પ્રેમાનંદ (ઈ. સ. સત્તરમી સદી – ઉત્તરાર્ધ ) : આખ્યાનકાર શિરોમણિ. પ્રેમાનંદના જીવન વિશે જે માહિતી મળે છે તેમાં વિશ્વાસપાત્ર હકીકત પ્રમાણમાં ઓછી છે. એની મોટાભાગની કૃતિઓમાં એણે રચનાવર્ષ આપ્યાં છે. એ પરથી એના સમય વિશે અનુમાન થઈ શકે છે. તેની કૃતિઓમાં વહેલામાં વહેલી રચનાસાલ દર્શાવતી કૃતિઓ છે ‘ચંદ્રહાસ-આખ્યાન’ (1671) અને ‘અભિમન્યુ–આખ્યાન’ (1672). એનું ‘ઓખાહરણ’ સંભવત: 1667નું સર્જન છે. એની છેલ્લામાં છેલ્લી રચનાસાલ દર્શાવતી કૃતિઓ છે ‘નળાખ્યાન’ (1686) અને ‘રણયજ્ઞ’ (1690). અધૂરો ‘દશમસ્કંધ’ તેની છેલ્લી કૃતિ ગણી શકાય. આ વિગતોને આધારે 1640થી 1700 સુધીના સમયગાળાને પ્રેમાનંદનો જીવનકાળ માની શકાય.
પ્રેમાનંદે ‘સુદામાચરિત્ર’માં પોતાનો પરિચય આપતાં જણાવ્યું છે તે પ્રમાણે તે વડોદરાનો વતની હતો. સંભવત: તે વાડી મહોલ્લામાં રહેતો હતો. તે જ્ઞાતિએ ચોવીસો મેવાડો બ્રાહ્મણ હતો. એની અટક ‘ઉપાધ્યાય’ હોવાનું જણાવે છે. કવિ પોતે તો પોતાને ‘ભટ પ્રેમાનંદ’ તરીકે ઓળખાવે છે. કદાચ ‘ભટ’ અટક તેને કથાકારના વંશપરંપરાગત વ્યવસાયને કારણે પ્રાપ્ત થઈ હોય. નર્મદ પ્રેમાનંદનું પેઢીનામું આ પ્રમાણે આપે છે : જયદેવ–કૃષ્ણરામ–પ્રેમાનંદ –રઘુરામ–ઇચ્છારામ–મંછારામ–ઉત્તમરામ–દાજીભાઈ–મનસુખરામ.
પ્રેમાનંદ ઉદરનિમિત્તે આખ્યાનો રચતો હતો. તેનો વ્યવસાય કથાકારનો અર્થાત્ માણભટ્ટનો હતો. વ્યવસાય અર્થે તેણે સૂરત, નંદરબાર અને બરહાનપુર સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. નંદરબારમાં તે લાંબો સમય રહ્યો હશે એમ લાગે છે. ત્યાં તેને મૂળ સૂરતના, પણ વેપાર અર્થે નંદરબારમાં વસેલા શંકરભાઈ દેસાઈનો આશ્રય મળ્યો હતો. નર્મદને મળેલી માહિતી અનુસાર માતા-પિતાના અવસાન પછી એ માસીને ત્યાં ઊછર્યો હતો. કથાકારના વ્યવસાયમાં પ્રેમાનંદે સારા પૈસા એકઠા કર્યા હશે.
પ્રેમાનંદને નામે ગણાવાયેલી અને છપાયેલી કૃતિઓ પૈકી કેટલીક કૃતિઓની કોઈ હસ્તપ્રત હજુ સુધી મળી નથી અને કેટલીક કૃતિઓનું કર્તૃત્વ શંકાસ્પદ છે. આવી કૃતિઓને બાદ કરી જે પ્રેમાનંદની કૃતિઓ તરીકે નિ:શંકપણે સાબિત થઈ છે તે આ પ્રમાણે છે : આખ્યાનો : (1) ‘ઓખાહરણ’ (1667 ?) ‘ભાગવત’ પર આધારિત, (2) ‘ચંદ્રહાસઆખ્યાન’ (1671) તથા (3) ‘અભિમન્યુ-આખ્યાન’ (1672) ‘મહાભારત’ પર આધારિત, (4) ‘મદાલસા-આખ્યાન’ (1672) ‘માર્કણ્ડેય પુરાણ’ પર આધારિત, (5) ‘હૂંડી’ (1977) નરસિંહના જીવન પર આધારિત, (6) ‘સુદામાચરિત્ર’ (1682) ‘ભાગવત’ પર આધારિત, (7) ‘મામેરું’ (1683) નરસિંહના જીવન પર આધારિત, (8) ‘સુધન્વાખ્યાન’ (1684) તથા (9) ‘નળાખ્યાન’ (1686) ‘મહાભારત’ પર આધારિત, (10) ‘રણયજ્ઞ’ (1690) ‘રામાયણ’ પર આધારિત; જેમાં રચનાવર્ષ નથી એવી કૃતિઓ : આખ્યાનો : (1) ‘દશમસ્કંધ’ તથા (2) ‘વામનકથા’ ‘ભાગવત’ પર આધારિત; લઘુકૃતિઓ : (1) ‘સ્વર્ગની નિસરણી’, (2) ‘ફૂવડનો ફજેતો’, (3) ‘વિવેક વણઝારો’, (4) ‘શામળશાનો વિવાહ’ (નાનો) , (5) ‘બાળલીલા-વ્રજવેલ’, (6) ‘દાણલીલા’, (7) ‘ભ્રમરપચીસી’, (8) ‘પાંડવોની ભાંજગડ’, (9) ‘રાધિકાના દ્વાદશ માસ’ તથા (10) ‘વિષ્ણુસહસ્રનામ’.
