પ્રેમજી, રિશદ (જ. 9 જાન્યુઆરી, 1977, મુંબઈ, ભારત) : દુનિયાના છ ખંડોમાં કાર્યરત અને આશરે 2,50,000 કર્મચારીઓ ધરાવતાં ભારતનાં અગ્રણી બહુરાષ્ટ્રીય કૉર્પોરેટ ગ્રૂપ વિપ્રોના એક્ઝિક્યુટિવ ચૅરમૅન. પિતા વિપ્રો ગ્રૂપના સ્થાપક અઝિમ પ્રેમજી અને માતા યાસ્મીન પ્રેમજી. પિતા અઝિમ પ્રેમજી અને માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સને રિશદ આદર્શ માને છે.

મુંબઈની કૅથેડ્રલ એન્ડ જૉહન કૉન્નોન સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું. 1999માં અમેરિકાના કનેક્ટિકટ રાજ્યની વેસ્લીન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની અને 2005માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA(માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ની ઉપાધિ મેળવી. એ જ વર્ષે લંડનમાં બેઇન એન્ડ કંપનીમાં વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી, જ્યાં ઉપભોક્તા ઉત્પાદનો, ઑટોમોબાઇલ અને ટેલીકમ્યુનિકેશન જેવા ઉદ્યોગોમાં આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ માટે બે વર્ષ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને સ્ટ્રેટેજિક એડવાઇઝર તરીકે કામ કર્યું.

ત્યાર બાદ રિશદ અમેરિકામાં જીઈ કૅપિટલમાં સામેલ થયા, જ્યાં તેમણે બૅંકિંગ, વીમા અને ઉપભોક્તા ધિરાણમાં કામ કર્યું. આ કામગીરીમાં રિશદે વિલીનીકરણ અને ખરીદી, વ્યૂહાત્મક આયોજન અને વિશ્લેષણ કરીને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવી. વર્ષ 2007માં ભારતમાં પુનરાગમન કર્યું અને પારિવારિક વ્યવસાય વિપ્રોમાં સામેલ થયા.

વર્ષ 2007માં વિપ્રોમાં ટ્રેઝરી અને રોકાણકારો સાથે સંબંધ બનાવવા માટેના વિભાગમાં બિઝનેસ મૅનેજર તરીકે કામગીરી શરૂ કરી. 2011માં ચીફ સ્ટ્રેટેજી ઑફિસર (CSO) તરીકે નિમણૂક થઈ, જેમાં રિશદે લાંબા ગાળાની વ્યૂહાત્મક યોજનાઓ, અન્ય કંપનીઓ સાથે વિલીનીકરણ અને તેમની ખરીદી અને રોકાણલક્ષી પહેલો હાથ ધરી. ચીફ સ્ટ્રેટેજી ઑફિસર તરીકે 500 મિલિયન ડૉલરનાં ફંડ સાથે વિપ્રો વેન્ચર્સની સ્થાપના કરી. આ વેન્ચર્સ વિપ્રોની આધુનિક સેવાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમાધાનો સાથે સુસંગત આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે. CSO તરીકે રિશદે નવી ટૅક્નૉલૉજીઓ અને નાની-નાની કંપનીઓને ખરીદીને વિપ્રોના પૉર્ટફોલિયોને વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. 2015માં રિશદને વિપ્રોના બોર્ડમાં પૂર્ણકાલીન ડિરેક્ટર બનાવવામાં આવ્યા, જેથી કૉર્પોરેટ વહીવટ અને વ્યૂહાત્મક પ્રક્રિયાઓમાં તેમનો પ્રભાવ વધ્યો.

