ફર્મી સ્તર (fermi level) : ધાતુના મુક્ત (કે વહન) ઇલેક્ટ્રૉનના સમૂહ માટે, નિરપેક્ષ શૂન્ય (T = 0) તાપમાને ઉચ્ચતમ અરિક્ત અથવા ભરાયેલ અવસ્થા દર્શાવતું ઊર્જાસ્તર. આ સંજોગોમાં ફર્મી સ્તરથી વધુ ઊર્જાના તમામ સ્તરો ખાલી હોય છે. ફર્મી સ્તરના ઊર્જા-મૂલ્યને ફર્મી ઊર્જા EF કહે છે. દા.ત., તાંબા (Cu) માટે EF = 7.06 eV છે. વ્યાપકપણે T ≠ 0 તાપમાને, ફર્મી સ્તર એ ઊર્જાનું એ મૂલ્ય છે કે જેને અનુરૂપ ફર્મી-ડિરાક વિતરણ (Fermi-Dirac distribution) વિધેય p (E) = ½ થાય છે. આ વ્યાપક વ્યાખ્યા અર્ધવાહકોને પણ લાગુ પડે છે.
એનરિકો ફર્મી (1901–1954) આ સદીના એક ખૂબ મેધાવી સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી હતા. આધુનિક ભૌતિકવિજ્ઞાનમાં તેમના નામથી ઘણી શોધો કે ભૌતિકરાશિઓ પ્રચલિત થઈ છે. ફર્મીએ પી. એ. એમ. ડિરાક (1901–1984) સાથે મળીને ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ સાધિત કર્યું હતું. અહીં ‘સ્ટેટિસ્ટિકસ’નો અર્થ છે એક ભૌતિક સિદ્ધાંત કે જે કણોના સમૂહ માટે ઊર્જા-વિતરણની સંભાવના આપે છે. ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સનું પાલન કરતા કણોને ‘ફર્મિયૉન’ કહેવામાં આવે છે, જેનાં સ્પિન 1⁄2 (દા.ત., ઇલેક્ટ્રૉન), 3⁄2…..વગેરે પૈકી હોય છે. આવા કણોને માટે ઊર્જા E હોવાની સંભાવના p (E) હોય તો ફર્મી-ડિરાક વિતરણ નીચેના સૂત્ર દ્વારા વ્યક્ત થાય છે.
જેમાં, EF ફર્મી સ્તર (કે ઊર્જા) છે. પ્રારંભે આપેલી વ્યાખ્યા મુજબ તેમજ ફર્મી-ડિરાક વિતરણ (સમીકરણ 1) મુજબ, T = 0 તાપમાને સંભાવના p (E)નો Eના વિધેય રૂપે આલેખ, આકૃતિ 1(a) પ્રમાણે મળે છે.
ફર્મિયૉન કણો પાઉલી પ્રતિબંધક (Pauli exclusion) સિદ્ધાંતને અનુસરતા હોવાથી એક તંત્રના તમામ કણો લઘુતમ ઊર્જાના સ્તરમાં સમાઈ શકે નહિ, તેથી કણો ઊર્જાના વધતા ક્રમમાં વિતરણ પામે છે. હવે T = 0 તાપમાને (આકૃતિ 1 (a) મુજબ) ઊર્જા E = EF સુધીના તમામ સ્તરો કણોથી ભરાયેલા હોય છે. એટલે કે તે માટે p (E) = 1 થાય છે. E > EF માટેના ઊર્જાસ્તરો ખાલી રહે છે અને ત્યાં p (E) = 0 થાય છે. આમ, T = 0 પર, ફર્મિયૉન તંત્રના કણની મહત્તમ ઊર્જાની સીમા એટલે ફર્મી સ્તર EF.
અન્ય કોઈ તાપમાને, ધારો કે T = 1000° Kએ, ફર્મી-ડિરાક વિતરણ સૂત્ર પરથી મળતો આલેખ આકૃતિ 1(b) પ્રમાણેનો હોય છે.
અત્રે જોઈ શકાશે તાપમાન શૂન્યથી વધતાં E = EFની નજીકના, અર્થાત્ ફર્મી સ્તરની નજીકના કણો (દા.ત., ધાતુના મુક્ત ઇલેક્ટ્રૉન) ઉષ્મીય પ્રક્ષોભ (thermal agitation) હેઠળ ઊર્જિત થઈને EFથી વધુ મૂલ્યના સ્તરોમાં સ્થાન લેવા લાગે છે. આ ઘટનાને સમુદ્રનાં મોજાં સાથે સરખાવી શકાય. બાહ્ય અસર હેઠળ સમુદ્રની સપાટી પર જ મોજાં ઊછળે છે. ઉદધિના ઊંડાણમાં પ્રક્ષોભની અસર થતી નથી.
ફર્મી-ડિરાક વિતરણ સૂત્રને રાસાયણિક વિભવ(chemical potential) m(T)ના રૂપમાં નીચે મુજબ વ્યક્ત કરી શકાય :
આમ, T = 0 પર રાસાયણિક વિભવનું મૂલ્ય તે ફર્મી ઊર્જા EF દર્શાવે છે. સંજ્ઞામાં
વ્યાપકપણે અન્ય કોઈ તાપમાને, ફર્મી સ્તર એટલે રાસાયણિક વિભવ μ(T)નું મૂલ્ય – એમ પણ કહી શકાય. વધુમાં નોંધીએ કે kT << EF હોય ત્યારે,
અહીં k બોલ્ટ્ઝમાન નિયતાંક છે. સમીકરણ (4) બતાવે છે કે જો તાપમાન T અતિશય ઊંચું ન હોય તો μ(T) એ લગભગ ફર્મી ઊર્જા EF જેટલું મૂલ્ય ધરાવે છે.
કમલનયન ન. જોશીપુરા