આ યાદી પરથી જોઈ શકાશે કે પ્રેમાનંદનું મુખ્ય પ્રદાન આખ્યાન-સ્વરૂપમાં છે. પ્રેમાનંદે મધ્યકાળની આખ્યાનપરંપરામાં એકએકથી ચડિયાતાં ઉત્તમ આખ્યાનો સર્જીને પોતાની કવિપ્રતિભાનો સંતર્પક પરિચય કરાવ્યો છે. ઇયત્તા અને ગુણવત્તા ઉભય ર્દષ્ટિએ આખ્યાન-સ્વરૂપમાં પ્રેમાનંદે કરેલું પ્રદાન મૂલ્યવાન છે.
પ્રેમાનંદે પોતાના પુરોગામી આખ્યાનકારોની અસર ઝીલી છે; પણ પ્રેમાનંદની વિશેષતા એ છે કે તે પરંપરાથી પ્રાપ્ત વસ્તુમાં પોતાની પ્રતિભા અને કવિત્વથી સ્વકીય વિશિષ્ટતાઓ ઉમેરી તેને કલાત્મક પરિમાણ બક્ષે છે. પરિચિત પ્રસંગોને યોગ્ય સંદર્ભમાં ગોઠવી પ્રેમાનંદ પોતાની કલ્પના અને કાવ્યબળે રસસ્થાનોની ખિલવણી કરી કૃતિને સંતર્પક અને સમૃદ્ધ બનાવે છે. પ્રેમાનંદનાં ઉત્તમ આખ્યાનો ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’ની પુરોગામી આખ્યાનકારોની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે તુલના કરતાં પ્રેમાનંદની શ્રેષ્ઠતા પ્રમાણિત થશે.
કવિનાં આરંભકાળનાં આખ્યાનોનો બંધ પ્રમાણમાં શિથિલ ને પ્રસ્તારી છે, તેમ છતાં કવિની કથાગૂંથણીની કળા ને નિરૂપણશક્તિ એમાં અછતી રહેતી નથી. ‘ઓખાહરણ’ કવિનું આરંભકાલીન આખ્યાન હોવા છતાં પ્રેમાનંદની શક્તિઓ–વિશેષતાઓ તેમાં પ્રાંકુરિત સ્વરૂપે જોવા મળે છે.
ભગવાનની ભક્તવત્સલતાનો મહિમા કરતા અદભુત રસવાળાં 28 કડવાંના ‘ચંદ્રહાસ-આખ્યાન’માં કવિએ વસ્તુનિરૂપણમાં સીધી લક્ષ્યગામી ગતિ રાખી છે, આડકથાઓ ટાળી છે. તેથી વસ્તુની એકતા સધાઈ શકી છે. વર્ણનોમાં કે બીજે ક્યાંય બિનજરૂરી પ્રસ્તાર થયો નથી અને વસ્તુની સંકલના સુબદ્ધ થયેલી અનુભવાય છે. ‘અભિમન્યુ-આખ્યાન’ અને ‘મદાલસા-આખ્યાન’ મધ્યમ કોટિની રચનાઓ છે, પરંતુ નરસિંહના જીવનમાં બનેલા હૂંડીના પ્રસંગને વર્ણવતું સાત કડવાંનું ‘હૂંડી’ કવિપ્રતિભાનો ઉન્મેષ પ્રગટ કરતી કૃતિ છે. આરંભમાં આલેખાયેલી નરસિંહની નિ:સ્વતા અને ન-કાળજી વણજની ખુમારી, અંતે આલેખાયેલી દામોદર દોશીની પ્રભાવક હાજરી અને એમની ભક્તાધીનતા પરસ્પરપૂરક બની કાવ્યની રમણીયતા વધારી રહે છે.
