ફલ્ટન સમિતિ : ઇંગ્લૅન્ડમાં વહીવટી જાહેર સેવાઓની સુધારણા માટે 1968માં નિમાયેલ સમિતિ. તેનો મુખ્ય ઉદ્દેશ નવી શિક્ષણપદ્ધતિ તથા બદલાયેલી જવાબદારીઓના સંદર્ભમાં જાહેર સેવાઓમાં જરૂરી સુધારાઓ માટેની ભલામણ કરવાનો હતો.
વહીવટી તંત્રમાં સામાન્યજ્ઞ અને વિશેષજ્ઞ એમ બે મુખ્ય કાર્યશ્રેણી હોય છે. વહીવટના કુશળ સંચાલનમાં આ બે શ્રેણીઓમાંથી કોને પ્રાધાન્ય આપવું તે વિવાદનો વિષય રહ્યો છે. ઇંગ્લૅન્ડમાં 1958માં જૅમ્સ ફેજલરે પ્રથમ વાર આ બાબત પરત્વે ધ્યાન દોર્યું. 1968માં જાહેર સેવાઓ અંગેની ફલ્ટન સમિતિએ આ વિવાદને ધારદાર બનાવ્યો. સમિતિનું માનવું હતું કે માત્ર સામાન્યજ્ઞ વહીવટદારની નિમણૂક કે માત્ર વિશેષજ્ઞ વહીવટદારની નિમણૂક એ કોઈ પણ જાહેર સેવાનો ઉદ્દેશ ન હોઈ શકે, કારણ કે આ બંને કાર્યશ્રેણીઓ પરસ્પરની પૂરક હોય છે. આથી સમિતિએ સૂચવ્યું કે બંને શ્રેણીઓ વચ્ચે સંઘર્ષને સ્થાને સમન્વયપૂર્ણ સંબંધો હોવા જોઈએ, જેથી જાહેર સેવાઓને એકબીજાના ગુણો અને લાયકાતનો યોગ્ય લાભ પ્રાપ્ત થાય.
રક્ષા મ. વ્યાસ