ફાઝિલ, ગુલામ અહમદ (જ. 1916, શ્રીનગર) : વિખ્યાત કાશ્મીરી કવિ. શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. થયા પછી એમણે શ્રીનગરમાં જ શિક્ષકની નોકરી લીધી. એમને શિક્ષણ ઉપરાંત સંગીત અને અન્ય કલાઓમાં ફક્ત રુચિ જ નહિ, એમનો ઊંડો અભ્યાસ પણ ખરો. એ વિશે એમણે પુષ્કળ વાંચ્યું-વિચાર્યું જણાય છે.
1974માં એ નિવૃત્ત થયા તે પછી એમણે ‘ચમન’ નામે સાહિત્ય અને કલાવિષયક માસિક શરૂ કર્યું અને એમાં એમનાં કાવ્યો તથા લેખો પ્રગટ કરવા માંડ્યાં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સરૂર’ 1949માં પ્રગટ થયો. એમાં ઊર્મિકાવ્યો છે તથા તેમાં કાશ્મીર પર પાકિસ્તાનના 1948માં થયેલા આક્રમણ અંગેનું – ભારતવિભાજન અંગેનું ઘેરું દુ:ખ અસરકારક વાણીમાં વ્યક્ત થયું છે. 1958માં એમના ‘કલામે ફાઝિલ’(ફાઝિલની કવિતા)ના 5 ભાગ પ્રગટ થયા. એમાં વિવિધ પ્રકારનાં કાવ્યો છે. પ્રકૃતિપ્રેમનાં કાવ્યો, પ્રણયકાવ્યો, દેશની પરિસ્થિતિથી ઉત્પન્ન થયેલા ઘેરા વિષાદ સાથેનાં ચિંતનાત્મક કાવ્યો તેમજ પ્રયોગાત્મક કાવ્યો અને અછાંદસ કાવ્યો તેમાં છે. પશ્ચિમના અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ વગેરેનો પ્રભાવ પણ એમની કવિતામાં નજરે પડે છે. કાશ્મીરમાં પ્રગતિવાદી લેખકોએ સ્થાપેલા ‘કાશ્મીર કલ્ચરલ ફ્રન્ટ’ના તેઓ સક્રિય કાર્યકર્તા રહ્યા હતા અને કાશ્મીરી સાહિત્યમાં એ વાદોને અવતારવાનો પ્રયાસ કરનારા કવિઓમાં એમનો ફાળો મહત્વનો રહ્યો છે. 1959માં એમનો ‘સાગરે મસ્તી’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો, તેમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો, વર્ષા, નદી, સરોવર ઇત્યાદિ જલનાં રૂપો માનવચિત્તમાં જે સંવેદના જગાડે છે તેનું ચિત્તાકર્ષક નિરૂપણ છે. ‘તરાનાએ બુલબુલ’(1959)માં પ્રણયગીતો છે. ‘કારવાં’(1967)માં વિષયો તથા નિરૂપણરીતિમાં પરંપરાનું અનુસરણ છે, જ્યારે ‘યકીન’(1961)માં ચિંતનપ્રધાન કાવ્યો છે. ‘અનવારે મુહંમદી’(1970)માં એમની ભક્તિકવિતા છે. 1979માં ‘કહકશાં’ નામનો એમનો બાલકાવ્યોનો સંગ્રહ થયો ને તેને માટે ભારતના શિક્ષા મંત્રાલય તરફથી એમને પુરસ્કાર આપવામાં આવ્યો. એમણે ‘તસવીરે હજ’માં એમની હજયાત્રાનું વર્ણન કર્યું છે. ગુરુ નાનકની કવિતા ‘જપજી’નું એમણે કાશ્મીરીમાં ભાષાન્તર કર્યું હતું, જે 1975માં પ્રગટ થયું. એ માટે પંજાબ સરકારે તથા કાશ્મીર સરકારે એમને પુરસ્કાર આપ્યો હતો. આ રીતે સ્વાતંત્ર્યોત્તર કવિતામાં ફાઝિલ અહમદે કાશ્મીરી કવિતાને નવો વળાંક આપ્યો અને વિષય અને નિરૂપણ રીતિના સફળ પ્રયોગો કર્યા છે.
ચન્દ્રકાન્ત મહેતા