જુલાઈ, 2019માં અઝિમ પ્રેમજીએ વિપ્રોના ચૅરમૅન તરીકે રાજીનામું આપ્યું અને રિશદની નિમણૂક  ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે થઈ. આ ભૂમિકામાં રિશદે વિપ્રોની લીડરશિપ ટીમને કંપનીની વ્યૂહાત્મક દિશા આપવા માર્ગદર્શક તરીકે કામગીરી શરૂ કરી. નાણાકીય વર્ષ 2018-19માં ભારતમાં ટૅક્નૉલૉજી ઉદ્યોગનાં ટોચનાં સંગઠન નાસ્કોમના ચૅરમૅન બન્યા. સંગઠનના ચૅરમૅન તરીકે પણ રિશદે નવી ટૅક્નૉલૉજી ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરેને શક્ય એટલી વહેલી તકે અપનાવવા ટૅક્નૉલૉજી ઉદ્યોગને અપીલ કરી.

આગામી દાયકાને AIનો યુગ માનતા રિશદના નેતૃત્વમાં વિપ્રો AIની રેસમાં મોખરે રહેવા રોકાણ કરી રહી છે અને વિપ્રોમાં AIનો ઉપયોગ કરીને પોતાના ક્લાયન્ટ માટે વિવિધ સમાધાનો પ્રસ્તુત કરે છે. વિપ્રોનું જનરેટિવ AI સેન્ટર ઑફ એક્સલન્સ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંશોધન કામગીરી કરે છે, એક્સલરેટર્સ અને સમાધાનો વિકસાવ્યાં છે, WeGA (વિપ્રો એન્ટરપ્રાઇઝ જનરેટિવ AI) જેવું માળખું ઊભું કર્યું છે, વિપ્રો AI એકૅડેમી મારફતે સક્ષમતા ઊભી કરી છે અને પોતાના વિવિધ ક્લાયન્ટ માટે મહત્ત્વપૂર્ણ પાઇલટ પ્રોગ્રામનો અમલ કર્યો છે.

કંપની/ગ્રૂપમાં કાર્યસંસ્કૃતિ ઊભી કરવા પર ભાર મૂકતા રિશદ કાર્યસ્થળે વ્યક્તિગત સંબંધોને પ્રાથમિકતા આપે છે. ભવિષ્યમાં કાર્યશૈલી હાઇબ્રિડ (ઑફિસની સાથે વર્ક-ફ્રોમ-હોમ) હોવાનું સ્વીકારવા છતાં રિશદ કોઈ પણ કર્મચારી ઑફિસમાં અસરકારક કામગીરી કરી શકે છે એવું વધારે માને છે. ટૅક્નૉલૉજી ગમે એટલી પ્રગતિ કરે છતાં વ્યક્તિગત સંબંધ જેટલી મદદગાર ક્યારેય ન બની શકે એવું તેમનું સ્પષ્ટપણે માનવું છે. વર્ષ 2020માં કોરોનાકાળમાં કર્મચારીઓ એકબીજાથી પરિચિત હોવાથી વર્ચ્યુઅલ વર્ક મૉડલ કામ કરી ગયું હતું, પરંતુ કંપનીમાં ભરતી થતા નવા કર્મચારીઓ સાથે વર્ચ્યુઅલ સંબંધ સ્થાપિત કરવો મુશ્કેલ છે એવો અભિપ્રાય તેમણે નાસ્ડેકની એક બેઠકમાં વ્યક્ત કર્યો હતો.

વર્ષ 2024 સુધી રિશદના એક્ઝિક્યુટિવ ચૅરમૅનશિપના ગાળામાં વિપ્રોનું બજાર મૂડીકરણ વધીને રૂ. 2,58,077 કરોડ થયું, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે આઇટીના ક્ષેત્રમાં પડકારો વચ્ચે વિપ્રોની વ્યૂહાત્મક કામગીરીમાં સફળતાપૂર્વક પરિવર્તનને પ્રતિબિંબિત કર્યું.  વિપ્રોના બોર્ડે જુલાઈ, 2024માં તેમની એ જ ભૂમિકામાં વધુ પાંચ વર્ષ માટે નિમણૂક કરી.

