ફર્હતુલ્મુલ્ક

February, 1999

ફર્હતુલ્મુલ્ક : દિલ્હીના સુલતાન ફિરોજશાહ તુગલુક અને સુલતાન નાસિરુદ્દીનનો ગુજરાતનો સૂબો. ફિરોજશાહે ગુજરાતના નાઝિમ (સૂબા) તરીકે તેની 1380માં નિમણૂક કરી. તેનું મૂળ નામ મલેક મુફર્રહ હતું. સુલતાને તેને ‘ફર્હતુલ્મુલ્ક’(રાજ્યનો આનંદ)નો ઇલકાબ આપ્યો હતો. તેણે 1380થી 1388 સુધી ફિરોજશાહના શાસન હેઠળ અને 1388થી 1391 દરમિયાન સુલતાન નાસિરુદ્દીનના શાસન હેઠળ નાઝિમ તરીકે ગુજરાતનો સારી રીતે વહીવટ કર્યો અને શાંતિને લીધે વેપાર-ઉદ્યોગની વૃદ્ધિ થઈ. ઈડરમાં આ વખતે રાવ રણમલ રાજ્ય કરતો હતો. ફર્હતુલ્મુલ્કની ખંડણીની માગણી તેણે નકારતાં તેમની વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં નાઝિમનો પરાજય થયો. તેના લશ્કરના 17,000 સૈનિકો માર્યા ગયા. સુલતાન નાસિરુદ્દીનની નબળાઈ અને આંતરકલહનો લાભ લઈને ફર્હતુલ્મુલ્ક આપખુદીથી વર્તવા લાગ્યો. તેણે મહેસૂલની રકમ ઘણાં વરસ સુધી મોકલી નહિ અને દિલ્હીનાં ફરમાનોની અવગણના કરી. તે સ્વતંત્ર હોય એમ વર્તતો હતો. પોતાની સત્તા મજબૂત કરવા તેણે રજપૂત ઠાકોરો અને રાજાઓ સાથે મૈત્રીસંબંધો બાંધ્યા અને હિંદુઓને ખુશ કરવાની નીતિ અપનાવી. તેથી મુસલમાન પ્રજા અને અમીરો તેની વિરુદ્ધ થઈ ગયા. તેણે ખંભાતના શ્રીમંત વેપારીઓને ત્રાસ આપ્યો હતો. આથી તેમણે દિલ્હીના સુલતાનને સૂબાના વર્તન વિરુદ્ધ ફરિયાદ કરી. તેથી સુલતાન નાસિરુદ્દીને તેના સ્થાને ઝફરખાનની નાઝિમ તરીકે નિમણૂક કરી. ઝફરખાને બે વખત ફર્હતુલ્મુલ્ક સાથે સુલેહ કરવા પ્રયત્નો કર્યા પણ તેમાં તે સફળ થયો નહિ. પરિણામે 1392માં તે બંને વચ્ચે લડાઈ થઈ. તેમાં ફર્હતુલ્મુલ્ક મરણ પામ્યો.

શિવપ્રસાદ રાજગોર