ફાટ (fracture, fissure) : પોપડાના ખડકોમાં જોવા મળતી તિરાડ. તે સાંકડી કે પહોળી, ટૂંકી કે લાંબી, છીછરી કે ઊંડી, આડી, ઊભી, ત્રાંસી કે વાંકીચૂકી હોઈ શકે છે. તેમનાં પરિમાણ પણ ગમે તે હોઈ શકે. ખડકોમાં ઉદભવેલા સાંધા કે સ્તરભંગ, સુકાતા જતા પંકજથ્થાઓમાં જોવા મળતી પંકતડ (આતપ-તડ) પણ એક પ્રકારની ફાટ જ છે. આ પર્યાયને બહોળા અર્થમાં ઘટાવતાં ખડકોમાં પડેલા કોઈ પણ પ્રકારના ભંગાણને ફાટ તરીકે ઓળખાવી શકાય, પરંતુ ભૂસ્તરીય પરિભાષામાં તેને દિશાકીય સ્થિતિમાં મૂલવવામાં આવે છે.

ખડક-ફાટો જેમની તેમ પોલાણવાળી રહી શકે, પરંતુ તે જો મૅગ્માથી કે ઉષ્ણજળજન્ય દ્રાવણોથી ભરાઈ જાય તો અંતર્ભેદકો કે ખનિજ-(ધાતુખનિજ)-શિરાઓ રચાય છે; દા.ત., ડાઇક, સીલ, ફાટશિરાઓ વગેરે. વિરૂપક બળોની અસર હેઠળ આવતા ખડકોમાં ફાટો પડે છે. તણાવના પ્રતિબળની અસરથી ઉદભવતા સ્તરભંગ પણ ફાટ પ્રકારનું ભંગાણ જ છે; દા.ત., કૅલિફૉર્નિયાનો સાન એન્ડ્રિયાસ સ્તરભંગ, આફ્રિકાની ફાટખીણ. દક્ષિણ ભારતની મોટાભાગની નદીઓનાં થાળાં પણ સ્તરભંગ – ફાટો પડવાને કારણે જ તૈયાર થયેલાં છે. મૅગ્માજન્ય અંતર્ભેદકો જ્યારે ખડકોના નબળા વિભાગોમાં સ્થાન મેળવવા પરાણે પ્રવેશ કરે ત્યારે પણ આજુબાજુના ખડકો વિક્ષેપ પામે છે અને ફાટો ઉદભવે છે. એ જ રીતે પૃથ્વીના પોપડામાં કોઈ પણ પ્રકારનું ભૂસંચલન થાય ત્યારે વિવિધ પ્રકારની ફાટો ઉદભવે છે; દા.ત., ભૂકંપ, લાવાનાં પ્રસ્ફુટન. લાવા-પ્રસ્ફુટન ફાટ પ્રકારનાં હોઈ શકે છે. દક્ષિણ ભારતનો લાવાનો વિશાળ ઉચ્ચસપાટપ્રદેશ ફાટોમાંથી નીકળેલા લાવામાંથી બનેલો છે.

ગિરીશભાઈ પંડ્યા