પ્રોટીનમૂત્રમેહ (proteinuria)

February, 1999

પ્રોટીનમૂત્રમેહ (proteinuria) : પેશાબમાં પ્રોટીનનું વહી જવું તે. તે મોટાભાગના કિસ્સામાં મૂત્રપિંડનો કોઈ વિકાર સૂચવે છે. ઘણી વખતે મૂત્રપિંડના કોઈ વિકારનું તે એકમાત્ર ચિહ્ન હોય છે. સામાન્ય રીતે, પેશાબમાં રોજનું 150 મિગ્રા. જેટલું પ્રોટીન વહી જતું હોય છે. તેમાં મોટાભાગનું આલ્બ્યુમિન પ્રકારનું પ્રોટીન હોય છે. જોકે થોડા પ્રમાણમાં તેની સાથે મૂત્રમાર્ગની અન્ય સંરચનાઓ જેવી કે મૂત્રલનલિકાઓ (renal tubules), પુર:સ્થ ગ્રંથિ (prostate gland), વીર્યસંગ્રહિકા ગ્રંથિ (seminal vesicles) વગેરેમાંનું પ્રોટીન પણ હોય છે. મૂત્રમાં 24 કલાકમાં 0.3 ગ્રામથી વધુ પ્રમાણમાં પ્રોટીન (નત્રલ) વહી જાય અથવા 1 લિટર મૂત્રમાં 1 ગ્રામથી વધુ પ્રોટીન વહી જાય તેને પ્રોટીનમૂત્રમેહ કહે છે. દર 6 કલાકના અંતરે ભેગા કરાયેલા પેશાબના 2 કે વધુ નમૂનામાં પ્રમાણિત મલિનતામાપક (turbidometer) નામના સાધન વડે પ્રોટીનનું પ્રમાણ 1 ગ્રામ/1 લીટરથી વધુ હોય તો તેને 1+ કે 2+ પ્રોટીનમૂત્રમેહ કહે છે. તે માટે લેવાયેલો પેશાબનો નમૂનો ચોખ્ખો અને મૂત્રધારાની મધ્યમાંથી લેવાયેલો હોવો જોઈએ. આવા પેશાબના નમૂનાને મધ્યમૂત્રધારાકીય નમૂનો (midstream sample) કહે છે. તેને બદલે તે નમૂનાને પેશાબના માર્ગમાં નિવેશનનળી (catheter) નાંખીને પણ લઈ શકાય છે. પ્રોટીનમૂત્રમેહને નત્રલમૂત્રમેહ (proteninria) પણ કહેવાય છે. પેશાબમાં આલ્બ્યુમિન (શ્વેતનત્રલ) જતું હોય ત્યારે તેને શ્વેતનત્રલ-મૂત્રમેહ અથવા આલ્બ્યુમિનમૂત્રમેહ (albuminuria) કહે છે. ઘણી વખત સામાન્ય વપરાશમાં આલ્બ્યુમિનમૂત્રમેહને પ્રોટીનમૂત્રમેહ પણ કહે છે. પેશાબમાં મોટેભાગે જતા આલ્બ્યુમિનને ચયનીય (selective) પ્રોટીનમૂત્રમેહ કહે છે. જોકે ક્યારેક અચયનીય (nonselective) પ્રોટીનમૂત્રમેહ રૂપે વધુ મોટા અણુઓ પણ વહી જાય છે. જો મુખ્યત્વે આલ્બ્યુમિનનો જ મૂત્રમેહ હોય તો તેનું કારણ મૂત્રપિંડનો ગુચ્છી વિકાર (glomerular disorder) હોય છે.

પ્રોટીનમૂત્રમેહ : (અ) મૂત્રપિંડનો આડછેદ, (આ) મૂત્રલની રચના. (1) મૂત્રપિંડ, (2) મૂત્રપિંડ ધમની, (3) મૂત્રપિંડ નળી, (4) બાહ્યક, (5) પ્રાંકરુ, (6) કેશવાહિની ગુચ્છ, (7) સમીપસ્થાની નલિકા, (8) દૂરસ્થ નલિકા, (9) હેન્લેનો ગાળો, (10) મૂત્રવાહી નલિકા

મૂત્રપિંડમાં મૂત્રલ (nephron) નામની લાખો સૂક્ષ્મ સંરચનાઓ આવેલી હોય છે. તે લોહીને ગાળીને પેશાબ બનાવવાનું મુખ્ય એકમ છે. તેના ગળણી જેવા પહોળા છેડે કેશવાહિનીઓનું એક ગૂંચળું હોય છે. તેને મૂત્રલગુચ્છ (glomerulus) કહે છે. તે બંનેની વચ્ચે એક પાતળું પડ આવેલું છે. તેને તલપટલ (basement membrane) કહે છે. તેમાં નાનાં છિદ્રો આવેલાં હોય છે. મૂત્રલને અસરગ્રસ્ત કરતા રોગોમાં છિદ્રોનો વિકાર ઉદભવે છે. તેથી તેમાંથી આલ્બ્યુમિનના મોટા અણુઓ પસાર થઈ જઈને મૂત્રમાં બહાર વહી જાય છે. આ ઉપરાંત એવું પણ જાણી શકાયું છે કે આ તલપટલ ધનભારિત (positively charged) હોય છે. તેથી તે ઋણભારિત (negatively charged) આલ્બ્યુમિનને તેનામાંથી પસાર થવા દેતું નથી. મૂત્રલના ગુચ્છના વિકારોમાં આલ્બ્યુમિમેહ થાય છે. આ વિકારોને ગુચ્છી વિકારો કહે છે.

મૂત્રલની ગળણી જેવો ભાગ એક પાતળી નળીની માફક નલિકા રૂપે લંબાય છે. તેને મૂત્રલનલિકા (renal tubule) કહે છે. તેના પાસેના ભાગને સમીપસ્થાની અને દૂરના ભાગને દૂરસ્થ (distal) મૂત્રલનલિકા કહે છે, તે વાંકીચૂંકી જતી હોવાથી તેમને ગડીધારી (convoluted) મૂત્રલનલિકાઓ કહે છે. મૂત્રલનલિકાઓ એકઠી થઈને મોટી નલિકાઓ બનાવે છે જે છેવટે મૂત્રમાર્ગની મોટી નળીઓ બનાવે છે. લોહીની નસોના વિકારોમાં અને મૂત્રપિંડમાં આવેલા મૂત્રલગુચ્છોના વિકારોમાં લોહીમાંના પ્રોટીનનું ગાળણ અસામાન્ય અથવા વિષમ બને છે. સમીપસ્થાની મૂત્રલનલિકાઓમાં પ્રોટીનના કેટલાક નાના અણુઓ અવશોષાઈ જાય છે. તેથી સમીપસ્થાની મૂત્રલનલિકાના વિકારોમાં તે નાના અણુઓ પેશાબમાં વહી જઈને પ્રોટીનમૂત્રમેહનો વિકાર કરે છે.

પેશાબ બન્યા પછી તે અમુક સમય મૂત્રાશયમાં ભરાઈ રહે છે. ત્યારબાદ તે મૂત્રાશયનળી દ્વારા બહાર વહી જાય છે. તે પુર:સ્થ ગ્રંથિ (prostate gland) નામની ગ્રંથિમાંથી પસાર થાય છે. તેથી મૂત્રાશયના તથા પુર:સ્થ ગ્રંથિના રોગોમાં (દા.ત. ચેપ) પેશાબની અંદર પ્રોટીનના અણુઓ ભળે છે. તેથી તેમના વિકારો અને રોગોમાં પણ પ્રોટીનમૂત્રમેહ થાય છે.

કારણવિદ્યા : પ્રોટીનમૂત્રમેહને મુખ્ય 2 વિભાગોમાં વર્ગીકૃત કરાય છે : (ક) દેહધર્મી (physiological) અથવા અવિશિષ્ટ (nonspecific) પ્રોટીનમૂત્રમેહ અને (ખ) રુગ્ણતાજન્ય (pathological) પ્રોટીનમૂત્રમેહ.

