ફલ્યુરોમયતા (flurosis) : લાંબા સમય સુધી પીવાના પાણીમાં ભારે માત્રામાં ફ્લોરાઇડ દ્રવ્યોને લેવાથી થતો રોગ. ચોક્કસ વિસ્તારના અનેક લોકો એક જ પ્રકારના જળાશયમાંથી પાણી લેતા હોય છે. તેને કારણે સ્થાનિક ર્દષ્ટિએ એક વ્યાપક અને વસ્તીસ્થાયી રોગ (endemic disease) તરીકે તે જોવા મળે છે. મુખ્યત્વે તે હાડકાંને નબળાં તથા પોચાં કરે છે અને દાંતના ચમકતા આવરણ પર ડાઘા પાડે છે. ફ્લોરાઇડ દ્રવ્યોની ઝેરી અસર થાય તેમાં કેટલાંક પરિબળો કાર્ય કરે છે. મુખ્ય પરિબળ પીવાના પાણીમાં તેનું વધુ પ્રમાણ હોવું તે છે. લાંબા સમય સુધી આવું પાણી પિવાતું હોય અને ખાસ કરીને ગરમ પ્રદેશ હોય (જેથી વધુ પાણી પિવાય) ત્યારે આ વિકાર થવાની સંભાવના વધે છે. આવા વિસ્તારની પ્રોટીન તથા ઊર્જા(કૅલરી)ની ઊણપ હોય તેવી વ્યક્તિઓમાં તે વધુ જોવા મળે છે.

ભારતમાં તેને અંગેની નોંધ છેલ્લા 6 દાયકાથી લેવામાં આવી રહેલી છે. ભારતમાં કુલ 15 રાજ્યોમાં તે વસ્તીસ્થાયી રોગ તરીકે સ્વીકારાયેલો છે. તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં 50 %થી વધુ જિલ્લાઓ અસરગ્રસ્ત છે. પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારમાં 30 %થી 50 % જિલ્લાઓમાં તે વ્યાપક છે. જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, કેરળ અને ઓરિસામાં 30 %થી ઓછા જિલ્લા અસરગ્રસ્ત છે. ભારત ઉપરાંત આર્જેન્ટિના, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા, મોરૉક્કો, અલ્જિરિયા, લિબિયા, ઇજિપ્ત, જૉર્ડન, સિરિયા, તુર્કસ્તાન, ઇરાક, ઈરાન, પાકિસ્તાન, કેન્યા, ટાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા, ચીન, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, જાપાન અને થાઇલેન્ડના એમ બીજા 20 દેશોનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેની સમસ્યા મહત્વના તબક્કે પહોંચેલી છે.

આકૃતિ 1 : ફલ્યુરોસિસથી ઉદભવતી વિકલાંગતા

વિશ્વમાં વ્યાપક રીતે જોવા મળતાં રાસાયણિક તત્વોમાં ફ્લોરિનનું સ્થાન 13મું છે. એ સૌથી વધુ શક્તિશાળી ઑક્સિદાયી તત્વ પણ ગણાય છે. તેનાં સંયોજનને ફ્લોરાઇડ કહે છે. તે હાડકાં અને દાંતમાંના કૅલ્શિયમ સાથે સંયોજાય છે. અન્ય પેશીમાંના કૅલ્શિયમ સાથે પણ તે સંયોજાય છે. તે પાણી, ખોરાક, હવા, દવા તથા સૌંદર્યપ્રસાધન રૂપે શરીરમાં પ્રવેશે છે. તેનાથી ઉદભવતી આરોગ્યલક્ષી સમસ્યા પાણીમાંના તેના પ્રદૂષણને કારણે છે. ભારતમાં 6 મહિનાથી 1 વર્ષ સુધી આવા પ્રદૂષિત પાણીનું સેવન વિકાર સર્જે છે. ક્યારેક ઉદ્યોગમાં તેના વપરાશને કારણે હવાનું પ્રદૂષણ પણ થાય છે. અસ્થિછિદ્રલતા(osteoporosis)ની સારવારમાં તથા દંતમંજન માટેના પાઉડર કે પેસ્ટમાં તે વપરાય છે.

લક્ષણો અને ચિહ્નો : દાંત, હાડકાં, ચેતાતંત્ર, મૂત્રમાર્ગ, મૃદુપેશી (soft tissue) તથા અન્ય અવયવોમાં તેની ઝેરી અસર જોવા મળે છે. દાંતના મોઢામાં દેખાતા ભાગને દંતમુકુટ કહે છે. તેના પર મોતી જેવું ચળકતું કઠણ આવરણ (enamal) હોય છે. ફ્લોરાઇડનું પ્રમાણ વધે ત્યારે તે ઓછું વિકસે છે. તેને તેનું અલ્પવિકસન કહે છે. ખાસ કરીને નીચલા જડબાના છેદક દાંતો(incisors)માંનું કૅલ્શિયમ ઘટે છે. તેને અલ્પકૅલ્શીકરણ (hypocalcaemia) કહે છે. તેને કારણે દાંત છીંકણી રંગના બને છે અને તેના પર નાના નાના ખાડા પડે છે. હાડકાંમાં ફ્લોરાઇડ જમા થવાને કારણે દુખાવો થાય છે, કરોડસ્તંભ અને અન્ય સાંધાઓ અક્કડ થઈ જાય છે અને હાથપગમાં ખાલી ચઢવી કે ઝણઝણાટી થવી જેવી પરાસંવેદનાઓ (parasthesias) થાય છે. હાડકાંમાં અનિયમિત રૂપે કૅલ્શિયમની જમાવટ થતી હોવાથી પગના નળાના હાડકામાં, ખભા પાસેના હાડકામાં તથા કરોડસ્તંભના મણકાના કંટકપ્રવર્ધો(spines)માં નાના ટેકરાઓ જેવો હાડકાનો કોઈ ભાગ ઊપસી આવે છે. તેને ઉદાસ્થિઓ (exostosis) કહે છે. પગ અને અગ્રભુજાનાં બંને હાડકાંઓ વચ્ચેના આંતરાસ્થિપટલ(interosseous membrane)માં કૅલ્શિયમ જમા થાય છે. હાથપગના સાંધા વળી જાય છે તેને અચલ વક્રન(fixed flexion)ની કુરચના કહે છે. પીઠમાં પાછળ તરફ ઊપસી આવતી પશ્ચગામી ખૂંધ (kyphosis) થઈ આવે છે. વિકૃતિઓને કારણે કરોડસ્તંભમાં કરોડરજ્જુ દબાય છે, તેને કારણે કોઈક કોઈક સ્થળે ચામડીમાં બહેરાશ આવી જાય છે, સ્નાયુઓ સતત અતિસજ્જ (hypertonic) રહે છે, સ્નાયુતંતુઓના પુંજોમાં સંકોચનો થતાં રહે છે (fasciculations) અને તે પાતળા પડે છે (wasting). મૂત્ર અને મળમાર્ગની ક્રિયાઓનું નિયમન કરતા દ્વારરક્ષકો(sphinters)નું નિયંત્રણ ઘટી જાય છે. ક્યારેક મગજને લોહી પહોંચાડતી ધમનીઓ પણ દબાય છે અને તેને કારણે સંતુલન જાળવવાનું નાના મગજનું કાર્ય વિકારયુક્ત થાય છે. ક્યારેક માથું હાલ્યા કરે, હાથપગની ચેતાઓમાં વિકાર ઉદભવે છે કે ચેતાઓના વિકારને કારણે સાંભળવાનું ઘટી જાય છે.

આકૃતિ 2 : અ, ઇ અને ઉ – સામાન્ય માણસ દ્વારા કેડ, ડોક અને હાથનું સામાન્ય હલનચલન. ફલ્યુરોમયતાને કારણે (આ) આગળ વળવામાં મુશ્કેલી, (ઈ) ડોકને વાળીને, ચિબૂકને છાતી સાથે અડાડવામાં મુશ્કેલી અને (ઊ) હાથને માથાના પાછલા ભાગને અડાડવામાં મુશ્કેલી.

જો ઉગ્ર પ્રકારની ઝેરી અસર થઈ હોય તો દર્દી વારંવાર પેશાબની હાજતે જાય છે, તેને વારંવાર તરસ લાગે છે તથા તેને રાતે પેશાબ માટે ઊઠવું પડે છે. લાંબા સમયની ઝેરી અસરને કારણે મૂત્રપિંડશોથ (nephritis) અને મૂત્રપિંડની નિષ્ફળતા થઈ આવે છે. ફ્લોરિનના આયનો આયોડિનના આયનો સાથે સ્પર્ધા કરીને તેમનું અવશોષણ ઘટાડે છે, માટે ક્યારેક ગલગ્રંથિ(thyroid gland)નાં કાર્યોમાં ઊણપ વર્તાય છે. કેટલાક દર્દીઓના લોહીમાં હીમોગ્લોબિન ઘટે છે (પાંડુતા, anaemia) અને કેટલાકની ધમનીમાં સતંતુમેદકાઠિન્ય- (atherosclerosis)નો વિકાર થઈ આવે છે. આ ઉપરાંત અન્ય લક્ષણોમાં કબજિયાત, કેશમૂળમાં ચેપનાં નાનાં ગૂમડાં, શીળસ, વાળ ખરી જવા તથા નખ બરડ થઈ જવા જેવી તકલીફોનો પણ સમાવેશ થાય છે.

