ફાયકોમાઇસિટિસ : ફૂગના યુમાયકોફાઇટા વિભાગનો સૌથી આદ્ય વર્ગ. ગ્વાઇનવૉઘન અને બાર્નેસે (1926) મિસિતંતુ(mycelium)ના પટીકરણ (septation) અને બીજાણુઓના સ્વરૂપને આધારે કરેલા ફૂગના વર્ગીકરણમાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. આધુનિક વર્ગીકરણ-પદ્ધતિ મુજબ (બર્નેટ, 1968) આ વર્ગને પ્લાસ્મોડિયોફોરોમાઇસિટિસ, હાઇફોચિટ્રીડિયોમાઇસિટિસ, ચિટ્રીડિયોમાઇસિટિસ, ઉમાઇસિટિસ, ઝાયગોમાઇસિટિસ અને ટ્રાઇકોમાઇસિટિસના વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે.
વિતરણ : આ વર્ગના સભ્યો વિતરણની ર્દષ્ટિએ પુષ્કળ વૈવિધ્ય દર્શાવે છે. કેટલીક જાતિઓ જલજ(મીઠા પાણી અને દરિયાઈ પાણી) હોય છે. તે પ્રાણીઓ અને વનસ્પતિઓ પર જીવનારી – પરોપજીવી (દા.ત., Saprolegnia – માછલી પર અને Entomophthora કીટકો પર જીવનારી) અથવા પાણીમાં રહેલાં પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃતાવશેષ (debris) પર જીવનારી મૃતોપજીવી હોય છે. બહુ ઓછી જાતિઓ ક્વકમૂલીય (mycorrhizal) હોય છે. પાણીમાં થતી ફૂગને જલજ-ફૂગ (water-mold) કહે છે. કેટલીક જાતિઓ ઉભયજીવી (amphibious) તો અન્ય ભૌમિક (terrestrial) હોય છે. કેટલીક ભૌમિક જાતિઓ બટાટાનો પાછોતરો સુકારો (late blight); દ્રાક્ષ, તમાકુ અને પાલખનો તળછારો (downy mildews); બીજાંકુર અને ખોરાક-સંગ્રહી અંગોનો સડો અને અન્ય સૌથી વધારે નુકસાન પહોંચાડતા રોગો ઉત્પન્ન કરે છે. મ્યુકોરેલ્સની કેટલીક જાતિઓ મનુષ્ય સહિતનાં ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓને થતી ક્વકતા (mycosis) માટે જવાબદાર છે. તેની કેટલીક જાતિઓ ખોરાક, ફળો અને શાકભાજીના બગાડ સાથે સંકળાયેલી છે વળી ભૂમિમાં થતી કેટલીક જાતિઓ આર્થિક અગત્યની વનસ્પતિઓના મૂળને ગંભીર હાનિ પહોંચાડે છે. કેટલીક જાતિઓ ઔદ્યોગિક આથવણમાં ઉપયોગી છે તો કેટલીક જલજ ફૂગ પાણીના નૈસર્ગિક શુદ્ધીકરણમાં મહત્વનો ફાળો આપે છે.
સુકાય : તેનાં સૌથી આદ્ય સ્વરૂપો એકકોષી, એકકોષકેન્દ્રી, એકકશીય અને પૂર્ણકાર્યફલિક (holocarpic) હોય છે; દા.ત., Olpidium. વધારે ઉદવિકસિત જાતિઓ મૂલાભજાલ (rhizomycelium) ધરાવે છે; દા.ત., Rhizophydium. મોટા ભાગની જાતિઓમાં બહુશાખિત તંતુમય, પટરહિત (aseptate), એકકોષી અને બહુકોષકેન્દ્રી ક્વકજાલ હોય છે. આવી ક્વકજાલને સંકોષી (coenocytic) કહે છે અને મોટાભાગની અંશકાયફલિક (eucarpic) હોય છે; દા.ત., Mucor. આ વર્ગમાં જોવા મળતા પટ (septa) નક્કર અને છિદ્રરહિત હોય છે. પટીકરણ-પ્રજનન અંગોના નિર્માણ-સમયે અથવા કાલ-પ્રભાવિત (aged) મિસિતંતુમાં થાય છે. મોટાભાગની પ્રજાતિઓમાં કોષદીવાલ કાઇટિનની, થોડીક પ્રજાતિઓમાં સેલ્યુલોસની અને અન્યમાં આ બંને પદાર્થોની બનેલી હોય છે.
