આધ્યાત્મિક કવિઓમાં બાબા તાહિર, અબૂ સઈદ અબિલ ખૈર, અબદુલ્લા અન્સારી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે સૂફીવાદી વિચારો તથા માન્યતાઓને સુર્દઢ કરવા તથા તેમને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ કવિઓ-લેખકોએ ઈરાની તસવ્વુફને એક વિશિષ્ટ સ્વરૂપ આપ્યું હતું. ઈરાનીઓના સ્વભાવમાં પ્રાચીન કાળથી આધ્યાત્મિકતાની અસર જોવા મળતી હતી. પાછળથી તેઓ ભારતીય અને ઇસ્લામી દર્શનોથી પ્રભાવિત થયા. ભારતીય વિચારધારામાંથી તેમણે લૌકિક જગતને બદલે અલૌકિકનું મહત્વ જાણ્યું અને તે પ્રાપ્ત કરવા માટે ત્યાગ, એકાંત, ધ્યાન અને સાધનાના માર્ગને ઓળખ્યો. ઇસ્લામી તસવ્વુફની પરંપરામાંથી તેમણે ભક્તિ, બલિદાન, આત્મજ્ઞાન, ઈશ્વરજ્ઞાન, શ્રદ્ધા, પ્રેમ અને સેવા જેવા સિદ્ધાંતો અપનાવ્યા. આવા ઉચ્ચ કોટિના વિચારો સમ્મિલિત થતાં ઈરાની તસવ્વુફના ઉચ્ચ આદર્શનો ઉદભવ થયો, જે ફારસી કવિતામાં ભવ્ય રીતે પ્રગટ થયો છે.

ફારસી ભાષા અને સાહિત્યના ઇતિહાસમાં તેરમો સૈકો મહત્વનો પુરવાર થયો. એ સૈકામાં મોંગોલોના હુમલાઓએ ઈરાની સમાજ, તેની સભ્યતા અને સંસ્કૃતિ ઉપર પણ ઊંડી અસરો પાડી હતી. તેના પરિણામે ફારસી ભાષા અને સાહિત્યનાં વલણો બદલાઈ ગયાં. ખાસ કરીને સાદી અને સરળ ભાષાનું સ્થાન કૃત્રિમ અને ભભકાદાર શૈલીએ લીધું.

મોંગોલ આક્રમણ પછીના સમયમાં શેખ સઅદી અને મૌલાના રૂમીએ ફારસી શાયરીને નવી દિશા આપવા બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ બંને વિદ્વાન કવિઓ, મોંગોલોના આગમન પહેલાં અને તેમના આક્રમણનાં ક્ષેત્રોથી થોડા દૂરના વિસ્તારોમાં જન્મ્યા હતા. તેમણે પ્રત્યક્ષ રીતે ઈરાનની પડતી જોઈ હતી, લગભગ સમસ્ત તેરમા સૈકા દરમિયાન તેમણે બધી ઘટનાઓનું નિરીક્ષણ કર્યું હતું તથા જે વૈચારિક ક્રાંતિ આવી હતી તેનો જાત-અનુભવ પણ કર્યો હતો. આને લીધે જ તેઓ ફારસી ભાષા-સાહિત્યને નવીનતા તથા ઉન્નતિના શિખરે લઈ જઈ શક્યા હતા. શેખ સઅદી (1209–1291) તેમનાં ઊર્મિકાવ્યો–ગઝલો અને બોધદાયક મસ્નવી ‘બૂસ્તાન’ માટે વિખ્યાત થઈ ચૂક્યા છે. તેમની પદ્યકૃતિ ‘બૂસ્તાન’ અને ગદ્યકૃતિ ‘ગુલિસ્તાન’નો વિશ્વની બધી વિકસિત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂકયો છે. તેમનાં પદ્ય અને ગદ્યની ભાષા અલંકૃત હોવા છતાં નૈસર્ગિક અને રસપૂર્ણ છે. તેઓ માનવીની સંવેદનાઓને ઓળખે છે. સાથે સાથે પોતાના યુગની વિકૃતિઓથી પણ વાકેફ હોઈ તેમણે બોધના તેમજ માનવીના હૃદયની કોમળ લાગણીઓના નિરૂપણમાં સફળતા મેળવી છે. તેમણે બગદાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું અને પશ્ચિમ એશિયાના પ્રદેશોમાં બહોળા પ્રવાસો ખેડ્યા હતા. આવી રીતે પ્રાપ્ત કરેલાં જ્ઞાન તથા અનુભવોના નિચોડસ્વરૂપે તેમણે ઉચ્ચકોટિનું ફારસી સાહિત્ય સર્જીને ફારસી ભાષા અને માનવવારસાને સમૃદ્ધ બનાવ્યાં છે. શેખ સઅદીના સમકાલીન મૌલાના જલાલુદ્દીન રૂમી(1207–1273)ની ગણના એક ઉચ્ચ કોટિના વિચારક અને કવિ તરીકે થાય છે. તેમણે પોતાનું જીવન હાલના તુર્કીના અર્ઝે રૂમ વિસ્તારમાં આવેલા કોનિયા નગરમાં પસાર કર્યું હતું. તેથી તેઓ રૂમી નામથી વધુ ઓળખાય છે. ઈરાનમાં તેમને ‘મૌલવી’ના હુલામણા નામે યાદ કરવામાં આવે છે. મૌલાના રૂમીએ ગઝલ-કાવ્યોનો એક સંગ્રહ (દીવાન) આપ્યો છે, જે ‘દીવાને શમ્સ તબ્રીઝ’ નામથી જાણીતો બન્યો છે. શમ્સ તબ્રીઝ એક અલૌકિક સાધુપુરુષ હતા અને તેમની સાથે રૂમીની મૈત્રી હતી. આ નિખાલસ સંબંધની યાદ રૂપે, રૂમીએ પોતાની દરેક ગઝલમાં શમ્સ તબ્રીઝનો નામ સાથે ઉલ્લેખ કર્યો છે અને તેમના વિરહમાં ગાયેલી ગઝલોમાં પ્રેમ-અગ્નિનો દરિયો વહાવી દીધો છે. રૂમી તેમની ગઝલો ઉપરાંત મહાકાવ્ય ‘મસ્નવીએ મઅન્વી’ માટે સાહિત્ય-વર્તુલોમાં જાણીતા બન્યા છે. આ મસ્નવી કાવ્ય તસવ્વુફનું પાઠ્યપુસ્તક ગણાય છે. મુસ્લિમ દેશોમાં તો ‘મસ્નવીએ મઅન્વી’નું એક વિશિષ્ટ દર્શન વિકાસ પામ્યું છે. રૂમીએ આ મહાકાવ્યની 26,000 પંક્તિઓમાં અધ્યાત્મવાદના સિદ્ધાંતોની વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરી છે. તેમની શૈલી સાદી, સરળ, રૂપકોથી ભરપૂર, હૃદયમાં ઊતરી જાય એવી છે. તેમણે ‘પંચતંત્ર’, ‘કથાસરિત્સાગર’ જેવી ભારતીય કથાકૃતિઓનાં રૂપકોનો ઉપયોગ કર્યો છે. ‘મસ્નવીએ મઅન્વી’ના 6 ગ્રંથોમાં ઇસ્લામી તસવ્વુફ તથા સભ્યતાની એટલી વિસ્તૃત છણાવટ થઈ છે કે તે પુસ્તક ‘ફારસીના કુરાન’નું બિરુદ પામ્યું છે.

ઈરાનમાં ચૌદમો સૈકો રાજકીય અંધાધૂંધી તથા અરાજકતાવાળો હતો, પરંતુ વિદ્યાના ક્ષેત્રે અનેક વિદ્વાનો તથા સાહિત્યના ક્ષેત્રે અનેક કવિઓ-લેખકોના પરિશ્રમથી અલંકૃત બન્યો હતો. ત્યારના સૌથી વધુ જ્વલંત કવિ ખ્વાજા હાફિઝ શીરાઝી (1325–1388) છે. તેમણે અનેક પ્રકારની સાંપ્રદાયિક અને બિનસાંપ્રદાયિક વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી અને બાહ્ય જગતમાંથી બોધ મેળવ્યો હતો. પરિણામે ફારસી ભાષામાં ઉત્કૃષ્ટ પ્રકારની કવિતા દ્વારા જનસમુદાયને આનંદનો અનુભવ કરાવી શક્યા હતા. તેમની રચનાઓ, કલારૂપે અને વિષયર્દષ્ટિએ પણ સંપૂર્ણ કવિતાના શ્રેષ્ઠ નમૂના ઠરે છે. તેમની ગઝલો સદા જીવંત અને સ્ફૂર્તિદાયક રહી છે.

ચૌદમા સૈકામાં તૈમૂરી વંશના સામ્રાજ્યનું પાટનગર હિરાત શહેર હતું (જે આજના અફઘાનિસ્તાનમાં આવેલું છે). આ શહેર સૈકાઓ સુધી ફારસી ભાષાસાહિત્યના વિકાસનું કેન્દ્ર રહ્યું હતું. ત્યાં સાહિત્યની સાથે ચિત્રકલા, સંગીતકલા જેવી આનુષંગિક કલાઓ તેમજ જિલ્દસાઝી(બુકબાઇન્ડિંગ)ને અને તે સાથે પુસ્તકાલયપ્રવૃત્તિને પણ વેગ મળ્યો હતો. તૈમૂરી યુગને ઉજ્જ્વળ બનાવનાર, ફારસીની પ્રશિષ્ટ પરંપરાના છેલ્લા કવિ જામીએ હિરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી. મૌલાના અબ્દુર્રહમાન જામી(1414–1462)એ ગઝલોનો એક દીવાન અને 7 મસ્નવીઓનો સંગ્રહ (‘હફ્ત ઓરંગ’ = ‘સપ્ત સિંહાસન’) આપ્યા છે. તેઓ એક વિદ્વાન સૂફી હતા અને તેમનાં જ્ઞાન, વિચારો અને લાગણીઓની ઝલક તેમની કૃતિઓમાં દેખાઈ આવે છે. તેમની એક મસ્નવી ‘સલામાન વ અબ્સાલ’ ફારસીનું ઉદાહરણસ્વરૂપ રૂપક-કાવ્ય છે. તેમાં વાસના અને ઉપાસના જેવા ભિન્ન ભાવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને વાસના ઉપર ઉપાસનાના વિજયની વાત કહેવામાં આવી છે. જામીએ ‘નફહાત-અલ-ઉન્સ’ નામે સૂફી સંતોનો જીવનચરિત્રસંગ્રહ અને ‘બહારિસ્તાન’ નામે નીતિવિષયક કૃતિઓ પણ આપી છે.

