ફરીદપુર (1) : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 22° 51´થી 23° 55´ ઉ. અ. અને 89° 19´થી 90° 37´ પૂ. રે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 6913 ચોકિમી. જેટલું છે. 2011 મુજબ અહીંની વસ્તી 19,12,969 જેટલી છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર ગંગાનાં ત્રિકોણપ્રદેશીય કાંપનાં મેદાનોથી બનેલો છે. આ મેદાની વિસ્તાર પદ્મા નદીરચનાના અનેક ફાંટાઓથી છેદાયેલો છે. ભૂપૃષ્ઠનો ઢોળાવ દક્ષિણતરફી છે. દક્ષિણ વિભાગની મોટાભાગની ભૂમિ જળમિશ્રિત પંકથી તરબતર રહે છે. વરસાદની મોસમ દરમિયાન તો તે જળબંબાકાર બની રહે છે. કેટલોક ભાગ નદીના કાંપથી ક્રમે ક્રમે પુરાતો જઈ નવસાધ્ય બનીને ખેતીયોગ્ય થયેલો છે.
આબોહવા : જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,650 મિમી. જેટલો પડે છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ઉનાળાનું સરેરાશ તાપમાન 28° સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 11° સે. જેટલું રહે છે.
ગામડાં નદીકાંઠે અથવા ટેકરાઓ પર વસેલાં છે. પદ્મા નદીનો જળમાર્ગ લોકોની અવરજવર તથા માલસામાનની હેરફેર માટેનું મુખ્ય સાધન છે. ડાંગર, શણ તેમજ થોડાક પ્રમાણમાં ઘઉં, કઠોળ, શેરડી અને તેલીબિયાં અહીંની કૃષિપેદાશો છે. વિશાળ પિટ-નિક્ષેપો પણ અહીં જોવા મળે છે.
શહેર : (1) ફરીદપુર જિલ્લાનું મુખ્ય મથક હોવા ઉપરાંત તે અહીંનું મહત્વનું નગર પણ છે. ભૌ. સ્થાન : 23° 36´ ઉ. અ. અને 89° 50´ પૂ. રે. તે પદ્મા નદીની શાખા મરા (મૃત) પદ્માના પશ્ચિમ કાંઠે આવેલું છે. તે ગોઓલુન્દો ઘાટને કલકત્તા સાથે જોડતી રેલશાખા પરનું છેલ્લું મથક છે. આ ઉપરાંત તે કુશ્તિયા, મેહેરપુર, ખુલના, બરીસાલ અને જેસ્સોર સાથે સડકમાર્ગોથી જોડાયેલું છે.
આ શહેરનું નામ મુસ્લિમ સંત ફરીદ-ઉદ્-દીન-મસૂદ પરથી પડેલું છે, તેમની કબર પણ અહીં આવેલી છે. 1869થી અસ્તિત્વ ધરાવતી નગરપાલિકા તેનો વહીવટ કરે છે. અહીં તાપવિદ્યુતમથક, શણની મિલો અને ઢાકા યુનિવર્સિટી સાથે સંલગ્ન પાંચ સરકારી કૉલેજો પણ છે.
ફરીદપુર (2) : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં બરેલી જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 28° 13´ ઉ. અ. અને 79° 33´ પૂ. રે. તે બરેલીથી અગ્નિ દિશામાં, દિલ્હીથી લખનૌ જવાના માર્ગ પર બરેલીથી શાહજહાનપુર વચ્ચે આવેલું છે. આ નગરની સ્થાપના એક કઠેરિયા રાજપૂતે કરેલી, પરંતુ પછીથી શેખ ફરીદના નામ પરથી તેનું નામ ફરીદપુર પડેલું છે. રુહેલા શાસનકાળ દરમિયાન ફરીદે અહીં એક કિલ્લો બાંધેલો. 2011 મુજબ વસ્તી 1,67,800 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા