ફલ્ટન, રૉબર્ટ (જ. 14 નવેમ્બર, 1765, લેંકેશાયર કાઉન્ટી, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 1815) : અમેરિકી શોધક, સિવિલ એન્જિનિયર અને કલાકાર. શાળાકીય અભ્યાસ બાદ ઝવેરાતના વેપારીને ત્યાં શિખાઉ કારીગર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે ત્યાં હાથીદાંત પર લઘુચિત્રો અને છબીચિત્રો (પોર્ટ્રેટ) કંડારવાની કળામાં નામના પ્રાપ્ત કરી. 1793 પછી તેમણે આ શોખ છોડી દીધો. અલબત્ત, પોતાના શોખ ખાતર તે ક્વચિત્ ચિત્રકળા પર હાથ અજમાવતા ખરા. 21 વર્ષની વયે તે વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં તેમણે વિજ્ઞાન, ગણિત અને એન્જિનિયરિંગના અભ્યાસમાં ઊંડો રસ દાખવ્યો. એ માટે જે પ્રવાસો ખેડ્યા તેથી તેમણે તેમની પ્રગતિની દિશા બદલી નાખી. તે ફ્રેંચ, ઇટાલિયન અને જર્મન ભાષાઓ પણ શીખ્યા.
શોધક તરીકે તેમણે બોટ પર અને વિશેષે સબમરીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દરિયાઈ યુદ્ધોમાં અને ચાંચિયાગીરીને અંકુશમાં રાખવામાં સબમરીનની શોધ કદાચ નિર્ણાયક નીવડે એવું તેમનું મંતવ્ય હતું, જે તેમની દીર્ઘષ્ટિનું દ્યોતક ગણાય. એમણે શોધેલી બોટ પાણી પર તરવામાં તો સફળ નીવડી, પરંતુ તે પાણીની અંદર પણ તરતી રહે તે માટે તેઓ સતત પ્રયાસ કરતા રહ્યા. અમેરિકાના તત્કાલીન રાજનીતિજ્ઞ અને ફ્રાંસ ખાતેના તેના એલચી રૉબર્ટ લિવિંગસ્ટનને આ પ્રયોગોમાં ભારે રસ પડ્યો. તેઓ તેના વ્યવસાયમાં ભાગીદાર બન્યા.
1803માં ફલ્ટને પૅરિસની સીન નદીમાં પ્રયોગાત્મક ધોરણે બોટ તરતી મૂકી પણ તેમનો તે પ્રયોગ સફળ થયો નહિ. તુરત જ, ફરીને થોડાક સુધારા સાથે તેમણે બીજું જહાજ તરતું મૂક્યું. તેમનો આ બીજો પ્રયાસ સફળ નીવડ્યો. 1807માં તેમણે ન્યૂયૉર્ક ખાતે ‘નૉર્થ રિવર’ સ્ટીમબોટનો પ્રયોગ કર્યો. આ સ્ટીમબોટ ‘ક્લેરમોન્ટ’ (Clermont) તરીકે જાણીતી બની હતી. હડસન નદીમાં ન્યૂયૉર્કથી આલ્બની સુધીની પ્રથમ ખેપમાં આ જહાજ સફળ રહ્યું. ત્યારબાદ થોડાક ફેરફાર સાથે આ જહાજને યાત્રીઓની સેવા માટે તરતું મૂકવામાં આવ્યું. આમ, ‘ક્લેરમોન્ટ’ વિશ્વનું પહેલું એવું જહાજ હતું જે વ્યવહારુ અને આર્થિક ર્દષ્ટિએ સફળ નીવડ્યું. આ સફળતા બાદ અમેરિકામાં ફલ્ટનની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો અને તેમણે ત્યારબાદ વરાળથી ચાલતાં યુદ્ધજહાજો પણ બાંધ્યાં.
આમ, સબમરીનની શોધ અને તેના વિકાસમાં ફલ્ટનનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે.
રક્ષા મ. વ્યાસ