ફંકપ્રસવણ

February, 1999

ફંકપ્રસવણ : સૌરાષ્ટ્રના ગારુલક વંશના રાજાઓની રાજધાની. આ વંશના રાજાઓ મૈત્રકોના સામંત હતા. સામાન્ય રીતે દાનની જાહેરાત રાજ્યના પાટનગરમાંથી થાય છે. તે રીતે દાનશાસન ઉપરથી ફંકપ્રસવણ ગારુલક રાજ્યનું પાટનગર હોવાનું જણાય છે. દાનશાસનોમાં જણાવેલ ગામોનાં નામો ઉપરથી ફંકપ્રસવણ પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીક હોવાનું અનુમાન છે. વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું દાનશાસન અને તેના પુત્ર સિંહાદિત્યનું 574નું દાનશાસન ફંકપ્રસવણથી ફરમાવવામાં આવ્યાં હતાં. વરાહદાસ બીજાનું બિરુદ ‘દ્વારકાધિપતિ’ હતું. આમ છતાં દાનશાસનોને લક્ષમાં લેતાં તે રાજધાની હોવાનું સંભવિત છે.

ફંકપ્રસવણનું ચોક્કસ સ્થાન નક્કી કરી શકાય તેમ નથી, પણ ગારુલકોનું રાજ્ય દ્વારકા નજીક હોઈ તે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બરડા નજીક હોવાનું વધુ શક્ય જણાય છે.

શિવપ્રસાદ રાજગોર