(ક) કેટલીક સામાન્ય ક્રિયાઓ વખતે શરીરમાં વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. તેમની સાથે જો પ્રોટીનમૂત્રમેહ થઈ આવે તો તેને દેહધાર્મિક પ્રોટીનમૂત્રમેહ કહે છે. દા.ત., તાવ આવે ત્યારે, ક્યારેક 2 કલાક ચાલ્યા પછીના સમયે, લાંબા સમય સુધી ઠંડા વાતાવરણના સંસર્ગથી, પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનવાળો ખોરાક લીધા પછી, સગર્ભાવસ્થામાં, ઋતુસ્રાવ પહેલાંની સ્થિતિ તથા જન્મ પછીના પ્રથમ 10 દિવસમાં પ્રોટીનમૂત્રમેહ થાય છે. લાંબા સમય માટે ચાલ્યા પછી થતા વિકારને અંગવિન્યાસી પ્રોટીનનમૂત્રમેહ (orthostatic proteinuria અથવા postural proteinuria) કહે છે. તેવી રીતે સગર્ભાવસ્થા સમયે થતા વિકારને સગર્ભી મૂત્રમેહ (gestational proteinuria) અને ભારે માત્રામાં પ્રોટીનયુક્ત ખોરાક લીધા પછી થતા વિકારને પોષણજન્ય પ્રોટીનમૂત્રમેહ (alimentary proteinuria) કહે છે. અંગવિન્યાસી પ્રોટીનમૂત્રમેહમાં જોવા મળ્યું છે કે જો વ્યક્તિ થોડું ચાલે તો આ વિકાર થતો નથી પરંતુ લાંબું ચાલે ત્યારે તે જોવા મળે છે. અંગકસરત પછી તેનું પ્રમાણ વધે છે. મોટેભાગે તે સમયે ઓછા અણુભારવાળા (ઓછા વજનના) પ્રોટીનના અણુઓ પેશાબમાં જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં આવા ઓછા આણ્વિક ભાર(molecular weight)વાળા પ્રોટીનના અણુઓ કદમાં પણ નાના હોય છે અને તે મૂત્રપિંડમાંના ગુચ્છીગલન (glomerular filtration) સમયે ગળાઈ જાય છે, પરંતુ તેઓ જ્યારે મૂત્રલનલિકા(renal tubule)માં આવે છે ત્યારે પાછા અવશોષાઈ જાય છે. અંગવિન્યાસી પ્રોટીનમૂત્રમેહના સમયે તેઓનું મૂત્રલનલિકામાં અવશોષણ થતું નથી અને તેથી તેમને મૂત્રલનલિકાકીય પ્રોટીનમૂત્રમેહ (tubular proteinuria) કહે છે. તેના કોઈ નિશ્ચિત કારણની જાણકારી નથી. કદાચ તેનું કારણ મૂત્રલની કેશવાહિનીઓમાં વાહિનીગત દ્બાણમાં આવેલો કોઈ ફેરફાર હશે તેમ મનાય છે. તે સમયે મૂત્રલના તલપટલની પારગલનશીલતામાં કોઈ ફેરફાર થતો હોતો નથી. તેવી જ રીતે કોઈ ચોક્કસ રીતે ઊઠવાબેસવામાં પણ પ્રોટીનમૂત્રમેહ થાય છે. તેનું કારણ કોઈ રુધિરાભિસરણીય પ્રક્રિયા હશે તેવું મનાય છે. તે સમયે મૂત્રલના તલપટલની પારગલનશીલતામાં કોઈ ફેરફાર થતો હોતો નથી. તેવી જ રીતે કોઈ ચોક્કસ રીતે ઊઠવાબેસવામાં પણ પ્રોટીનમૂત્રમેહ થાય છે. તેનું કારણ કોઈ રુધિરાભિસરણીય પ્રક્રિયા હશે તેવું મનાય છે. કદાચ ઊભા રહેવાથી શિરાઓમાં લોહી ભરાય અને તેને કારણે કૅટેકોલએમાઇન અને એન્જિયોટેન્સિન જેવાં દ્રવ્યો લોહીમાં પરિભ્રમણ કરીને પ્રોટીનમૂત્રમેહ કરાવતા હશે એવું પણ મનાય છે.

(ખ) રુગ્ણતાજન્ય વિકારોને 2 વિભાગમાં વહેંચી શકાય છે : (ખ–1) મૂત્રપિંડી વિકારો અને (ખ–2) સામાન્ય કે અસામાન્ય પ્રોટીનનું વધુ પડતું ઉત્પાદન કરતા વિકારો.

