ફલ્ટન : મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રિયાસત. ઇતિહાસપ્રસિદ્ધ નિંબાળકર રજવાડાની તે રાજધાની હતું. સાતારા જિલ્લાના ઈશાન ખૂણે મહાડ–પંઢરપુર રાજ્યમાર્ગ પર સાતારાથી 60 કિમી. દૂર અને પુણેના અગ્નિ ખૂણે 150 કિમી. દૂર બાણગંગા નદીના કાંઠે તે વસેલું છે.
તેનો પ્રાચીન ઇતિહાસ અજ્ઞાત છે. હાલમાં જોવા મળતા અવશેષો પરથી લાગે છે કે યાદવકાળમાં ત્યાં ઘણાં મંદિરો બંધાયાં હશે. મહારાષ્ટ્રમાં પ્રચલિત મહાનુભાવ પંથનાં ઘણાં મંદિરો ત્યાં છે. ફલ્ટન મહાનુભાવ પંથનું કાશી ગણાય છે. ત્યાં શ્રી જબરેશ્વર નામનું એક અતિ પ્રાચીન મંદિર આવેલું છે, જે બારમી સદીમાં બંધાયું હોવાના પુરાવા પ્રાપ્ત છે. તદુપરાંત શ્રીચંદ્રપ્રભુ, શ્રીજ્ઞાનેશ્વર, શ્રીરામત્રિજટેશ્વર, શ્રીનાગેશ્વર અને શ્રીદત્ત જેવાં જાણીતાં મંદિરો પણ ત્યાં આવેલાં છે. ત્યાંનું પ્રસિદ્ધ શ્રીરામ મંદિર વાસ્તુશિલ્પની દ્રાવિડી શૈલી ધરાવે છે. આ સ્થાને પ્રત્યેક વર્ષે રામનવમીનો મોટો ઉત્સવ ઊજવવામાં આવે છે. વધુમાં ત્યાં 24 તીર્થંકરોની મૂર્તિઓ પણ જોવા મળે છે, જેને આધારે જૂના વખતમાં ત્યાં જૈન મંદિરો હોવાની સંભાવના દર્શાવવામાં આવે છે.
તે ખાંડ, દ્રાક્ષ અને કપાસનું મોટું વ્યાપારી મથક છે. દારૂ ગાળવાનાં કારખાનાં પણ તે ધરાવે છે. ઈ. સ. 1868માં ત્યાં ગ્રામપંચાયતની સ્થાપના થયા પછી ફલ્ટન શૈક્ષણિક અને અન્ય રીતે વિકાસ પામ્યું. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત ત્યાં મહિલાઓ માટેની ટ્રેનિંગ કૉલેજ (તાલીમી સંસ્થા) પણ છે.
માર્ચ 1948માં આ દેશી રિયાસતનું ભારતીય સંઘરાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારથી તે પ્રથમ મુંબઈ રાજ્યનો અને 1960થી મહારાષ્ટ્ર રાજ્યનો એક જિલ્લો છે.
રક્ષા મ. વ્યાસ