પ્લૂટો : દૂરબીન વડે પણ ન જોઈ શકાય તેવો સૂર્યમંડળનો દૂર છેવાડે આવેલો ગ્રહ. ખૂબીની વાત તો એ છે કે ગણિતીય તારણોને આધારે નેપ્ચૂન અને પ્લૂટોની શોધ થયેલી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર કરતાં સૂર્ય અને પ્લૂટો વચ્ચેનું અંતર 39ગણું વધારે છે. સૂર્યથી પ્લૂટોનું અંતર 5,90,01,00,000 કિમી. છે. તેની ભ્રમણ-કક્ષા અંડાકાર (oval-shaped) છે. કેટલીક વખત તો તેની ભ્રમણ કક્ષા નેપ્ચૂનની ભ્રમણ કક્ષાની અંદર આવી જાય છે અને તે વખતે પ્લૂટો સૂર્યમંડળનો છેલ્લેથી બીજો ગ્રહ બને છે. આવું દર 248 વર્ષે બને છે. 23 જાન્યુઆરી 1929ના રોજ પ્લૂટો નેપ્ચૂનની કક્ષા ઉપર આવ્યો છે અને 15 માર્ચ 1999 સુધી તે તેની કક્ષા ઉપર રહેશે. 12 સપ્ટેમ્બર 1989ના રોજ પ્લૂટો સૂર્ય સૌથી વધુ નજીક હતો.
પ્લૂટો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેની સાથે તે પોતાના કેન્દ્રની આસપાસ ધરી ઉપર પ્રચક્રણ (spin) કરે છે.
પ્લૂટો અતિ દૂર હોવાથી તેના કદ અને તેની સપાટીની પરિસ્થિતિ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેનો વ્યાસ આશરે 2,300 કિમી. જેટલો છે. સૂર્યમંડળનો તે ઠંડામાં ઠંડો ગ્રહ છે. તેનું તાપમાન –223° સે.થી –233° સે. વચ્ચે હોવાનું મનાય છે. આ ગ્રહ થીજેલા મિથેન વાયુથી આચ્છાદિત થયેલો છે. તેના વાતાવરણમાં પણ મિથેન વિશેષ પ્રમાણમાં છે. તેની ઘનતા ઓછી હોવાથી માની શકાય કે તે બરફીલો ગ્રહ છે. તેના ઉપર જીવન હોય તેવી કોઈ ભાળ હજુ સુધી મળી નથી.
અમેરિકન ખગોળવિદ પર્સિવલ લૉવેલને 1905માં જણાયું કે કોઈ અજ્ઞાત ગ્રહના ગુરુત્વાકર્ષણબળને કારણે નેપ્ચૂન અને યુરેનસની ભ્રમણ-કક્ષા ઉપર અસર થાય છે, એટલે કે તેમની કક્ષાનો માર્ગ બદલાય છે. આ બંને ગ્રહોની ભ્રમણ-કક્ષા ઉપર થતી અસરને આધારે તેણે નવા ગ્રહના સ્થાનની આગાહી કરી. ત્યારબાદ યુ.એસ.ના અરિઝોના રાજ્યની વેધશાળામાં રહીને આ ગ્રહની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. લૉવેલે તેની ગણતરી પ્રમાણે અવકાશમાં અજ્ઞાત ગ્રહના સંભવિત સ્થાન તરફ દૂરબીન ગોઠવીને સમગ્ર વિસ્તારની ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તસવીરો લીધી. આ ગ્રહ શોધાયો તે પહેલાં દુર્ભાગ્યે, 1916માં લૉવેલનું અવસાન થયું. 1929માં તેના મદદનીશ ક્લાઇડ ડબલ્યૂ. ટૉમ્બાં અને તેના સાથીદારોએ સદર વિસ્તારની વધુ શક્તિશાળી દૂરબીન વડે તસવીરો લીધી. જુદી જુદી ત્રણ તસવીરો ઉપર ટૉમ્બાંને અજ્ઞાત ગ્રહની તસવીરો મળી. ગ્રીક અને રોમન લોકોના ભગવાન પ્લૂટોના નામ પરથી આ ગ્રહનું નામ પ્લૂટો રાખ્યું. અમેરિકન નૌકાદળની વેધશાળાના ખગોળવિદોએ 1928માં પ્લૂટોના ઉપગ્રહ નામે શેરોનની શોધ કરી. પ્લૂટો અને શેરોન વચ્ચે થતા ગ્રહણને આધારે પ્લૂટોનો વ્યાસ અને ઘનતાનાં વધુ ચોક્કસ મૂલ્યો તૈયાર થઈ શક્યાં છે.
પ્રહલાદ છ. પટેલ