ફટાકડા અને ફટાકડા-ઉદ્યોગ : આનંદપ્રમોદ તથા સામાજિક હેતુઓ માટે વપરાતી જ્વલનશીલ અને વિસ્ફોટક ચીજો અને તેને લગતો ઉદ્યોગ. ફટાકડા સળગાવવાથી અથવા તેમને આઘાત આપવાથી તે સળગી ઊઠે છે, પરિણામે ધડાકો, ધુમાડો તથા જુદા જુદા રંગ અને દેખાવવાળો પ્રકાશ ઉત્પન્ન થાય છે. ફટાકડા બનાવવામાં ત્રણ પ્રકારનાં દ્રવ્યો વપરાય છે : (1) ઑક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા માટે પોટૅશિયમ નાઇટ્રેટ અને પોટૅશિયમ ક્લૉરેટ જેવા ઉપચાયકો; (2) હવામાં સળગતી વખતે વિલક્ષણ અને અદભુત અસર ઊભી કરવા માટે ઉમેરવામાં આવતાં ભરતર લોખંડ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, મર્ક્યુરિક થાયોસાયનેટ કે સલ્ફોસાઇનાઇડ જેવાં વિશિષ્ટ દહનશીલ દ્રવ્યો તથા (3) રંગીન જ્યોત ઉત્પન્ન કરવા માટે સ્ટ્રૉન્શિયમ, કૅલ્શિયમ, બેરિયમ, તાંબું અને સોડિયમ ધાતુઓના ક્ષાર જેવા પદાર્થો.
ફટાકડાનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવે છે : (1) અવાજ કરીને ધડાકા સાથે ફૂટતા નાનામોટા ટેટા અને ટીકડીઓ; (2) રંગીન તણખા અને જ્યોત સાથે સળગતાં તારામંડળ, બપોરિયાં, ફૂલઝરી, કોઠી, ચકરડી અને સાપની ટીકડીઓ. આ બંને પ્રકારના મિશ્રણરૂપ ફટાકડામાં તડતડિયાં, હવાઈ સિસોટી અને રૉકેટનો સમાવેશ થાય છે. બધા પ્રકારના ફટાકડા સામાન્ય રીતે નીચે મુજબની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે.
ટેટા : ટેટા બનાવવા માટે 2 ભાગ પોટૅશિયમ ક્લૉરેટ, 1 ભાગ ઍલ્યુમિનિયમ પાઉડર અને 1 ભાગ ગંધક અથવા 4 ભાગ બેરિયમ નાઇટ્રેટ, 2 ભાગ ઍલ્યુમિનિયમ પાઉડર અને 1 ભાગ ગંધકનું મિશ્રણ કરીને દારૂની બારીક ભૂકી તૈયાર કરવામાં આવે છે. કાગળની મજબૂત નાનીમોટી ભૂંગળીમાં આ ભૂકી ભરીને તેના બંને બાજુના છેડાઓ ગડી પાડીને મજબૂત રીતે દબાવવામાં આવે છે. ત્યારપછી તેમાં એક તરફ પાતળા કાગળની દારૂની ભૂકી ભરેલી વાટ ખોસવામાં આવે છે. ભૂંગળી મજબૂત ન હોય અને તેમાં પોલાણ રહી ગયું હોય તો ટેટા બરાબર ફૂટતા નથી અને તેમનું સૂરસુરિયું થઈ જાય છે. વળી જો તે કોઈ વાર આડા ફૂટે તો ઈજા થવાની પણ સંભાવના રહે છે. ટેટાઓને પાતળા કાગળવાળી દારૂની ભૂકી ભરેલી લાંબી વાટ વડે ગૂંથીને તેમની સેર અથવા લૂમ બનાવવામાં આવે છે અને પાંચ કે દસ લૂમનાં પૅકેટ બનાવવામાં આવે છે.
ટીકડીઓ : કાગળના એક પડ ઉપર દારૂની ભૂકીની થોડી થોડી માત્રામાં વ્યવસ્થિત અંતરે ઢગલીઓ કરીને તેમના ઉપર સાવચેતીપૂર્વક કાગળનું બીજું પડ ચઢાવવામાં આવે છે. તૈયાર પડોમાંથી ગોળાકાર ટીકડીઓ કાપીને તેમને ડબ્બીમાં ભરીને દસ કે બાર ડબ્બીનાં પૅકેટ બનાવવામાં આવે છે. તૈયાર પડોમાંથી ટીકડીઓના લાંબી પટ્ટી આકારના રોલ પણ બનાવવામાં આવે છે.
તારામંડળ, બપોરિયાં, ફૂલઝરી, કોઠી અને ચકરડીઓ : દારૂની ભૂકીમાં વિવિધ ધાતુઓના ક્ષાર ઉમેરીને આ પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે. ફટાકડા સળગે ત્યારે ધાતુના ક્ષારના દહનથી જુદા જુદા રંગની જ્યોત અને તણખા દેખાય છે. સ્ટ્રૉન્શિયમ ક્ષાર ઉમેરવાથી લાલ, કૅલ્શિયમ ક્ષારથી નારંગી, બેરિયમ ક્ષારથી લીલો, તાંબાના ક્ષારથી વાદળી અને સોડિયમના ક્ષારથી પીળો રંગ દેખાય છે. મૅગ્નેશિયમ કે ઍલ્યુમિનિયમ ધાતુ ઉમેરવાથી તણખા, ચિનગારીઓ અને ચમકારા દેખાય છે.
સાપની ટીકડીઓ : મર્ક્યુરિક થાયોસાયનેટ, ગુંદર અને પોટૅશિયમ નાઇટ્રેટના મિશ્રણ વડે સાપની ટીકડીઓ બનાવવામાં આવે છે. જ્યારે તેમને સળગાવવામાં આવે છે ત્યારે આ દ્રવ્યોના દહનથી ટીકડીઓમાંથી 20થી 50ગણી માત્રામાં અવશેષ ઉત્પન્ન થાય છે તે લાંબા સાપના સ્વરૂપમાં દેખાય છે.
તડતડિયાં : મૅગ્નેશિયમ કાર્બોનેટ, ફૉસ્ફરસ અને ગુંદરનું મિશ્રણ બનાવીને કાગળની લાંબી પટ્ટી ઉપર વ્યવસ્થિત અંતરે તેની ઢગલીઓ કરવામાં આવે છે. તે સુકાય એટલે તડતડિયાંની પટ્ટી બને છે. કેટલીક વાર કાગળની પટ્ટીને બદલે પથ્થર અથવા ધાતુના ફલક ઉપર મિશ્રણની વ્યવસ્થિત અંતરે ઢગલીઓ કરવામાં આવે છે. તે સુકાય એટલે છૂટાં છૂટાં તડતડિયાં બને છે. તેમને ડબ્બીઓમાં ભરીને દસ દસ ડબ્બીઓનાં પૅકેટ બનાવવામાં આવે છે. તડતડિયાં ઘર્ષણથી સળગે છે ત્યારે તેમના ચમકારા અને તડ-તડ અવાજ જોવાનો અને સાંભળવાનો આનંદ આપે છે.
હવાઈ સિસોટી : કાગળની પોલી ભૂંગળીમાં અથવા ધાતુની ડબ્બીમાં પોટૅશિયમ પિક્રેટની ભૂકી ચુસ્ત રીતે ભરવામાં આવે છે અને તેમાં જામગરી ખોસવામાં આવે છે. આ ભૂકી સળગવાથી પુષ્કળ વાયુ ઉત્પન્ન થાય છે અને તેનો પ્રવાહ ભૂંગળી અથવા ડબ્બીમાંથી પ્રચંડ વેગે બહાર ધસધસતી વખતે તેને ધક્કો મારે છે તેથી હવાઈ સિસોટીની જેમ અવાજ કરતી આકાશ તરફ ઊડે છે.
રૉકેટ : કાગળની પોલી ભૂંગળીમાં બે ખાનાં બનાવીને એક ખાનામાં કોલસો, નાઇટર અને ગંધકની કરકરી ભૂકી અને બીજા ખાનામાં તે જ દ્રવ્યોની બારીક ભૂકી ચુસ્ત રીતે ભરવામાં આવે છે. રૉકેટને સળગાવવાથી પહેલાં કરકરી ભૂકીના દહનથી હવાઈની જેમ રૉકેટ પણ આકાશ તરફ ઊડે છે. નળી સાથે જોડેલી લાકડાની સળી રૉકેટને ઉડ્ડયનમાં સ્થિરતા આપે છે. તે સમયે કોલસાની ભૂકી સળગતી હોવાથી તેના તણખાવાળી પૂંછડી દેખાય છે. રૉકેટ ઉડ્ડયનની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે કરકરી ભૂકીનું દહન રૉકેટના ટોચકામાં ભરેલી બારીક ભૂકીને સળગાવે છે તેથી રૉકેટ ધડાકા સાથે ફૂટે છે.