જામીના અવસાન અને પંદરમા સૈકાના અંત સાથે ફારસી ભાષામાં કવિતાકલાનો એક જ્વલંત યુગ પૂરો થાય છે. એ યુગ સહિષ્ણુતાનો યુગ હતો. સમાજમાં માનવતાવાદી વિચારોને આવકારવામાં આવતા હતા તથા લેખકોને પોતાના વિચારો પ્રગટ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. રાજ્યો વચ્ચે ખટરાગો જરૂર હતા, પરંતુ લોકસમૂહ સંતુષ્ટ અને શાંત જીવન માણી રહ્યો હતો. આવા વાતાવરણમાં શેખ સઅદી, ખ્વાજા હાફિઝ અને જામી જેવા કવિઓ થયા, જેઓ માનવીમાં આશા અને આનંદ પ્રગટાવી શક્યા હતા. સોળમા સૈકામાં ઈરાનમાં કટ્ટરપંથી સફવી વંશનું સામ્રાજ્ય આવ્યું અને એક શિસ્તબદ્ધ સમાજ તથા રાજવ્યવસ્થાની સ્થાપના થઈ; પરંતુ સહિષ્ણુતાના સ્થાને અસહિષ્ણુતા, અને વૈચારિક સ્વતંત્રતાને સ્થાને સંકુચિત કટ્ટરતા પણ સાથે આવ્યાં. આને લઈને સાહિત્યોત્તેજક વાતાવરણ બદલાઈ ગયું; સાહિત્યનાં મૂલ્યો બદલાઈ ગયાં અને સાહિત્યકારોને પ્રોત્સાહન આપવાની ઉચ્ચ પરંપરા મંદ પડી ગઈ. સફવી વંશના શાસકો ઉદારતાવાદના વિરોધી હતા. તેમણે પોતાની ધાર્મિક માન્યતાઓને જ માત્ર પ્રોત્સાહન આપ્યું. પરિણામે ફારસીમાં વિવિધરંગી સાહિત્યસર્જનના સ્થાને માત્ર એક જ સંપ્રદાય માટે મહત્વ ધરાવતા કરબલામાં નિર્દોષ ઇમામોની શહાદતના પ્રસંગની આસપાસ ફરતા વિષયોનું નિરૂપણ વધી ગયું. ત્યારે શહાદતના પ્રસંગો વર્ણવી દુ:ખ અને કરુણાની લાગણી પેદા કરવા માટેના શ્રેષ્ઠ સાધન એવા મરસિયા કાવ્યપ્રકારની પ્રગતિ થઈ. સોળમાથી અઢારમા સૈકા દરમિયાન ઈરાનમાં મરસિયા-લેખન અને તેના વિધિગત વાચનની પરંપરા પરાકાષ્ઠાએ પહોંચી.

ઈરાનમાં જ્યારે કટ્ટરતાવાદનો દોર ચાલતો હતો ત્યારે હિન્દુસ્તાનમાં મુઘલોએ એક ઉદારમતવાદી સમાજ વિકસાવ્યો હતો. પરિણામે, ફારસી સાહિત્યનો સંબંધ છે ત્યાં સુધી, એમ માનવામાં આવે છે કે ઈરાનના ફારસી કવિઓ તથા લેખકો મોટી સંખ્યામાં હિંદ તરફ આકર્ષાયા અને હિંદને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી.

છેલ્લે ઓગણીસમા સૈકામાં ઈરાનમાં પરંપરાગત અને શિષ્ટ ફારસી કવિતાને જીવતદાન મળ્યું. તે સમયે કાઆની (1807–1853) જેવા ફારસી કવિ થયા, જેમણે પ્રાચીન શૈલીનું અનુકરણ કરીને સાહિત્યના ઇતિહાસમાં મહત્વનું સ્થાન મેળવ્યું. તેમણે કસીદા પ્રકારનાં કાવ્યોમાં નૈસર્ગિક વાતાવરણનું સુંદર અને કલાત્મક વર્ણન કર્યું છે. તેની શૈલી મધુર અને લયબદ્ધ છે.

ઓગણીસમા સૈકામાં ઈરાનમાં રાજકીય અને સામાજિક ક્રાંતિની શરૂઆત થઈ અને વીસમી સદીના આરંભમાં તે પરાકાષ્ઠાએ પહોંચી. રાજાશાહી વિરુદ્ધ લોકોએ મશરૂતિયત અથવા બંધારણવાદની માગણી બુલંદ કરી. સમાજમાં પાશ્ચાત્ય કેળવણીની અસર હેઠળ પરિવર્તન આવ્યું. જુનવાણી વિચારોનું સ્થાન આધુનિક તથા સ્વતંત્ર વિચારસરણીએ લીધું. આની અસર ફારસી ભાષા તથા સાહિત્ય ઉપર પણ પડી. ફારસી ઉપર અંગ્રેજી, ફ્રેન્ચ તથા રશિયન ભાષાઓનો પ્રભાવ વધી ગયો. તે ભાષાઓમાંથી સાહિત્યિક કૃતિઓના અનુવાદો ફારસીમાં થયા અને પ્રાસરહિત કવિતા તથા નવલકથા જેવાં નવાં સાહિત્યિક સ્વરૂપો માટેનો માર્ગ ખુલ્લો થયો. ઈસવી સનના વીસમા સૈકાના પ્રારંભમાં ઈરાનમાંથી થોડા સમય માટે રાજાશાહી નાબૂદ થઈ. સામાન્ય ચૂંટણીઓ થઈ. રાજકીય સત્તા મજલિસ(સંસદ)ના હાથમાં આવી; તેથી સાહિત્યમાં પરિવર્તન લાવનાર બળો મજબૂત બન્યાં. આમ વીસમા સૈકાના સમગ્ર પૂર્વાર્ધમાં આધુનિકતાનો પવન ફૂંકાયો અને ફારસી ભાષા તથા સાહિત્યે પણ આધુનિકતાનો સ્વાદ માણ્યો. ફારસીના આધુનિક કવિઓમાં આરિફ કઝવીની, અદીબ-અલ-મુમાલિક, અદીબ પેશાવરી, પર્વીન એતિસામી અને મુહમ્મદ તકી બહાર મહત્વના છે. તેમણે ફારસી કવિતાને નવો વળાંક આપ્યો. ભાષા તથા શૈલીની સાથે વિષયો પણ બદલાયા, સમાનતા-સ્વતંત્રતા, કેળવણી, સમાજમાં મહિલાઓનું સ્થાન અને અન્ય સામાજિક પ્રશ્નોની કવિતામાં છણાવટ કરવામાં આવી. ઉપર્યુક્ત કવિઓ ઉપરાંત નસીમ રિશ્તી, દેહખુદા, પૂરે દાઊદ અને રશીદ યાસ્મીએ પણ આધુનિક ફારસી કવિતાની પ્રગતિમાં મહત્વનો ફાળો આપ્યો છે.

આધુનિક ફારસી કવિતાનું મહત્વ પ્રાચીન ફારસી કવિતાથી ઓછું નથી. પરંપરાગત કવિતામાં માનવીની કોમળ લાગણીઓ તથા આદર્શ વિચારોને વ્યક્ત કરવામાં આવતા હતા, તો હવે આધુનિક કવિતામાં જીવનની નક્કર હકીકતો રજૂ કરવાનો રિવાજ પડ્યો. વાસ્તવિકતાની રજૂઆતના રિવાજ હેઠળ રાષ્ટ્રપ્રેમ તથા પાડોશી રાજ્યો સાથેના સંઘર્ષો, વિશ્વયુદ્ધો અને અન્ય રાજકીય તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓની ચર્ચાને પણ કાવ્યમાં સ્થાન મળ્યું. નવા વિષયો અને નવા વિચારો વ્યક્ત કરવા માટે કવિઓએ પરંપરાગત કાવ્યસ્વરૂપોનો સફળતાપૂર્વક પ્રયોગ કરી બતાવ્યો. આધુનિક ફારસી ભાષા અને સાહિત્યના પ્રસાર તથા વિકાસમાં સમાચારપત્રો અને સામયિકોએ નવી અને અગત્યની ભૂમિકા ભજવી બતાવી.

બીજા વિશ્વયુદ્ધ પછી જગતમાં જે અનુઆધુનિક (post-modern) સાહિત્યની લહેર આવી ગઈ, તેનાથી ફારસી ભાષા અને સાહિત્ય પણ પ્રભાવિત થયાં. કવિતામાં પ્રાસ તથા છંદના મહત્વને ઘટાડીને મુક્ત અછાંદસના પ્રયોગમાં ‘નીમા યુશીજ’ નામના કવિનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે.

ફારસી ગદ્યસાહિત્ય : ઈરાનમાં ઈસવીસનના નવમા સૈકામાં પદ્યની સાથે ગદ્યરચનાઓનો પણ આરંભ થયો હતો. પ્રારંભિક ગદ્યના નમૂના અત્યારે પ્રાપ્ય નથી; પરંતુ તેમના ઉલ્લેખો તથા અવતરણો જોવા મળે છે. આ નવમા સૈકાની ગદ્ય-રચનાઓની બુનિયાદ ઉપર જ દસમા સૈકામાં ગદ્યરચનાઓની ઇમારત ઊભી થઈ શકી હતી. ફારસી ગદ્યસાહિત્યના વિકાસ અને તેની સમૃદ્ધિનો ખરો યુગ તો અગિયારમા અને બારમા સૈકાઓનો ગણાય છે. આ 200 વર્ષના ગાળામાં ગદ્યશૈલી ર્દઢ તથા પરિપક્વ બની અને શક્ય એટલા વિશાળ ક્ષેત્રને આવરી લેતી રચનાઓ બહાર પડી. સાહિત્યિક વિષયો, ઇતિહાસ, રાજકારણ, સૂફીવાદ, તત્વજ્ઞાન, તબીબી શાસ્ત્ર, ખગોળ, ગણિત, જીવનચરિત્રો, ઇસ્લામી કાયદો, કુરાનની તફસીર, તર્કશાસ્ત્ર, શબ્દકોશ વગેરે સંબંધી ફારસીનાં જાણીતાં પુસ્તકો લખાયાં. આ યુગ ફારસી ગદ્યના નમૂનાઓનો શ્રેષ્ઠ યુગ પુરવાર થયો છે. ફારસી ગદ્યની પ્રશિષ્ટ શૈલીના ઉત્કૃષ્ટ સર્જનનો છેલ્લો યુગ તેરમો સૈકો છે. ત્યારપછી પ્રશિષ્ટ ગદ્યશૈલીની પડતી થઈ. જોકે છેલ્લે અઢારમા સૈકામાં ગદ્યના પુનરુત્થાનના પ્રયત્નો જોવા મળે છે. ઓગણીસમા સૈકામાં ફારસી ભાષા ઉપર પાશ્ર્ચાત્ય અસરો શરૂ થઈ. ખાસ કરીને રશિયન અને ફ્રેંચ ભાષાસાહિત્યથી ઈરાની ભાષાસાહિત્ય પ્રભાવિત થયાં. વિદેશી ભાષાઓમાંથી ફારસીમાં થયેલા અનુવાદોએ ફારસી ભાષા-શૈલીને આધુનિકતાના ઉંબરે લાવી મૂકી. બંધારણવાદની ચળવળ તથા સામાજિક જાગૃતિનાં પરિબળો મોટું પરિવર્તન લાવ્યાં. આધુનિક ફારસી ગદ્યમાં વિષયોની વિવિધતા જોવા મળે છે. વીસમી સદીમાં સમાચારપત્રો તથા અન્ય પ્રસાર-માધ્યમોએ ફારસી ગદ્યને એક નવા સ્તર પર લાવી મૂક્યું છે. તેમાં તેહરાનની શૈલીનું પ્રભુત્વ વર્તાય છે. જોકે સાહિત્યિક કૃતિઓના ગદ્યમાં પ્રાચીન દરી ફારસીની છાંટ હજુયે જોવા મળે છે.

