ફલ્ટન, જૉન સ્કૉટ, બેરન (જ. 27 મે 1902, ડુંડી, સ્કૉટલૅન્ડ; અ. 14 માર્ચ 1986, થૉર્નટન ડાલે, નૉર્થ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ કેળવણીકાર.
તેમણે સેંટ એન્ડ્રુઝ અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સ ખાતે પ્રાધ્યાપક તરીકે થોડો સમય સેવાઓ આપી. બીજા વિશ્વયુદ્ધ (1939’–45) બાદ તેઓ યુનિવર્સિટી ઑવ્ વેલ્સના કુલાધિપતિ બન્યા, જ્યાં તેમણે અસાધારણ વહીવટી કુશળતા દર્શાવી, યુનિવર્સિટીના ઝડપી વિકાસની નીતિ અપનાવી અને સાઠીના દસકા દરમિયાન શરૂ થયેલી નવી યુનિવર્સિટીઓ માટે એક આદર્શ પૂરો પાડ્યો. તેઓ બ્રિટિશ યુનિવર્સિટીના એડ્મિનિસ્ટ્રેટર તથા સસેક્સ યુનિવર્સિટીના કુલાધિપતિ (1959’–67) તથા બ્રિટિશ સનંદી સેવાઓ માટેની સમિતિના સભ્ય હતા. 1968માં આ સમિતિએ આપેલ અહેવાલ ‘ફલ્ટન રિપૉર્ટ’ તરીકે જાણીતો બન્યો હતો, જેમાં તેમણે ઉચ્ચ કક્ષાની સનંદી સેવાઓ માટે ઊંચા વ્યાવસાયિક નૈપુણ્યની હિમાયત કરી હતી. ઇંગ્લૅન્ડના વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સને ‘ફલ્ટન રિપૉર્ટ’માં સૂચવાયેલ વૈજ્ઞાનિક અને વ્યવસાયી વહીવટદારોના ખ્યાલનો સ્વીકાર કર્યો હતો. તેઓ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન તથા યુનિવર્સિટી કાઉન્સિલ ફૉર હાયર એજ્યુકેશન ઑવરસીઝના ઉપાધ્યક્ષ પણ હતા.
રક્ષા મ. વ્યાસ