ફતેહબાગ : સરખેજ નજીક જહાંગીરના સમયમાં ખાનખાનાને તૈયાર કરાવેલો પ્રખ્યાત બગીચો. જહાંગીર 5-1-1618થી એક માસ અને પાંચ દિવસ અમદાવાદમાં રહ્યો હતો ત્યારે તેણે આ બાગની બે વખત મુલાકાત લીધી હતી. શિયાળાના કારણે બગીચાનાં વૃક્ષોનાં પાંદડાં ખરી ગયાં હતાં, પણ ખાનખાનાનની પુત્રી બેગમ ખેરુન્નિસાએ બાદશાહ જહાંગીરની મુલાકાત પૂર્વે 400 કારીગરોને રોકીને મીણ અને વિવિધ રંગબેરંગી કાગળોનો ઉપયોગ કરીને કુદરતી ફળો અને પર્ણોથી લચી પડતાં વૃક્ષોનો આબેહૂબ દેખાવ ખડો કર્યો હતો. બાદશાહ ફળને હાથ લગાડવા જતાં બેગમે તેને અટકાવીને ખરી હકીકત જણાવી હતી. બાદશાહ અમદાવાદના કારીગરોએ બનાવેલ આબેહૂબ ફળફૂલ જોઈ અચરજ પામ્યો હતો. બાદશાહ અમદાવાદના કલાવંતોની આ કારીગરીથી ખુશ થયો હતો અને તેણે બગીચાને જીવંત બનાવનાર કલાકારો તથા બેગમને કીમતી ભેટો આપી તેમની કદર કરી હતી.
શિવપ્રસાદ રાજગોર