ફારસી ગદ્યનો ઈરાનમાં વિકાસ : ફારસી ગદ્યનાં બે મહત્વનાં લક્ષણો છે : તે મહદંશે સરળ અને નૈસર્ગિક રહ્યું છે. છેલ્લાં 1000 વર્ષ દરમિયાન તેનાં વ્યાકરણ, જોડણી, શબ્દભંડોળમાં જવલ્લે જ કોઈ મોટા ફેરફારો થયા છે. પરિણામે પ્રાચીનતમ કૃતિઓ આજે પણ સરળતાથી વાંચી અને સમજી શકાય છે. બીજું લક્ષણ એ છે કે ફારસી ભાષા દરેક પ્રકારના વિષયોની રજૂઆત માટે યોગ્ય અને સક્ષમ પુરવાર થઈ છે. તેથી વિષયોની વિવિધતાની બાબતમાં તે વિશ્વની તમામ વિકસિત ભાષાઓની હરોળમાં આવી ગઈ છે.

ફારસી ગદ્યની પ્રાચીન કૃતિઓમાં રાષ્ટ્રીય ગાથાઓ તથા શૌર્યકથાઓ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈરાનમાં ફારસી પહેલાં પહેલવી ભાષામાં ‘ખુદાયનામા’ નામનું પુસ્તક લખાયું હતું, જેમાં પ્રાચીન ઈરાની પ્રજાનો ઇતિહાસ વર્ણવાયો હતો. તે ઉપરાંત પહેલવી ભાષામાં શૌર્યકથાઓના નમૂનાઓ વેરવિખેર અવસ્થામાં પ્રાપ્ય હતા. નવમા સૈકામાં નવી ફારસીમાં પ્રાચીન પહેલવી કૃતિઓના અનુવાદો થયા અને બીજા તબક્કામાં શાહનામાના શીર્ષક હેઠળ બાદશાહો અને શૂરવીરોનાં પરાક્રમો ઉપર આધારિત ગદ્ય-પુસ્તકો લખાયાં. આવી દાસ્તાનના પાયા ઉપર પાછળથી ફારસીમાં મહાકાવ્યોની પણ રચના થઈ હતી. આ પ્રકારની પહેલી ફારસી કૃતિ અબુલ-મૂયદ બલ્ખી કૃત ‘શાહનામા’ છે. તે ‘શાહનામાએ બુઝુર્ગ’ અને ‘શાહનામાએ મૂયિદી’ના નામે પણ ઓળખાય છે. દસમા સૈકામાં ‘ખુરાસાન’ના હાકેમ ‘અબૂ મનસૂર’ની આજ્ઞાથી બીજું ‘શાહનામા’ પુસ્તક રચાયું, જેની માત્ર પ્રસ્તાવનાનો ભાગ હવે પ્રાપ્ય છે અને તે અબૂ મનસૂરના ‘શાહનામા’ની પ્રસ્તાવનાના નામે ઓળખાય છે. આ પ્રસ્તાવના ફારસી ગદ્યનો સૌથી પહેલો નમૂનો ગણાય છે. ઈરાનીઓના રાષ્ટ્રપ્રેમની ભાવના ઉપર આધારિત એક મહત્વની દાસ્તાન ‘દારાબનામા’ નામે લોકોમાં મશહૂર હતી. બારમા સૈકામાં ‘અબૂ તાહિર તરસૂસી’એ તેને ગદ્ય-સ્વરૂપ આપીને શાશ્વત બનાવી દીધી છે. ચૌદમા સૈકામાં ઉપર્યુક્ત ‘દારાબનામા’ જેવી જ મહત્વની દાસ્તાન ‘દારાબનામએ બીગમી’ લખાઈ હતી. તેના લેખક મૌલાના મુહમ્મદ બીગમી હતા.

બારમા સૈકામાં ઈરાન એક વિશાળ ઇસ્લામી ખિલાફતનો ભાગ બની ગયું અને તેની સરહદો વિશાળ બની ગઈ. પરિણામે રાષ્ટ્રીય ભાવના નબળી પડી ગઈ, જેથી વીરરસકથાઓની રચનાઓનો ઘણુંખરું અંત આવ્યો. આ પછીના યુગમાં દેશમાં સમૃદ્ધિ આવી અને દેશ બગદાદની ખિલાફતની ભવ્યતાનો ભાગીદાર બન્યો, પરિણામે એક તરફ પ્રેમકથાઓ ઉપર આધારિત દાસ્તાનની ગદ્યકૃતિઓની રચનાનો દોર શરૂ થયો અને બીજી તરફ ઇસ્લામી ઇતિહાસની પરંપરાઓ ઉપર આધારિત નવી શૌર્યકથાઓ અસ્તિત્વમાં આવી. ધાર્મિક પરંપરા ઉપર આધારિત દાસ્તાનોની રચનામાં ઈરાનના લોકોની તથા ખાસ કરીને ખુરાસાન વિસ્તારના લોકોની ઇસ્લામના ચોથા ખલીફા હજરત અલી (રદિ.) અને તેમનાં કુટુંબીજનો પ્રત્યેના પ્રેમની તથા હમદર્દીની લાગણીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ પ્રકારની કથામાં ‘દાસ્તાને અમીર હમ્ઝા’ જાણીતી છે. આ કથાનો મૂળ નાયક ખુરાસાનનો ‘હમ્ઝા બિન અબદુલ્લા ખારિજી’ છે. તે આઠમા–નવમા સૈકામાં શિયાપંથી વલણ ધરાવતા ઈરાની સમૂહનો નેતા હતો. તેનાં પરાક્રમો ઉપર આધારિત કાલ્પનિક દાસ્તાનમાં પાછળથી પયગંબરસાહેબ(સ.અ.વ)ના કાકા અમીર હમ્ઝાની શહાદતના પ્રસંગો મિશ્ર થઈ ગયા. આ પુસ્તક બારમા–તેરમા સૈકાના ફારસી ગદ્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હ. અમીર હમ્ઝા વિશે બીજી સ્વતંત્ર દાસ્તાનો પણ મળે છે. આવી જ રીતે ‘દાસ્તાને અબૂ મુસ્લિમ’ અથવા ‘અબૂ મુસ્લિમનામા’ ફારસી ગદ્યમાં પ્રાચીન ઈરાની શૂરવીરોના સ્થાને મુસ્લિમ શૂરવીરોનાં પરાક્રમો વર્ણવતી દાસ્તાનનું ઉદાહરણ પૂરું પાડે છે. આવી શૌર્યગાથાઓની ભાષા સરળ અને આકર્ષક હોય છે. વાચકો તથા શ્રોતાઓને જકડી રાખવાના બધા ગુણ તે ધરાવે છે. ઈરાનમાં પ્રેમવિષયક દાસ્તાનોની મૌખિક પરંપરા અસ્તિત્વમાં હતી. ‘અલિફ લયલા’ નામે પ્રખ્યાત થયેલ દાસ્તાન-સંગ્રહ મૂળ ઈરાનમાં પહેલવી ભાષામાં સંપાદિત થયો હતો અને પાછળથી તેનું અરબીકરણ થયું હતું. ‘અલિફ લયલા’ પ્રકારની ફારસી ગદ્યકૃતિ, બારમા સૈકાની ‘દાસ્તાને સમકે અય્યાર’ નોંધપાત્ર છે. તેની ભાષા અને વર્ણન બંને ચિત્તાકર્ષક ગણાય છે. એ જ સમયગાળાની બીજી દાસ્તાન ‘રાહત-અલ-અરવાહ’ અથવા ‘બખ્તિયારનામા’ છે. મૂળ પહેલવીમાંથી અરબીમાં અને પછી ફારસીમાં અનૂદિત થયેલી આ દાસ્તાનની ભાષા પણ સરળ છે. આ પ્રકારની દાસ્તાનોમાં ગદ્યને કાવ્યપંક્તિઓ દ્વારા શણગારવામાં આવે છે. ઈરાનમાં પ્રાચીન સમયથી બોધ અને શિખામણ તથા નીતિના સિદ્ધાંતો ઉપર આધારિત ગદ્ય તથા પદ્યસાહિત્યની રચનાની પરંપરા મળે છે. બારમા સૈકામાં જે રાજકીય અને સામાજિક ક્રાંતિ આવી તેના પરિણામે લોકો નીતિ તથા બોધ તરફ વધુ આકર્ષાયા. ફારસી ગદ્યમાં એવી કેટલીય બોધકથાઓ રચાઈ છે, જે તેમનાં વિષય, ભાષા, વર્ણન અને વેધક પ્રભાવને લઈને વિશ્વસાહિત્યમાં સ્થાન મેળવી ચૂકી છે. આવી બોધકથાઓમાં (1) ‘કલીલા વ દિમ્ના’, (2) ‘સિન્દબાદનામા’, (3) ‘મર્ઝબાનનામા’, (4) ‘કાબૂસનામા’, (5) ‘રૂઝતુલ ઉકૂલ’, (6) ‘ગુલિસ્તાને સઅદી’, (7) ‘અખ્લાકે જલાલી’, (8) ‘અખ્લાકે મુહસિની’, (9) ‘અન્વારે સુહયલી’, (10) ‘લતાઇફ-અલ-તવાઇફ’, (11) ‘ઝીનત-અલ-મજાલિસ’, (12) ‘મહબૂબ-અલ-કુલૂબ’ અને (13) ‘મુફર્રહ-અલ-કુલૂબ’નો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતની પ્રખ્યાત બોધકથા ‘પંચતંત્ર’નો ઈરાનમાં પહેલવી ભાષામાં અનુવાદ થયો હતો. મૂળ ભારતીય કથાનાં બે મુખ્ય પ્રાણીપાત્રો કરટક અને દમનકનાં નામો ઉપરથી અનુવાદકોએ ઈરાનમાં પહેલવી કથાનું નામ ‘કલીલા વ દમ્ના’ પાડ્યું હતું. પહેલવીમાંથી અરબીમાં અને તેમાંથી ફારસી ગદ્ય-પદ્યમાં આ કથા અનેક વખત અનૂદિત થઈ છે. ફારસીમાં સૌથી પહેલાં અબુલ મઆલીએ અને પછી કાશિફીએ ‘અન્વારે સુહેલી’ નામે કરેલા અનુવાદોની ભાષા અલંકૃત તથા અરબી પ્રાસવાળી છે; પરંતુ તે વિદ્વત્તાપૂર્ણ હોવાથી લેખકો તથા ભાષા-સાહિત્યના અભ્યાસીઓના વર્તુળમાં સદા લોકપ્રિય રહી છે. આવી બોધદાયક વાર્તાઓમાં શેખ સઅદીની ‘ગુલિસ્તાન’ તેની ભાષા અને વેધક શૈલી માટે સૌથી વધુ ચાહના મેળવી ચૂકી છે અને તેના અનુવાદો વિશ્વની અનેક ભાષાઓમાં થતા રહ્યા છે.

ફારસી ગદ્ય-સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવનાર તો સૂફી સંતો અને કવિઓના જીવન-ચરિત્રસંગ્રહો છે. ઈરાનમાં અગિયારમા સૈકામાં જીવનચરિત્ર-લેખનની શરૂઆત થઈ હતી. જોકે એ પહેલાં પયગંબરોનાં જીવન-ચરિત્રોના સંગ્રહ પણ ફારસીમાં લખાયા હતા. તેમાં ઇસ્હાક નીશાપૂરીનું ‘કિસસે અંબિયા’ (નબીઓ–પયગંબરોની કથાઓ); નસ્ર બુખારાઈનું ‘તાજ-અલ-કિસસ’; અને અબદુલવાહિદનું ‘અજાઇબ-અલ-કિસસ’ ઉલ્લેખપાત્ર છે. ઈરાનમાં શિયાપંથી લોકો જેમને ઇમામ તરીકે માન્યતા આપે છે તેમને લગતાં ગદ્યપુસ્તકો પણ લખાયાં છે; તેમાં અલી બિન હસન ઝવારી કૃત ‘મજમઉલ હુદા’ અને કાશિફી સબ્ઝવારીનું ‘રૂઝતુત-શોહદા’ જાણીતાં છે.

સૂફી સંતોની જીવનકથાઓમાં અતિશયોક્તિભર્યાં વર્ણનો હોવા છતાં તેમની ભાષાશૈલી સાદી-સરળ અને વિશિષ્ટ પ્રકારની કોમળતા તથા માધુર્ય ધરાવતી હોય છે. તેને લીધે તે કથાઓ લોકપ્રિય બની છે.

કવિ અત્તાર નીશાપૂરી કૃત ‘તઝકિરતુલ અવલિયા’ તો સૂફીઓનાં જીવનચરિત્રોનો એક મહાસંગ્રહ છે. આ દળદાર પુસ્તકનો અનુવાદ ગુજરાતી સહિત વિશ્વની અનેક ભાષાઓમાં થયો છે. ફારસીના છેલ્લા પ્રશિષ્ટ કવિ અબદુર્રહમાન જામીનો સૂફી-સંત-ચરિત્રસંગ્રહ ‘નફહાતુલ ઉન્સ’; કાઝી નૂરુલ્લાહ શૂસ્તરીનું શિયાપંથી બુઝર્ગો વિશેનું ‘મજાલિસ-અલ-મૂમિનીન’ અને પાછળથી તેમાં ઉમેરાયેલું મુહમ્મદ શફી આમુલીનું ‘મહાફિલ-અલ-મૂમિનીન’ આ પ્રકારની અન્ય ગદ્યકૃતિઓ છે.

ફારસી ગદ્યસાહિત્યની ઉત્કૃષ્ટ પરંપરામાં વજીરો અને વિદ્વાનોનાં જીવનચરિત્રો તથા તેમનાં કાર્યો વિશેની કૃતિઓ ઇતિહાસ-લેખનના મહત્વના સાધનરૂપ હોવા ઉપરાંત ફારસી ગદ્યના ઉત્તમ નમૂના તરીકે પણ પ્રખ્યાત છે. વજીરો તથા અમીર-ઉમરાવો વિશે (1) ‘તજારબ-અલ-સલ્ફ’ (લેખક : હિન્દૂશાહ બિન સંજર), (2) ‘નસાઇમ-અલ-અસ્હાર’ (લેખક : નાસિરુદ્દીન મુનશી), (3) ‘આસાર-અલ-વુઝરા’ (લેખક : સયફુદ્દીન અકીલી અને (4) ‘દસ્તૂર-અલ-વુઝરા’ (લેખક : ખ્વાન્દમીર) જાણીતી કૃતિઓ છે. વિદ્વાનો વિશે (1) ‘સવાને-અલ-હિકમત’ (લેખક : અલી બિન ઝૈદ બયહકી), (2) ‘નુઝહત-અલ-અરવાહ’ (મૂળ અરબીમાંથી અનુવાદક : મૌલાના મકસૂદ અલી તબ્રીઝી) અને (3) ‘નામએ દાનિશવરાન’ જાણીતી કૃતિઓ છે.

ફારસી સાહિત્યમાં અણમોલ કહી શકાય એવું ગદ્ય-સ્વરૂપ તો તઝકિરા(સ્મરણ-ગ્રંથ)નું છે. તેમાં કવિઓનાં જીવનચરિત્રોની સાથે તેમની નમૂનારૂપ ચૂંટેલી કાવ્યરચનાઓની નકલ કરવામાં આવે છે. સાહિત્યના વિકાસનો ઇતિહાસ સમજવા માટે આ કૃતિઓ ઘણી અગત્યની પુરવાર થઈ છે. વળી તઝકિરાઓમાં કવિઓની કૃતિઓ તથા તેમની નિપુણતા કે આવડત બાબત ટૂંકાં વિવેચનાત્મક નિવેદનો પણ હોય છે, જે પાછળથી આલોચનાત્મક સાહિત્યના ઉદભવમાં મહત્વના ફાળારૂપ ગણાયાં છે. મુખ્યત્વે પ્રાચીન તથા મધ્યકાલીન બધા જ મહત્વના કવિઓ વિશેની વિગતો તથા અજાણ્યા કવિઓની કવિતાના નમૂના પણ તઝકિરાઓમાં સુરક્ષિત રહેવા પામ્યા છે. આ તઝકિરાઓની ભાષા-શૈલી સાદી, સરળ અને વર્ણનાત્મક હોવા ઉપરાંત સાહિત્યિક છટા ધરાવે છે. તેથી જ તેમના લેખકોની ગણના ફારસી ભાષાના ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં થાય છે.

ફારસી ગદ્ય-સાહિત્યમાં કેટલીક ઇતિહાસ-વિષયક કૃતિઓ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ઇતિહાસનાં તે પુસ્તકોનું ગદ્ય અને તેમની શૈલી કાળક્રમે બદલાતાં રહ્યાં છે. તેમના અભ્યાસથી યુગે યુગે ફારસી ગદ્યના વિકાસની તથા તેની શૈલીમાં થયેલાં પરિવર્તનોની સ્પષ્ટ છબી ઊપસી આવે છે.

ફારસી ગદ્યની એક મહત્વની પરંપરા સૂફી સાહિત્યની છે. સૂફી સંતોએ તસવ્વુફનો ઇતિહાસ, સૂફીવાદના સિદ્ધાંતો, સૂફીઓની સિદ્ધિઓ વગેરે વિષયો ઉપર ફારસીમાં જે કૃતિઓની રચના કરી છે તે ફારસી ગદ્ય-સાહિત્યના વારસાનો મહત્વનો ભાગ છે. આ પ્રકારના સાહિત્યમાં વિશેષ સ્વરૂપની સંવેદના, અનુભૂતિ તથા રોમાંચ વર્તાય છે. સૂફી સંતો સામાન્ય લોકોના સંપર્કમાં રહેતા હતા અને તેમની સભાઓમાં અધ્યાત્મવાદના વાર્તાલાપો આપતા હતા, તેથી તેમની ભાષા સરળ બોલચાલની અને સહેલાઈથી સમજી શકાય એવી પ્રચલિત ઢબની હોય છે.

ઈરાનમાં ફારસી ભાષામાં જુદી જુદી વિદ્યાઓ ઉપર લખાયેલાં ગદ્યપુસ્તકોની સંખ્યા ઘણી છે; એટલું જ નહિ, કેટલીક કૃતિઓ તો વિશ્વના વિદ્યાલક્ષી સાહિત્યમાં પણ સ્થાન મેળવી ચૂકી છે. ઇસ્લામના ઉદય પહેલાં ગ્રીસ, મધ્યપૂર્વ, ઈરાન તથા હિન્દમાં તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત, ખગોળ, સંગીત, વૈદકશાસ્ત્ર જેવી જે વિદ્યાઓ વિકાસ પામેલી અને જે ઇસ્લામના ઉદય પછી મુસ્લિમોમાં પણ પ્રચલિત બની હતી, તે વિદ્યાઓને મુસ્લિમ વિદ્વાનોએ બૌદ્ધિક વિદ્યાઓ અથવા પ્રારંભિક કે પ્રાચીન વિદ્યાઓનું નામ આપ્યું છે. આ વિદ્યાઓના વિકાસમાં ઈરાનીઓએ ઇસ્લામના ઉદય પહેલાં અને પછી પણ અગત્યનો ભાગ ભજવ્યો છે અને તેમના દ્વારા અરબી પછી ફારસીમાં પણ આ વિદ્યાઓનું ખેડાણ વ્યાપક પ્રમાણમાં થયું છે. આવી વિદ્યાકીય કૃતિઓની રચનાના પ્રતાપે ફારસી ભાષા સમૃદ્ધ અને સક્ષમ બની છે. આવાં પુસ્તકોમાં વિજ્ઞાનના પારિભાષિક શબ્દોનું ફારસીકરણ થવા પામ્યું છે; તેથી તેમની ગદ્યશૈલી અત્યંત સરળ અને સાથે સચોટ પણ બની છે.

