પ્લેન્ટીનો ઉપસાગર : દક્ષિણ પેસિફિક મહાસાગરના ભાગરૂપ, ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના ઉત્તર કિનારે મધ્યમાં આવેલો 160 કિમી.ની પહોળાઈવાળો ઉપસાગર. તે આશરે 38° દ. અક્ષાંશથી ઉત્તરમાં તેમજ 176°થી 178° પૂ. રે. વચ્ચે, પશ્ચિમે વઈહીથી પૂર્વમાં ઓપોટિકી સુધી સાંકડી, નીચાણવાળી કંઠારપટ્ટીની ધારે ધારે વિસ્તરેલો છે. તેની પશ્ચિમે કોરોમાંડેલ દ્વીપકલ્પ અને પૂર્વમાં રનવે (Runway) ભૂશિર આવેલાં છે. તેમાં રંગીતૈકી અને વાકાટેઇન નદીઓ ઠલવાય છે. આ ઉપસાગરમાં વ્હાઇટ (white), મૅયર (mayor), મોટુહોરા (motuhora), મોટિટી (motiti), મૅટાકના (matakana) વગેરે નાના નાના ટાપુઓ પણ આવેલા છે.
ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુમાં વારંવાર ધરતીકંપ અનુભવાય છે. અહીંનાં ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરવામાં જ્વાળામુખી-પ્રક્રિયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભૂતકાળમાં અહીં સંખ્યાબંધ જ્વાળામુખી પ્રસ્ફુટનો થયેલાં, તેથી ઉપસાગરના કિનારાના ભાગોમાં તથા તેમાં આવેલા ટાપુઓમાં પ્રસ્ફુટિત પદાર્થોમાંથી ઠરીને બનેલા ખડકો જોવા મળે છે. રહાયોલાઇટ અને ઍન્ડેસાઇટ જેવા જ્વાળામુખીજન્ય ખડકપ્રકારોનું પ્રમાણ વધુ છે. ઉત્તર ટાપુના મધ્ય ભાગમાંથી શરૂ થતો જ્વાળામુખી-પટ્ટો છેક પ્લેન્ટીના ઉપસાગરમાં આવેલા વ્હાઇટ ટાપુ સુધી લંબાયેલો છે. આશરે 4 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો આ ટાપુ એક સક્રિય જ્વાળામુખી છે. યુરોપિયનો ન્યૂઝીલૅન્ડમાં આવ્યા તે પછી પણ તે પ્રસ્ફુટન પામેલો છે. આશરે 14 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો મૅયર ટાપુ એક નિષ્ક્રિય જ્વાળામુખી-પ્રદેશ બની રહેલો છે. રેડિયો-કાર્બન વયનિર્ધારણ પદ્ધતિ દ્વારા જાણવા મળે છે કે તે ઈ. સ. 500થી 700 દરમિયાન સક્રિય હતો. આ ઉપરાંત આ ઉપસાગરના કાંઠાના વિસ્તારમાં ત્રણ પ્રાચીન મૃત જ્વાળામુખીઓ પણ છે, જે સંભવત: માયોસીન (તૃતીય જીવયુગનો ચોથો કાલખંડ) દરમિયાન સક્રિય હશે એવું અનુમાન મુકાયું છે. ઉપસાગરના કિનારાથી નજીકનું સમુદ્રતળ છીછરું છે. અહીં નીચાણવાળી સરહદ પરથી આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવતો જ્વાળામુખીજન્ય ઉચ્ચ સપાટપ્રદેશ ઊપસી આવેલો છે; જ્યાં ડેરી સંકલિત ખેતીનો, ઘેટાં-ઉછેરનો, પ્રવાસનનો અને પોચાં લાકડાંનો ઉદ્યોગ વિકસ્યો છે.
પ્લેન્ટીના ઉપસાગરને કાંઠે સાંકડાં મેદાનો પથરાયેલાં છે. ઉત્તર ટાપુના મધ્યના પહાડી વિસ્તારોમાંથી રંગીતૈકી તથા મોટુ નદીઓ નીકળીને આ ઉપસાગરને મળે છે. કિનારાના ભાગોમાં બારે માસ સાનુકૂળ તાપમાન, પૂરતો વરસાદ તથા પ્રચુર માત્રામાં સૂર્યપ્રકાશ મળતો હોવાથી દુધાળાં ઢોરોનું પાલન અને ઘેટાંઉછેર જેવી પ્રવૃત્તિઓ અહીં અગ્રસ્થાન ધરાવે છે. દરિયાઈ વિસ્તારમાંથી સ્નેપર (snappers) માછલીની જાત વધુ પ્રમાણમાં મળી રહે છે. આ ઉપસાગરને કિનારે સમુદ્રસપાટીથી આશરે 4 મીટરની ઊંચાઈએ તૌરંગા (tauranga) બંદર આવેલું છે. આ બંદરેથી મુખ્યત્વે ડેરીપેદાશો, ચરબી, ઊન, ઠારેલું માંસ, તાજાં ફળો, વહેરેલાં લાકડાં, કાગળ અને તેનો માવો વગેરેની નિકાસ થાય છે. નજીકની મુખ્ય વસાહતો માઉન્ટ મૌન્ગાનુઈ (Mt. Maunganui), મકેતુ, વ્હાકાટેઇન અને ઓપોટિકીમાં જોવા મળે છે.
આ ઉપસાગરને કિનારે રહેતા માઓરિસે ઉદારતાપૂર્વક પાણી આદિની મબલક સગવડો પૂરી પાડી તેને અનુલક્ષીને 1769માં કૅપ્ટન જેમ્સ કૂકે આ ઉપસાગરને પ્લેન્ટીનો ઉપસાગર નામ આપેલું છે.
બીજલ પરમાર