નરસિંહ-જીવનવિષયક બીજી કૃતિ 16 કડવાંનું ‘મામેરું’ એક સુશ્લિષ્ટ નમૂનેદાર આખ્યાન છે. ભક્ત નરસિંહ દ્વારા કૃષ્ણ-રાધાના લીલા-રાસના અદભુત રસથી આરંભાતું આ અનવદ્ય આખ્યાન અંતે પણ આકાશમાંથી પડતા કાપડાના અદભુત આલેખન સાથે સમાપ્ત થાય છે. કાવ્યમાં વચ્ચે કરુણ અને હાસ્યનાં શીકરો પણ ઊડે છે. હિંદુ સમાજજીવનનું દર્શન કરાવી, કુટુંબ–સમાજની વિકટતા, વિષમતા અને સંકુલતા સ્પષ્ટ કરી અંતે પ્રભુભક્તિનો અને ભક્તનો મહિમા વ્યક્ત કરી કવિ આખરે તો ભક્તિના શિવતત્વનું જ વિજયગાન અહીં ગાય છે.
14 કડવાંનું આખ્યાન ‘સુદામાચરિત્ર’ ત્રણ શ્યો ધરાવે છે. એમાંનું પ્રથમ શ્ય સુદામાના દરિદ્ર ગૃહસ્થજીવનનું છે. એ માટે કવિએ ચાર કડવાં ફાળવ્યાં છે. બીજું ર્દશ્ય સુદામાના દ્વારિકા તરફના પ્રયાણથી પ્રારંભી તે પોતાના ગામ પાછો ફરે છે ત્યાં સુધીનું છે. આ શ્યમાં કવિની ચિત્રનિર્માણશક્તિ વિશેષ ખીલી છે. કથાનું ત્રીજું અને અંતિમ શ્ય સુદામાધામનું જ છે પણ એ સ્થાન પહેલા ર્દશ્યમાં હતું તેનાથી સાવ ભિન્ન જ છે. સુદામા આ પરિવર્તનથી અજાણ છે તેથી પરિસ્થિતિમાં નાટ્યાત્મક વેધકતા આવે છે. આ રીતે કવિએ આખ્યાનને ત્રણ ર્દશ્યોમાં વહેંચી તેની કલાત્મક સંકલના દ્વારા સુગ્રથિત આકાર સર્જ્યો છે.
ભાલણ અને નાકર પછી એ બંનેની કેટલીક અસર દાખવતું 65 કડવાંનું ‘નળાખ્યાન’ પ્રેમાનંદની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે. પાત્ર, પ્રસંગ ને રસ એ ત્રણેમાં અપૂર્વ કૌશલ પ્રદર્શિત કરી, સમકાલીન રંગપૂરણી કરી ઇતર નળકથાઓથી આગળ નીકળી જાય છે. નિરૂપણકલામાં કવિ પાવરધો હોવાથી સ્વાભાવિક રીતે એક ઘટના પરથી બીજી ઘટના પર સરે છે. તેની ભાષાનું પોત વેલબુટ્ટાવાળું, ઘટ્ટ, સુંવાળું અને આકર્ષક લાગે છે. અભિવ્યક્તિનું બળ અને ઠેરઠેર વેરાયેલું કવિત્વ પ્રેમાનંદને સમર્થ કવિ ઠેરવવા પર્યાપ્ત છે. વિવિધ રસોને તે અહીં એકસાથે નિરૂપે છે.
પ્રેમાનંદનાં ઉત્તરકાળનાં બે આખ્યાનો – ‘રણયજ્ઞ’ અને ‘દશમસ્કંધ’ પણ ઉલ્લેખનીય છે. રામ-રાવણના યુદ્ધની કથાને આલેખતું 26 કડવાંનું ‘રણયજ્ઞ’ મંદ કથાવેગવાળું છે. રાવણ–મંદોદરી અને રાવણ–કુંભકર્ણ વચ્ચેના સંવાદોમાં યુદ્ધની પડછે આલેખાતું માનવસંવેદન એનો આસ્વાદ્ય અંશ છે. 53 અધ્યાય અને 165 કડવાં સુધી વિસ્તરી અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ ભાગવતની મૂળ કથાને અનુસરવાના સંકલ્પ સાથે રચાયેલો હોવા છતાં કવિએ પોતાનાં અન્ય આખ્યાનોની જેમ અહીં પણ આવશ્યક ફેરફારો કર્યા છે. પરિણામે કૃતિ માનવભાવથી રસેલી, વચ્ચે વચ્ચે ઊર્મિકાવ્યોથી ઓપતી, ઓછેવત્તે અંશે રસપ્રદ એવાં કથાનકોની માલારૂપ બની રહે છે. મૂળ કથાના અદભુત રસને કવિ વધારે બહેલાવે છે. આ કૃતિનો મુખ્ય રસ વાત્સલ્ય અને કરુણ છે.
