ફરઝદક (જ. 641 બસરા, ઇરાક; અ. 732) : અરબી ભાષાના કટાક્ષકાર કવિ. તેમનું પૂરું નામ હમ્મામ બિન ગાલિબ સઅસઆ અને ઉપનામ ‘ફરઝદક’ હતું. આ ખ્યાતનામ પ્રશિષ્ટ કવિએ પ્રશંસા અને કટાક્ષ ઉપર આધારિત કવિતા માટે તેમના સમકાલીન અરબી ભાષાના બીજા બે વિખ્યાત કવિઓ અલ-અખ્તલ તથા જરીરની હરોળમાં સ્થાન મેળવ્યું છે.

ફરઝદક યુવાન વયે રાજ્યશાસકોના સંપર્કમાં આવ્યા હતા અને જ્યારે ઇસ્લામી સત્તા અરબ દ્વીપકલ્પમાં વિકાસ પામી રહી હતી ત્યારે તેના તદ્દન શરૂઆતના કાળમાં, તેમણે પોતાના વિચારો તથા ઉચ્ચ કોટિની કવિતા વડે અરબી ભાષા તથા સભ્યતાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ફરઝદક યુવાનીમાં મુસલમાનોના ચોથા ખલીફા હજરત અલી(રદિયુલ્લાહુ તઆલા અન્હૂ)ના સંપર્કમાં પણ આવ્યા હતા, પરંતુ તેમના પછી ખલીફાપદ ઉપર આવેલા ઉમય્યા વંશના હજરત મુઆવિયહ (રદિયુલ્લાહુ તઆલા અન્હૂ) અને તેમના સાવકા ભાઈ ઝિયાદ સાથે તેમને અણબનાવ રહ્યો હતો. પરિણામે તેમણે બસરા છોડીને મદીના જઈ ત્યાંના ગવર્નર હજરત સઈદ બિન અલ-આસ (રદિ.) પાસે આશરો લીધો હતો. તે ઇરાકના પ્રખ્યાત ગવર્નર તથા સુધારક હજ્જાજ બિન યૂસુફ (અ. 714) તથા અલ-મુહલ્લબ તથા યઝીદ બિન અલ-મુહલ્લબ જેવા રાજવીઓ સાથે પણ સંબંધ ધરાવતા હતા. તેમણે ક્યારેક તેમની પ્રશંસામાં તો ક્યારેક તેમની નિંદા કરતી કાવ્ય-રચનાઓ પણ આપી છે. ફરઝદકે નેવું વર્ષનું લાંબું આયુષ્ય ભોગવ્યું હતું અને તે દરમિયાન ઉમય્યા વંશના પ્રખ્યાત ખલીફાઓ અબદુલમલિક અને સુલેમાનની પ્રશંસામાં પણ કસીદા-કાવ્યો લખ્યાં હતાં. ફરઝદકની કવિતામાં તેમની ભાષા ઉપરની પકડ સાથે તેમના વ્યક્તિત્વની મર્યાદાઓ પણ છતી થાય છે. તેઓ સ્વાર્થી, બીકણ, આત્મપ્રશંસક અને દંભી હતા, પરંતુ જીવનનાં પાછલાં વર્ષોમાં તેમના સ્વભાવમાં પરિવર્તન આવ્યું હતું અને તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. તેમની ટૂંકી કાવ્યરચનાઓએ અરબી ભાષાને શબ્દસમૃદ્ધ કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી