પ્રોટીન, સીરમ સપાટી

February, 1999

પ્રોટીન, સીરમ સપાટી : રુધિરરસમાં પ્રોટીન(નત્રલ)ની સપાટીની જાણકારી. લોહીના પ્રવાહી ભાગને રુધિરપ્રરસ (blood plasma) કહે છે. ગઠ્ઠા રૂપે જામી ગયેલા લોહીમાંથી જે પ્રવાહી છૂટું પડે છે તેને રુધિરરસ (blood serum) કહે છે. તેથી રુધિરરસમાં લોહીને ગંઠાવનારાં પ્રોટીનો હોતાં નથી. રુધિરરસમાંના પ્રોટીનની સપાટી જાણવાથી ઘણી વખત દર્દીની પોષણલક્ષી સ્થિતિ, યકૃત(liver)ના રોગોની હાજરી તથા પ્રતિરક્ષાલક્ષી વિકારો(immunological disorders)ની હાજરી વગેરે વિશે માહિતી મળે છે. લોહીમાં જોવા મળતાં પ્રોટીનોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે : (ક) શ્વેતનત્રલ (albumin), (ખ) ગોલનત્રલ (globulin) અને (ગ) પ્રકીર્ણ (miscellaneous) પ્રકારો. શરીરમાં પ્રોટીનનો ઘટાડો થાય ત્યારે રુધિરરસમાં પણ તેમનું પ્રમાણ ઘટે. રુધિરરસમાં આલ્બ્યુમિન ઘટે ત્યારે લોહીનો આસૃતિદાબ (osmotic pressure) ઘટે છે. તેથી પેશીમાં પ્રવાહીનો ભરાવો થાય છે જેને સાદી ભાષામાં સોજા આવવા કહે છે. તેવી જ રીતે જો પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનના પ્રમાણમાં ઘટાડો થાય ત્યારે રોગપ્રતિકારક્ષમતા ઘટે છે. જ્યારે પણ લોહીમાં પ્રોટીનનું પ્રમાણ વધે ત્યારે લોહીનો આસૃતિદાબ વધી જાય છે. તેને કારણે લોહી જાડું થાય છે અને તેની ઘટ્ટતા વધવાને કારણે લોહીની શ્યાનતા (viscosity) વધે છે. તેને કારણે દર્દીના લોહીનું દબાણ વધે છે તથા તેનું માથું દુખે છે.

શરીરનું પ્રોટીનલક્ષી પોષણ ઓછું હોય, ઈજા થયેલી હોય, યકૃતનો વિકાર થયેલો હોય અથવા પેશાબ વાટે કે મળ દ્વારા પ્રોટીન બહાર વહી જતું હોય તો આલ્બ્યુમિન (શ્વેતનત્રલ) નામના પ્રોટીનની રુધિરરસીય સપાટી ઘટી જાય છે. તેની સામાન્ય રુધિરરસસપાટી દર લિટરે 35થી 50 ગ્રામ હોય છે. ગ્લૉબ્યુલિન(ગોલનત્રલ)ની સામાન્ય રુધિરરસસપાટી દર લિટરે 5થી 15 ગ્રામ હોય છે. તે યકૃતના વિકારોમાં, જ્યારે આલ્બ્યુમિન ઘટ્યું હોય ત્યારે વધે છે. વિવિધ પ્રતિરક્ષાલક્ષી વિકારોમાં પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનનો વિકાર થાય છે. તેને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાય છે. જો તે એક જ પ્રકારના કોષોમાં ઉત્પન્ન થવાથી થયો હોય તો તેને એકકોષગોત્રી (monoclonal) વધારો કહે છે. તે મોટેભાગે બહુમજ્જાર્બુદ (multiple myeloma) નામના કૅન્સરની શક્યતા સૂચવે છે. વિવિધ પ્રકારના પ્રતિરક્ષાતંત્રનું ઉત્તેજન કરતા વિકારોમાં તે અનેક પ્રકારના કોષગોત્રો(clones)માંથી ઉત્પન્ન થાય છે, માટે તેને બહુકોષગોત્રી (polyclonal) વધારો કહે છે. યકૃતના વિવિધ રોગોમાં વિવિધ પ્રકારના પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનો વધે છે, જેમ કે દીર્ઘકાલી સક્રિય યકૃતશોથ (chronic active hepatitis), પ્રાથમિક પિત્તનલિકાકીય યકૃતકાઠિન્ય (primary biliary cirrhosis) તથા મદ્યપાનલક્ષી યકૃતકાઠિન્ય(alcoholic cirrhosis)માં અનુક્રમે IgG, IgM અને IgA પ્રકારનાં પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનો વધે છે.

પ્રકીર્ણ રુધિરરસીય પ્રોટીનોમાં સેરુલોપ્લાઝમિન, આલ્ફા-ઍન્ટિટ્રિપ્સિન, ફેરિટિન, વિવિધ પ્રકારના કૅન્સરસૂચકો(tumour markers)નો સમાવેશ થાય છે. તેમનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, પરંતુ તેમાંના જે કોઈની ઊણપ હોય કે વધુ પ્રમાણ થયેલું હોય તે કોઈ વિશિષ્ટ પ્રકારના વિકારો સર્જે છે. જેમકે સેરુલોપ્લાઝમિનની ઊણપ વિલ્સનનો રોગ સર્જે છે, જેમાં દર્દી તાંબાના ક્ષારોનો વ્યવસ્થિત ચયાપચય કરી શકતો નથી. આલ્ફા-ઍન્ટિટ્રિપ્સિનની ઊણપ ફેફસાંનો વાતસ્ફીતિ (emphysema) નામનો રોગ કરે છે. ફેરિટિનનું લોહીમાંનું પ્રમાણ શરીરમાં કેટલું લોહતત્વ સંગ્રહાયેલું છે તે દર્શાવે છે. કૅન્સરસૂચકો કેટલાક કૅન્સરના નિદાનમાં ઉપયોગી રહે છે.

આમાપન પદ્ધતિઓ : રુધિરરસમાંનાં પ્રોટીનોને મુખ્યત્વે બે રીતે માપી શકાય છે : (1) જૈવરાસાયણિક પદ્ધતિઓ અને (2) વીજચલન-(electrophoresis)ની પદ્ધતિઓ. વીજચલન-પદ્ધતિ દ્વારા વિવિધ પ્રકારનાં પ્રોટીનો અને પ્રતિરક્ષાગ્લૉબ્યુલિનો વિશે જાણી શકાય છે. પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનો એકકોષગોત્રી છે કે બહુકોષગોત્રી છે તે પણ નક્કી કરી શકાય છે.

શાંતિ પટેલ

શિલીન નં. શુક્લ