રિશદે વિપ્રોમાં “ફાઇવ હેબિટ” નામની નવી મૅનેજમેન્ટ શૈલીને વિકસાવી છે. ફાઇવ હેબિટ એટલે કે પાંચ આદત. તેમાં કર્મચારીઓની કામગીરીની જવાબદારી વધારવી, ઇનોવેશનને પ્રોત્સાહન આપવું, કર્મચારીઓ સાથે સંબંધને વધારે સંવેદનશીલ અને ગાઢ બનાવવો અને ગ્રૂપની પર્યાવરણલક્ષી કામગીરીઓને વધારવા જેવી આદતો સામેલ છે. આ પાંચ આદતો ગ્રૂપના અંદાજે 2,35,000 કર્મચારીઓમાં વિકસાવવામાં આવે એને પ્રાથમિકતા આપવાનો આગ્રહ રિશદ ધરાવે છે. વર્ષ 2024 સુધી રિશદ વિપ્રોમાં અંદાજે 0.13 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય રૂ. 500 કરોડથી વધારે છે.

ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચૅરમૅન ઉપરાંત રિશદ વિપ્રો એન્ટરપ્રાઇઝીસ, વિપ્રો-જીઇ હેલ્થકેર અને અઝિમ પ્રેમજી ફાઉન્ડેશનના બોર્ડમાં સામેલ છે. આ તમામ સંસ્થાઓ ભારતમાં કેટલાંક રાજ્યોમાં સરકારી શાળાઓ, હેલ્થકેર અને આજીવિકા વધારવાની દિશામાં કાર્યરત. સાથે સાથે વિપ્રો એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ, અઝિમ પ્રેમજી ફિલાન્થ્રોપિક ઇનિશિયેટિવ પ્રાઇવેટ લિમિટેડ, અઝિમ પ્રેમજી ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ, અઝિમ પ્રેમજી ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ, અઝિમ પ્રેમજી ટ્રસ્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, વિપ્રો જીઈ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ અને અઝિમ પ્રેમજી ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકે પણ રિશદ કાર્યરત છે.

વિપ્રોને વધારે વિવિધતાસભર અને સર્વસમાવેશક બનાવવા રિશદ એવા ઉમેદવારોને કંપની/ગ્રૂપમાં સામેલ કરવાનું વધારે પસંદ કરે છે, જેઓ તેમના વિચારોને પડકાર ફેંકી શકે અને નવા વિચારો રજૂ કરી શકે. લીડર હંમેશાં સંવેદનશીલ હોવા જોઈએ એવું માનતા રિશદ દર અઠવાડિયે પોતાની ટીમના દરેક કર્મચારી સાથે 15 મિનિટ બેઠક કરે છે. તેમાં તેઓ ફક્ત કર્મચારીના અભિપ્રાયો સાંભળે છે. એની પાછળ એ વિચાર રહેલો છે કે, માનસિક સ્વાસ્થ્ય માટે કર્મચારીઓની સમસ્યાઓને જાણવી સમજવી કોઈ પણ લીડર માટે જરૂરી છે

ભારતને વિકસિત દેશ બનાવવા રિશદ શૈક્ષણિક સંસ્થાઓને વધારે મજબૂત બનાવવામાં માને છે. ઇનોવેશનને સંપૂર્ણ દુનિયા માટે અને ખાસ કરીને ભારત જેવા વિશાળ દેશ માટે મહત્વપૂર્ણ માનતા રિશદનું કહેવું છે કે, સ્પર્ધાત્મક દુનિયામાં ઇનોવેશન કોઈ પણ કંપની કે ગ્રૂપના વિકાસ માટે પ્રેરકબળ બની જશે.

વર્ષ 2014માં રિશદનું વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે ‘યંગ ગ્લોબલ લીડર’ તરીકે સન્માન કર્યું. વર્ષ 2019માં ઇકૉનૉમિક ટાઇમ્સે ‘કૉર્પોરેટ સિટીઝન ઑફ ધ યર’ પુરસ્કાર એનાયત કર્યો. વર્ષ 2018માં ઇવાય આંતરપ્રિન્યોર ઑફ ધ યર એવોર્ડના જ્યૂરી મેમ્બર તરીકે કામ કર્યું.

કેયૂર કોટક