ફટાણાં : લગ્નગીતોનો એક પ્રકાર. લગ્ન-પ્રસંગે ગવાતાં લોકગીતો તે લગ્નગીતો. ફટાણાં તેનો એક પ્રકાર હોઈ લોકસાહિત્યનો ગીતપ્રકાર છે.
‘ફટ્’ પરથી ‘ફટાણું’ શબ્દ આવ્યો છે. સામા પક્ષને બે ઘડી ‘ફટ્’ કહેવા, ફિટકાર આપવા ગવાતું ગાણું કે ગીત તે ફટાણું. વ્યવહારમાં તો ફટાણું એટલે ગાળનું ગાણું. રાજસ્થાનમાં પણ ફટાણાં ‘શાદી-બ્યાહ કી ગાલિયાં’ તરીકે ઓળખાય છે.
મધ્યકાલીન લોકજીવનમાં રૂઢિ-રિવાજોનાં બંધન કડક હતાં. લગ્ન પરણનારની ઇચ્છા મુજબ નહિ, પણ સામાજિક રીતરિવાજ અનુસાર થતાં. પોતપોતાની જ્ઞાતિમાં લગ્ન થાય અને તે ગોઠવનાર માબાપ અને કુટુંબના વડીલો હોય. એટલે એવું બનતું કે પરણનાર વર-કન્યા પરણતી વખતે જ પહેલી વાર એકબીજાને જોવા પામે. આ સંજોગોમાં વરકન્યા વચ્ચે પ્રેમ પેદા કરવાનું કામ લગ્નગીતો દ્વારા થતું. લગ્નટાણે સ્ત્રીઓના સામૂહિક કંઠે ગવાતાં લગ્નગીતો ગંભીર-કરુણ વાતાવરણ રચી શકતાં. એમાં હાસ્ય ને હળવાશ લાવવાના હેતુથી ફટાણાંનો રિવાજ આવ્યો હશે.
ફટાણાં સામા વેવાઈપક્ષને અર્થાત્ વર કે કન્યાનાં સગાંસંબંધીઓને બે ઘડી નીચાં દેખાડીને તેમને ગાણામાં ગાળ દઈને લગ્ન-પ્રસંગે હાસ્ય ને હળવાશ લાવવાનું કામ કરે છે. સામસામે ફટાણાં ગાઈને વર-કન્યાના પક્ષો ગમ્મતવિનોદ દ્વારા લગ્નનો લહાવો લે છે.
‘ફટાણાં’ હળવા શબ્દમારથી માંડીને અશ્લીલ ઉઘાડી ગાળ સુધી પહોંચે છે. હળવા ફટાણાનું ઉદાહરણ :
વરની ખાખરિયે ખોયો બાંધો રે વર તો ઊંઘે છે !
બે’ની(કન્યા)ની ચાંપલિયે ખોયો બાંધો રે બે’ની જાગે છે !
આમાં કન્યા કરતાં વરને ઊતરતો દેખાડ્યો છે. ગાળનું ઉદાહરણ :
લાડા, તારે ટૂંપૈયા એ ક્યાંના રે ?
તારી મા તો સોનીડાને ગઈ’તી રે.
ગઈ’તી પણ રાત જ વાસો રઈ’તી રે,
ફટ ભૂંડી, સોનીડો અભડાયો રે !
આ જ પ્રમાણે લાડીનેય ગાળ દેવાતી. ફટાણાંમાં સામા પક્ષને ઉતારી પાડવાનું કે ગાળ દેવાનું બે ઘડી ગમ્મત માટે હોય છે. લગ્નનો લહાવ લેવાની આ પ્રથા છે. સામા પક્ષનાં સગાં પર વહાલ ઢોળવાની આ આક્રમક રીત છે.
અશ્ર્લીલતાની હદ વટાવી જતાં હોવાથી ફટાણાંને ઝવેરચંદ મેઘાણીએ કુરૂઢિ તરીકે ઓળખાવીને એમને રસસાહિત્યની બહાર મૂક્યાં છે; પરંતુ મધ્યકાળથી કંઠોપકંઠ વહીને અર્વાચીન સમયમાં પણ ગવાતાં રહેલાં ફટાણાંએ સમાજજીવનમાં કુસંસ્કાર કે વિકૃતિને પોષવાનું કામ કર્યું નથી. ઊલટું, માણસની વિષયવાસના ને વિકૃતિના ભાવોનું વિમોચન કર્યું છે.
મધ્યકાળના ગ્રામજીવનમાંથી ઉદભવેલાં ફટાણાં ગવાતાં ગવાતાં આજના શહેરી પ્રદેશ સુધીય પહોંચ્યાં છે. આજના જમાનામાં જૂનાં ફટાણાંને અનુસરીને નવાં શહેરી ફટાણાં પણ આવ્યાં છે; પરંતુ અર્વાચીન યંત્રયુગમાં સિનેમા ને દૂરદર્શને પરિસ્થિતિને પલટી દીધી હોવાથી ફટાણાં ગામડાંમાંથીયે લુપ્ત થતાં જાય છે. આજના વીજાણુયુગમાં ફટાણાં ન ટકી શકે એ સ્વાભાવિક છે. એટલે ફટાણાંને તે લુપ્ત થાય તે પહેલાં (લગ્નપ્રસંગોએ પહોંચી જઈને) ધ્વનિમુદ્રિત કરી લેવાનું આવશ્યક ગણાયું છે.
ફટાણાંનો હેતુ ગમ્મત-વિનોદનો હોવાથી તેમનામાં સૂરની દ્રુતતા, પ્રાસની રમઝટ અને ટેકની પંક્તિની વિલક્ષણતા જેવાં લક્ષણો પ્રવેશ્યાં છે.
ફટાણાં સમાજજીવનના નબળા પાસા પર આંગળી મૂકી આપે છે.
પ્રાગજીભાઈ ભાંભી