આકૃતિ 3 : (અ) ઘરે પાણીમાં ફ્લોરાઇડ ઘટાડવા માટે વપરાતી પદ્ધતિ. (1) 40 લિટર પાણી સમાય એવી બાલદી, (2) ઍલમ, બ્લીચિંગ પાઉડર અને ચૂનાનું ઉમેરણ, (3) હળવેથી 10 મિનિટ માટે વલોવણ, (4) 1 કલાક પછી વપરાશ માટે પાણી મેળવવું. (આ) જાહેર વિતરણ માટેના પાણીમાંથી ફ્લોરાઇડ કાઢવાનો પ્લાન્ટ : (1) કૂવા કે અન્ય સ્થળેથી આવતું પાણી, (2) ચૂનો અને ઍલમ સાથે મિશ્રણ, (3) બ્લીચિંગ પાઉડર સાથે મિશ્રણ અને ઠારણ, (4) ઉપરનું પાણી નિતારવું, (5) ગાળણ, (6) ઊંચાઈ પરની ટૅન્ક અને (7) પાણી-વિતરણ

નિદાન અને સારવાર : લાક્ષણિક તકલીફો તેમજ લોહી-પેશાબ તથા ઍક્સ-રેની તપાસ વડે નિદાન થાય છે. તેનું નિદાન વિવિધ રીતે થાય છે : (1) ડોક, પીઠ, કમર અને અન્ય સાંધાના હલનચલનમાં આવતી અક્કડતા અને તેમાં થતો દુખાવો; (2) દાંત ઝાંખા અને પીળા પડવા તથા તેમાં પીળી, છીંકણી કે કાળી રેખાઓ કે ડાઘા પડવા, તેમાં ખાડા પડવા કે દાંત પડી જવા તેમજ (3) ઊબકા, ઊલટી, પેટમાં દુખાવો, કબજિયાત તથા ક્યારેક ક્યારેક ઝાડા થવા વગેરે ત્રણેય બાબતોને વહેલા નિદાન માટેનાં લક્ષણો કે ચિહ્નો કહે છે. મૃદુપેશીમાં જમા થતું કૅલ્શિયમ પણ ઍક્સ-રે દ્વારા દર્શાવીને વહેલું નિદાન કરાય છે. કુલ 24 કલાકના પેશાબમાં 1.5 ભાગ ફ્લોરાઇડ/10 લાખ ભાગે (parts per million, ppm) હોય તો તે નિદાનસૂચક છે. હાડકાંમાં અસ્થિતંતુકાઠિન્ય(osteosclerosis)નો વિકાર થાય છે. કરોડસ્તંભના મણકા, નિતંબ (iliac) અને શ્રોણી(pelvis)નાં હાડકાંનાં ઍક્સ-રે-ચિત્રણોમાં તે સ્પષ્ટ દેખાય છે. તેથી તે એક સફેદ અને ઘસેલા કાચ (ground glass) જેવા દેખાય છે. હાડકાંના સાંધાના તંતુબંધો (ligaments) અને આંતરાસ્થિપટલોમાં પણ કૅલ્શિયમ જમા થયેલું જોવા મળે છે. લોહીમાં ફ્લોરાઇડનું પ્રમાણ 0.27 ભાગ/10 લાખ ભાગે કે તેથી વધુ હોય છે. લોહીમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ નામનો ઉત્સેચક પણ વધેલો જોવા મળે છે.

