પ્રીસ્ટલી, જૉસેફ બૉયન્ટન

February, 1999

પ્રીસ્ટલી જૉસેફ બૉયન્ટન (જ. 13 માર્ચ 1733, બર્સ્ટોલ ફિલ્ડહેડ (લીડ્ઝ નજીક), યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1804, નૉર્ધમ્બરલૅન્ડ, પેન્સિલ્વેનિયા, યુ.એસ.) : સ્વિડનના કાર્લ વિલ્હેમ શીલે સાથે સ્વતંત્ર રીતે ઑક્સિજન શોધવાનો યશ પ્રાપ્ત કરનાર અંગ્રેજ પાદરી અને રસાયણવિદ્. બાલ્યાવસ્થામાં અનાથ બનવા છતાં સોળ વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભાષામાં સારી પ્રગતિ કરી હતી. 1752માં તેઓ ડેવનટ્રી (નૉર્ધેમ્પ્ટનશાયર) ખાતેની થિયૉલૉજિકલ એકૅડેમીમાં દાખલ થયા. 1755માં નીધમ માર્કેટ, સફોક ખાતે મદદનીશ મિનિસ્ટર બન્યા, જ્યારે 1758માં નેન્ટવિક, ચેશાયરમાં આવ્યા. 1761માં તેમની લેન્કેશાયરની વૉરિંગ્ટન એકૅડેમીમાં ભાષાના ટ્યૂટર તરીકે નિમણૂક થઈ. 1765માં તેમને એડિનબરો યુનિવર્સિટીએ એલએલ.ડી.ની પદવી એનાયત કરી.

જૉસેફ બૉયન્ટન પ્રીસ્ટલી

1760ના પાછલા દાયકામાં પ્રિસ્ટલી રસાયણશાસ્ત્ર તરફ વળ્યા. 1765થી તેઓ દર વર્ષે એક મહિનો લંડનમાં ગાળતા થયા અને જાણીતા અમેરિકન મુત્સદ્દી અને શોધક બેન્જામિન ફ્રેન્ક્લિન સહિત વિજ્ઞાનમાં આગળ પડતી અનેક વ્યક્તિઓને મળતા. વિદ્યુત અંગેના તેમના પ્રયોગોને આધારે તેઓ 1766માં લંડનની રૉયલ સોસાયટીના ફેલો ચૂંટાયા હતા. એ પછીના વર્ષે તેમણે ‘ધ હિસ્ટરી ઍન્ડ પ્રેઝન્ટ સ્ટેટ ઑવ્ ઇલૅક્ટ્રિસિટી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું; જેમાં તેમણે તે સમય સુધીનો વિદ્યુત અંગેનો સારાંશ આપવા ઉપરાંત પોતાના પ્રયોગો પણ વર્ણવ્યા છે. કોલસો વિદ્યુતનો વાહક હોવાની શોધ તેમણે કરેલી. વિદ્યુત અને રાસાયણિક ફેરફાર વચ્ચે સંબંધ હોવાનું પણ તેમણે જણાવેલું.

1767માં લીડ્ઝમાં મિલ હિલ ચેપલમાં મિનિસ્ટર નિમાતાં તેમને લખવાની અને પ્રયોગો કરવાની મોકળાશ મળી. તેમણે તે સમયની હવા(airs)]નો અભ્યાસ શરૂ કર્યો અને દસ નવા વાયુઓ શોધ્યા. આમાંના ચાર – નાઇટ્રિક ઑક્સાઇડ, નાઇટ્રોજન ડાયૉક્સાઇડ, નાઇટ્રસ ઑક્સાઇડ [હાસ્યક (laughing) વાયુ] અને હાઇડ્રોજન ક્લૉરાઇડ, તેમણે 1767–73 દરમિયાન શોધ્યા હતા. ત્યારબાદ તેમણે એમોનિયા, નાઇટ્રોજન, કાર્બન મૉનોક્સાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ, સિલિકન ટેટ્રાફ્લોરાઇડ અને ઑક્સિજનની શોધ કરી. આની વિગતો તેમના સંશોધન-લેખો તથા પુસ્તકોમાં – ખાસ કરીને ‘એક્સ્પેરિમેન્ટ્સ ઍન્ડ ઑબ્ઝર્વેશન્સ ઑન ડિફરન્ટ કાઇન્ડ્ઝ ઑવ્ ઍર ઍન્ડ અધર બ્રાન્ચીઝ ઑવ્ નેચરલ ફિલૉસૉફી’ (1790)ના છ ખંડોમાં આપવામાં આવી છે.

ઑક્સિજનની શોધ અંગેનો તેમનો વિખ્યાત પ્રયોગ તેમણે 1 ઑગસ્ટ 1774ના રોજ કર્યો હતો. લાલ મર્ક્યુરિક ઑક્સાઇડને 30 સેમી.ના ર્દક્કાચ (lens) વડે સૂર્યપ્રકાશ દ્વારા ગરમ કરતાં તેમને એક રંગવિહીન વાયુ મળ્યો, જેમાં સળગતી મીણબત્તી જ્વલંત જ્યોતથી સળગતી હતી. આ વાયુને પ્રીસ્ટલીએ ડિફ્લોજિસ્ટીકેટેડ (dephlogisticated) હવા એવું નામ આપ્યું હતું. 1775માં આ શોધ પ્રકાશિત થઈ. વાયુઓ ઉપરના તેમના પ્રયોગોથી પ્રભાવિત થઈને રૉયલ સોસાયટીએ તેમને કોપ્બે ચંદ્રક એનાયત કર્યો હતો.