આધુનિક યુગમાં પશ્ચિમનાં સાહિત્યિક પરિબળોના પ્રભાવ હેઠળ ફારસી ગદ્ય વધુ વાસ્તવલક્ષી બન્યું છે. ઓગણીસમા સૈકામાં ઈરાનના લોકો વધુ ને વધુ પ્રમાણમાં પશ્ચિમના દેશોના તથા ત્યાંનાં ભાષા-સાહિત્યના અને વિદ્યાઓના સંપર્કમાં આવ્યા. દેશમાં આધુનિક અને પાશ્ર્ચાત્ય ઢબની શિક્ષણ-સંસ્થાઓની સ્થાપના થઈ. આના પરિણામે ફારસી ભાષાનું અને ખાસ કરીને ગદ્ય-સાહિત્યનું ફલક વિસ્તાર પામ્યું. નવા વિચારો તથા વિષયોને અનુરૂપ ગદ્ય-શૈલીઓ ઉદભવી અને વિકાસ પામી. શરૂઆતમાં અંગ્રેજી તથા ફ્રેંચ ભાષાઓની સાહિત્યિક કૃતિઓના ફારસી અનુવાદો થયા; દા.ત., મૉલિયરના પ્રવાસ-પુસ્તકનો અનુવાદ ‘સરગુઝશ્તે હાજી બાબા ઇસ્ફહાની’ના નામે પ્રગટ થયો. પછી તો નવી મૌલિક કૃતિઓનું સર્જન વધી ગયું. તેમાં મીર્ઝા આકાખાન કિરમાનીની બે કૃતિઓ ‘સદ ખિતાબા’ અને ‘સિહ મકતૂબ’ અને હાજી ઝૈનુલ આબિદીનનું ‘સિયાહતનામએ ઇબ્રાહીમ બેગ’ નોંધપાત્ર છે. વીસમા સૈકામાં સમાચારપત્રો અને સામયિકોના પ્રસારને લઈને આધુનિક ગદ્યનો ઉપયોગ વધી ગયો.

ફારસી ભાષાની ગદ્ય-શૈલીઓ : પ્રાચીનકાળથી આધુનિક યુગ સુધીના સમયમાં ફારસી ગદ્યની 3 મુખ્ય શૈલીઓ પ્રચલિત રહી છે : (1) સાદી ગદ્યશૈલી, (2) અલંકૃત ગદ્ય-શૈલી અને (3) પ્રાસમય ગદ્ય-શૈલી. પ્રાચીન સમયની મોટાભાગની ગદ્ય-કૃતિઓની શૈલી સાદી, સરળ અને સ્વાભાવિક હોય છે. દસમા અને અગિયારમા સૈકાઓની ગદ્ય-કૃતિઓમાં અરબી ભાષાનો પ્રભાવ જોવા મળતો નથી. ઈરાનના પૂર્વના પ્રદેશો સાહિત્યિક સર્જનનાં ક્ષેત્રો હતાં, તેથી ત્યાંની ભાષા-શૈલીમાં ફારસી પૂર્વેની ઈરાની ભાષા, તેમાંય ખાસ કરીને પહેલવી ભાષાના શબ્દો તથા શબ્દરચનાઓ વધુ જોવા મળે છે. પાછળના સૈકાઓમાં ધીમે ધીમે આવા શબ્દો ભાષામાંથી નીકળી ગયા અને તેમનું સ્થાન અરબીએ લીધું હતું. અગિયારથી તેરમા સૈકાના સમયગાળામાં ફારસી ગદ્ય સંપૂર્ણતા પામ્યું હતું. વર્ણનની પ્રાચીન સાદાઈ જાળવી રાખીને, અરબી ભાષાના પ્રભાવ હેઠળ, ગદ્યને વધુ અલંકૃત બનાવવાના પ્રયત્નો થયા હતા. અલંકૃત ગદ્ય-શૈલીમાં, કુરાનની આયતો તથા તેમને બંધ બેસતી અરબી કાવ્યપંક્તિઓ તથા કહેવતો સુંદરતા અને નિપુણતાપૂર્વક પ્રયોજાતી હતી. અલંકૃત ગદ્યશૈલીનો શ્રેષ્ઠ નમૂનો શેખ સઅદીનું ‘ગુલિસ્તાન’ છે. તેરમા સૈકા પછી આ શૈલીમાં વિકૃતિઓ જોવા મળે છે. ગદ્યને વધુ ને વધુ ભવ્ય તથા ભભકદાર બનાવવાના પ્રયત્નોમાં કઠિન શબ્દપ્રયોગો, વિવિધ વિદ્યાઓના પારિભાષિક શબ્દો અને લાંબાં વાક્યો ધરાવતી શૈલી પ્રચલિત બન્યાં. ખાસ કરીને ઇતિહાસ-લેખનમાં આ લક્ષણ વધુ જોવા મળે છે. પ્રાસમય ગદ્યશૈલી શરૂઆતથી જ કૃત્રિમ શૈલી હતી. આ પ્રકારના ગદ્યમાં એકબીજા સાથે પ્રાસબદ્ધ અને સમાન સૂર ધરાવતાં ટૂંકાં વાક્યોનો ઉપયોગ થાય છે. બોધ અને શિખામણ આપવા માટે તથા લોકો સમક્ષ સંબોધન કરવા માટે આવી શૈલીનો પ્રયોગ થતો રહેતો હતો.

હિન્દુસ્તાનમાં ફારસી ભાષા અને સાહિત્ય : હિન્દ અને ઈરાન વચ્ચે ઘણા પ્રાચીન કાળથી સામાજિક તથા સાંસ્કૃતિક સંબંધો અસ્તિત્વ ધરાવે છે. એક સમયે હિન્દની પ્રાચીન સંસ્કૃતિનો પ્રભાવ ઈરાનના પૂર્વોત્તર પ્રદેશોમાં વ્યાપક હતો. મધ્યયુગમાં નવમા તથા દસમા સૈકામાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન સવિશેષ થયું હોવાનું નોંધાયું છે. ઈરાનની અવસ્તા અથવા પહેલવી ભાષા હિન્દની સંસ્કૃત ભાષાને ઘણી રીતે મળતી આવતી હતી, તેથી હિન્દની વિદ્યાકીય તથા સાહિત્યિક કૃતિઓના અનુવાદો ઈરાનની પ્રાચીન ભાષામાં સરળતાથી થતા હતા. અગિયારમા સૈકામાં ઈરાનના હિન્દ સાથે રાજકીય સંબંધો પણ સ્થાપિત થયા. હિન્દના વાયવ્ય વિસ્તારો ઈરાની સામ્રાજ્યના પ્રભાવ હેઠળ આવતાં તે પ્રદેશોમાં ફારસી ભાષાનો પણ પ્રવેશ થયો હતો. ખાસ કરીને પંજાબ પ્રદેશ કેટલાક સમય માટે ઈરાની સામ્રાજ્યનો એક ભાગ બની ગયો હતો અને લાહોર શહેર ફારસી ભાષા અને સાહિત્યના વિકાસનું ઉપકેન્દ્ર બન્યું હતું. એ યુગ ઈરાનમાં ફારસી ભાષાના ઉત્કર્ષનો હતો. તે યુગમાં  ફારસી ભાષાના કવિઓ તથા લેખકો મોટી સંખ્યામાં  હિન્દમાં આવ્યા હતા. હિન્દમાં દિલ્હીના સલ્તનત-અમલ દરમિયાન અને પાછળથી સોળમા સૈકામાં આવેલા તૈમૂરી મુઘલોએ ફારસી ભાષા-સાહિત્યને ઉત્તેજન આપ્યું. મુઘલોએ સમસ્ત હિન્દમાં તેમનું રાજ્ય ફેલાવ્યું હતું; તેથી પશ્ચિમમાં કાબુલથી લઈને પૂર્વમાં બંગાળ સુધી અને ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં હૈદરાબાદ સુધી ફારસી ભાષા વ્યવહારની ભાષા બની ગઈ હતી તથા તેને સરકારી ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. આવા વાતાવરણમાં ફારસી ભાષાનો, પ્રારંભમાં ઈરાની પ્રભાવ હેઠળ અને પાછળથી સ્વતંત્ર રીતે સ્થાનિક ધોરણે વિકાસ થયો અને ઉચ્ચકોટિનું ફારસી ગદ્ય તેમજ પદ્ય-સાહિત્ય રચાયું, જેને ઈરાનના ફારસી સાહિત્યની હરોળમાં ખુશીથી મૂકી શકાય.

હિન્દમાં ફારસી ભાષાના અનેક મહત્વના કવિઓ તથા લેખકો થઈ ગયા. શરૂઆતના એટલે કે અગિયારમાથી લઈને ચૌદમા સૈકા દરમિયાન (1) મસ્ઊદ સઅદ સલમાન, (2) અબુલ ફર્જ રૂની, (3) ફખ્ર મુદબ્બિર, (4) તાજુદ્દીન રીઝા, (5) શમ્સ દબીર, (6) અમીદ સુન્નામી, (7) હસન સિજઝી અને (8) અમીર ખુસ્રો જેવા ખ્યાતનામ કવિઓ થયા; જેમણે કવિતાનાં સ્વરૂપ, શૈલી તથા વિષયોમાં ઈરાની કવિઓનું અનુકરણ કર્યું હતું. ખાસ કરીને અમીર ખુસ્રો(તેરમો સૈકો)એ તેમનાં મસ્નવી કાવ્યો, કસીદાઓ અને ગઝલોના સંગ્રહો દ્વારા હિન્દના ફારસી કવિઓમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું; એટલું જ નહિ, ઈરાનમાં પણ તેમના પ્રભુત્વને સ્વીકારવામાં આવ્યું હતું તથા તેમને ‘હિન્દના સઅદી’ અને ‘તૂતિયે હિન્દ’ના ઇલકાબ પણ મળ્યા હતા.

