ફર (fir) : વનસ્પતિની અબાઇસ પ્રજાતિની વિવિધ સદાહરિત શંકુવૃક્ષ (conifer) જાતિઓ. તેમનું યુરોપ, ઉત્તર આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકાના પર્વતીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ધ્રુવ-પ્રદેશમાં તેની જાતિઓ સમુદ્ર-તલે (sea-level) થાય છે.

ભારતમાં વર્ગીકરણ વિદ્યાકીય અભ્યાસ મુજબ, Abies pindrow Royle અને A. spectabilis Spach. નામની બે જાતિઓ થાય છે. આ બંને જાતિઓ મુક્તપણે સંકરણ પામી બહુરૂપતા (polymorphism) દર્શાવે છે. તેમના સંકરણથી ઉદભવતી વસ્તીમાં પૈતૃક લક્ષણો વિવિધ પ્રમાણમાં સંયોજિત થયેલાં હોય છે. A. alba Mill., A. cephalonica Loud., A. cilicica Carr., A. grandis Lindl., A. nordmanniana Spach., A. pinsapo Boiss. અને A. religiosa Schlet. & Cham વગેરે શોભન જાતિઓનો તેમની આર્થિક ક્ષમતાના સંશોધન માટે પ્રવેશ કરવામાં આવ્યો છે.

A. Pindrow Royleને પિનડ્રો-ફર કે રૂપેરી (silver) ફર કહે છે. તે ઊંચું સદાહરિત વૃક્ષ છે અને શંકુ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. તેની ઊંચાઈ 75.0 મી. અને થડનો ઘેરાવો 7.0 મી. જેટલો હોય છે. તે હિમાલયમાં સમશીતોષ્ણ કાશ્મીરથી માંડી નેપાળ સુધી 2,100 મી.થી 3,600 મી.ની ઊંચાઈએ થાય છે. ‘સ્પ્રૂસ’ (Picea smithiana Boiss) નામનાં અન્ય શંકુવૃક્ષો ફરની સાથે ઊગતાં જોવા મળે છે. કેટલીક વાર તે દેવદાર (Cedrus deodara Loud), ભૂરું ચીડ (Pinus wallichiana Jackson) અને ઓક (Quercus spp) સાથે જંગલમાં મિશ્ર ઊગે છે. તેના શુદ્ધ સમાજ (pure community) મિશ્રિત વન (mixed forests) જેટલા વિસ્તૃત હોતા નથી. રૂપેરી ફરની સાથે સંકળાયેલી પહોળાં પર્ણો ધરાવતી જાતિઓમાં Quercus spp., Acer spp., Aesculus indica Colebr., Juglans regia Linn., Prunus padus Linn., Ulmus wallichiana Planch., વગેરેનો સમાવેશ થાય છે. શુદ્ધ વિસ્તારોમાં Rosa, Rubus, Salix, Strobilanthes અને Viburnumની જાતિઓ અને Skimmia arborscens T. Andrs. ex Gamble, Tharinocalamus spathiflorus Munro અને Parthenocissus semicordata Planch. રૂપેરી ફરની નીચે વૃદ્ધિ પામે છે.

