પ્લેબિયન : પ્રાચીન રોમમાં રાજકીય અધિકારોથી વંચિત વિશાળ નીચલો વર્ગ. રોમની પ્રજાએ ઈ. પૂ. છઠ્ઠી સદીની શરૂઆતમાં (ઈ. પૂ. 509) રાજાશાહી શાસનનો અંત લાવીને પ્રજાકીય સરકારની સ્થાપના કરી. આ સમયે રોમમાં બે મુખ્ય સામાજિક વર્ગ હતા : (1) પેટ્રિશિયન અને (2) પ્લેબિયન. પેટ્રિશિયન વર્ગ ઉચ્ચ હોદ્દેદારો, ઉમરાવો, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ વગેરેનો; જ્યારે પ્લેબિયન વર્ગ ખેડૂતો, કારીગરો, મજૂરો, નાના વેપારીઓ વગેરેનો બનેલો હતો.

પ્લેબિયન વર્ગ ઘણી મોટી બહુમતીમાં હતો. જ્યારે પ્લેબિયન પેટ્રિશિયન વર્ગ લઘુમતીમાં હતો. વળી રોમમાંથી રાજાશાહીનો અંત લાવવામાં પ્લેબિયન સૈનિકો તથા ખેડૂતોનો મોટો ફાળો હતો. તોપણ તેમને કોઈ પણ પ્રકારના રાજકીય, આર્થિક તેમજ સામાજિક હકો આપવામાં આવ્યા ન હતા. આ બધા હકો પેટ્રિશિયનો ભોગવતા હતા. એટલે પ્લેબિયનોમાં ભારે અસંતોષ હતો. રાજ્યની મોટાભાગની જમીન તથા ઘણાખરા ઉદ્યોગો પર પેટ્રિશિયનોની માલિકી હતી. એટલે તેઓ ખૂબ સમૃદ્ધ બન્યા હતા અને વૈભવવિલાસી જીવન જીવતા હતા, જ્યારે પ્લેબિયનો હસ્તક ઘણી ઓછી જમીન તેમજ ઘણા નાના ઉદ્યોગો હોવાથી તેઓ ઘણી ગરીબ સ્થિતિમાં હતાં. પ્લેબિયનો સાથે પેટ્રિશિયનો લગ્નસંબંધ કે સામાજિક વ્યવહાર કરતા નહિ. તેઓ પ્લેબિયનોને નીચા ગણતા, એટલે પણ પ્લેબિયનોના અસંતોષમાં વધારો થયો હતો.

મોટાભાગના પ્લેબિયનો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા હતા, પરંતુ રોમ અવારનવાર અન્ય રાજ્યો સાથે યુદ્ધ કરતું એટલે તેમને ખેતી છોડીને સૈનિકો તરીકે યુદ્ધમાં જોડાવું પડતું, તેથી તેમની ખેતી બગડતી, વળી સૈનિકો તરીકે તેમને કોઈ વેતન ન મળતું. વિજેતા રોમ અન્ય પરાજિત રાજ્યોની જમીન કબજે કરતું, ત્યારે તે જમીન પેટ્રિશિયનો વચ્ચે વહેંચાતી અને પ્લેબિયનોને તેમાં કોઈ હિસ્સો મળતો નહિ. ખરેખર તો પ્લેબિયનોની સૈનિકો તરીકેની કામગીરીથી રોમને વિજય મળતો તોપણ તેમને ઉપર્યુક્ત જમીનથી વંચિત રાખવામાં આવતા. પરિણામે તેઓ વધારે ગરીબ તથા દેવાદાર બન્યા, જેને પરિણામે વર્ગવિગ્રહનો પ્રારંભ થયો.

પ્લેબિયનોએ પેટ્રિશિયનો સાથે સમાન રાજકીય, આર્થિક તથા સામાજિક અધિકારો પ્રાપ્ત કરવા માટે ઉગ્ર-સામુદાયિક આંદોલન શરૂ કર્યું. જોકે આનું સ્વરૂપ બહુધા શાંત, અહિંસક તથા બંધારણીય હતું. તે વ્યાપક પ્રમાણમાં ફેલાયું હતું અને રાજ્ય પર તેની ઘેરી અસર થઈ હતી. વળી તેમણે સામુદાયિક હિજરત કરવાની ધમકી આપી. તેમના વગર રાજ્ય નભી શકે તેમ ન હતું. પરિણામે પેટ્રિશિયનોએ પ્લેબિયનોને લગભગ સમાન રાજકીય હકો આપવાનું સ્વીકાર્યું. આ અનુસાર બેમાંથી એક કોન્સલ (રાજ્યનો સર્વોચ્ચ વહીવટી વડો) પ્લેબિયન રાખવાનો, પ્લેબિયનોની ટ્રિબ્યૂનને પેટ્રિશિયનોની સેનેટના જેવા સમાન અધિકારો આપવાનો તથા સામાજિક ભેદભાવો નાબૂદ કરવાનો સ્વીકાર થયો.

મૅજિસ્ટ્રેટો માત્ર પેટ્રિશિયનો હતા. તેમની સાથે પ્લેબિયન મૅજિસ્ટ્રેટો પણ નિયુક્ત કરવાનો નિર્ણય લેવાયો. પ્લેબિયનોના લાંબા આંદોલનથી અસમાન કાયદાઓ સુધારવામાં આવ્યા. નવો કાયદાસંગ્રહ તૈયાર કરવામાં આવ્યો તથા કાયદાની ર્દષ્ટિએ સૌને સમાન ગણાવામાં આવ્યા. આ રીતે પ્લેબિયનોને થતા અન્યાયો દૂર થયા અને શાસન તથા સમાજમાં તેમને સમાન સ્થાન મળ્યું. પરિણામે રોમન પ્રજાતંત્ર વાસ્તવિક અર્થમાં પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતું તંત્ર બન્યું. પ્લેબિયનોના લાંબા પણ શાંત આંદોલનથી પ્રજામાં એકતા સધાઈ અને રોમે વિશ્વસામ્રાજ્ય બનવા માટે આગેકૂચ કરી.

રમણલાલ ક. ધારૈયા