આખ્યાનકાર તરીકે પ્રેમાનંદની સૌથી મોટી વિશેષતા છે એની કથાવર્ણનકુશળતા. કથાતંતુને શિથિલ બનવા દીધા વિના તે પ્રસંગોને બહેલાવી, પાત્રોને જીવંત બનાવી, રસસ્થાનોને ખીલવી શ્રોતા-વાચકને કથારસમાં લીન કરી શકે છે. તેનાં આખ્યાનોમાં મધ્યકાલીન જનસમુદાયનું, લોકજીવનનું એક જીવંત મનોરમ ચિત્ર ખડું થાય છે. પ્રેમાનંદની આખ્યાનકલાનો બીજો શક્તિશાળી ઉન્મેષ છતો થાય છે પાત્રાલેખનમાં. એનાં પાત્રોમાં સ્વાભાવિકતા અને વાસ્તવિકતા છે. પૌરાણિક પાત્રોને કવિ સમકાલીનતાનો સંસ્પર્શ આપી જીવંત બનાવી મૂકે છે. પ્રેમાનંદ રસસ્વામી છે. માનવ-લાગણીઓને રુચિર રીતે આલેખીને તે મનોરમ કાવ્યસૃષ્ટિનું સર્જન કરે છે. એની રસ-અભિવ્યક્તિ શ્રોતા-વાચકને રસના પ્રવાહમાં વેગપૂર્વક તાણી જાય છે. પ્રેમાનંદની કાવ્યસૃષ્ટિ અખંડ લહરીનો અનુભવ કરાવે છે. એમ કહેવાયું છે પ્રેમાનંદે એનાં સુખ્યાત આખ્યાનો – ‘નળાખ્યાન’, ‘સુદામાચરિત્ર’ અને ‘મામેરું’માં એની રસશક્તિનો આપણને ઉત્તમ પરિચય આપ્યો છે. પ્રેમાનંદ પાસે સમર્થ ભાષાબળ છે. તે મહદંશે શબ્દનો ઔચિત્યથી ઉપયોગ કરે છે. તેનું શબ્દભંડોળ વિપુલ છે. તે વર્ણવિન્યાસ, લય, પ્રાસ, અર્થ વગેરે ર્દષ્ટિએ યોગ્ય શબ્દની પસંદગી કરી શકે છે. તેની શબ્દસૃષ્ટિમાં તત્સમ અને તળપદા, દેશ્ય શબ્દો સાહજિક રીતે પાસપાસે ગોઠવાઈ જાય છે. તેના જેટલી શબ્દસમૃદ્ધિ મધ્યકાળના બીજા કોઈ કવિમાં જવલ્લે જ જોવા મળે એવી છે. મનુષ્યસ્વભાવનિરૂપણ પ્રેમાનંદનાં આખ્યાનોને સજીવતા પ્રદાન કરે છે. બાહ્ય જગતના ચિત્રણ કરતાં મનુષ્યના આંતરમનને વ્યક્ત કરવામાં કવિ વિશેષ નિપુણ છે. પ્રેમાનંદ પૌરાણિક–પ્રાચીન પાત્રોનું ગુજરાતીકરણ કરે છે અને એવાં પાત્રોના માધ્યમથી ગુજરાતી જનચેતના અને જીવનચેતનાને વ્યક્ત કરે છે.
પ્રેમાનંદ આખરે તો તેના યુગની પેદાશ છે. તે સંભવત: માણભટ્ટ છે. તેથી એ જમાનાનાં રસરુચિ, સ્થૂળતા, સંકુચિતતા, ગ્રામ્યતા વગેરેથી તે સર્વથા મુક્ત રહી શક્યો નથી. ગુજરાતીકરણ કરવા જતાં તત્કાલીન શ્રોતાઓ માટે પૌરાણિક પાત્રો જીવંત અને પ્રતીતિકર બન્યાં છે, પણ સાથે અમુક અંશે તેમનો ગૌરવભંગ પણ થયો છે. આવી થોડીક મર્યાદાઓ છતાં પ્રેમાનંદ મધ્યકાળનો સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર અને એક સમર્થ, રસજ્ઞ કવિ પણ છે. તેનામાં કંઈક સર્વકાલીન છે અને કંઈક તત્કાલીનને સર્વકાલીનમાં પલટાવી શકે એવું પણ છે. પ્રેમાનંદ ભલે નાના વર્તુળનો હોય પણ છે મોટો કવિ. રસૈકલક્ષિતાને લીધે તે ગુર્જર પ્રજાજીવનના મૂળમાં સંજીવની સીંચનારો સમર્થ પરલક્ષી કવિ બની શક્યો છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