પ્રજનન : તે મુખ્યત્વે બે પદ્ધતિઓથી થાય છે : (1) અલિંગી પ્રજનન અને (2) લિંગી પ્રજનન.
અલિંગી પ્રજનન બીજાણુધાની-બીજાણુઓ (sporangio – spores) દ્વારા થાય છે. તેઓ એકકોષી કોથળી જેવી રચનામાં ઉત્પન્ન થાય છે; જેમને બીજાણુધાની (sporangium) કહે છે. કશાધારી બીજાણુઓને ચલબીજાણુઓ (zoospores) અને કશારહિત બીજાણુઓને અચલબીજાણુઓ (aplanospores) કહે છે. ચલબીજાણુઓ એકકશીય કે દ્વિકશીય હોય છે. એકકશીય ચલબીજાણુઓમાં કશા અગ્ર કે પશ્ચ છેડે આવેલી હોય છે. ફૂગમાં કશાઓના બે પ્રકાર જોવા મળે છે : પ્રતોદ (whiplash) અને કૂર્ચ (tinsel). પ્રતોદ કશા સરળ અને પાર્શ્વસૂત્ર(matigoneme)-રહિત હોય છે. કૂર્ચ કશા પર પીંછાં જેવી રચનાઓ આવેલી હોય છે, જેમને પાર્શ્વસૂત્રો કહે છે. બીજાણુધાની કદમાં નાની હોય તો તેને બીજાણુધાનિકા (sporangiolum) કહે છે.
એકબીજાણુક (monosporous) બીજાણુધાનિકા કણીબીજાણુઓના ઉદભવના સંદર્ભમાં ઉત્ક્રાંતિક મહત્વ ધરાવે છે. નલિકાકાર બીજાણુધાનીને ખંડબીજાણુધાની (merosporangium) કહે છે; જે પ્રગતિશીલ ઉત્ક્રાંતિક સ્થિતિનું સૂચન કરે છે. આ વર્ગની ખૂબ ઓછી જાતિઓમાં કણીબીજાણુ (conidium) નિર્માણ થાય છે. તેઓ બીજાણુધાનીમાં ઉત્પન્ન ન થતાં સીધેસીધાં ક્વકતંતુ પર ઉદભવે છે. પ્રતિકૂળ સંજોગોનો અવરોધ કરી શકતા જાડી દીવાલવાળા બીજાણુઓને કંચુકબીજાણુઓ (chlamydospores) કહે છે. અનુકૂળ સંજોગો પાછા ફરતાં તેઓ અંકુરણ પામી નવો મિસિતંતુ ઉત્પન્ન કરે છે.
લિંગી પ્રજનન Olpidiumમાં સમયુગ્મીય (isogamous); Allomycesમાં અસમયુગ્મીય (anisogamous) અને Monoblepharellaમાં અંડયુગ્મીય (oogamous) પ્રકારનું થાય છે. આ લિંગી પ્રજનન જન્યુકસંયુગ્મન (gametic copulation, દા.ત., Olpidium, Allomyces અને Monoblepharella); જન્યુધાનીય સંપર્ક (gametangial contact = gametangy, દા.ત., Saprolegnia, Pythium) અને જન્યુધાનીય સંયુગ્મન (gametangiogamy = gametangial copulation, દા.ત., Mucor, Rhizopus) દ્વારા સધાય છે.
ફાયકોમાઇસિટિસનો સારાંશ
ક્રમ | ગોત્ર | આવાસ | સુકાય | બીજાણુઓ | પ્રજાતિઓ |
1. | ચિટ્રીડિયેલ્સ | મુખ્યત્વે જલજ | પુટિકામયથી મૂલાંગીય (rhizodal) | એક પશ્ચકશીય ચલબીજાણુઓ | Olpidium, Rhizophydium |
2. | બ્લાસ્ટોક્લેડિયેલ્સ | જલજ | તલસ્થ મૂલાંગીય અને અગ્રસ્થ ક્વક- જાલીય (hyphal) | એક પશ્ચકશીય ચલબીજાણુઓ | Allomyces, Blastochadiella |
3. | મૉનોબ્લેફેરીડેલ્સ | જલજ | મોટાભાગે ક્વકજાલીય | એક અગ્રકશીય ચલબીજાણુઓ | Monoblepharella, Monoblepharis |
4. | હાઇફોચિટ્રીડિયેલ્સ | જલજ | પુટિકામયથી માંડી મર્યાદિત ક્વકજાલીય | એક અગ્રકશીય ચલબીજાણુઓ | Rhizidiomyces, Hyphochytrium |
5. | સેપ્રોલેગ્નિયેલ્સ | જલજ | મોટાભાગે ક્વકજાલીય | દ્વિકશીય ચલબીજાણુઓ | Saprolegnia, Achlya, Aphanomyces |
6. | લૅપ્ટોમાઇટેલ્સ | જલજ | ક્વકજલીય અથવા તલસ્થ મૂલાંગો અને અગ્રસ્થ ક્વકજાલ | દ્વિકશીય ચલબીજાણુઓ | Leptomitus, Sapromyces |
7. | લેજેનિડિયેલ્સ | જલજ | પુટિકામયથી માંડી મર્યાદિત ક્વકજાલ | દ્વિકશીય ચલબીજાણુઓ | Olpidiopsis, Lagenldium |
8. | પૅરોનોસ્પોરેલ્સ | જલજથી માંડી ભૌમિક | ક્વકજાલીય | દ્વિકશીય ચલબીજાણુધાની-બીજાણુઓ અથવા કણીબીજાણુઓ | Phytophthora, Pythium, Peronospora |
9. | ઍન્ટોમોફ્થૉરેલ્સ | મુખ્યત્વે ભૌમિક | ક્વકજાલીય | અચલબીજાણુધાનીઓ અથવા કણીબીજાણુઓ | Entomophthora, Basidiobolus |
10. | મ્યુકોરેલ્સ | ભૌમિક | ક્વકજાલીય | અચલબીજાણુધાની-બીજાણુઓ અથવા કણીબીજાણુઓ | Mucon, Rhizopus, Pilobolus |
દેહધર્મવિદ્યા અને ઉપયોગિતા : મોટાભાગની ફાયકોમાઇસિટિસ સદાવાતજીવી (obligate aerobes) હોય છે; છતાં ઘણી જલજ જાતિઓ વૈકલ્પિક અવાતજીવી (facultative anaerobes) હોય છે અને તેઓ ઑક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં જીવી શકે છે. મ્યુકરમાં અવાતજીવી સ્થિતિમાં આલ્કોહોલીય ઉત્સેચન થાય છે. આ વર્ગની કેટલીક ફૂગ લૅક્ટિક ઍસિડ, ઇથાઇલ આલ્કોહોલ, સક્સિનિક ઍસિડ, ઍસિટાલ્ડીહાઇડ અને અન્ય વિવિધ કાર્બનિક સંયોજનો ઉત્પન્ન કરે છે. તેથી તેમનો ઉપયોગ આ પદાર્થોના ઔદ્યોગિક ઉત્પાદનમાં કરવામાં આવે છે.
આ વર્ગની વૃદ્ધિ માટે થાયેમિન સૌથી સામાન્ય જરૂરિયાત ગણાય છે. તેથી આ પ્રજીવકના જૈવ-પરિમાપન (bioassay) માટે Phycomycesનો ઉપયોગ કરવામાં આવે છે. જલીય પ્રજાતિઓની પોષણકીય જરૂરિયાતોમાં p – ઍમિનોબૅન્ઝોઇક ઍસિડ, બાયૉટિન, નિકોટિનઍમાઇડ, મિથિયોનિન અને ઇનોસિટોલનો સમાવેશ થાય છે.
જીવવિજ્ઞાનના અભ્યાસ માટે ફાયકોમાઇસિટિસની કેટલીક પ્રજાતિઓ અત્યંત ઉપયોગી છે. Achlyaમાં અંત:સ્રાવ-નિયંત્રિત (hormone-controlled) લિંગતા (sexuality) અંગેનાં સંશોધનો થયાં છે. બ્લાસ્ટોક્લેડિયેલ્સ ગોત્રની કેટલીક પ્રજાતિઓનો આનુવંશિકતા, વિભેદન અને પ્રાજનનિક વર્તણૂક પર અને મ્યુકોરેલ્સ ગોત્રની વિવિધ પ્રજાતિઓમાં પ્રકાશ-પ્રેરિત વૃદ્ધિ-પ્રતિક્રિયાઓ વિશે અભ્યાસ થયો છે.
બળદેવભાઈ પટેલ