ફલી સામ નરીમાન

February, 1999

ફલી, સામ નરીમાન (. 10 જૂન 1929, રંગૂન, મ્યાનમાર) : બંધારણવિદ, કાયદાશાસ્ત્રી અને પ્રથમ પંક્તિના ઍડ્વોકેટ. મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અભ્યાસ કરી તેના સ્નાતક બન્યા. સોલી સોરાબજી, અનિલ દીવાન અને અશોક દેસાઈ જેવા કાયદાના ક્ષેત્રના ખેરખાંઓ તેમના સહાધ્યાયી અને મિત્રો હતા; તો વાય. વી. ચંદ્રચૂડ અને નાની પાલખીવાળા જેવા ખેરખાં પ્રાધ્યાપકો પણ આ કૉલેજમાં તેમને સાંપડેલા. ઉત્તમ પ્રાધ્યાપકો અને ઉત્તમ વિદ્યાર્થીઓ વચ્ચે અભ્યાસકાળમાં સ્થપાયેલો અનુબંધ જીવનભર તેમનો પથદર્શક રહ્યો. પારસી કોમની દરિયાવદિલી, સહાધ્યાયીઓ અને શિક્ષકો પાસેથી સાંપડેલી તર્કપૂર્ણ છણાવટશક્તિ તેમને અન્યના દૃષ્ટિબિંદુઓનો આદર કરવાનું શીખવવા સાથે વ્યક્તિગત અભિપ્રાયોમાં મક્કમ રહેવાનું શીખવતી. આ ગુણધર્મો તેમની જીવનભરની સોગાદ બની રહ્યા.

સામ નરીમાન ફલી

કારકિર્દીના આરંભના ટૂંકા ગાળામાં 1950માં તેઓ મુંબઈની વડી અદાલતમાં ઍડ્વોકેટ તરીકે પ્રવેશ્યા. તે પછી સર્વોચ્ચ અદાલતમાં વરિષ્ઠ ઍડ્વોકેટ તરીકેની તેમની નામના બંધાઈ. 2001માં કાયદાશાસ્ત્રી તરીકેની વ્યાવસાયિક કારકિર્દીનાં 50 વર્ષ તેમણે પૂરાં કર્યાં. ભારતમાં 26 જૂન, 1975ના રોજ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી ત્યારે તેઓ ભારતના વધારાના સૉલિસિટર જનરલ(એડિશનલ સૉલિસિટર જનરલ ઑવ્ ઇન્ડિયા)ના હોદ્દા પર હતા. આ તબક્કે જાહેર થયેલી કટોકટી તેમને વૈયક્તિક રીતે અને અંત:કરણથી માન્ય નહોતી; પરિણામે તુરત જ તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ‘લૉએશિયા’(LAWASIA – લૉ ઍસોસિયેશન ફૉર એશિયા ઍન્ડ ધ પૅસિફિક)ના તેઓ સ્થાપક હોવા સાથે 1979માં માનવ-અધિકારો અંગેની સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષ હતા. 1985-87 દરમિયાન તેઓ ‘લૉએશિયા’ના અધ્યક્ષ હતા. પબ્લિક યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ(પીયુસીએલ)ના પણ તેઓ સ્થાપક સભ્ય છે. આ ઉપરાંત ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવૉર્ડો અને હોદ્દાઓ તેમને એનાયત થયા છે.

તેઓ અસાધારણ વિનોદવૃત્તિ ધરાવે છે. જાહેર હિતના પ્રશ્નોને નિર્ભીક રીતે વાચા આપી ચર્ચા, અભિપ્રાયો કે વિવાદોમાં અલગ અભિપ્રાય ધરાવનારાઓ પ્રત્યે આદરપૂર્વક વર્તી શકે છે. સર્વોચ્ચ અદાલતમાં કોઈ કેસમાં અંતિમ અપીલનો તબક્કો હોય ત્યારે પણ તેઓ તેની મૌલિક રજૂઆત કરવાની સૂઝબૂઝ ધરાવે છે.

તેઓ ઉત્તમ વ્યાવસાયિક કારકિર્દી ધરાવવા ઉપરાંત રાજ્યસભાના સભ્ય છે. 1991થી બાર ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ છે. 1994થી ઇન્ટરનૅશનલ કાઉન્સિલ ફૉર કૉમર્શિયલ આરબિટ્રેશન-(ICCA)ના અધ્યક્ષ અને 1989થી પૅરિસમાં આવેલી ઇન્ટરનલ કૉર્ટ ઑવ્ આરબિટ્રેશન ઑવ્ ધ ઇન્ટરનૅશનલ ચેમ્બર ઑવ્ કૉમર્સ(ICC)ના ઉપાધ્યક્ષ છે. લંડન કૉર્ટ ઑવ્ ઇન્ટરનૅશનલ આરબિટ્રેશન(LCIA)માં 1998થી સેવાઓ આપે છે. બંધારણીય કાયદા, આંતરરાષ્ટ્રીય કાયદા, માનવ-અધિકારો જેવાં ક્ષેત્રોમાં તેમની કામગીરી નોંધપાત્ર છે. મે 1972થી જૂન 1975 સુધી તેઓ ભારત સરકારના વધારાના સૉલિસિટર જનરલ રહ્યા હતા. આ પૂર્વે તેમણે ઘણા અગત્યના હોદ્દાઓ પર સેવાઓ આપી છે, જેમાં ઇન્ટરનૅશનલ કમિશન ઑવ્ જ્યુરિસ્ટ્સ(ICJ)ની વહીવટી સમિતિના ચૅરમૅન, ‘લૉએશિયા’ 1985-87ના અધ્યક્ષ વગેરેનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 1991માં ‘પદ્મભૂષણ’ના સન્માનથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ વ્યાપક અને સફળ કામગીરી તેમને કાયદાના ક્ષેત્રના પ્રથમ પંક્તિના તજ્જ્ઞોમાં સ્થાન અપાવે છે.

રક્ષા મ. વ્યાસ