પ્રીસ્ટલી જૉન (જ. 13 સપ્ટેમ્બર 1894, બ્રૅડફડર્, ઇંગ્લૅન્ડ. અ. 14 ઑગસ્ટ 1984, વૉર્વિકશાયર) : બ્રિટિશ નવલકથાકાર અને નાટ્યકાર. શાળાનું શિક્ષણ વતનમાં. ત્યારપછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક તરીકેની નોકરી બાદ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ. કારકિર્દીના આરંભમાં ‘ધ ચૅપમૅન ઑવ્ રાઇમ્સ’ (1918) અને ‘ધ કેમ્બ્રિજ રિવ્યૂ’ માટે લખાયેલાં પ્રાસંગિક લખાણો ‘બ્રીફ ડાઇવર્ઝન્સ’ નામે પુસ્તકાકારે 1922માં પ્રસિદ્ધ થયાં. 1922માં ‘પેપર્સ ફ્રૉમ લિલિપુટ’ પ્રકાશિત થયું. તે દ્વારા લંડનમાં તેઓ પત્રકાર તરીકે ખ્યાતિ પામ્યા. ‘ધી ઇંગ્લિશ કૉમિક કૅરેક્ટર્સ’ (1925) તથા ‘ધી ઇંગ્લિશ નૉવેલ’(1927)માંના નિબંધોથી તેમની લેખન-ખ્યાતિ ર્દઢ થઈ.
વીસમી સદીના બીજા દાયકામાં પ્રીસ્ટલીએ ઘણા વિવેચન-ગ્રંથો આપ્યા, જેમાં ‘મેરિડિથ’ (1926) અને ‘પીકૉક’ (1927) જેવા સાહિત્યકારો ઉપરનાં વિવેચનાત્મક લખાણો ગણનાપાત્ર છે. તે કાળ દરમિયાન તેમણે નવલકથાઓ પણ લખી, પરંતુ તેમની યશસ્વી નવલકથા ‘ધ ગુડ કમ્પેનિયન્સ’ 1929માં પ્રસિદ્ધ થતાં તેઓ નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આ નવલકથામાં ત્રણ બિનધાસ્ત દોસ્તોના જીવનની મનોરંજક કહાની છે. જીવનની કટોકટીની પળોમાં તેઓ એક સંગીતમંડળીમાં જોડાય છે અને તેમની મહેચ્છા ‘ગુડ કમ્પેનિયન્સ મ્યૂઝિક ગ્રૂપ’ તરીકે જાણીતા થવાની છે. અત્યંત રોચક શૈલીમાં આલેખાયેલા પ્રસંગોથી આ નવલકથા વિશ્વભરમાં જાણીતી થઈ છે. 1930માં પ્રસિદ્ધ થયેલ ‘એંજલ પેવમેન્ટ’ નવલકથામાં લંડનના જીવનની કથા ગંભીર રીતે તેમણે આલેખી છે. આ નવલકથાથી તેમની કીર્તિમાં વૃદ્ધિ થઈ; પણ તે ‘ધ ગુડ કમ્પેનિયન્સ’ જેટલી લોકપ્રિય ન બની શકી. 1931માં પ્રીસ્ટલીએ નાટ્યલેખક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. પોતાની ‘ધ ગુડ કમ્પેનિયન્સ’ નવલકથાને તેમણે નાટકમાં ઢાળી. આ નાટક તખ્તા ઉપર ખૂબ સફળ રહ્યું. ત્યારબાદ બીજાં અનેક નાટકો તેમણે લખ્યાં. તેમનાં નાટકો ‘ડેન્જરસ કૉર્નર’ (1932) અને ‘ટાઇમ ઍન્ડ ધ કૉનવેઝ’ (1937) કાલનાટકો (time plays) તરીકે જાણીતાં થયાં છે. ‘ડેન્જરસ કૉર્નર’માં તેમણે જે. ડબ્લ્યૂ. ડનના સમય અંગેના પ્રયોગોનો ઉપયોગ કર્યો છે. (ગુજરાતીમાં પણ અનુવાદ પામેલ) તેમની નાટ્યકૃતિ ‘ઍન ઇન્સપેક્ટર કૉલ્સ’ (1947) પણ ખૂબ જાણીતી રચના છે.
પ્રીસ્ટલી 1937માં લંડનની પી.ઇ.એન. ક્લબ(કવિઓ, નિબંધકારો અને નવલકથાકારોની ક્લબ)ના અધ્યક્ષ બન્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે દેશના વિશાળ શ્રોતા-સમુદાયને સંબોધાયેલી દેશભક્તિ-સભર પ્રેરક વાણીથી રેડિયો બ્રૉડકાસ્ટરની કામગીરી સફળતાપૂર્વક અદા કરી. તેમનાં યુદ્ધસમયનાં રેડિયો બ્રૉડકાસ્ટ પુસ્તકાકારે પ્રસિદ્ધ થયાં છે, જેમાં ‘પોસ્ટસ્ક્રિપ્ટ’ (1940), ‘બ્રિટન સ્પીક્સ’ (1940) અને ‘ઑલ ઇંગ્લૅન્ડ લિસન્ડ’ (1968) નોંધપાત્ર છે. યુદ્ધવિરામ બાદ ફરીવાર તેમણે નવલકથા અને વિવેચનનું લેખનકાર્ય હાથ ધર્યું. અને ‘ફેસ્ટિવલ ઍટ ફારબ્રિજ’ (1951), ‘સૅટર્ન ઓવર ધ વૉટર’ (1961) અને ‘ઇટ્સ ઍન ઓલ્ડ કન્ટ્રી’ (1967) નામની નવલકથાઓ પ્રસિદ્ધ કરી. વિવેચનના તેમના ગ્રંથો ‘ધી આર્ટ ઑવ્ ડ્રામેટિસ્ટ’ (1957) તથા ‘લિટરેચર ઍન્ડ વેસ્ટર્ન મૅન’(1960)માં તેમના ઉપર યુંગની વિચારધારાની અસર વરતાય છે.
પ્રીસ્ટલીએ બધાં મળીને 60 પુસ્તકો અને 40 જેટલાં નાટકો લખ્યાં છે. તેમના રસનું ફલક વિશાળ હોવાને કારણે તથા ઇંગ્લૅન્ડ અને અંગ્રેજી સંસ્કારમાં તથા સામાન્ય માણસને અસર કરે તેવી વાતોમાં તેમની વિશેષ રુચિને કારણે તેઓ વીસમી સદીના મધ્યમ વર્ગના પ્રિય લેખક બની શક્યા છે. પ્રીસ્ટલીના બે ગ્રંથો ‘માર્ટિન રિલીઝ્ડ’ (1962) અને ‘ઇન્સ્ટેડ ઑવ્ ધ ટ્રીઝ’(1977)માં તેમની આત્મકથા છે. 1946–47 દરમિયાન તેમણે યુનેસ્કોમાં બ્રિટિશ પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવેલી. તેમણે નાઇટહુડ તથા પિયરેજના સન્માનનો અસ્વીકાર કર્યો હતો, પણ 1977માં ‘ઑર્ડર ઑવ્ મેરિટ’નું સન્માન સ્વીકાર્યું હતું.
પંકજ જ. સોની