ફરીદકોટ

February, 1999

ફરીદકોટ : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 1,453 ચોકિમી. જેટલો છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં ફીરોઝપુર જિલ્લો, પૂર્વ તરફ મોગા અને ભટિંડા જિલ્લા, દક્ષિણ તરફ ભટિંડા અને મુક્તસર જિલ્લા તથા પશ્ચિમે મુક્તસર જિલ્લાની સરહદો આવેલી છે.

ભારતના પંજાબ રાજ્યના ફરીદકોટ જિલ્લા અને શહેરનું ભૌગોલિક સ્થાન

પ્રાકૃતિક લક્ષણો : આખો જિલ્લો કાંપનાં મેદાનોથી બનેલો છે, ક્યાંક ક્યાંક રેતાળ વિભાગો પણ છે. જિલ્લાની જમીનો પશ્ચિમ તરફ રેતાળથી માંડીને પૂર્વ તરફ શુષ્ક ગોરાડુ પ્રકારની સમતળ છે. આ જિલ્લામાં થઈને કોઈ નદી વહેતી નથી, પરંતુ ભારે વરસાદની ઋતુ દરમ્યાન એટલી મુદત પૂરતાં નાળાં વહેતાં થઈ જાય છે. તે પૈકી ડંડાનાળું અને સોતા નાળું અગત્યનાં છે; આ ઉપરાંત નહેરોની ગૂંથણી પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ખેતી : આ જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. વસ્તીના મોટાભાગના લોકો ખેતીમાં રોકાયેલા રહે છે. ઘઉં, ડાંગર, જવ, જુવાર, બાજરી, શેરડી, કપાસ, મકાઈ, કઠોળ (ચણા), તેલીબિયાં (અળસી, રાઈ) તથા ફળો અહીંની કૃષિ પેદાશો છે. પંજાબ રાજ્યની 80% સિંચાઈવાળી જમીનોની તુલનામાં આ જિલ્લાની 73% વાવેતરયોગ્ય જમીનોને સિંચાઈ મળે છે. જિલ્લાનો 75% વિસ્તાર નહેરોથી સિંચાઈ મેળવે છે, બાકીનો 25% વિસ્તાર પાતાળકૂવા અને પંપ દ્વારા સિંચાઈ મેળવે છે. ખેડૂતો અને પશુપાલકો બળદ, આખલા,  ભેંસ, ઘોડા, ગધેડાં, ટટ્ટુ, ખચ્ચર, ઘેટાં, બકરાં અને ઊંટ પાળે છે. તાજેતરમાં મરઘાઉછેર પણ થાય છે.

ઉદ્યોગ-વેપાર : ખેતી-આધારિત ઉદ્યોગોનો અહીં વિકાસ થયો છે. જિનિંગ, પ્રેસિંગ, સ્પિનિંગ અને વણાટકામના, ડાંગર છડવાના, છીંકણી બનાવવાના, ઑઇલ એંજિન, ટ્રૉલી, ટ્રૅક્ટર અને તેના છૂટા ભાગોના, સાઇકલો અને તેના છૂટા ભાગોના, સીવવાના સંચાના, વીજળીના માલસામાનના તથા પોલાદના રાચરચીલાના એકમો અહીં વિકસ્યા છે. જિલ્લા-મથક ફરીદકોટ ખેતીની પેદાશોનું પણ વેપારી મથક બની રહેલું છે.

પ્રવાસન : ડેરા બાબા ફરીદ નામના સંત પરથી જિલ્લા, તાલુકા તથા નગરનાં નામ અપાયેલાં છે. ફરીદકોટમાં તેમનું મંદિર આવેલું છે. બધા જ ધર્મના લોકો આ મંદિરને માનની નજરથી જુએ છે. ઘણા લોકો દર ગુરુવારે અહીં દર્શને આવે છે તથા આસો માસની આઠમે સંતના જન્મદિને અહીં મોટો મેળો ભરાય છે. અહીં મંજ રાજપૂત રાજા મોકલસીએ 750 વર્ષ અગાઉ બાંધેલો એક કિલ્લો આવેલો છે. આ ઉપરાંત, મહેલ, અતિથિગૃહ અને જૂના રાજવીઓની સમાધિઓ પણ આવેલી હોવાથી તે પ્રવાસનનું કેન્દ્ર બની રહેલું છે. સ્વતંત્રતા પહેલાં અહીં ઘણા પ્રેક્ષકો સમાઈ શકે એવું વિક્ટરી સ્ટેડિયમ તે વખતના મહારાજાએ બંધાવેલું છે. વર્ષમાં અનેક તહેવારોએ જુદી જુદી જગાએ મેળાઓ ભરાય છે. નાભાના મહારાજા રિપુદમનને ગાદી પરથી ઉથલાવવા જ્યાં સંઘર્ષ થયેલો તે જૈતુ મંડી તથા 1924માં 500 માણસોના જથાને જ્યાં મશીનગનથી ઉડાવી દેવાયેલો તે જૈતુ ખાતેનું ગુરુદ્વારા અહીંનાં જાણીતાં સ્થાનો છે.

વસ્તી-વસાહતો : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 4,51,406 જેટલી છે, તે પૈકી શહેરી વસ્તી 1,49,905 અને ગ્રામીણ 3,01,501 છે. જિલ્લો સ્વાયત્ત દરજ્જાવાળા એક તાલુકા તથા બે સામૂહિક વિકાસ-ઘટકોથી બનેલો છે. તેમાં 3 નગરો અને 170 (તે પૈકી 5 વસ્તીવિહીન) ગામડાં છે. જિલ્લામાં 50% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. 6 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. પંજાબી અને હિન્દી એ બે મુખ્ય ભાષાઓનો ઉપયોગ થાય છે. અહીં શીખ, હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ તથા અન્ય ધર્મના લોકો રહે છે. જિલ્લામાં શિક્ષણ, દવાદારૂ, પાણી, તાર-ટપાલ આદિ સંદેશાવ્યવહાર, વીજળી, હાટ-બજાર અને રેલ-રસ્તાઓની જરૂરી સગવડો છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગો નં. 15, 16, 18 અને 19 પસાર થાય છે.

ઇતિહાસ : 1972માં આ જિલ્લાની સ્થાપના કરવામાં આવેલી. ફરીદકોટના જૂના દેશી રજવાડા પરથી આ જિલ્લાને પણ એ નામ અપાયેલું છે. જિલ્લામાં આવેલું મુખ્ય નગર ફરીદકોટ 750 વર્ષ અગાઉ રાજા મોકલસી દ્વારા સ્થપાયેલું હોવાનું કહેવાય છે.

શહેર : ભૌ. સ્થાન : 30° 40´ ઉ. અ. અને 74° 45´ પૂ. રે. તે લુધિયાણાથી પશ્ચિમ-નૈર્ઋત્ય તરફ 116 કિમી.ને અંતરે તથા ફીરોઝપુરથી દક્ષિણે 32 કિમી.ને અંતરે આવેલું છે. મુઘલ શહેનશાહ અકબરના સમયમાં ઉત્તર ભારતની લડાયક કોમના બુરાઈ જાટના ભલ્લાઓએ આ સ્થળ વસાવેલું. તે પછીથી તે અંગ્રેજોના તાબામાં ગયેલું, પરંતુ પંજાબના શીખ રાજકર્તા રણજિતસિંહે 1803માં તે કબજે કરી લીધેલું. 1809માં અમૃતસરની સંધિ થઈ તેમાં ફરીથી તે અંગ્રેજોના કબજામાં ગયું. જિલ્લાના મોટાભાગનાં ઔદ્યોગિક એકમો આ નગરમાં વિકસેલા છે અને તે જ કારણે તે આજુબાજુના વિસ્તારનાં ગામડાં માટેનું અનાજનું બજાર તથા વેપારી કેન્દ્ર બની રહેલું છે.

ગિરીશભાઈ પંડ્યા