સોળમા સૈકામાં મુઘલ સત્તાના આરંભ સાથે હિન્દમાં ફારસી ભાષાસાહિત્યના વિકાસને નવો વેગ મળ્યો. તૈમૂરી વંશના મુઘલ સમ્રાટોના રાજ્ય-અમલ દરમિયાન ફારસી ભાષાને હિન્દની મહત્વની ભાષાનું સ્થાન મળ્યું હતું. હવે તે લોકોની ભાષા બની ગઈ અને હિન્દની શહેરી સંસ્કૃતિમાં તેનો મોભો વધી ગયો. દરેક પ્રકારનું શિક્ષણકાર્ય અને જાહેર તથા ખાનગી વહીવટ પણ ફારસીમાં થવા લાગ્યાં હતાં. ઇસ્લામની સાથે સાથે ખ્રિસ્તી, જૈન તથા હિન્દુ ધર્મોનાં શિક્ષણ તથા ધાર્મિક રચનાઓ માટે પણ ફારસી ભાષાનો ઉપયોગ થતો હતો. પરિણામે હિન્દમાં ગદ્ય તથા પદ્ય-સ્વરૂપોમાં ઇતિહાસ, તસવ્વુફ, ધર્મ, શબ્દકોશ અને સ્મરણગ્રંથોના ક્ષેત્રમાં ફારસી ભાષાના શ્રેષ્ઠ નમૂનાઓ મળે છે. એ રીતે ‘ફારસીએ હિન્દ’(હિન્દુસ્તાની ફારસી)નો એક વિશિષ્ટ વારસો ઊભો થયો. મુઘલ કાળમાં હિન્દમાં થઈ ગયેલા ફારસી કવિઓમાં નોંધપાત્ર કહી શકાય તેવા કવિઓ છે – (1) ફૈઝી, (2) ઉર્ફી, (3) નઝીરી, (4) ગઝાલી, (5) તાલિબ આમુલી, (6) કુદસી, (7) સાઇબ, (8) અબૂ તાલિબ કલીમ, (9) ચંદ્રભાન બ્રહમન, (10) ગની કાશ્મીરી, (11) મીર્ઝા બેદિલ અને (12) મીર્ઝા ગાલિબ.

વીસમી સદીના કવિ અલ્લામા ઇકબાલ તેમની ઉર્દૂ કવિતા માટે અને ખાસ કરીને તેમના ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા’ – એ રચના માટે જેટલા પ્રખ્યાત થયા છે એટલા જ તેમના ફારસી કલામ માટે પણ ફારસી જગતમાં પ્રખ્યાત છે. તેમની ગણના આધુનિક ફારસી સાહિત્ય-જગતના અગ્રણી તથા પ્રભાવશાળી કવિઓમાં થાય છે.

ફારસી ગદ્ય-સાહિત્યમાં હિન્દનું પ્રદાન, પદ્યના મુકાબલે અનેકગણું વધારે છે. ઇતિહાસલેખન તથા સૂફી-વચનોના સંગ્રહ બાબતમાં તો તે ફારસી જગતમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે.

હિન્દમાં ફારસી ભાષામાં ઇતિહાસનાં જે પુસ્તકો લખાયાં તેમાંથી કેટલાંક તો વિષયની સાથે સાથે ભાષાકીય તેમજ સાહિત્યિક ગુણોની ષ્ટિએ પણ નોંધપાત્ર છે. ઐતિહાસિક અને આધ્યાત્મિક વિષયો ઉપરની કૃતિઓમાં એક વિશિષ્ટ શૈલીએ પણ જન્મ લીધો  હતો, જે ‘સબ્કે હિન્દી’(હિન્દુસ્તાની શૈલી)ના નામે ઓળખાય છે. ફારસી કવિતાની આ હિન્દુસ્તાની શૈલીની અસર ઈરાન સુધી પહોંચી હતી.

સૂફીવાદ વિશે સાહિત્યિક મહત્વ ધરાવતી આ બે કૃતિઓ નોંધપાત્ર છે : (1) ‘કશફુલ મહજૂબ’ (લેખક : શેખ અબુલ હસન હુજવેરી, અગિયારમો સૈકો) : સૂફીવાદ વિષય ઉપરનું ફારસીનું આ સૌપ્રથમ પુસ્તક છે. તેના લેખક ઈરાનથી હિન્દ આવી લાહોરમાં વસ્યા હતા. (2) ‘સિલ્ક-અલ-સુલૂક’ (લેખક : મૌલાના ઝિયાઉદ્દીન નખ્શબી, ચૌદમો સૈકો) : તે ઉત્તર પ્રદેશના બદાયૂન શહેરમાં એકાંત જીવન ગુજારતા હતા. તેમની આ ગદ્ય-કૃતિ સૂફી વાર્તાઓનો સંગ્રહ છે. તેની શૈલી સાદી, સરળ હોવા સાથે રસપ્રદ છે.

હિન્દુસ્તાનમાં સૂફીસંતોનાં સુવચનોના સંગ્રહ (મલ્ફૂઝ) સંપાદિત કરવાની પ્રવૃત્તિ ઘણી વિકાસ પામી છે. આ પ્રકારની કૃતિઓમાં ધર્મ, નીતિ તથા બોધની વાતો બોલચાલની સાદી ભાષામાં વ્યક્ત કરવામાં આવી હોય છે, તેથી તે લોકપ્રિય રહી છે. હિન્દની કેટલીક મલ્ફૂઝ-કૃતિઓ આ પ્રમાણે છે : (1) ‘દલીલ-અલ-આરિફીન’ [હ. ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી(રહ.)નાં મલ્ફૂઝ], (2) ‘ફવાઇદ-અલ-સાલિકીન’ [હ. બખ્તિયાર કાકી(રહ.)નાં મલ્ફૂઝ], (3) ‘રાહત-અલ-કુલૂબ’ [હ. ફરીદુદ્દીન ગંજશકરનાં મલ્ફૂઝ], (4) ‘મક્તૂબાતે રબ્બાની’ [હ. મુજદદિદ અલ્ફ સાની(રહ.)ના પત્રોનો સંગ્રહ].

હિન્દુસ્તાનમાં અરબી તથા સંસ્કૃતમાંથી ધાર્મિક, ઐતિહાસિક તથા બોધદાયક કૃતિઓના ફારસી ભાષામાં અનુવાદો મોટા પાયા ઉપર થયા હતા. આ અનૂદિત પુસ્તકો પણ ફારસી સાહિત્યમાં અગત્યનું સ્થાન ધરાવે છે; દા.ત., (1) ‘ચચનામા’ (અનુવાદક : મુહમ્મદ બિન અલી; તેરમો સૈકો), (2) ‘તુઝુકે બાબરી’ (અનુવાદક : અબ્દુર્રહીમ ખાનેખાનાન). સંસ્કૃતમાંથી અનૂદિત : (1) ‘સિંહાસનબત્તીસી’, (2) ‘અથર્વવેદ’, (3) ‘રામાયણ’, (4) ‘મહાભારત’ અને (5) ‘લીલાવતી’. દારા શિકોહે ફારસીમાં કરેલા અનુવાદ : (1) ‘ભગવદગીતા’ અને (2) ઉપનિષદનો અનુવાદ ‘સિરે અકબર’.

હિન્દમાં ફારસી ભાષામાં લખાયેલા કવિઓના તઝકિરાઓ, ઈરાન ઉપરાંત અન્ય કોઈ પણ દેશમાં લખાયેલા આ પ્રકારના ગ્રંથો કરતાં સંખ્યામાં વધી જાય છે. એક અંદાજ મુજબ હિન્દમાં રચવામાં આવેલા ફારસી તઝકિરાઓની કુલ સંખ્યા 60 જેટલી થવા જાય છે. આમાંથી કેટલાક સાહિત્યિક ર્દષ્ટિએ પણ નોંધપાત્ર છે : (1) ‘નફાઇસ-અલ-મઆસર’ (લેખક : કાઝી કઝવીની), (2) ‘અરફાત-અલ-આશિકીન’ (લેખક : તકી અવહદી), (3) ‘મયખાના’ (લેખક : અબ્દુન નબી), (4) ‘હમેશા બહાર’ (લેખક : કિશનચંદ ઇખ્લાસ), (5) ‘સફીનએ ખુશગૂ’ (લેખક : બિન્દ્રાબનદાસ ખુશગૂ), (6) ‘સરવે આઝાદ’ (લેખક : આઝાદ બિલગિરામી’, (7) ‘સફીન-એ-ઇશરત’ (લેખક : દુર્ગાદાસ), (8) ‘ગુલે રઅના’ (લેખક : લચ્છમીનારાયન શફીક), (9) ‘અનીસ-અલ-અહબાબ’ (લેખક : મોહનલાલ અનીસ), (10) ‘ખુલાસા-અલ-અશઆર’ (લેખક : તકીઉદ્દીન કાશાની), (11) ‘હફ્ત ઇકલીમ’ (લેખક : અમીન એહમદ રાઝી), (12) ‘સુહુફે ઇબ્રાહીમ’ (લેખક : ઇબ્રાહીમખાન), (13) ‘આતશ-કદા’ (લેખક : લુત્ફઅલી બેગ આઝર), (14) ‘મજમઉન નફાઇસ’ (લેખક : સિરાજુદ્દીન અલીખાન આરઝૂ), (15) ‘મખ્ઝનુલ ઘરાઇબ’ (લેખક : શેખ એહમદ અલીખાન સન્દેલ્વી), (16) ‘મકાલાત-અલ-શોઅરા’ (લેખક : મીર અલી શેર કાનેઅ), (17) ‘બહારિસ્તાને સુખન’ (લેખક : મીર અબ્દુર્રઝાક), (18) ‘ઝુબદતુલ મઆસિરીન’ (લેખક : સૈયદ મીર હુસેન), (19) ‘નતાઈજુલ અફકાર’ (લેખક : કુદરતુલ્લા ગોપામવી).

ઉપરની યાદીનો પૂર્વાર્ધ જોતાં હિન્દુસ્તાનના કાયસ્થોએ ફારસી સાહિત્યના ઇતિહાસમાં કેટલો કીમતી ફાળો આપ્યો છે તે જોઈ શકાશે.

હિન્દુસ્તાનના ફારસી ગદ્ય-સાહિત્યમાં વિવિધ પ્રકારની દાસ્તાનો અથવા કથાઓ મોટા પ્રમાણમાં મળી આવે છે. આ પ્રકારની કૃતિઓમાં મોટાભાગે હિન્દુસ્તાનની પ્રાચીન કથાઓ અથવા લોકકથાઓ જોવા મળે છે; દા.ત., (1) ‘નલ-દમન’ (નળ-દમયન્તી), (2) ‘સિંહાસનબત્તીસી’, (3) ‘કિસ્સએ બિક્રમાજીત’, (4) ‘તૂતીનામા’, (5) ‘કિસ્સ-એ-કામરૂપ વ કામલતા’, (6) ‘મેના વ લૂરક’, (7) ‘પદમાવત’, (8) ‘હીરરાંઝા’, (9) ‘સસ્સીપુન્નૂ’, (10) ‘કિસ્સ-એ-મીર્ઝા સાહેબા’, (11) ‘રાની ચન્દ્રાકિરન વ રાજા ચિત્રામુક્ત’, (12) ‘ચંદા રાની’, (13) ‘કિસ્સ-એ-ચ્હાર દરવેશ’ તથા (14) ‘નવરૂઝ શાહ’ (લેખક : અઝીઝુલ્લા).