(ખ–1) મૂત્રમાર્ગના રોગોમાં પ્રોટીનમૂત્રમેહ થાય તેને રુગ્ણતાજન્ય પ્રોટીનમૂત્રમેહ કહે છે. તેનાં મુખ્ય 4 કારણો છે : મૂત્રપિંડમાં ગુચ્છી વિકાર થયેલો હોય, મૂત્રપિંડમાં મૂત્રલનલિકાનો વિકાર થયેલો હોય, મૂત્રપિંડની નસોમાં વિકાર હોય કે પુર:સ્થ ગ્રંથિમાં કોઈ વિકાર થયેલો હોય તો રુગ્ણતાજન્ય પ્રોટીનમૂત્રમેહ થાય છે. સારણી 1માં તે નોંધવામાં આવ્યા છે. મૂત્રપિંડના મુખ્ય રોગોમાં અપમૂત્રપિંડી શોફ સંલક્ષણ(nephrotic syndrome)નો સમાવેશ થાય છે. તેમાં ગુચ્છીગલનની ક્રિયા (glomerular filtration) વિષમ બનેલી હોય છે. તેમાં દર્દીના પેશાબમાં પુષ્કળ પ્રોટીન વહી જાય છે. તેથી તેના લોહીમાં તેનું પ્રમાણ ઘટે છે, તેને શરીરે ખૂબ સોજા આવે છે. નાનાં બાળકોમાં જ્યારે તેવો વિકાર થાય ત્યારે મૂત્રપિંડનું પેશીપરીક્ષણ (biopsy) કરાય છે. જો તેમાં ખાસ કોઈ વિકૃતિ ન જણાય તો તેવા દર્દીમાં સ્ટીરૉઇડ અને અન્ય દવાઓ વડે સારવાર કરવાથી ઘણી રાહત થઈ જાય છે. મૂત્રપિંડી વિકારોમાં પ્રોટીનમૂત્રમેહનું પ્રમાણ અલગ અલગ હોય છે. મૂત્રલમાંના ગાળણ કરતા ગુચ્છ (glomerulus) કે તેમાંના તલપટલને અસર કરતા રોગોમાં તે સૌથી વધુ હોય છે. દા.ત., અપમૂત્રપિંડી શોફ સંલક્ષણ (nephrotic syndrome). મૂત્રપિંડની અંતરાલીય પેશી(interstitial tissue)ને અસર કરતા રોગોમાં તેનું પ્રમાણ ઓછું હોય છે. સામાન્ય રીતે 1થી 2 ગ્રામ/24 કલાકે. જોકે તેમાં અપવાદો પણ નોંધાયેલા છે, માટે દરેક દર્દીનો અલગ અલગ રીતે અભ્યાસ કરાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં પ્રોટીનમૂત્રમેહ ઓછો જોવા મળે છે, માટે જો તેવા દર્દીમાં તે હોય તો તેનું મહત્વ ખૂબ વધી જાય છે. મૂત્રલનલિકાઓના વિકારોમાં કેટલાંક સંલક્ષણો (syndrome) તથા ઝેરી અસરને કારણે મૂત્રલનલિકાને થતા નુકસાનનો સમાવેશ થાય છે. મૂત્રપિંડની ધમની સંકોચાયેલી અને પાતળી થયેલી હોય તો તેને ધમનીકીય સંકીર્ણન (arterial stenosis) કહે છે. ક્યારેક મૂત્રપિંડની શિરામાં લોહીનો ગઠ્ઠો જામેલો હોય તો તેને શિરાકીય રુધિરગુલ્મન (venous thrombosis) કહે છે. આ બંને વિકારોમાં પણ પ્રોટીનમૂત્રમેહ થાય છે. વિવિધ પ્રકારના બહુતંત્રીય રોગોમાં મૂત્રપિંડ અસરગ્રસ્ત થાય છે અને તેથી તેમાં પણ ક્યારેક કોઈ અન્ય ખાસ કે વિશિષ્ટ તકલીફ ન હોય એવો પ્રોટીનમૂત્રમેહ થાય છે. દા.ત., મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, નજલો (gout) વગેરે. જો દર્દીને લાંબા સમયની હૃદયની રુધિરભારિત નિષ્ફળતાનો વિકાર થયો હોય તો પણ ક્યારેક પેશાબમાં પ્રોટીન વહી જાય છે.

