ફાટ-પ્રસ્ફુટન (Fissure eruption) : ફાટ મારફતે થતું લાવાનું પ્રસ્ફુટન. પૃથ્વીના પોપડાના કોઈ નબળા વિભાગને તોડીને મૅગ્માને બહાર નીકળી આવવા માટે જે ઊંડો, લાંબો પ્રવહનમાર્ગ મળી રહે તેને ફાટ કહેવાય છે. આ પ્રકારની ફાટ ગિરિનિર્માણ ઘટનાને કારણે કે અન્ય ભૂસંચલનજન્ય ઘટનાને કારણે ઉદભવતી હોય છે. પોપડાની અંદર તરફ આવી ફાટો જો મૅગ્માથી ભરાઈ જાય તો ઊભી દીવાલ જેવાં ડાઇક-પ્રકારનાં વિસંવાદી અંતર્ભેદકો રચાય છે, પરંતુ નીચે તરફથી પૂરતા પ્રમાણમાં મૅગ્માદ્રવ્યજથ્થો અને ઊર્ધ્વગામી બળ મળી રહે તો તે પ્રસ્ફુટનમાં ફેરવાય છે, આ ઘટના ફાટ-પ્રસ્ફુટન કહેવાય છે; અર્થાત્, પૃથ્વીના પોપડાના અંદરના ભાગમાંથી ઊંડા લાંબા પ્રવહનમાર્ગો દ્વારા લાવા અને વાયુઓ સહિત જ્વાળામુખી દ્રવ્યની સપાટી પર નીકળી આવવાની ક્રિયાને ફાટ-પ્રસ્ફુટન કહે છે. ફાટ-પ્રસ્ફુટન શાંત કે વિસ્ફોટજન્ય હોઈ શકે. બહાર નીકળી આવતું દ્રવ્ય એકસાથે કે ઘણા લાંબા સમયગાળાને આવરી લેતું આંતરે આંતરે નીકળતું રહી ફાટ-મુખીની આજુબાજુ થોડા કે સેંકડો ચોકિમી.નો વિસ્તાર રચે છે. ભારતના દખ્ખણના લાવાના ઉચ્ચ સપાટ પ્રદેશની રચના તબક્કાવાર આંતરે આંતરે આશરે 3 કરોડ વર્ષ (6.5 કરોડ વર્ષ અગાઉથી 3.5 કરોડ વર્ષ અગાઉ) સુધી ચાલુ રહેલી છે. આ ઘટના ફાટપ્રસ્ફુટનનું જ્વલંત ઉદાહરણ છે.

ગિરીશભાઈ પંડ્યા