આ બધા પ્રકારના ફટાકડાની ગુણવત્તાનું ધોરણ ભારતમાં નક્કી થયેલું નથી તેથી હાલમાં તે ઉત્પાદકના અંગત કૌશલ્ય ઉપર આધાર રાખે છે; પરંતુ બ્યુરો ઑવ્ ઇન્ડિયન સ્ટૅન્ડર્ડ્ઝ તે સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ફટાકડા સામાન્ય રીતે દીપાવલી જેવા તહેવારોમાં ફોડવામાં આવે છે; પરંતુ હવે લગ્ન, ચૂંટણીમાં વિજય, રમતગમત(ખાસ કરીને ક્રિકેટ)ની મૅચોમાં વિજય વગેરે પ્રસંગોએ શ્રીમંત તેમજ નિર્ધન વર્ગોમાં આનંદપ્રમોદના સાધન તરીકે ફટાકડા (ખાસ કરીને ટેટાની સેર અથવા લૂમ) ફોડવાનું વલણ જોવામાં આવે છે. આ ઉપરાંત દશેરાના તહેવાર ઉપર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંમાં ટેટા અને રૉકેટની ગૂંથણી કરીને તેમનું દહન કરવાનું વલણ પણ જોવામાં આવે છે.
ફટાકડાની શોધ ચીનાઓએ કરી હતી અને ત્યાંથી આરબો મારફતે યુરોપમાં પ્રસરી હતી તેમ માનવામાં આવે છે. ભારતમાં ફટાકડા ઉદ્યોગ વાસ્તવિક રીતે નિપુણ અને અર્ધનિપુણ કારીગરો પર આધારિત શ્રમઉદ્યોગ તરીકે વિકસ્યો છે; પરંતુ કેટલાંક સ્થળોએ ફટાકડાનું લઘુક્ષેત્ર ઉદ્યોગમાં ઉત્પાદન થાય છે, ત્યાં કાગળ કાપવાનાં યંત્ર, દળવાની ઘંટી, તાર કાપવાનું કે સીધા કરવાનું યંત્ર વગેરે પણ ઉપયોગમાં લેવાય છે.
ફટાકડા ઉદ્યોગનું નિયંત્રણ ભારત સરકારના ઇન્ડિયન એક્સપ્લોઝિવ અધિનિયમ અને નિયમો – 1940 દ્વારા કરવામાં આવે છે. આ ઉદ્યોગ જોખમકારક હોવાથી તેનું કારખાનું શહેર બહારના વિસ્તારમાં રેલવે લાઇન અને જાહેરમાર્ગથી દૂર નાખવું પડે છે. વળી જુદા જુદા પરવાના/લાયસન્સો જેવાં કે (1) જિલ્લા મૅજિસ્ટ્રેટનું ‘વાંધો નથી’ તેવું સર્ટિફિકેટ, (2) વિસ્ફોટક વિભાગના ક્ષેત્રીય ઇન્સ્પેક્ટરની મંજૂરી, (3) ફૅક્ટરી અધિનિયમ હેઠળ નિમાયેલા ઇન્સ્પેક્ટરનું લાયસન્સ, (4) મ્યુનિસિપલ કમિશનરનું લાયસન્સ અને (5) ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય, નવી દિલ્હીનું ઔદ્યોગિક વિકાસ અધિનિયમ (ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઍક્ટ) – 1951 હેઠળનું લાયસન્સ આ ઉદ્યોગ શરૂ કરવા આવશ્યક છે. ભારતમા આ ઉદ્યોગ તામિલનાડુ રાજ્યના રામનાદ જિલ્લામાં શિવકાશી નગરમાં મોટા પાયા ઉપર કેન્દ્રિત થયેલો છે, છતાં અન્ય અનેક સ્થળોએ કુટિર-ઉદ્યોગ અને લઘુક્ષેત્ર ઉદ્યોગ તરીકે તે વિકસ્યો છે. આ ઉદ્યોગ સંગઠિત ક્ષેત્રમાં ન હોવાથી તેના ઉત્પાદનના વિશ્વાસપાત્ર આંકડાઓ ઉપલબ્ધ નથી. તેનું મોટાભાગનું ઉત્પાદન દેશમાં જ વપરાઈ જાય છે, પરંતુ કેટલાક કાર્યદક્ષ એકમો પોતાના ઉત્પાદનનો થોડો હિસ્સો નિકાસ પણ કરે છે.
જયન્તિલાલ પો. જાની
જ. દા. તલાટી