(ખ–2) સામાન્ય કે અસામાન્ય પ્રોટીનનું વધુ પડતું ઉત્પાદન કરતા વિકારો હોય ત્યારે પણ ક્યારેક પ્રોટીનમૂત્રમેહ જોવા મળે છે. તે મૂત્રપિંડ સિવાયના અવયવો કે પેશીઓમાં ઉદભવતા રોગો કે વિકારો છે. બહુમજ્જાર્બુદ નામનું એક કૅન્સર છે. તેના દર્દીમાં ઓછા વજનવાળી અલ્પભારવાળી પ્રોટીનશૃંખલાઓ(light chain proteins)નું ઉત્પાદન વધુ થાય છે. તેને બેન્સ-જોન્સ પ્રોટીન કહે છે. ઍમિલૉઇડતા (amyloidosis), સૌમ્ય એકકોષગોત્રી પ્રતિરક્ષાલક્ષી પ્રોટીનવિકાર (benign monoclonal gammopathy), દીર્ઘકાલી લસિકાકોષી રુધિરકૅન્સર (chronic lymphocytic leukaemia), વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus), નસોની અંદર તૂટતા રક્તકોષોવાળું અંત:વાહિની રક્તકોષલયન (intravascular haemolysis), રૈખિક સ્નાયુલયન (rhabdomyolysis) વગેરે વિવિધ વિકારોમાં પણ અલ્પભારવાળી પ્રોટીનશૃંખલાઓ ઉદભવે છે અને તેથી પેશાબમાં પ્રોટીન વહી જાય છે. આ વિકારોમાં પ્રોટીનમૂત્રમેહ હંમેશાં એકસરખો હોતો નથી. તેથી તેમના નિદાનમાં મુશ્કેલી પડે છે. આમ અનેક પ્રકારનાં અલગ અલગ કારણોથી ઉદભવતા રોગોમાં પ્રોટીનમૂત્રમેહ થતો હોવાથી પણ તેનું નિદાન કરવું અઘરું પણ મહત્વનું બને છે.

પેશાબમાંના પ્રોટીનનું આમાપન (assay) કરવાની રીતો : પેશાબમાં વધી જતા પ્રોટીનને 3 રીતે દર્શાવી કે માપી શકાય છે. ડૂબકપટ્ટી(dipstick)ને તાજા મેળવેલા પેશાબના નમૂનામાં બોળીને તેમાંના પ્રોટીનનું આમાપન કરી શકાય છે. તેને ડૂબકપટ્ટીની પદ્ધતિ (dipstick method) કહે છે. પ્રવાહીના pH મૂલ્યને પારખી શકે તેવા રસાયણવાળી પટ્ટીને મૂત્રમાં ડુબાડીને તેના રંગમાં આવતા ફેરફારને નોંધવામાં આવે છે. આવો રંગનો ફેરફાર સામાન્ય રીતે તેમાંના પ્રોટીનના પ્રમાણ જેટલો હોય છે. તેમાં આલ્બ્યુમિનની ઋણભારિતા(negative charge)નો લાભ ઉઠાવાય છે. જોકે તેના કરતાં વધુ ચોકસાઈથી પ્રોટીનનું પ્રમાણ માપી શકે તેવા પરીક્ષણને સલ્ફોસેલિસિક ઍસિડ કસોટી કહે છે. તેમાં પ્રોટીનનું અવસરણ (precipitation) કરી શકાય છે. તેનું તેની મદદથી નિલંબિત દ્રાવણ પણ મેળવી શકાય છે. તે ડૂબકપટ્ટી કસોટી કરતાં પણ વધુ સંવેદનશીલ હોય છે અને તેથી 10થી 20 મિગ્રા. જેટલી ઓછી માત્રામાં પ્રોટીન હોય તોપણ તેનું માપન કરી શકે છે. વળી ડૂબકપટ્ટી કસોટી આલ્બ્યુમિન સિવાયના ઋણભારિત પ્રોટીનનું માપન કરવામાં નિષ્ફળ જાય છે. સલ્ફોસેલિસિક ઍસિડ કસોટીને આ મર્યાદા નથી. તેથી બહુમજ્જાર્બુદ (multiple myeloma) નામના કૅન્સરમાં સામાન્ય રીતે આલ્બ્યુમિન સિવાયના એક અન્ય પ્રકારનું પ્રોટીન જતું હોય છે. તેથી આ બંને કસોટીઓ જુદું જુદું પરિણામ આપે છે. જોકે બંને પ્રકારની કસોટીઓ ખૂબ ઓછા પ્રમાણમાં પ્રોટીનમૂત્રમેહ હોય તો તે પકડી શકતી નથી, તેથી જ્યારે શંકા હોય ત્યારે આ પ્રકારની ગુણનિર્દેશક (qualitative) કસોટીઓને બદલે દળનિર્દેશક (quantitative) કસોટીઓ કરાય છે.

