પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન સીમા

February, 1999

પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન સીમા : તૃતીય જીવયુગના છેલ્લા કાળગાળા પ્લાયોસીન અને ચતુર્થ જીવયુગના પ્રથમ કાળગાળા પ્લાયસ્ટોસીન વચ્ચેની સીમા.

પૃથ્વી 4.6 કરોડ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવેલી છે. પૃથ્વી પર ઘટેલી વિશિષ્ટ ઘટનાઓનું કાલગણના સાથે સંકલન કરીને પૃથ્વીના ઇતિહાસના વિવિધ કાળગાળાઓને યુગ, કાળ, કાલખંડ વગેરે જેવા અનેક વિભાગોમાં વહેંચી નાખવામાં આવેલા છે. તૃતીય જીવયુગ શરૂ થયાને 6.5 કરોડ વર્ષ વીતી ગયાં છે. તેનો પ્રારંભ ડાઇનોસૉર તેમજ અન્ય પ્રાણીઓના મોટા પાયા પરના વિલોપથી થયો ગણાય છે. પ્લાયોસીન કાલખંડ તરીકે ઓળખાતો તૃતીય જીવયુગનો છેલ્લો વિભાગ આજથી 1.20 કરોડ વર્ષ અગાઉ શરૂ થયેલો, જ્યારે ચતુર્થ જીવયુગનો પ્રથમ કાલખંડ પ્લાયસ્ટોસીન ઉપઅર્વાચીન સમયનો ગણાય છે, જે 20 લાખ વર્ષ અગાઉથી શરૂ થયેલો છે.

પ્લાયોસીન કાલખંડના શરૂઆતના સમયમાં તો આબોહવા પ્રમાણમાં ગરમ-હૂંફાળી હતી, પરંતુ તે પછીથી તેના મધ્ય કાળ વખતે, આબોહવા ઠંડી પડતી ગઈ અને પ્લાયસ્ટોસીન શરૂ થવાની સાથે, આશરે 18 લાખ વર્ષ અગાઉ સર્વપ્રથમ હિમયુગ બેઠો. આજે જોવા મળતી મોટાભાગની પ્રાણી અને વનસ્પતિની જાતિઓ ઘણુંખરું તો પ્લાયોસીન કાળ સુધીમાં ઉત્ક્રાંત થઈ ચૂકી હતી, પરંતુ જુદી જુદી જાતિઓમાં થયેલું તેમનું વિભાગીકરણ છેલ્લાં થોડાં લાખ વર્ષોમાં જ થયેલું છે. અગાઉ એમ માનવામાં આવતું હતું કે સર્વપ્રથમ પાષાણયુગી માનવ પણ આશરે 20 લાખ વર્ષ પહેલાં તૈયાર થઈ ચૂક્યો હતો; પરંતુ હમણાં ઇથિયોપિયા(પૂર્વ આફ્રિકા)માં થયેલી માનવ હાડપિંજરો-અસ્થિ-અવયવોની ખોજનાં સંશોધન-પરિણામોમાંથી જાણવા મળ્યું છે કે માનવકાળની તવારીખને વર્તમાન પૂર્વે 43 લાખ વર્ષ સુધી મૂકી શકાય તેમ છે. ઘોડા, ઢોર, હાથી, હરણ વગેરે જેવાં આજનાં પ્રાણીસ્વરૂપો જોકે ભારત-પાકિસ્તાન ઉપખંડના સંદર્ભમાં જોતાં, આશરે 24 લાખ વર્ષ અગાઉના કાળગાળામાં અસ્તિત્વમાં આવેલાં છે. અહીં એ પણ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ઠંડીચાહક નાના કદનાં ઉંદરવર્ગનાં પ્રાણીઓ પણ 18 લાખ વર્ષ અગાઉના અરસામાં જ દેખાવાં શરૂ થયાં છે.

દુનિયાના અન્યત્ર ભાગોની જેમ જ, ભારતમાં પણ આજથી 18 લાખ વર્ષ અગાઉ ઘટેલી ઓલ્ડુવાઈ ચુંબકીય ઘટના પ્લાયોસીનને પ્લાયસ્ટોસીન કાળથી અલગ પાડતું સીમાચિહ્ન બની રહે છે. આંદામાન-નિકોબાર વિસ્તારના દરિયાઈ સ્તરાનુક્રમમાં, ગ્લોબોરોટેલિયા ટ્રંકેટ્યુલિનૉઇડ્ઝ પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન સીમાને અલગ તારવી આપે છે. હકીકતમાં તો પુલિનીઆટિના ઑબ્લિક્વિલોક્યુલેટાગ્લોબોરોટેલિયા મલ્ટિકૅમેરેટા ધરાવતી તાઇપિયન કક્ષા અંતિમ પ્લાયોસીન કાળનો નિર્દેશ કરે છે, જ્યારે ગ્લોબોરોટેલિયા ટ્રંકેટ્યુલિનૉઇડ્ઝના વિકાસથી દર્શાવાતી શૉમ્પેનિયન કક્ષા પ્લાયસ્ટોસીનની રજૂઆત કરે છે.

શિવાલિક ખડકરચના માટે પ્લાયો-પ્લાયસ્ટોસીન સીમાનું મૂલ્યાંકન એક વિવાદાસ્પદ બાબત રહી છે, તેની આ સીમા માટે જુદા જુદા સંશોધકોએ જુદું જુદું વિભાગીય વર્ગીકરણ રજૂ કરેલું છે; તેમ છતાં, તાજેતરનાં સંશોધનો દર્શાવે છે કે ઓલ્ડુવાઈ ઘટના તેના પિંજોર વિભાગમાં આવે છે. સૉરિસિડી, લેપોરિડી, મ્યુરિડી, ફેલિડી વગેરે જેવા વર્ગનાં પૃષ્ઠવંશી પ્રાણી જીવાવશેષો ઓલ્ડુવાઈ ઘટના પછીની સમયકક્ષામાં ઉત્ક્રાંતિ પામ્યાં છે અને તેથી તે પ્લાયસ્ટોસીન તરફી સીમાનો નિર્દેશ કરે છે. ઇક્વસ (ઘોડો), એલિફસ (હાથી) અને બૉસ (ગાયવર્ગ) શિવાલિક રચનાઓ તેમજ કાશ્મીર ખીણના કારેવા નિક્ષેપો બંનેમાં, આજથી આશરે 24 લાખ વર્ષ અગાઉના ગાળામાં મળે છે.

આથી એમ કહેવું ઉચિત ગણાય કે 18 લાખ વર્ષ અગાઉ ઘટેલી ઓલ્ડુવાઈ ઘટનાને (ચુંબકીય કાલગણના) પ્લાયો-પ્લાયસ્ટોસીન વચ્ચેની સીમા તરીકે આંકી શકાય. આ ઘટના આબોહવાત્મક, પ્રાણી-વનસ્પતિ ફેરફારો દ્વારા પણ અંકાયેલી છે, તેથી તેને પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન કાળ વચ્ચેની સીમા તરીકે ઘટાવવી જોઈએ.

ડી. પી. અગ્રવાલ

અનુ. ગિરીશભાઈ પંડ્યા