પ્લૅનેટેરિયમ : આકાશનું યથાર્થ વર્ણન કરતા ઘુમ્મટની છત ઉપર તારા અને ગ્રહોની ગતિના પ્રકાશીય પ્રક્ષેપણ માટેની પ્રયુક્તિ. પ્લૅનેટેરિયમને આકાશદર્શન માટેની બારી ગણી શકાય.
અર્ધગોળાકાર ઘુમ્મટની છત ઉપર તારા, સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને આકાશીય પદાર્થોનું પ્રક્ષેપણની રીતે દર્શન કરી શકાય છે. તેના દ્વારા પૃથ્વી ઉપરથી તેમની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે. અહીં દિવસો અને વર્ષોને સંક્ષિપ્ત રીતે મિનિટના માપક્રમ વડે દર્શાવાય છે. આજે દુનિયામાં 15 મીટર કે વધુ વ્યાસવાળા 100થી વધુ અને શાળા, કૉલેજો તથા અન્ય લોકશૈક્ષણિક સંસ્થાઓમાં આશરે 1000થી વધુ પ્લૅનેટેરિયમ છે.
મૂળભૂત રીતે પ્લૅનેટેરિયમ એ યાંત્રિક નમૂનો (model) છે, જે ગ્રહો તથા તારાનું ચિત્રણ કરે છે. આજે ‘પ્લૅનેટેરિયમ’ શબ્દ પ્રકાશીય પ્રક્ષેપણ(optical projection)ના અર્થમાં વપરાય છે. મોટાભાગનાં પ્લૅનેટેરિયમ યાંત્રિક ગતિ વડે સંચાલિત છે. હવે તો કમ્પ્યૂટરીકૃત પ્લૅનેટેરિયમ પણ વિકસાવવામાં આવ્યાં છે. ફિનલૅન્ડ ખાતે હ્યુરેકા વિજ્ઞાન-કેન્દ્રમાં તંતુ-પ્રકાશિકી(fiber optics)ના ઉપયોગવાળું દુનિયાનું પ્રથમ પ્લૅનેટેરિયમ 1989માં ખુલ્લું મૂકવામાં આવ્યું. ચિત્રક્ષેપક (projector) ગોઠવ્યું હોય તેવા મકાન કે થિયેટરને પણ પ્લૅનેટેરિયમ કહે છે.
પ્લૅનેટેરિયમની વિકાસગાથા ઘણી લાંબી છે. પ્રાચીન સમયમાં આકાશના નમૂના તૈયાર કરવામાં આવતા હતા. આશરે 150ની સાલમાં ઍલેક્ઝાન્ડ્રિયાના ક્લૉડિયસ ટૉલેમીએ ખગોલીય ગોળો તૈયાર કર્યો હતો. સોળમી સદીના મધ્યમાં 3 મીટર વ્યાસનો ગોટોર્પ ગોળો બનાવવામાં આવ્યો હતો. તે ગોળો પોલો હતો. આ ગોળાના અંદરના ભાગમાં આકાશનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં 10 માણસો બેસીને આકાશદર્શન કરી શકે તેવી વ્યવસ્થા હતી. આ ગોળો આજે લેનિનગ્રાડના લોમોનૉસોવ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. 4.5 મીટર વ્યાસનો બીજો ગોળો 1912માં તૈયાર કરી શિકાગોની વિજ્ઞાન અકાદમીમાં રાખવામાં આવેલ છે. તેમાં 17 માણસો એકસાથે બેસીને આકાશદર્શન કરી શકે તેવી વ્યવસ્થા છે. ધાતુના આ ગોળા ઉપર 692 છિદ્રો છે, જે તારાઓ દર્શાવે છે.
પૃથ્વી, ચંદ્ર અને અન્ય ગ્રહોની ગતિનું વર્ણન ઘણા સમયથી વિવિધ યાંત્રિક મૉડલ વડે દર્શાવવામાં આવતું હતું. 1682માં સી. હાઇગન્ઝે શનિ સુધીનું વર્ણન કરી શકાય તેવા મૉડલની રચના કરી. ઘુમ્મટવાળા થિયેટરની મદદથી તારા અને ગ્રહોની ગતિ આબેહૂબ રીતે બતાવી શકાય તેવું પ્રક્ષેપણ પ્લૅનેટેરિયમ ડબ્લ્યૂ. બુએર્સફિલ્ડે 1919માં તૈયાર કરી તેને લગતી તમામ સમસ્યાઓનો ઉકેલ આપ્યો. આવું પ્રથમ પ્લૅનેટેરિયમ જર્મનીની કાર્લ ઝીસ કંપનીએ મ્યુનિક ખાતે 1923માં ખુલ્લું મૂક્યું. કાર્લ ઝીસ કંપનીએ પાયાની આ રચનાને આધારે પરિવર્તનશીલ (variable) તારા, સૂર્ય તથા ચંદ્રનાં ગ્રહણ, આકાશગંગા અને ધૂમકેતુઓની અસરો સ્પષ્ટ કરતાં વધારાનાં ચિત્રક્ષેપક પણ તૈયાર કર્યાં. આ કંપનીએ 1940 પહેલાં 25 જેટલાં મોટાં ચિત્રક્ષેપક તૈયાર કર્યાં હતાં, જેમાંનાં 5 આજે પણ કાર્યરત છે.
