પ્રેમાનંદ (‘પ્રેમસખી’) [જ. અઢારમી સદી ઉત્તરાર્ધ; અ. 1855 (સં. 1911, માગસર સુદ 1)] : સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ ભક્ત-કવિઓ પૈકીના એક. પ્રચલિત માહિતી અનુસાર તેઓ ગાંધર્વ કે ગવૈયા જ્ઞાતિના હતા. નાનપણમાં માતાપિતાનું અવસાન થતાં બાવાઓના હાથમાં સપડાયેલા. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીના સંપર્ક પછી તેઓ ગઢડા કે જૂનાગઢમાં સહજાનંદ સ્વામીનાં દર્શન પામ્યા અને તે સંપ્રદાયના સાધુ બન્યા. સહજાનંદ સ્વામીની પ્રેરણાથી બુરહાનપુર જઈ સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજબોધાનંદ હતું. પરંતુ પછીથી ભક્તિની આર્દ્રતાને કારણે તેઓ સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમાનંદ’ ‘પ્રેમસખી’ તરીકે જાણીતા થયા. તેમના જીવનનો મોટો ભાગ સૌરાષ્ટ્રમાં ગઢડામાં પસાર થયો.
સમયની ર્દષ્ટિએ સ્વામી મુક્તાનંદ અને લાડુ બારોટ ઉર્ફે બ્રહ્માનંદ સ્વામી પછી તેમનું સ્થાન મહત્વનું છે. તેમની કવિતામાં કૃષ્ણ તેમજ સહજાનંદનું પ્રિયતમ તરીકે વર્ણન આવે છે અને એ રીતે તેમની કવિતામાં પ્રેમલક્ષણાભક્તિનું પ્રાબલ્ય છે. તેમની કવિતામાં સ્વામી સહજાનંદવિષયક પદ-કીર્તનો સારી સંખ્યામાં છે. તેમણે લખેલાં સહજાનંદના વિજોગનાં પદોમાં કરુણપ્રશસ્તિનાં કેટલાંક લક્ષણો જોવા મળે છે તે નોંધવું જોઈએ.
તેઓ પદકવિ છે. તેમનાં કેટલાંક પદો હિંદીમાં પણ છે. અત્યારે તેમનાં ચારેક હજાર પદ ઉપલબ્ધ છે. કેટલાંક પદોમાં કથામૂલક તંતુયે હોય છે. તેમની કેટલીક પદમાળાઓ ધ્યાનાર્હ છે; દા.ત., ‘તુલસીવિવાહ’, ‘રાધાકૃષ્ણવિવાહ’, ‘નારાયણચરિત્ર/નારાયણલીલા’, ‘સત્યભામાનું રૂસણું’, ‘એકાદશી આખ્યાન’ વગેરે. તેમણે દુહામાં નિબદ્ધ વૈરાગ્યબોધક કૃતિ ‘વિવેકસાર’, 118 કડીની ‘નિસરણી’, 30 પદની ‘રાસરમણલીલા’ જેવી અન્ય કાવ્યરચનાઓ પણ આપી છે. 212 શ્લોકવાળી ‘શિક્ષાપત્રી’નો તેમણે દુહામાં કરેલો અનુવાદ ધ્યાનપાત્ર છે. તેમનાં પદોનાં એકાધિક સંપાદનો–સંકલનો થયાં છે, જેમાં ‘પ્રેમાનંદકાવ્ય : 1-2’ (1919, સં. ઈશ્વરદાસ મશરૂવાળા), ‘પ્રેમસખી પદાવલિ’ (1978 સં. અનંતરાય રાવળ) વગેરે ઉલ્લેખનીય છે. એમનું ઘણું સાહિત્ય હજી અપ્રસિદ્ધ પડ્યું છે.
કે. કા. શાસ્ત્રી