આકૃતિ 1 : સદાહરિત શંકુવૃક્ષ ફર

ફર ઊંચું સદાહરિત વૃક્ષ છે અને તે શંકુ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. તેની ઊંચાઈ 75.0 મી. અને થડનો ઘેરાવો 7.0 મી. જેટલો હોય છે. કેટલીક વાર ઘેરો લીલો પર્ણસમૂહ વૃક્ષના સમગ્ર પ્રસ્તંભ(bole)ને ઢાંકે છે. તેની ઉપરની શાખાઓ સમક્ષિતિજ વિકસે છે; જ્યારે નીચેની શાખાઓ ઝૂકેલી હોય છે અને તેમના છેડાઓ ઉપરની તરફ વળેલા હોય છે. છાલ લીસી, તરુણ વૃક્ષોમાં બદામીથી માંડી રૂપેરી અને મોટાં વૃક્ષોમાં ભૂખરી બદામી અને ઊંડા ચીરાવાળી હોય છે. પર્ણો સોયાકાર, દીર્ઘસ્થાયી (persistent); તરુણ પર્ણો મૃદુ, ચપટાં, લગભગ 9.00 સેમી. લાંબાં, અધોનત (declinate) અને કુંતલાકાર ગોઠવાયેલાં હોય છે. ખુલ્લા પ્રરોહો પર તેઓ કંકતાકારે (pectinately) ગોઠવાયેલાં હોય છે. પુંશંકુઓ નિલંબશૂકી (catkin) સ્વરૂપે પર્ણના કક્ષમાંથી ગુચ્છમાં ઉત્પન્ન થાય છે. તેઓ અદંડી હોય છે. માદા શંકુ એકાકી, અગ્રસ્થ, અંડાકાર, 10.0થી 16.0 સેમી. x 4.0થી 7.5 સેમી.; પરિપક્વતાએ જાંબલી રંગમાંથી ઘેરા બદામી રંગનાં બને છે. શલ્ક (scale) પંખાકાર હોય છે. બીજ બદામી રંગનાં, ચળકતાં, સપક્ષ, પાંખો બીજની લંબાઈ કરતાં વધારે મોટી હોય છે.

તે ઠંડી ભેજવાળી પરિસ્થિતિમાં અને ઊંડી ફળદ્રૂપ ભૂમિમાં સારી રીતે ઊગે છે અને શુષ્ક અને છીછરી ભૂમિને ટાળે છે; છતાં કેટલીક વાર તે પહાડની ધારો પર થાય છે. આવી પરિસ્થિતિમાં તેની વૃદ્ધિ કુંઠિત હોય છે. 110 સેમી.થી 250 સેમી. વાર્ષિક વરસાદવાળી ભૂમિ તેની વૃદ્ધિ માટે અનુકૂળ ગણાય છે. સારી પિયત, છિદ્રાળુ અને ખનિજ ક્ષારોવાળી ભૂમિ ધરાવતી ક્યારીઓમાં તેના તરુણ રોપ તૈયાર કરવામાં આવે છે. રોપ 5.0 સેમી.થી 7.5 સેમી. ઊંચા બને ત્યારે પ્રથમ ઋતુમાં 8.0 સેમી. x 15.0 સેમી. અને બીજી ઋતુમાં 15.0 સેમી. x 15.0 સેમી.ના અંતરે ઉગાડવામાં આવે છે. લગભગ 3.5 વર્ષમાં તેની ઊંચાઈ 22 સેમી. થી 30 સેમી. જેટલી થાય છે અને વનમાં 2.5 મી. x 2.4 મી.ના અંતરે વાવવામાં આવે છે. નાઇટ્રોજન અને ફૉસ્ફેટિક ખાતરો તેમજ ઘેટાં-બકરાંનું લીંડીનું ખાતર તેને ખૂબ અનુકૂળ છે. પહેલાં ચાર વર્ષ સુધી નીંદામણ (weeding) અને ગોડ (hoeing) જુલાઈ અને સપ્ટેમ્બરમાં અને તે પછી ઑગસ્ટ માસમાં વર્ષે એક વાર કરવામાં આવે છે. થાયરિડની રાસાયણિક ચિકિત્સા આપી તેની અંકુરણક્ષમતા વધારી શકાય છે, તેમજ ફૂગનાશકો દ્વારા તેના મૃત્યુદર(mortality)નું નિયંત્રણ કરી શકાય છે.

આકૃતિ 2 : (અ) બૉલ્સમ ફર (A. balsmea) અને (આ) ફ્રેઝરફર(A. fraserii)ની શાખાઓ અને શંકુઓ

તેનું કાષ્ઠ શરૂઆતમાં સફેદ અને ચળકતું હોય છે. ત્યારબાદ તે આછું બદામી બને છે, જેમાં પહોળી અને વધારે ઘેરી રેખાઓ આવેલી હોય છે. તેના કાષ્ઠમાં રાળ હોવાથી કીટકો અને સડા સામે સારું રક્ષણ મળે છે. અંત:કાષ્ઠ (heartwood) સ્પષ્ટ હોતું નથી. તે ખૂબ હલકું (વિ.ગુ. 0.427–0.534; વજન 335થી 690 કિગ્રા./ઘમી.), સરખું દાણાદાર, મધ્યમ ગઠિત (medium textured) અને પોચું હોય છે.

