પ્રેરણા : કલાસર્જન માટે અપેક્ષિત કે આવશ્યક પ્રેરક બળ. આ ઉપરથી ‘પ્રેરણાનો સિદ્ધાંત’ રચાયો છે. મૂળ લૅટિન inspirare – ‘શ્વાસ અંદર લેવો’ – તે ઉપરથી પ્રેરણા આપવી તે; કાવ્ય અને ધર્મગ્રંથમાં દૈવી પ્રેરણા; સુઝવાડાયેલો વિચાર; એકદમ સ્ફુરેલો સુંદર વિચાર – કલ્પના. કલાસર્જનમાં કૃતિની રચના પહેલાં સર્જકમાં ઉદભવતા સર્જનાત્મક ઉત્સાહ કે જુસ્સાને પ્રેરણા કહે છે : તે સર્જકમાં નિષ્પન્ન થતો એક પ્રકારનો આવેગ છે. સર્જનપ્રક્રિયાના ઉદગમની ભીતરમાં પ્રેરણા હોય છે. પારલૌકિક કે દૈવી શક્તિ દ્વારા પ્રેરણા નિષ્પન્ન થાય છે એવું મનાય છે. તે સર્જક ઉપરનો દિવ્ય પ્રભાવ છે. સર્જકની શ્રદ્ધા પ્રેરણા પરત્વે કોઈ ને કોઈ પ્રકારે ચાલુ રહી છે. પ્રેરણા કલાકારને તેની રચના સાથે જોડી રાખનાર બળ છે. સમાજનાં બદલાતાં ધોરણો સાથે પ્રેરણાના સ્વરૂપમાંયે ફેરફાર થાય છે. તે ચિંતન કરાવે છે; તે વાણી રૂપે પ્રગટ છે; અને આચરણમાં મુકાવે છે. પ્રેરણાનો સંદર્ભ તરેહતરેહની અનુભૂતિઓ સાથે હોઈ શકે. એમાં અપાર્થિવ કે અશરીરી જીવની હાજરી કે પ્રત્યક્ષપણું હોઈ શકે.

સર્જન માટે થતી પ્રેરણા લાંબા સમયથી તપાસનો વિષય રહી છે. પ્લેટોના મત મુજબ કાવ્યસર્જન ઉન્મત્તતા કે જુસ્સો, ઉમંગ કે કાવ્યાવેગનું પરિણામ છે. તેના પર કવિનો પોતાનો કોઈ કાબૂ હોતો નથી. કવિઓમાં જૈ નૈતિકતાનો અભાવ વરતાય છે તેના મૂળમાં આ પ્રેરણા કે ઉન્માદ છે એવી તેની માન્યતા છે. માટે જ હોમર કે હેસિયૉડ જેવા મહાકવિઓની, તેમની નિરર્થક કવિતા માટે તે પોતાના મનોરાજ્ય(રિપબ્લિક)માંથી હકાલપટ્ટી કરે છે. કોઈ પણ કરુણ કે હાસ્યપ્રધાન નાટકની સાહિત્યમાંથી બાદબાકી જ કરવી ઘટે એવો તેનો પ્રબળ મત છે. પ્લેટો ‘અપૉલૉજી’માં કહે છે તેમ કવિઓ કોઈ પણ સર્જન ડહાપણથી કરતા નથી. કદાચ કોઈ ઈશ્વરદત્ત સત્તા કે તદ્દન અબૌદ્ધિક પ્રેરણાથી સર્જન થતું હોય તેમ સંભવ છે. ‘ફેડ્રસ’ અને ‘આયૉન’માં પ્રેરણાના સંદર્ભમાં કવિઓ અને અસંગત કૃતિકારો(rhapsodes)ને તેણે પાગલ તરીકે ઓળખાવ્યા છે. તે બધા કાવ્યદેવીઓ(Muses)ના શરણે હોય છે. ‘આયૉન’માં પ્લેટો કહે છે તેમ, કવિ પાંખાળો અને પવિત્ર છે, પરંતુ તે કોઈ પણ પ્રકારનું આગવું સંશોધન કરતો નથી. એટલું ખરું કે જ્યારે તેની ઇન્દ્રિયોથી તદ્દન અળગો પડી જાય છે અને તેનામાં બુદ્ધિનો જરા પણ પ્રભાવ રહેતો નથી ત્યારે તે કવિતા રચે છે. ટૂંકમાં, કોઈ ને કોઈ દૈવી સ્રોતમાંથી પ્રેરણા પામ્યા વગર, કવિ પોતે સર્જન કરવા અશક્તિમાન છે.

