ફડકે, નારાયણ સીતારામ (જ. 4 ઑગસ્ટ 1894, કર્જત; અ. 22 ઑક્ટોબર 1978, પુણે) : મરાઠી લેખક. તલાટીના પુત્ર. પુણેની ફરગ્યુસન કૉલેજમાં અભ્યાસ. 1917માં તત્વજ્ઞાનનો વિષય લઈને એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ન્યૂ પુણે કૉલેજ(એસ.પી.કૉલેજ)માં વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ પામ્યા. તે પછી અસહકારનું આંદોલન શરૂ થતાં 1920માં કૉલેજ છોડી આંદોલનમાં ઝંપલાવ્યું અને જેલવાસ ભોગવ્યો. છૂટીને જાતજાતના વ્યવસાયમાં પડ્યા અને પછી કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને 1949માં ત્યાંથી નિવૃત્ત થયા.
તેઓ બહુમખી પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એમનું સાહિત્યિક સર્જન વિપુલ અને વૈવિધ્યપૂર્ણ છે. એમણે 30 વર્ષ સુધી અધ્યાપન કર્યું. એમણે સાહિત્યના ઘણા પ્રકારોમાં ખેડાણ કર્યું છે. તેમણે 70 ઉપરાંત નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, જીવનચરિત્રો, આત્મકથા અને વિવેચનસંગ્રહો આપ્યા છે. તેમની નવલકથાઓ યુવાપેઢીમાં ખૂબ લોકપ્રિય થઈ છે. કારણ કે એમનાં પાત્રોમાં યુવાન પાત્રોની સાહસવૃત્તિ, સંવેદનશીલતા તથા વિવિધ શક્તિઓનું સુપેરે નિદર્શન થયું છે. એમની મુખ્ય નવલકથાઓ છે : ‘જાદુગર’ (1928), ‘દૌલત’ (1929), ‘કોલાબાચી દાંડી’ (1925), ‘અટકેપાર’ (1931) ‘નિરંજન’ (1932) અને ‘પ્રવાસી’ (1937). એમની ‘પ્રવાસી’ નવલકથામાં 1908થી 1930 સુધીનાં રાષ્ટ્રીય આંદોલનોની પાર્શ્વભૂમિ છે. એનો નાયક રાજાભાઉ આંદોલનમાં સક્રિય ભાગ લે છે. ‘માઝ્યા સાહિત્યસવેતીલ સ્મૃતિ’ એમની આત્મકથા છે. એમણે લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, મૅઝીની અને ડી વેલેરાનાં જીવનચરિત્રો લખ્યાં છે. તેઓ ‘રત્નાકર’ અને ‘ઝંકાર’ સામયિકના સ્થાપક–તંત્રી હતા અને એમની નવલકથા એમાં ધારાવાહી રૂપે છપાતી હતી. રત્નાગિરિમાં 1940માં ભરાયેલા મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે તેઓ ચૂંટાયા હતા.
એમના સાહિત્યસર્જન માટે 1962માં ભારત સરકારે એમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ આપ્યો હતો. મરાઠી સાહિત્યમાં ‘લલિત નિબંધ’નો પ્રકાર એમણે શરૂ કર્યો અને વિકસાવ્યો. એમના નિબંધોમાં વિષય અને શૈલીનું પ્રચુર વૈવિધ્ય જોવા મળે છે. તેમનો ‘પ્રતિભાસાધન’ ગ્રંથ ખૂબ પ્રશંસા પામ્યો હતો.
ચન્દ્રકાન્ત મહેતા