ઑક્સિજનની શોધ બાદ તેમનું નામ ખૂબ જાણીતું થયું. તેમણે તેમના મદદગાર શેલ્બર્ન સાથે બેલ્જિયમ, હૉલેન્ડ, જર્મની અને ફ્રાન્સની મુલાકાત લીધી. પૅરિસમાં તેમણે લેવોઇઝિયરને મળીને તેમને ‘નવી હવા’ની શોધની જાણ કરી. આને લેવોઇઝિયરે ઑક્સિજન નામ આપ્યું (1789). વાયુઓ અંગેના તેમના કાર્ય માટે ડેવીએ કહ્યું હતું કે આટલા બધા નવા જિજ્ઞાસાપ્રેરક પદાર્થો કોઈ એક વ્યક્તિએ કદાચ ભાગ્યે જ શોધ્યા હશે.

પ્રીસ્ટલીનું 1772માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હિસ્ટરી ઍન્ડ પ્રેઝન્ટ સ્ટેટ ઑવ્ ડિસ્કવરીઝ ઇન વિઝન, લાઇટ ઍન્ડ ક્લર્સ’ એ પ્રકાશિકી(optics)માં મૂળભૂત ગણાય છે. આને કારણે કૅપ્ટન કૂકની 1773–75ની બીજી સફરમાં ખગોળશાસ્ત્રી તરીકે જોડાવા તેમને નિમંત્રણ મળ્યું, પણ તેમણે તેનો અસ્વીકાર કરેલો.

1779માં તેઓ શેલ્બૉર્ન છોડીને બર્મિંગહામમાં આવ્યા. ત્યાં દર મહિને પૂર્ણિમાના દિવસે ભરાતી લ્યુનર સોસાયટીની સભાઓમાં તેઓ નિયમિત હાજરી આપતા. અહીં જેમ્સ વૉટ (વરાળયંત્રના શોધક), ઇરેસ્મસ ડાર્વિન (પ્રકૃતિશાસ્ત્રી) અને જે. વેજવૂડ (માટીનાં વાસણોના ઉત્પાદનકર્તા) તેમના સાથીઓ હતા.

પાદરી તરીકેની કારકિર્દી સામે જુનવાણી પાદરીઓના વિરોધને કારણે તથા ફ્રેન્ચ ક્રાંતિ તરફની સહાનુભૂતિને કારણે તેમના વિરોધીઓએ 1791માં તેમના ઘર તથા શોવેલગ્રીનની પ્રયોગશાળા સળગાવી દેતાં તેમને બર્મિંગહામ છોડવાની ફરજ પડી. પછીનાં બે વર્ષ લંડનની નજીક હેક્ની ખાતે રહ્યા પછી એપ્રિલ, 1794માં તેઓ તેમનાં પત્ની મેરી વિલ્કિન્સન સાથે યુ.એસ. ગયા અને ત્યાં નૉર્ધમ્બરલૅન્ડમાં સ્થાયી થયા. અહીં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયાએ તેમને રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપકનું પદ આપવાની દરખાસ્ત કરેલી, પણ તેમણે તે નકારી કાઢેલી. અમેરિકામાં તેમનું છેલ્લું સંશોધન કાર્બન મૉનૉક્સાઇડ વાયુ અંગેનું હતું. જોકે 1803 સુધી રસાયણશાસ્ત્રમાં કાર્ય કરવાનું તેમણે ચાલુ રાખેલું. અમેરિકન ક્રાંતિના બે અગ્રણીઓ જ્હૉન આદમ્સ અને ટૉમસ જેફરસનના તેઓ મિત્ર હતા.

પ્રીસ્ટલીએ વાયુઓની ઘનતા, તેમની ઉષ્માવાહકતા તથા વાયુઓનાં વીજવિભાર અંગેનો અભ્યાસ પણ કર્યો હતો. તેમનું એક નોંધપાત્ર અવલોકન એ હતું કે વનસ્પતિને વિકાસ માટે પ્રકાશની જરૂર છે અને લીલી વનસ્પતિ ઑક્સિજન બહાર ફેંકે છે. આ અવલોકનો પ્રકાશ-સંશ્લેષણ અંગેના સંશોધન માટે પાયારૂપ બન્યાં હતાં.

તેઓ ફ્લોજિસ્ટનવાદના સમર્થક હતા. તેમના મૃત્યુ બાદ તેમનું ઘર તથા પ્રયોગશાળા રાષ્ટ્રીય મ્યુઝિયમ તરીકે જાહેર કરાયાં હતાં. ત્યાં તેમણે વાપરેલાં ચંબુ (flask), દ્રોણિકા (troughs), બરણીઓ (jars) વગેરે ઉપકરણો રાખવામાં આવ્યાં છે. હાસ્યક વાયુ સાથે તેમનું નામ હમેશાં સંકળાયેલું રહ્યું છે.

1804માં તેમના અવસાન બાદ તેમનું પુસ્તક ‘ડૉક્ટ્રિન્સ ઑવ્ હીધન ફિલૉસૉફી કમ્પેર્ડ વિથ ધોઝ ઑવ્ રિવૉલ્યૂશન’ પ્રગટ થયું હતું.

જ. પો. ત્રિવેદી