આ રોગની કોઈ નિશ્ચિત સારવાર નથી. માટે સારવાર મુખ્યત્વે લક્ષણલક્ષી (symptomatic) છે. જે કોઈ તકલીફ થાય તેમાં રાહત રહે તેવી સારવાર અપાય છે. ફ્લોરાઇડનું સેવન ઘટે તેની સલાહ અપાય છે. સારવારનો મુખ્ય હેતુ રોગ થતો અટકાવવાનો છે. તેને પૂર્વનિવારણ (prevention) કહે છે. પીવાના પાણીમાં ફ્લોરાઇડની માત્રા 0.5થી 0.8 ભાગ/10 લાખ ભાગે રહે કે તેથી ઓછી હોય તેવી વ્યવસ્થા કરાય છે. પીવાના પાણીમાં તેનું પ્રમાણ ઘટાડવાની વિવિધ રીતો શોધાયેલી છે. અન્ય વિસ્તારમાંથી પાઇપ દ્વારા પાણી લાવવાની કે ઊંડા કૂવા ખોદવાની પદ્ધતિઓ પણ વિકસાવાય છે. ખોરાકમાં વિટામિન–સી હોય અને કૅલ્શિયમની વધુ માત્રા હોય તો તે ફ્લોરાઇડની ઝેરી અસરો અટકાવે છે.

પૂર્વનિવારણની પદ્ધતિઓ : 1થી 1.5 ppના પ્રમાણમાં ફ્લોરાઇડથી દૂષિત પાણીને બદલે અન્ય અપ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવો જરૂરી ગણાય છે. તેવી રીતે સોપારી, તમાકુ, સિંધવ, કેટલીક દવાઓ તથા દંતમંજનોમાં ફ્લોરાઇડ વધારે હોય છે. તેમનો ઉપયોગ ન કરવાનું સૂચવાય છે. ફ્લ્યુરોમયતાનાં શરૂઆતનાં લક્ષણો અને ચિહ્નોને ન અવગણવાં એ પણ મહત્વનું છે. ઘરેલુ (domestic) કે સમુદાયલક્ષી અપફ્લ્યુરોકારી પદ્ધતિઓ (defloridation) વડે પીવાનું અને વપરાશનું પાણી ફ્લોરાઇડના પ્રદૂષણ વગરનું કરી શકાય છે. તે માટે નાલગોન્ડા પદ્ધતિનો વ્યાપક પ્રચાર કરાયેલો છે.

નાલગોન્ડા પદ્ધતિ સાદી અને સસ્તી રીત છે, જે કોઈ પણ સામાન્ય માણસને માટે સરળતાથી સ્વીકારી શકાય તેવી છે. તે ગૃહોપયોગી (domestic) અથવા સમુદાયલક્ષી એમ બંને રીતે કામમાં લઈ શકાય છે. તેને ‘ભરો અને વાપરો’ અથવા ‘સતત ઉપયોગમાં લો’ એમ બેઉ રીતે વાપરી શકાય છે. તે 1,500 મિગ્રા./લીટરથી પણ વધુ પાણી હોય કે 600 મિગ્રા./ લીટરથી વધુ કઠણતાવાળું પાણી હોય તો પણ વપરાય છે.

ઘરમાં 60 લીટર પાણી ભરાય તેવા પીપમાં જો નીચે 3થી 5 સેમી. જેટલી જગ્યા રહેતી હોય તેટલે ઊંચે ચકલી બેસાડેલી હોય તો તેમાં અપફ્લ્યુરોકારણ કરાય છે. સંભવિત પ્રદૂષિત પાણીમાં તેટલા જ પ્રમાણમાં ઍલ્યુમિનિયમ સલ્ફેટ દ્રાવણ (ઍલમ), ચૂનો (lime) અથવા સોડિયમ કાર્બોનેટ અને બ્લીચિંગ પાઉડર ભેળવવામાં આવે છે. પાણીમાંનું ફ્લોરાઇડ અને આલ્કલીનું પ્રમાણ જેટલું હોય તે પ્રમાણે તેમાં રસાયણો ભેળવાય છે. પ્રથમ ઍલમનું દ્રાવણ ભેળવીને તેને 20 મિનિટ સુધી ધીમે ધીમે હલાવવામાં આવે છે. ત્યારબાદ તેને 1 કલાક માટે સ્થિર થવા દેવામાં આવે છે, જેથી ફ્લોરાઇડવાળાં રસાયણો નીચે ઠરી જાય અને ઉપરનું નિતારેલું પાણી પીવાલાયક હોય છે. આવી રીતની મોટી ટાંકીમાં ઉપરથી પાણીનો પ્રવેશ રહે, તેમાં ઍલમ અને અન્ય દ્રવ્યો ઉમેરાતાં રહે અને તેમનું સતત મિશ્રણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને તેમાંથી નીચે ચોખ્ખું પાણી મેળવવાની વ્યવસ્થા કરીને તેને વસ્તીમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય છે. આ પદ્ધતિએ સમગ્ર વસ્તીને ફ્લૉરાઇડ વગરનું પાણી આપી શકાશે.

શ્યામલ કા. પુરાણી

શિલીન નં. શુક્લ