પ્રેરણાના બે સિદ્ધાંતો જાણીતા છે – (1) બાહ્ય પ્રેરણાનો અને (2) આંતરિક પ્રેરણાનો. પ્રાચીન ગ્રીક અને લૅટિન તજ્જ્ઞો પ્રેરણાને બહારથી આવતા દિવ્ય સ્રોત રૂપે સમજે છે. તેમની સમજ મુજબ લોહચુંબક જેમ લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે અને તેને લોહચુંબક બનાવે છે, તેમ કોઈ દિવ્ય શક્તિ કવિને પોતાના તરફ ખેંચે છે. આમ સર્જક પ્રેરણાનો ખેંચાયો કાવ્ય રચે છે. સાધારણ સ્તરનો કવિ પણ પ્રેરણાના બળે શ્રેષ્ઠ કાવ્ય રચી શકે છે, તો બીજી તરફ એમ પણ બને કે મોટા ગજાનો કવિ પ્રેરણાની ગેરહાજરીમાં સાધારણ કવિતા રચી કાઢે. એટલે તો પોતાની કૃતિની રચનાની શરૂઆતમાં કવિ દેવોની અને સવિશેષ કાવ્યદેવીઓની પ્રાર્થના કરતા હોય છે. આ પ્રકારની આરાધના માટે લખાતી પંક્તિઓ તેની કૃતિ માટે સાહિત્યિક પ્રણાલિકા બને છે. હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’માં દૈવી સ્તુતિ (invocation) છે. સંસ્કૃત અને મધ્યકાલીન ગુજરાતી કૃતિઓના પ્રારંભમાં કૃતિની નિર્વિઘ્ન સફળતા માટે દેવદેવીઓના આશીર્વાદ પ્રાપ્ત થાય તે અર્થે સ્તુતિવાચક પંક્તિઓ હોય છે. પ્રબુદ્ધકાળ દરમિયાન અને ત્યારપછી લખાયેલ પશ્ચિમના સાહિત્યમાં બાહ્ય પ્રેરણાની આ વાત વારંવાર આવે છે. ઇટાલીના વિવેચક ક્રોચે બાહ્ય પ્રેરણાનો હવાલો આપી કવિમાં રહેલી પ્રેરણાને ‘ઇયૉલિયન હાર્પ’ – વીણાવાદ્ય સાથે સરખાવે છે. જોકે કેટલાક આંતરિક પ્રેરણાને મહત્વની ગણે છે. આ સિદ્ધાંતમાં પ્રેરણાનો સંદર્ભ વૈયક્તિક પ્રતિભા અને સર્જકતા સાથે સ્થાપી આપવામાં આવ્યો છે. આ સિદ્ધાંતને મનોવિજ્ઞાન અને મનોવિશ્લેષણ દ્વારા સમજાવવામાં આવ્યો છે. પ્રેરણાનું મૂળ અચેતન કે અર્ધચેતન (subconscious) મનમાં છે. ભાવનોત્તેજક લાગણીઓ અભિવ્યક્ત થવા મથતી હોય ત્યારે સર્જક તેની અભિવ્યક્તિ, શબ્દ કે અન્ય માધ્યમ દ્વારા કરવાનું વિચારે છે.

એડ્ગર ઍલન પો ‘પ્રતિપ્રેરણા(anti-inspiration)નો નવો સિદ્ધાંત’  આપે છે. પો કહે છે તેમ, કવિ એક પ્રકારનો સાહિત્યિક ઇજનેર છે. આ વિચારણાની રૂએ પ્રતીકવાદી કવિ વાલેરીએ કલ્પેલો કવિ એક રીતે વૈજ્ઞાનિક છે. પ્રેરણા જે કંઈ વિચાર આપે છે તેને કવિ જેમનો તેમ સ્વીકારી લેતો નથી.

કવિનો વિશ્વાસ પ્રેરણા કરતાં પોતાના સભાનપણામાં વિશેષ હોય છે. અન્ય એક મત મુજબ, પ્રેરણા વિશ્વસનીય નથી; એના સંદર્ભમાં જે કાંઈ રચાતું હોય તે પણ નહિ. પ્રેરણાના મૂળનો જે કંઈ ખ્યાલ છે તે યોગ્ય નથી તેમ ડ્રાઇડન અને મૉરિસ કહેતા. જોકે સર્જક પોતે મનની સ્થિતિને, તેમાંથી પ્રગટેલ કોઈ કલ્પનને, કોઈ લયને, કોઈ ઘટના કે વિચારને પ્રારંભિક વેગ તરીકે અથવા રચનાના ઉદ્દીપક તરીકે ઓળખાવે છે; તેમ છતાંય સર્જકપ્રક્રિયાના રહસ્યનો હજુય પૂરેપૂરો ઉકેલ મળ્યો છે તેમ કહેવું યથાર્થ નથી.

‘અગમ્ય શક્તિવાળી પ્રેરણાનો સિદ્ધાંત’ ધર્મગુરુઓમાં શ્રદ્ધા દર્શાવે છે. સંત જેરોમના મત મુજબ સાક્ષાત્કાર શબ્દના અર્થમાં છે. સંત ઑગસ્ટાઇન કહે છે તેમ, લેખક-સર્જકને પ્રભુ પોતે પ્રેરણા આપે છે. રોમન કૅથલિક ચર્ચની બહાર એક સિદ્ધાંત પ્રચલિત થયો છે તે ‘ખાસ પ્રેરણાનો સિદ્ધાંત’ છે. આ મત મુજબ બાઇબલ માટેની પ્રેરણાનો સંબંધ માત્ર વિશ્વાસ અને નીતિમત્તા સાથે છે.

વિ. પ્ર. ત્રિવેદી