સાગના કાષ્ઠની તુલનામાં રૂપેરી ફરના કાષ્ઠની ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 60–65; પાટડાનું સામર્થ્ય (strength) 55–70; પાટડાની દુર્નમ્યતા (stiffness) 70–85; સ્તંભ (post) તરીકેની ઉપયુક્તતા 65 –80; આઘાત-અવરોધક શક્તિ 60–65; આકારની જાળવણી 60–65; અપરૂપણ (shear) 60–80; કઠોરતા (hardness) 40–65; પેચ-ગ્રહણશક્તિ 60–65. સ્પ્રૂસની તુલનામાં સામર્થ્ય અને કઠોરતાની ર્દષ્ટિએ તેનું ઇમારતી કાષ્ઠ પાટડા તરીકે કે સ્તંભ તરીકે વધારે સારું ગણાય છે; છતાં તે દેવદાર કરતાં ઊતરતી ગુણવત્તાવાળું હોય છે. તેમાંથી કાગળનો માવો બનાવાય છે. ભૂતકાળમાંનાં તેનાં નૈસર્ગિક વનોમાં કાગળ-ઉદ્યોગ માટે ઘણા મોટા જથ્થામાં આ વૃક્ષોનું ઉચ્છેદન કરવામાં આવતું હતું. પરંતુ બીજાંકુરની ધીમી વૃદ્ધિ, નૈસર્ગિક પુનર્જનનમાં પડતી મુશ્કેલીઓ અને ઉચ્ચ ગિરિશિખરોના ભૂમિ-સંરક્ષણમાં આ જાતિની અગત્યને ધ્યાનમાં લેતાં કાગળ-ઉદ્યોગમાં ફરને બદલે અન્ય ઘણા વિકલ્પોને પસંદગી આપવામાં આવે છે. તેનું કાષ્ઠ વજનમાં હલકું હોવાથી વિમાન-ઉદ્યોગમાં તેની સારી માગ રહે છે.

તેના કાષ્ઠનો મંચ, છાપરું, તળિયાનું ફલક, ચોકઠાં, ટેકા, વળા, મોભ, ફળનાં ખોખાં, ચાની પેટીઓ, પેન્સિલ, ફોટા અને સ્લેટની ફ્રેમ, લૅમિનેટેડ બૉર્ડ વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. ટેક્સટાઇલ રેયૉન અને ટાયરની જાડી દોરીઓ બનાવવા માટે તેનું કાષ્ઠ સારો કાચો માલ ગણાય છે. સ્થાનિક લોકો તેના કાષ્ઠનો બળતણ તરીકે ઉપયોગ કરે છે.

તેનાં પર્ણો ચારામાં મિશ્ર કરવામાં આવે છે. બાષ્પ-નિસ્યંદનથી તેમાંથી આછું પીળું અને સુરભિત તેલ કાઢવામાં આવે છે. છાલના એક વિશ્લેષણ મુજબ, તે નિષ્કર્ષિતો (extractives) 8.1%; ટૅનિન 1.58%, કાર્બોદિતો 11.1%, લિગ્નિન 38% અને ભસ્મ 1.64% ધરાવે છે. છાલ 1.7% જેટલો મીણ જેવો પદાર્થ ઉત્પન્ન કરે છે. બજારનાં અગત્યનાં મીણ સાથે તેની તુલના કરવામાં આવે છે.

A. spectabilisને ભારતીય રૂપેરી ફર કે પૂર્વ હિમાલયન ફર કહે છે. A. pindrow કરતાં તે હિમાલયમાં વધારે ઊંચાઈ (4,500 મી.) સુધી જોવા મળતી જાતિ છે.

બળદેવભાઈ પટેલ

મૃગેન્દ્ર વૈષ્ણવ