પ્રેમજી પ્રેમ (જ. 1943, ઘઘટાણા, જિ. કોટા, રાજસ્થાન; અ. 1993) : જાણીતા રાજસ્થાની કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને વ્યંગ્યકાર. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘મ્હારી કવિતાવાં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
જૈન કુટુંબમાં જન્મ. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી વાણિજ્યના સ્નાતક બનીને ભારત સરકારના ઇન્સ્ટ્રુમેન્ટેશન લિમિટેડ નામના ઉપક્રમમાં મદદનીશ હિસાબનીશ તરીકે 1964માં જોડાયા. ત્યારબાદ હિંદી, અંગ્રેજી અને ઇતિહાસ સાથે અનુસ્નાતકની પદવી મેળવી.
તેઓ રાજસ્થાની તેમજ હિંદી ભાષાઓમાં લેખનકાર્ય કરતા હતા. તેમણે રાજસ્થાનીમાં 6 કાવ્યસંગ્રહો, એક નવલકથા અને એક વાર્તાસંગ્રહ પ્રગટ કર્યાં છે. વળી હિંદીમાં પણ એક વાર્તાસંગ્રહ તથા એક નિબંધસંગ્રહ પ્રગટ કર્યા છે.
તેમનો પ્રથમ ‘કાવ્યસંગ્રહ ‘ચમચો’ 1973માં અને રાજસ્થાની ભાષાની હડૌતી બોલીમાં માનવ-સંબંધો પર લખાયેલ પ્રથમ જોરદાર નવલકથા ‘સેલી ચેઓન ખજૂર કી’ 1975માં પ્રગટ થયાં હતાં. તેમના વાર્તાસંગ્રહો ‘રામચંદ્ર કી રામકથા’ અને ‘આજ રિ રાજસ્થાની કહાનિયાં’ 1984માં પ્રગટ થયા હતા. તેઓ અગ્રણી ગઝલકાર પણ હતા. તેમનો ગઝલસંગ્રહ ‘સનવાલો સાંચ’ 1976માં અને પ્રકૃતિ પરનાં ઊર્મિકાવ્યો ‘સરવર સૂરજ અર સાઝા’ 1979માં પ્રગટ થયાં હતાં. તેમણે 12 લેખકોની વાર્તાઓના સંગ્રહ ‘બિંધગ્યા જ્યો મોતી’નું સંપાદન કર્યું છે (1975). 1974–76 દરમિયાન તેમણે દ્વિભાષી સામયિક ‘સતરંગી ચામલ’નું સંપાદન પણ કર્યું હતું. તેમની આ સાહિત્યિક સેવાઓ બદલ તેમને કેટલાક પુરસ્કારો મળ્યા હતા, તેમાં રાજસ્થાન સાહિત્ય અકાદમીનો પદ્મ પુરસ્કાર અને ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન પુરસ્કારનો સમાવેશ થાય છે. વળી તેઓ જુદી જુદી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. લોકકલામાં પણ ભારે રુચિ રાખીને તેઓ નિરંતર કાર્ય કરતા રહેલા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘મ્હારી કવિતાવાં’ કુલ 64 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં વિવિધ વિષયોની રજૂઆત છે. કવિએ રૂઢિઓ પર વારંવાર પ્રહાર કર્યાં છે. રૂપકો, ધારદાર વ્યંગ્ય, ઓછામાં ઓછા શબ્દો દ્વારા અધિકમાં અધિક ભાવ પ્રગટ કરવાની ક્ષમતા વગેરેને કારણે આ કૃતિ ભારતીય સાહિત્યમાં મૂલ્યવાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા