ફરહાત શફિકા (જ. 26 ઑગસ્ટ 1931, નાગપુર, મહારાષ્ટ્ર) : ઉર્દૂ વ્યંગ્યકાર. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉર્દૂ અને ફારસીમાં એમ.એ., પત્રકારત્વનો ડિપ્લોમા તથા જીવાજી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભોપાલ યુનિવર્સિટીમાંથી ઉર્દૂના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયાં. તેઓ 198789 દરમિયાન ભોપાલ યુનિવર્સિટીના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં અધ્યક્ષા; છેલ્લાં 10 વર્ષ માટે મધ્ય પ્રદેશ અંજુમન તરક્કી-એ-ઉર્દૂનાં સેક્રેટરી; એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હ્યૂમન રાઇટ્સ, ભોપાલ જિલ્લા પાઇલોટ પ્રૉજેક્ટનાં નિયામક તરીકે રહ્યાં.
તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘લો આજ હમ ભી’; ‘રાગ નંબર’; ‘ગોલમાલ’ તેમના ઉલ્લેખનીય વ્યંગ્યાત્મક નિબંધો છે. ‘ચુન ચુન બેગમ’ (1993) (બાળવાર્તાઓ) અને ‘બચ્ચોં કે નાઝિર’ (1993) બાળકો માટેના ગ્રંથ છે.
તેમને ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ તથા રાજાજી સાહિત્ય એવૉર્ડ પ્રાપ્ત થયેલા.
બળદેવભાઈ કનીજિયા