પ્રેલૉગ, વ્લાદિમિર

February, 1999

પ્રેલૉગ, વ્લાદિમિર (જ. 23 જુલાઈ 1906, સારાયેવો, યુગોસ્લાવિયા) : જાણીતા રસાયણવિદ. પ્રેલૉગે પ્રાહામાં ઝૅક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી 1928માં કૅમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (M.Sc.) મેળવી. 1929માં પ્રો. વૉટૉસેકના માર્ગદર્શન નીચે સંશોધન કરી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1929–1935 દરમિયાન તેઓ ડ્રિઝા લૅબોરેટરીના અધ્યક્ષ હતા. 1935થી 1940 દરમિયાન તેઓ ઝાગ્રેબની ટૅકનિકલ યુનિવર્સિટીમાં Dozent રહ્યા અને

વ્લાદિમિર પ્રેલૉગ

ત્યાં જ 1940થી ’41 દરમિયાન એસોસિયેટ પ્રોફેસર થયા. 1942માં તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવીને ઝૂરિકની સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાં Privatdozent તરીકે જોડાયા. તે પછી 1947માં એસોસિયેટ પ્રોફેસર તથા 1950માં પ્રોફેસર થયા. 1957થી 1965 દરમિયાન તેઓ ત્યાંની કાર્બનિક પ્રયોગશાળાના અધ્યક્ષ પણ રહ્યા હતા.

તેમના કાર્બનિક અણુઓ અને પ્રક્રિયાઓના અવકાશરસાયણ(stereochemistry)માં સંશોધન બદલ પ્રેલૉગને 1975ના વર્ષનો નોબેલ પુરસ્કાર કૉર્નફૉર્થની સાથે સંયુક્ત રૂપે એનાયત થયો હતો.

જ. પો. ત્રિવેદી