હિન્દુસ્તાનમાં ફારસી ભાષાએ આધુનિક ભારતીય ભાષાઓને અનેક રીતે પ્રભાવિત કરી છે અને શબ્દભંડોળ તથા વિષયોના સંબંધમાં સમૃદ્ધ બનાવી છે. ઉર્દૂ, પંજાબી, કાશ્મીરી, સિંધી, હિન્દી, ગુજરાતી, મરાઠી તથા બંગાળી ભાષાઓ ઉપર ફારસીની અસર સ્વયંસ્પષ્ટ છે. પંજાબી, કાશ્મીરી, સિંધી ભાષાઓએ તો ફારસી લિપિ પણ અપનાવી લીધી છે. ફારસી ભાષાનાં મહત્વનાં કાવ્યસ્વરૂપોમાંથી એક ગઝલ-સ્વરૂપને ઉપર્યુક્ત બધી જ ભારતીય ભાષાઓમાં સ્થાન મળ્યું છે. હિન્દુસ્તાનમાં ફારસી ભાષાની ઉન્નતિના યુગમાં મહત્વનાં સાહિત્યિક કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં હતાં, જે આજે પણ વિદ્યાકીય સંશોધનના ક્ષેત્રે મહત્વનો ફાળો આપી રહ્યાં છે. આવાં કેન્દ્રોનાં પુસ્તકાલયોમાં સુરક્ષિત ફારસીની અણમોલ હસ્તલિખિત પ્રતો વિશ્વભરના વિદ્વાનોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આવાં કેન્દ્રોમાં દિલ્હી, રામપુર, પટના, અમદાવાદ અને હૈદરાબાદ મહત્વનું સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં ફારસી ભાષા અને સાહિત્ય : ગુજરાતમાં ફારસી ભાષા બોલતા લોકોનું આગમન ઉત્તર ભારતમાંથી અને વિશેષ પ્રમાણમાં ઈરાની અખાત દ્વારા સમુદ્રમાર્ગે થતું રહ્યું છે. ફારસી ભાષાના પ્રચાર તથા તેના સાહિત્યના વિકાસમાં ગુજરાતની વિશિષ્ટ ભૂમિકા રહેવા પામી છે. ગુજરાતમાં પંદરથી ઓગણીસમા સૈકા સુધીના 400 વર્ષના ગાળામાં ઉત્તર ભારત તથા ઈરાનથી કવિઓ અને લેખકો મુસાફરો તરીકે આવ્યા અને તેમાંથી કેટલાયે અહીં સ્થાયી થયા. ખાસ કરીને અમદાવાદ શહેર ફારસી ભાષા અને સાહિત્યનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું. બહારથી આવનાર કવિઓમાં, અમદાવાદની સ્થાપના વિશે ઐતિહાસિક કાવ્ય લખનાર હુલ્વી શીરાઝી પહેલા મહત્વના કવિ છે. બીજા મહત્વના ફારસી કવિ નઝીરી નીશાપૂરી છે, જેઓ સોળમા સૈકામાં અમદાવાદ આવીને વસ્યા હતા. ગુજરાતના સુલતાનો, અમીર-ઉમરાવો તથા મુઘલ સૂબાઓએ ગુજરાતમાં ફારસી ભાષા-સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું અને ગુજરાતની પ્રજાએ તેનો સારો પ્રતિભાવ આપ્યો હતો. સમય જતાં વડોદરાના ગાયકવાડ અને ભાવનગરના ગોહિલ શાસકોએ પણ ફારસીને રાજ્યાશ્રય આપ્યો હતો. ગુજરાતમાં કવિતા કરતાં ગદ્યસાહિત્ય વધારે પ્રમાણમાં સર્જન પામ્યું હતું. ગદ્યકૃતિઓમાં સામાન્ય ઇતિહાસ અને આધ્યાત્મિકતા(સૂફીવાદ)ના વિષયોનું પ્રાધાન્ય રહ્યું છે. ગુજરાતની ઇતિહાસ-વિષયની ફારસી રચનાઓ આ પ્રમાણે છે :

(1) ‘તબ્કાતે મહમૂદશાહી’ (લે. ફૈઝુલ્લાહ બિન્બાની), (2) ‘મિરાતે સિકન્દરી’ (લે. ઇસ્કન્દર ગુજરાતી), (3) ‘મિરાતે એહમદી’ (લે. અલી મુહમ્મદખાન), (4) ‘ફુતૂહાતે આલમગીરી’ (લે. ઈસરદાસ નાગર) અને (5) ‘તારીખે સોરઠ’ (લે. દીવાન રણછોડજી).

ગુજરાતમાં રચવામાં આવેલી આધ્યાત્મિક ફારસી કૃતિઓ 2 પ્રકારની છે : એક જીવનચરિત્ર પ્રકારની અને બીજી સૂફીઓનાં સુવચનોના સંગ્રહ પ્રકારની. સૂફીઓનાં સુવચનોના જે સંગ્રહો પ્રાપ્ય છે તે ફારસી ગદ્ય-સાહિત્યના મહત્વના નમૂના છે અને ગુજરાતમાં ઉદભવ તથા વિકાસ પામેલી એક સ્થાનિક શૈલીની ઝાંખી કરાવે છે. મહત્વના ગદ્યસંગ્રહો આ પ્રમાણે છે :

(1) ‘કુનૂઝે મુહમ્મદી’ [લે. શેખ ફરીદ દોલતશાહ જિલ્વાની : હ. શાહઆલમ(રહ.)નાં મલ્ફૂઝ], (2) ‘મનાકિબે બુરહાની’ અને (3) ‘મલ્ફૂઝે ખુતબી’ (લે. શાહ અબ્દુર્રહમાન બડ : હ. ખુત્બે આલમનાં મલ્ફૂઝ), (4) ‘મિર્કાતુલ વુસૂલ’ અને (5) ‘તોહફતુલ-મજાલિસ’ [લેખકો અનુક્રમે મૌલાના કાસમ અને શેખ ઈરજી : હ. શેખ એહમદ ખત્તૂ (રહ.) સરખેજનાં મલ્ફૂઝ], (6) ‘જુમ્આતે શાહી’ અને (7) ‘રોઝાતે શાહી’ (લે. સૈયદ મુહમ્મદ બિન જલાલ મકબૂલે આલમ, ઉપનામ ‘જલાલી’ : હ. શાહઆલમનાં મલ્ફૂઝ) (8) ‘ખઝાનએ રેહમત’ (લે. શેખ બાજન : શેખ રહમતુલ્લાહનાં મલ્ફૂઝ), (9) ‘બહરુલ હકાઈક’ (હ. શાહ વજીહુદ્દીનનાં મલ્ફૂઝ), (10) ‘અલ-મજાલિસ-અલ-હસનિયા’ (શેખ હસન મુહમ્મદ ચિશ્તીનાં મલ્ફૂઝ).

સૂફીઓનાં જીવનચરિત્ર તથા તેમના હેવાલ સંબંધી ગદ્યસાહિત્ય પણ સમૃદ્ધ છે. મહત્વની કૃતિઓ આ પ્રમાણે છે :

(1) ‘ચિહલ હિકાયાત’ તથા (2) ‘સદ હિકાયાત’ (લે. હ. જાફર બદ્રે આલમ), (3) ‘મુખબિરુલ અવલિયા’ તથા (4) ‘મિરાતુલ અવલિયા’ (લે. હ. રશીદુદ્દીન મોદૂદ લાલા ચિશ્તી), (5) ‘તોહફતુલ કારી’, (6) ‘મફાતીહુલ કુલૂબ’, (7) ‘ફવાયિદે મેહમૂદી’, (8) ‘કુન્ઝુલ કરામાત’, (9) ‘મેહમૂદખાની’ (છેલ્લી 5 કૃતિઓમાં ગુજરાતના ગૂજરી ઉર્દૂ ભાષાના પ્રાચીન કવિ અને વીરપુરના સંત કાઝી મહેમૂદ દરિયાઈ (રહ.)ના જીવનપ્રસંગો તથા તેમની કરામતોનો હેવાલ સાદી અને સરળ ગુજરાતી શૈલીની ફારસીમાં મળે છે.), (10) ‘મલ્ફૂઝાતે મુહમ્મદ લતીફ અલી શાહ’ ગુજરાતી.

ગુજરાતમાં એવી ફારસી ગદ્યકૃતિઓ પણ રચવામાં આવી હતી, જે તસવ્વુફ અને સાહિત્ય બંનેમાં અગત્યનું સ્થાન મેળવવાને પાત્ર થઈ છે; દા.ત., (1) ‘મજમઉન નવાદિર’ અને (2) ‘તફસીરે દસ્તૂરુલ હુફ્ફાઝ’ (લે. શેખ ફૈઝુલ્લાહ બિન્બાની), (3) ‘અયનુલ મઆની’ (લે. શાહ લશકર મુહમ્મદ આરિફ), (4) ‘ફઝાઇલ-અલ-અખ્તાબ’, (5) ‘મખ્ઝનુલ-અન્સાબ’ અને (6) ‘મનસૂર-અલ-ખિલાફા’ (લે. શેખ રશીદુદ્દીન મોદૂદલાલા ચિશ્તી), (7) ‘મઅરિફત-અલ-સુલૂક’ (લે. શેખ મુહમ્મદ ચિશ્તી), (8) ‘જહાનનુમા’ તથા (9) ‘અમ્વાજે ખૂબી’ (લે. હ. ખૂબમુહમ્મદ ચિશ્તી), (10) ‘ઉસૂલ-અલ-હદીસ’, (11) ‘તકમીલ-અલ-અવઝાન’, (12) ‘શરહે મસ્નવી’ તથા (13) ‘અનવાર-અલ-કાદરિયા’. છેલ્લી 4 કૃતિઓના લેખક મૌલાના મુહમ્મદ નૂરુદ્દીન સિદ્દીકી છે.

