પ્રુદ્યોનો અખાત (Prudhoe Bay) : યુ.એસ.ના અલાસ્કા રાજ્ય સાથે સંકળાયેલો અખાત.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 70 21´ ઉ. અ. અને 148 46 પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આર્કટિક વૃત્તથી આશરે 400 કિમી. ઉત્તરે સ્થિત છે. જે સાગાવનીર્કટોક (Sagavanirktok) નદીકિનારે આવેલ છે. તે ચાપ સ્વરૂપે આવેલો છે. યુ.એસ.ના સેન્સસ બ્યૂરો દ્વારા દર્શાવાયેલી માહિતી અનુસાર વિસ્તાર 1,445 ચો.કિમી. છે. જેમાંથી 1,073 ચો.કિમી. ભૂમિ અને 367 ચો.કિમી. જળવિસ્તાર આવેલા છે. અલાસ્કાના નૉર્થ સ્લોપ બ્રોઉધ (Brough) ક્ષેત્રમાં રહેલ છે. જે અલાસ્કાના નૉર્થ સ્લોપ અને બ્યૂફોર્ટ સમુદ્ર વચ્ચે આવેલો છે.
આ સમગ્ર વિસ્તાર બિલિયર્ડના ટેબલ જેવો સમતળ છે. દક્ષિણે બ્રુક્સ પર્વતીય હારમાળા આવેલી છે. આ હારમાળાનાં સૌથી ઊંચાં ક્ષેત્રો 2590 મીટરથી 2740 મીટરની વચ્ચે આવેલાં છે. મોટે ભાગે આ વિસ્તાર સમુદ્રસપાટીથી 8 મીટર ઊંચાઈ ધરાવે છે.
આ સમગ્ર વિસ્તાર ઉત્તર ધ્રુવવૃત્તીય વિસ્તારમાં આવેલ છે. આબોહવાશાસ્ત્રી કૉપેનના મત મુજબ અહીંની આબોહવા ટુન્ડ્ર પ્રકારની છે. પરિણામે અહીં ગરમીનું પ્રમાણ ખૂબ ઓછું અને ઠંડીનું પ્રમાણ અધિક હોઈ જુલાઈ અને ઑગસ્ટ માસમાં તાપમાન 13 સે.થી 10 સે. રહે છે. જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં લઘુતમ તાપમાન –20 સે. થી –7 સે. જેટલું રહેવા પામે છે. જુલાઈ માસમાં સરેરાશ વરસાદ 29 મિમી. જ્યારે ઑક્ટોબર માસમાં 24 મિમી. જેટલી હિમવર્ષા થાય છે. (Source (Desert Research Institute – U.S.) શિયાળો લાંબો અને અતિશય ઠંડો હોય છે. ઉનાળામાં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. કેટલાંક અઠવાડિયાં સુધી 24 કલાક સૂર્યપ્રકાશ મળતો રહે છે. પરંતુ તે સમયે તાપમાન 7 સે.થી 13 સે. રહે છે. કેટલીક વાર 0 સે. તાપમાન પણ અનુભવાય છે.
આર્થિક મહત્ત્વ : આ ક્ષેત્રની શોધ 1826માં બ્રિટિશ સંશોધક જ્હૉન ફ્રેંકલીને કરી હતી. તેના મિત્ર બેરોન પ્રુદ્યોની યાદમાં તેણે આ નામ પસંદ કર્યું હતું. ફ્રેંકલીને આ અખાતની પશ્ચિમે કૅનેડામાં આવેલી મેકેન્ઝી નદીના મુખથી પૉઇન્ટ બેરો (Barrow) સુધી સંશોધન કર્યું હતું.
યુ.એસ.ના સેન્સસ મુજબ 1970માં સૌપ્રથમ વાર આ ક્ષેત્રનો સમાવેશ કરાયો હતો. 1980ના વર્ષમાં તેને ગામ તરીકેની ઓળખ અપાઈ હતી. 2000ના વર્ષમાં અહીં ફક્ત પાંચ માણસો વસતા હતા. 2010માં આ ક્ષેત્ર ‘Prudhoe Bay Oil Field’ તરીકે વિકાસ પામ્યું. તે સમયગાળામાં અહીં 2,174 લોકો વસતા હતા. 2020માં ત્યાંની વસ્તી 1,310 હતી. આ વિસ્તારમાં નંખાયેલી ખનિજતેલની પાઇપલાઇન ‘Trans–Alaska Pipeline’ તરીકે જાણીતી બની. અહીં 1980ના સમયગાળામાં 25 બિલિયન બેરલ્સ ખનિજ તેલનો અનુમાનિત જથ્થો હોવાનું જાહેર કરાયું હતું. આજદિન સુધીમાં (2022) તેમાંથી આશરે 13 બિલિયન બેરલ્સ જથ્થો મેળવાયેલો છે.
પ્રુદ્યો અખાતનો વિસ્તાર અલિપ્ત વિસ્તાર જાહેર કરાયો છે. ખૂબ મર્યાદિત ધોરી માર્ગો આવેલા છે. અલાયદું હવાઈ મથક પણ ઊભું કરવામાં આવ્યું છે. આકસ્મિક દાક્તરી સેવા મળે છે, પરંતુ તે મફત નથી. રિફાઇનરીમાં કામગીરી કરતા નાગરિકો માટે સરકાર સહાય કરે છે. અહીં અગ્નિશામક વિભાગ પણ આવેલો છે. તાત્કાલિક હેલિકૉપ્ટરની સુવિધા ઉપલબ્ધ છે.
ફેરબેન્ક્સથી ‘ડાલ્ટન હાઈવે’ દ્વારા પ્રવાસીઓ પોતાનાં વાહનો દ્વારા બે-ત્રણ દિવસની મુસાફરી કરીને પરત આવે છે. તેઓ આર્કટિક મહાસાગર અને મધ્યરાત્રિના સૂર્ય(Midnight Sun) નિહાળવા આવે છે. પ્રવાસીઓ પોતાની અનુકૂળતાને લક્ષમાં રાખીને હંગામી આવાસો ઊભા કરે છે. આ પ્રવાસ માટે સ્વયં તેઓને આયોજન કરવાનું હોય છે. તેઓને સુરક્ષાને લક્ષમાં રાખીને સરકારી ચકાસણીને પ્રાધાન્ય આપવું પડે છે.
પ્રવાસીઓને માટે નાનો સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં આવાસો બનાવવાની સામગ્રી, હસ્તકલાની વસ્તુઓ, રૂંવાંવાળાં અને ગરમ વસ્ત્રો, ખાદ્યસામગ્રી વગેરેનું વેચાણ પણ થાય છે.
નીતિન કોઠારી