ફરેઇરા, માઇકલ

February, 1999

ફરેઇરા, માઇકલ (જ. 1 ઑક્ટોબર 1938) : ભારતના અગ્રણી બિલિયર્ડ ખેલાડી. 16 વર્ષની ઉંમરે બિલિયર્ડ રમવાનું શરૂ કર્યું હતું અને 10 વર્ષ પછી 26 વર્ષની ઉંમરે 1964માં તેનું પરિણામ પ્રાપ્ત થયું. 1964માં ન્યૂઝીલૅન્ડમાં રમાયેલ વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે 1964 પહેલાં તેઓ ક્યારેય રાષ્ટ્રીય વિજેતા બન્યા ન હતા. તેમની રમતની કારકિર્દી દરમિયાન કુલ સાત વખત રાષ્ટ્રીય બિલિયર્ડ-વિજેતા બન્યા હતા. 1977 સુધી, 39 વર્ષની ઉંમર સુધીમાં તેમણે કુલ છ વખત વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો, જેમાં ત્રણ વખત ફાઇનલમાં પ્રથમ અને બે વખત ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

1977માં મેલબૉર્નમાં યોજાયેલ વિશ્વ ઍમેચ્યોર બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં ઇંગ્લૅન્ડના બૉબ ક્લોઝને 2683–2564 ગુણથી હાર આપીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. તેમણે ફાઇનલમાં બૉબ ક્લોઝ સામે ઉચ્ચતમ 519 ગુણનો બ્રેક લીધો હતો.

1981માં વ્યાવસાયિક અને ઍમૅચ્યોર બિલિયર્ડ ખેલાડીઓ જેમાં ભાગ લેતા તે પ્રકારની ખુલ્લા વિભાગની બિલિયર્ડ ચૅમ્પિયનશિપ ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં યોજાઈ હતી. તેમાં ફરેઇરાએ ચૅમ્પિયનશિપ મેળવી પ્રથમ સ્થાન પાપ્ત કર્યું હતું.

1983માં વિશ્વ ઍમેચ્યોર બિલિયર્ડ ચૅમ્પિયનશિપ માલ્ટા દેશના વલેટા શહેરમાં યોજાઈ હતી, તેમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ચૅમ્પિયન બન્યા હતા. આમ તેઓ કુલ ત્રણ વખત વિશ્વ બિલિયર્ડચૅમ્પિયન બન્યા હતા. 1985માં દિલ્હીમાં યોજાયેલ 25મી વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના જ ગીત શેઠી સામે સેમિફાઇનલમાં તેઓ હારી ગયા હતા.

1970માં ભારત સરકાર તરફથી તેમને અર્જુન એવૉર્ડ અને 1984માં પદ્મભૂષણનો ખિતાબ પ્રાપ્ત થયો.

1978ના ડિસેમ્બર માસમાં તેમણે ઍમૅચ્યૉર બિલિયર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ચાર આંકડાનો 1,149નો બ્રેક મેળવીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. તેનો ઉલ્લેખ ‘ગિનિસ બુક ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્ઝમાં કરવામાં આવ્યો છે.

હર્ષદભાઈ પટેલ