ત્રીજી પદ્ધતિને ઉત્કલનક્રિયા (boiling) કહે છે. તે માટે ચોખ્ખો દેખાતો પેશાબનો નમૂનો લેવાય છે. જો તેમાં મલિનતા (turbidity) હોય તો તેને પહેલાં ગાળી લેવાય છે. ત્યારબાદ જે કસનળીમાં પેશાબ ભરવામાં આવ્યો હોય તેને ઉપરના છેડેથી ગરમ કરાય છે. જો તેમાં કોઈ મલિનતા જોવા મળે તો તેમાં એસેટિક ઍસિડ ઉમેરાય છે. ફૉસ્ફેટની મલિનતા તેમાં ઓગળી જાય છે પરંતુ પ્રોટીનને કારણે ઉદભવતી મલિનતા રહી જાય છે.

રુગ્ણતાજન્ય પ્રોટીનમૂત્રમેહનાં કેટલાંક કારણો

ક્રમ વિકારજૂથ

ઉદાહરણો : રોગ અથવા વિકારોનાં નામ

(1) ગુચ્છી વિકાર

(glomerular

lesion)

બાળકોમાં જોવા મળતી

અલ્પવિકારી

મૂત્રપિંડરુગ્ણતા

દીર્ઘકાલી પટલીય

ગુચ્છરુગ્ણતા

પટલવૃદ્ધિકારી

સગુચ્છી મૂત્રપિંડશોથ

minimal change

nephropathy of

children

chronic membranous

glomerulopathy

membranoproloferative

glomerulonephritis

(2) સમીપસ્થાની

મૂત્રલનલિકા

(proximal

tubule)ના વિકારો

ફાન્કોનિ સંલક્ષણ

વિલ્સનનું સંલક્ષણ

સિસ્ટિનલક્ષી વિકાર

સારકોઇડતા

મૂત્રલનલિકાકીય અમ્લીયતા

કૅડમિયમનું ઝેર

ક્યારેક સકુંડી

મૂત્રપિંડશોથ

મૂત્રપિંડનું પ્રત્યારોપણ

Fanconi syndrome

Wilson’s syndrome

cystinosis

sarcoidosis

renal tubular acidosis

cadmium toxicity

sometimes

pyelonephritis

renal transplantation

(3) મૂત્રપિંડની નસોના

વિકારો

ધમનીનું સંકીર્ણન

શિરામાં રુધિરગુલ્મન

arterial stenosis

venous thrombosis

(4) મૂત્રમાર્ગના

પ્રકીર્ણ વિકારો

(miscella-

neous

disorders)

મૂત્રાશયના વિકારો

 

પુર:સ્થ ગ્રંથિના વિકારો

disorders of the

urinary bladder

disorders of prostate

gland

(5) બહુતંત્રીય રોગો

(systemic

diseases)

મધુપ્રમેહ

મૂત્રપિંડી ઍમિલૉઇડતા

અતિરુધિરદાબ

નજલો

બહુતંત્રીય રક્તકોષભક્ષિતા

 

