પ્રોપિલાઇટીકરણ (propylitisation) : ઉષ્ણજળજન્ય દ્રાવણો (hydrothermal solutions) દ્વારા અગ્નિકૃત ખડકમાં થતી પરિવર્તન-પ્રક્રિયા. મુખ્યત્વે મધ્યમ કે બેઝિક બંધારણવાળા સૂક્ષ્મ દાણાદાર અગ્નિકૃત ખડક (દા.ત., એન્ડેસાઇટ) પર જ્વાળામુખીના પ્રસ્ફુટન દરમિયાન છૂટતું કાર્બોનેટજન્ય ઉષ્ણ જળ પ્રક્રિયા કરે ત્યારે કણશ: વિસ્થાપન થાય છે અને આ પ્રકારના ખડકો પરિવર્તન પામે છે. તેમાં રહેલાં અસરગ્રાહ્ય મૂળ ખનિજો પરિવર્તન પામીને કૅલ્સાઇટ, ક્લૉરાઇટ, એપિડોટ, સર્પેન્ટાઇન, સેરિસાઇટ, ક્વાર્ટ્ઝ, પાયરાઇટ અને લોહ- ધાતુખનિજમાં ફેરવાય છે. ખડકના પ્રકારભેદે ઉપરનાં ખનિજો પૈકી ગમે તે હોઈ શકે. પરિણામી ખડકને પ્રોપિલાઇટ અને ઘટનાને પ્રોપિલાઇટીકરણ કહે છે.
ગિરીશભાઈ પંડ્યા