ગુજરાતના બે ફારસી વિદ્વાનો તેમની કૃતિઓ માટે વિશ્વવ્યાપી ખ્યાતિ ધરાવે છે. મુઘલકાળના અમદાવાદના મુલ્લા અબદુલ લતીફ અબ્બાસીએ ફારસીના વિખ્યાત કવિ મૌલાના જલાલુદ્દીન રૂમીની ‘મસ્નવીએ મઅન્વી’નો તુલનાત્મક અભ્યાસ કરીને એક વિશ્વસનીય હસ્તપ્રત તૈયાર કરી હતી, જે ‘નુસ્ખએ નાસિખા’ના નામથી ઓળખાય છે. મુલ્લા અબદુલ લતીફે આ જ મસ્નવીની આધુનિક સમજૂતી ‘લતાઇફ-અલ-મસ્નવી’ના નામથી તૈયાર કરી હતી, જે સમસ્ત હિન્દમાં લોકપ્રિય રહી છે અને પ્રકાશિત પણ થઈ છે. તેમણે જે પદ્ધતિથી આ સમજૂતી લખી હતી તેનું અનુકરણ પાછળના બધા લેખકોએ કર્યું છે. મુલ્લા અબદુલ લતીફે ‘મસ્નવીએ મઅન્વી’માં તસવ્વુફના જે પારિભાષિક શબ્દો મળે છે, તેની સમજૂતીના સ્વરૂપે એક શબ્દકોશ પણ તૈયાર કર્યો હતો, જે ‘લતાયિફ-અલ-લુઘાત’ નામે પ્રગટ થયો છે. તેમણે સમકાલીન કવિ તથા લેખક સૂફી માઝન્દરાનીના લઘુસંગ્રહ ‘બુતખાના’માં કવિઓના જીવનપ્રસંગો ઉમેરીને તેમને ફારસી તઝકિરાનું સ્વરૂપ આપ્યું હતું, જે ‘ખુલાસા-અલ-શુઅરા’ના નામથી ઓળખાય છે.

ભરૂચના અબૂ બક્ર મુહમ્મદ ભરૂચીએ અરબી ભાષાની એક લોકપ્રિય કૃતિ ‘હિસ્ને હસીન’નો વિશ્વમાં પહેલવહેલો ફારસી અનુવાદ કર્યો હતો.

અમદાવાદના વટવા તથા શાહઆલમ વિસ્તારના સુહરાવર્દી ખાનદાનના સૂફીઓ હ. બુરહાનુદ્દીન ખુત્બે આલમ તથા તેમના દીકરા હ. મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ; શાહપુર અને શાહીબાગના ચિશ્તી ખાનદાનના સૂફી સંતો અને આસ્ટોડિયા વિસ્તારના સિદ્દીકી-કાઝી ખાનદાનના વિદ્વાનોએ અનેક પેઢીઓ સુધી ફારસી ભાષાનાં રત્નો પેદા કર્યાં છે. હ. શાહઆલમના ખાનદાનમાં સૌથી વધુ નોંધપાત્ર (1) ‘જલાલી’ના ઉપનામથી પ્રખ્યાત થયેલા કવિ અને લેખક સૈયદ મુહમ્મદ બિન જલાલ મકબૂલે આલમ ઉચ્ચ કક્ષાના લેખક અને કવિ હતા. તેમનો ગઝલ-કાવ્યસંગ્રહ ‘દીવાને જલાલી’ પ્રગટ થઈ ચૂક્યો છે. (2) ‘રઝા’ ઉપનામ ધરાવનાર હ. મકસૂદે આલમનો ફારસી કલામ ‘દીવાને રઝા’માં સુરક્ષિત મળે છે. (3) ‘સફા’ ઉપનામ ધરાવનાર લેખક અને કવિ હ. જાફર બદ્રે આલમે પણ ફારસી કલામ આપ્યો છે.

શાહપુરના ચિશ્તી ખાનદાનમાં અનેક ફારસી કવિઓ તથા લેખકો થઈ ગયા છે, જેમનામાંથી હ. રશીદુદ્દીન મોદૂદ લાલા ચિશ્તી તેમની અનેક ગદ્યકૃતિઓ અને ફારસી દીવાન માટે, શેખ  હસન-મુહમ્મદ ચિશ્તી તેમના સૂફીવાદી લેખો માટે અને હ. જમાલુદ્દીન ઉર્ફે જમ્મનશાહ (અવ્વલ) તથા જમ્મન શાહ (સાની) ફારસી કવિતા માટે જાણીતા થયા છે.

ગુજરાતમાં ફારસી ભાષા તથા સાહિત્યના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારાઓમાં ગુજરાતના નાગરોનાં નામ-કામ ઉલ્લેખનીય છે. તેમણે ફારસીને સંસ્કારની ભાષા તરીકે અપનાવી હતી. તેઓ ફારસીમાં કાવ્યો લખતા, પત્રવ્યવહાર કરતા અને સંધ્યા પણ ફારસીમાં કરતા હતા ! કેટલાક નાગરોની ફારસીમાં લખેલી ડાયરીઓ પણ મળી આવે છે. ગુજરાતને ઇતિહાસના ફારસી ગ્રંથો આપનાર આ પૂર્વે ઉલ્લેખેલા બે નાગર વિદ્વાનોમાં ઇસરદાસ નાગર પાટણના અને દીવાન રણછોડજી જૂનાગઢના હતા. તે ઉપરાંત પણ કેટલાક અન્ય નાગર વિદ્વાનો ગુજરાતમાં થઈ ગયા છે. એમાંના કેટલાકનો નિર્દેશ અત્રે કરવા જેવો છે :

(1) જગજીવનદાસ માધવદાસ (સત્તરમો સૈકો) : તેમણે ‘મુન્તખબુત તવારીખ’ નામનો ફારસી ઇતિહાસ લખ્યો હતો. તે જીવનપર્યંત મુઘલોની સરકારી સેવામાં રહ્યા હતા. (2) દલપતરાય ગુલાબરાય (વતન અમદાવાદ, અઢારમો સૈકો) : તેમણે ‘મિલાહતે મકાલ’ નામનું ફારસી પુસ્તક લખ્યું હતું, તથા ઉદેપુરના મહારાજા જગતસિંગ માટે ફારસી કવિ હાફિઝ શીરાઝીનાં કાવ્યોનો અનુવાદ પણ કર્યો હતો. (3) મુનશી સદાશંકર (અઢારમો સૈકો) : તેમણે રચેલાં ફારસી કાવ્યો પ્રાપ્ય છે. (4) ત્રિકમદાસ ભવાનીદાસ (અઢારમો સૈકો) : તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતાના કુળના હતા. તેમણે ફારસી અને વ્રજભાષામાં ‘શ્રીરુક્મિણીબ્યાહ’ રચ્યું હતું. (5) દીવાન રણછોડજી અમરજી નાણાવટી (વતન જૂનાગઢ, ઓગણીસમો સૈકો) : ફારસી ઇતિહાસ ‘તારીખે સોરઠ’ના આ લેખકના પત્રોનો એક સંગ્રહ પણ મળે છે. જેનું નામ ‘રુકાતે ગૂનાગૂન’ છે. (6) મુગટરામ : તેમની ફારસી રચનાઓના સંગ્રહ ‘તસ્નીફાતે મુગટરામ’માં જૂનાગઢના અઢારમા સૈકાના રાજવી નવાબ હામિદખાન સંબંધી પ્રસંગો તથા કાવ્યો મળે છે. (7) સારાભાઈ નાગર : તેમણે પોતાના પુત્ર ભોળાનાથ ઉપર ફારસીમાં પત્રો લખ્યા હતા. તેમના સંગ્રહનું નામ ‘માદનુલ ઇન્શા’ છે. તેમનાં બે ઇતિહાસ-વિષયક પુસ્તકો ફારસીમાં છે : (1) ‘અહવાલે ગાયકવાડ’ અને (2) ‘મુખ્તસર તારીખે ગુજરાત’. (8) ગુલાબરાય : સૂરતના વડનગરા નાગર. તેઓ મુનશી તેમજ કવિ હતા. તેમની ફારસી કવિતાનો સંગ્રહ પ્રાપ્ય છે.

આ ઉપરાંત બીજા અનેક નાગરોનો ફારસી ભાષા પ્રત્યેનો શોખ તથા પ્રેમના ઉલ્લેખો મળે છે. તેમનામાંથી કેટલાકે ફારસી ગદ્ય-પદ્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. કેટલાકે ફારસીના લહિયા તરીકે નોંધપાત્ર કામ કર્યું હતું. તેમણે નકલ કરેલી ફારસી કૃતિઓ પણ પ્રાપ્ય છે.

ગુજરાતના નાગરો મુઘલોના સૂબા, ગુજરાતના સ્થાનિક નવાબો તથા મરાઠા સરદારોના અંગત સચિવ (મુનશી) તરીકે કામ કરતા હતા. તેમણે હોદ્દાની રૂએ જે પત્રવ્યવહાર ફારસીમાં કર્યો હતો, તેમાંથી કેટલાક પત્રો(રુકાત)ના સંગ્રહો જોવા મળે છે; જેમ કે, (1) ‘મહેતા સુંદરલાલના રુકાત’, (2) ‘મહેતા સુખરામના રુકાત’, (3) ‘કિશનજી વૈદનો ‘રુકાતે-ગરીબ’ નામનો સંગ્રહ, (4) મુનશી ભાલચંદ્ર અને (5) ગિરધારીલાલ, (6) ભૂપતરાય વગેરેના રુકાત.

ગુજરાતના ઘણા નાગરો પોતાની રોજનીશી – બયાઝ (ડાયરી) ફારસીમાં લખતા હતા. આમાંથી (1) શિવલાલ, (2) મુનશી નંદલાલ, (3) કિશનજી વૈદ, (4) ભવાની શંકરરામ, (5) મહેતા શોભારામ અને (6) કિશનદાસ વગેરેની ફારસી ડાયરીઓ મળે છે. તેમાં ગુજરાતના સાંસ્કૃતિક-ઐતિહાસિક પ્રસંગો તેમજ નાગરોના ઇતિહાસની ઝલક જોવા મળે છે.

ગુજરાતમાં ફારસી કૃતિઓની હસ્તલિખિત પ્રતોની સમૃદ્ધ લાઇબ્રેરીઓ આ પ્રમાણે છે : (1) આપારાવ ભોળાનાથ લાઇબ્રેરી (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ; (2) હજરત પીર મોહંમદશાહ લાઇબ્રેરી, અમદાવાદ; (3) શહેર કાઝીનું પુસ્તકાલય (ખાનગી), અમદાવાદ; (4) આસ્તાનએ ચિશ્તિયા પુસ્તકાલય (ખાનગી), અમદાવાદ; (5) હજરત શાહઆલમ પુસ્તકાલય (ખાનગી), અમદાવાદ; (6) શીરાઝી પુસ્તકાલય (ખાનગી), ભરૂચ.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી