ફાટક, નરહર રઘુનાથ (જ. 15 એપ્રિલ 1883, જાંભળી, ભોર-રિયાસત; અ. 21 ડિસેમ્બર 1979, મુંબઈ) : મરાઠીના ઇતિહાસકાર, ચરિત્રલેખક, વાર્તાકાર, નવલકથાકાર તથા પત્રકાર. તેમનું શિક્ષણ ભોર, પુણે, અજમેર તથા ઇંદોરમાં થયેલું. 1917માં દર્શન વિષય સાથે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ એમ.એ.માં મરાઠી વિષય લઈને પ્રથમ વર્ગ મેળવી નાગપુરમાં શિક્ષક તરીકે નોકરી મેળવી. પછી 1935–37ના ગાળામાં એસ. એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અને ત્યારબાદ મુંબઈની રામનારાયણ રૂઈયા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને ત્યાંથી જ 1957માં નિવૃત્ત થયા.
તેઓ 1918–23 દરમિયાન ‘ઇન્દુપ્રકાશ’ અને ‘સયાજીવિજય’ સાથે અને 1923–35 દરમિયાન ‘નવાકાળ’ અને ‘વિવિધવૃત્ત’ તથા ‘વિવિધજ્ઞાનવિસ્તાર’ જેવાં સમાચારપત્રો સાથે સંકળાયેલા હતા. તેમણે ત્રણ નવલકથાઓ લખી છે. ‘કમલિની’ (1911) , ‘વત્સલા’ વા અભિમન્યુ’ (1912) અને ‘સુધારણેચા મનુ’ (1916). નરહર ‘સત્યાન્વેષી’, તથા ‘ફરિશ્તા’ તખલ્લુસથી લેખો લખતા જ્યારે ‘રઘુનાથસૂનુ’ તખલ્લુસથી ટૂંકી વાર્તાઓ લખતા. એમણે ઇતિહાસમાં ઘણું સંશોધન કરેલું. એમના ઇતિહાસવિષયક ગ્રંથો છે ‘નારાયણરાવ પેશવે : ખૂન કી આત્મહત્યા ?’ (1944) ‘ભારતીય રાષ્ટ્રવાદાચા વિકાસ’ (1949), ‘મરાઠેશાહીચા અભ્યાસ’ (1950) તથા ‘અઠરાશે સત્તાવનચી શિપાઈગર્દી’ (1958). એમણે જીવનચરિત્રોના લેખક તરીકે પણ પૂરતું સંશોધન કરી, આધારભૂત હકીકતો મેળવી, સારી પ્રસિદ્ધિ મેળવી છે. એમના ચરિત્રગ્રંથોમાં ‘મહાદેવ ગોવિંદ રાનડે યાંચે જીવનચરિત્ર’, ‘લોકમાન્ય ટિળક’ (1972) તથા ‘આદર્શ ભારતસેવક ગોપાળ કૃષ્ણ ગોખલે’ (1967) નોંધપાત્ર છે. તેમણે લખેલા ગોપાળ કૃષ્ણ ગોખલેના જીવનચરિત્રને 1970નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ સંતસાહિત્યના નિષ્ણાત હતા. એમના સંત સાહિત્ય અંગેના સંશોધન-ગ્રંથોમાં ‘જ્ઞાનેશ્વર આણિ જ્ઞાનેશ્વરી’ (1948), ‘શ્રી એકનાથ : વાઙ્મય આણિ કાર્ય’ (1950), ‘જ્ઞાનેશ્વર : વાઙ્મય આણિ કાર્ય’ (1952) અને ‘રામદાસ : વાઙ્મય આણિ કાર્ય’(1952)નો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકારે એમને ‘સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ’ લખવાનું કાર્ય સોંપેલું. એને પરિણામે ‘મહારાષ્ટ્રાચે સ્વાતંત્ર્યસૈનિક’ નામનો ગ્રંથ તથા 1915થી 1931ના ગાળાનો ગાંધીજીનો પત્રવ્યવહાર 3 ગ્રંથોમાં પ્રગટ કર્યા. એમણે ભારતનાં ઘણાં વિશ્વવિદ્યાલયોમાં ‘મહાભારત’, ‘રામાયણ’ તથા ‘ગીતા’ પર વ્યાખ્યાનો આપ્યાં હતાં, જે સંબંધિત વિશ્વવિદ્યાલયો તરફથી પુસ્તક રૂપે પ્રગટ થયાં છે. 1929માં વિદર્ભ સાહિત્ય સંમેલનના, તથા 1941માં મરાઠી પત્રકાર પરિષદના તથા 1947માં હૈદરાબાદ ખાતે આયોજિત મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનના અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાયા હતા. 1950થી અવસાન સુધી મુંબઈ મરાઠી સાહિત્ય સંઘના અધ્યક્ષપદે તેમણે કાર્ય કરેલું.
ચન્દ્રકાન્ત મહેતા