ફાજલ ઉત્પાદન-શક્તિ : ઉત્પાદન એકમની સ્થાપિત શક્તિ તથા તેમાંથી ખરેખર ઉપયોગમાં લેવાતી શક્તિ વચ્ચેનો તફાવત. પેઢી કે ઉત્પાદન-એકમમાં વપરાતી યંત્રસામગ્રીને જો સુયોગ્ય રીતે ચલાવવામાં આવે તો ચોક્કસ સમય-ગાળા (દિવસ, માસ, વર્ષ) દરમિયાન તે જે અધિકતમ ઉત્પાદન આપી શકતી હોય તેને તેની સ્થાપિત શક્તિ (established capacity) કહેવામાં આવે છે. તેમાંથી તે પેઢી તે સમય દરમિયાન જેટલું ખરેખર ઉત્પાદન કરતી હોય તેને ઉપયોગમાં લેવાતી શક્તિ (utilized capacity) કહેવામાં આવે છે. આ સ્થાપિત શક્તિ તથા ઉપયોગમાં લેવાતી શક્તિના તફાવતને ફાજલ ઉત્પાદનશક્તિ કહેવામાં આવે છે.
ઘણી પેઢીઓ કે ઉત્પાદન-એકમોમાં સ્થાપિત શક્તિ કરતાં ઉપયોગમાં લેવાતી શક્તિ ઓછી હોય છે. તેનાં કેટલાંક કારણો હોય છે; જેમ કે કાચો માલ પૂરતા પ્રમાણમાં અને સમયસર ન મળતો હોય, મજૂરોનો પૂરતો સહકાર ન મળતો હોય કે તેઓ અવારનવાર ગેરહાજર રહેતા હોય, બજારમાં ઉત્પન્ન થતી વસ્તુ માટેની પૂરતી માગ ન હોય, તો પેઢી કે ઉત્પાદન-એકમ પાસે ફાજલ ઉત્પાદન શક્તિ રહે છે. ઘણી વખત ઉત્પાદક ઇજારાશાહી ધરાવતો હોય તો તે ઉત્પાદિત વસ્તુની ઊંચી કિંમત લેવા માટે પણ ઉત્પાદન ઓછું કરે છે, અને એ રીતે તેની કેટલીક ઉત્પાદનશક્તિને તે ફાજલ રાખે છે.
પેઢીના અર્થશાસ્ત્રીય વિશ્લેષણ પ્રમાણે ઇજારાશાહીમાં અપૂર્ણ કે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની ફાજલ ઉત્પાદનશક્તિ ઉદભવે છે. એટલે કે બજારની આ સ્થિતિમાં પેઢીમાં સરેરાશ ખર્ચ ન્યૂનતમ થાય તે બિંદુ સુધી ઉત્પાદન થતું નથી. આ એક શાસ્ત્રીય મુદ્દો છે, જેની સમજૂતી નીચેની આકૃતિની મદદથી આપી શકાય.
AR = સરેરાશ આવક-રેખા કે માગ-રેખા છે. AC = સરેરાશ ખર્ચની રેખા છે, જેનું ન્યૂનતમ બિંદુ K છે. MC સીમાન્ત ખર્ચની રેખા છે અને MR સીમાન્ત આવકની રેખા છે. ઉત્પાદક OM જેટલું ઉત્પાદન કરીને તે PM જેટલી ઊંચી કિંમતે વેચીને PQRS નફો મેળવે છે અને પરિણામે ઉત્પાદન ON જેટલું (ન્યૂનતમ સરેરાશ ખર્ચે) થવાને બદલે OM જેટલું થાય છે. એટલે ON – OM = MN જેટલી ફાજલ શક્તિ રહે છે. આ એક સૈદ્ધાંતિક તારણ છે.
વ્યવહારુ વ્યાખ્યા પ્રમાણે દેશમાં ઘણા ઉદ્યોગો અને ઘણા એકમોમાં જો 15 % કે 20 %થી વધારે ઉત્પાદનશક્તિ ફાજલ રહેતી હોય તો તે દુર્વ્યય છે, કારણ કે તેમાં નવી યંત્રસામગ્રી ઉમેર્યા વિના ઉત્પાદન અને રોજગારી વધારી શકાય છે.
ભારતમાં 1991માં બિન-ટકાઉ ગ્રાહકીય ચીજોના ઉત્પાદનમાં ફાજલ શક્તિ 6%થી 93% સુધીની હતી. જ્યારે બિયર(દારૂ)ના ઉત્પાદનમાં સ્થાપિત શક્તિ કરતાં પણ વધારે ઉત્પાદન 105% જેટલું હતું. ગ્રાહકીય ટકાઉ ચીજોના ઉત્પાદનમાં ફાજલ શક્તિ 5 %થી 95 %ની મર્યાદામાં હતી જ્યારે પૅસેન્જર-કારના ઉત્પાદનમાં સ્થાપિત શક્તિ કરતાં 17 % વધારે ઉત્પાદન થતું હતું. મૂડીગત ઉત્પાદન(capital goods)માં 1991માં ફાજલ શક્તિ 8 %થી 94 % જેટલી હતી. પણ સિમેન્ટ મશીનરીમાં સ્થાપિત શક્તિ કરતાં 99 % વધારે, રબ્બર મશીનરીમાં 51 % વધારે અને મશીન ટૂલ્સમાં 132% વધારે ઉત્પાદનશક્તિ વપરાતી હતી. આ રીતે ફાજલ શક્તિ ઘણા ઉદ્યોગોમાં વધુ હતી; જ્યારે કેટલાક ઉદ્યોગોના એકમો સ્થાપિત શક્તિ કરતાં પણ વધારે ઉત્પાદન કરતા હતા.
શાંતિલાલ બ. મહેતા