દીર્ઘકાલી રુધિરભારિત

હૃદયી અપર્યાપ્તતા

(નિષ્ફળતા)

diabetes mallitus

renal amyloidosis

hypertension

gout

systemic lupus

erythematosus

chronic congestive

heart failure

નિદાન : જો દર્દીના શરીરમાંથી દિવસનું 0.5 ગ્રામ પ્રોટીન વહી જતું હોય તો તેવું સામાન્ય માણસમાં કસરત કે શ્રમ પછી થતું જોવા મળે છે. ક્યારેક તેનું કારણ મંદ પ્રકારના કે રુઝાતા જતા ગુચ્છી વિકારમાં પણ જોવા મળે છે. જો તે દિવસનું 0.5થી 2 ગ્રામ જેટલું હોય તો તેવું ક્યારેક કોઈ પણ કારણ વગર પણ એક કાયમી વિષમતાના રૂપે જોવા મળે છે. તેનાં અન્ય કારણોમાં મૂત્રપિંડના ગુચ્છીય કે નલિકાકીય કોઈ રોગોનો સમાવેશ થાય છે. જો તે પ્રમાણ દિવસનું 2થી 5 ગ્રામ જેટલું હોય તો તે ગુચ્છી રોગ અથવા પ્રોટીનનું વધેલું ઉત્પાદન સૂચવે છે. ઘણી વખત પ્રોટીનનું વધેલું ઉત્પાદન કોઈ કૅન્સરની બીમારી પણ સૂચવે છે. જો તે દિવસનું 5 ગ્રામ કે વધુ હોય તો તે અપમૂત્રપિંડી શોફ સંલક્ષણ, કોઈ ચોક્કસ ગુચ્છી રોગ, લોહીનું વધુ પડતું વધી ગયેલું દબાણ, મૂત્રપિંડ ધમનીનું સંકીર્ણન, શિરાકીય રુધિરગુલ્મન કે તીવ્ર પ્રકારની દીર્ઘકાલી હૃદયી નિષ્ફળતાના રોગો સૂચવે છે. સામાન્ય મૂત્રમાં શ્લેષ્મિન (mucin) નામનું દ્રવ્ય બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે. પરંતુ મૂત્રમાર્ગના ચેપ કે સ્ત્રીઓના કિસ્સામાં તે યોનિ(vagina)માંથી વધુ પ્રમાણમાં વહે છે. એક ‘બેન્સ-જોન્સ’ પ્રકારનું પ્રોટીન જો પેશાબમાં હોય તો બહુમજ્જાર્બુદ (multiple myeloma) નામના એક કૅન્સરનું નિદાન સૂચવે છે.

સતત અને અલાક્ષણિક પ્રોટીનમૂત્રમેહ કે લક્ષણરહિત પ્રોટીનમૂત્રમેહ (asymptomatic proteinuria) : ક્યારેક કોઈ જાતની તકલીફ વગર (અલાક્ષણિક) અને સતત કાં તો પ્રોટીનમૂત્રમેહ થાય છે અથવા તો પેશાબમાં લોહી વહે છે. ક્યારેક તેમાં મૂત્રપિંડના પેશીપરીક્ષણ સહિતની લગભગ બધી જ તપાસ સામાન્ય પરિણામ દર્શાવે છે. જો સાથે લોહીનું ઊંચું દ્બાણ ન હોય તો તે કોઈ ખાસ તકલીફ કરતી નથી. જોકે સતત રહેતો પ્રોટીનમૂત્રમેહ ક્યારેક મૂત્રપિંડના કોઈ રોગની અગવાની કરતો હોય એવું જોવા મળે છે. તેનાં કારણોમાં ક્યારેક કોઈ ગુચ્છીય વિકાર હોય છે. બહુતંત્રીય રક્તકોષભક્ષિતા જેવો બહુતંત્રીય રોગ હોય છે. કોઈક અન્ય પ્રકારનો રોગ પણ હોય છે, જેમ કે મૂત્રપિંડનું કૅન્સર, મૂત્રપિંડનો ક્ષયરોગ અથવા પુર:સ્થ ગ્રંથિ કે મૂત્રમાર્ગનું કૅન્સર કે અન્ય રોગ થાય ત્યારે આવું બને છે. મૂત્રમાર્ગની પૂરેપૂરી તપાસ કરીને નિદાન કરાય છે.

પ્રવીણા પી. શાહ

શાંતિ પટેલ

શિલીન નં. શુક્લ