1940 બાદ સ્પિટ્ઝે શાળાઓ અને સંગ્રહાલયો માટે નાના કદનાં ઓછાં ખર્ચાળ પ્લૅનેટેરિયમની રચના કરી. ત્યારબાદ તેણે થિયેટરો માટે STS(space transit simulator)ની રચના કરી, જે 1.2 મીટરનો ગોળો ધરાવે છે. STS ચિત્રક્ષેપક અને 70mm ચલચિત્રની પ્રણાલીને અર્ધગોળાકાર ઘુમ્મટવાળા થિયેટરની પ્રણાલી સાથે જોડી દેવામાં આવે છે.
દૂરદર્શનના પડદા ઉપર પ્રક્ષેપણ કરી શકાય તેવા સુધારા-વધારા સાથેના પ્લૅનેટેરિયમને ડિજિસ્ટર કહે છે, આવું ચિત્રક્ષેપક 1 મીટર ઊંચાઈનું હોય છે. તે ઉચ્ચ વિભેદનશક્તિ(resolution power)વાળી કૅથોડ-કિરણોની નળી ધરાવે છે. કમ્પ્યૂટરની મદદથી તારા અને ગ્રહોના સ્થાનનો કૅથોડ-કિરણની નળીમાં નિવેશ કરવામાં આવે છે અને ત્યારબાદ ઘુમ્મટની છત ઉપર રજૂ કરવામાં આવે છે.
સરળ પ્લૅનેટેરિયમને ઑરેરી કહે છે. ઑરેરીના અર્લના નામ ઉપરથી આ રીતે ઓળખાય છે. આ પદ્ધતિના મધ્યમાં રહેલો ગોળો (ball) સૂર્ય ગણાય છે અને ગતિ કરતી ભુજા ઉપરના નાના ગોળા ગ્રહો અને તેમના ઉપગ્રહો દર્શાવે છે. આવી યંત્ર-રચના સૂર્યમંડળના ગ્રહોની હૂબહૂ ગતિ દર્શાવે છે. આ પ્રણાલી વડે ગ્રહોનાં કદ અને સૂર્યથી અંતર દર્શાવતી માહિતી મળતી નથી.
આધુનિક પ્લૅનેટેરિયમ-ચિત્રક્ષેપક ડમ્બેલ આકારનું હોય છે. ડમ્બેલના છેડે મોટો ગોળો હોય છે, જેને તારક-ગોળો (star-ball) કહે છે. એક ગોળો ઉત્તર ગોળાર્ધ અને બીજો દક્ષિણ ગોળાર્ધના પ્રતિબિંબનું પ્રક્ષેપણ કરે છે. ગોળાની અંદર નાનો વિદ્યુતદીવો હોય છે. તેના ઉપર છિદ્રો હોય છે. આ છિદ્રોમાંથી પ્રકાશનો વક્રસપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રકાશના કિરણનો સપાટીના જે બિંદુ આગળ આપાત થાય છે તે તારા અથવા આકાશીય પદાર્થ તરીકે દેખાય છે. ર્દક્-કાચ(લેન્સ)નો ઉપયોગ કરીને તકતી આકારના મોટા પ્રતિબિંબને બિંદુ જેવડું બનાવવામાં આવે છે. પ્લૅનેટેરિયમ-ચિત્રક્ષેપકનો ઉપયોગ ઘણું કરીને થિયેટરમાં કરવામાં આવે છે. તેમાં કાચની પટ્ટીઓ (slides) વડે ખાસ અસરો ઊભી કરવામાં આવે છે. 30 મીટર વ્યાસવાળા ઘુમ્મટની છત ઉપર તારા, ગ્રહો અને તેમને લગતી અન્ય અસરોનું પ્રક્ષેપણ કરવામાં આવે છે. સમજાવનાર વ્યક્તિ થિયેટરના છેડા નજીક રાખેલ ટેકા (console) વડે રજૂઆત કરે છે અથવા તો કમ્પ્યૂટરનો એવો કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે, જેથી સૂર્યોદયનો ભાવ અનુભવી શકાય. પ્લૅનેટેરિયમ–તકનીકજ્ઞ ખગોળના જ્ઞાન અને તકનીકી તજજ્ઞતાનો સમન્વય કરે છે. ઇચ્છિત અસરો ઊભી કરવા માટે ધ્વનિ અને પ્રક્ષેપણસામગ્રીમાં જરૂરી ફેરફારો કરે છે. આ ઉપરાંત પશ્ચ-સંગીતને ર્દશ્ય-પ્રદર્શન સામે સમકાલિત (synchronised) કરવામાં આવે છે. આ સાથે ઇલેક્ટ્રૉનિક સામગ્રીનો ઉપયોગ કરીને શૈક્ષણિક જાણકારી અને મનોરંજનનું સંવર્ધન કરવામાં આવે છે.
પ્રહલાદ છ. પટેલ