પ્રીતિ-ભોજન : વર્ણ કે જ્ઞાતિના ભેદ વિનાનું સદભાવથી અપાયેલું સામૂહિક ભોજન. ભારતમાં સ્તર-રચનાનો મુખ્ય આધાર જ્ઞાતિ છે. જ્ઞાતિ-વ્યવસ્થાના છૂતાછૂતના અત્યંત કડક અને જડ નિયમોને કારણે વિભિન્ન જ્ઞાતિઓના લોકો એકબીજાની સાથે બેસીને ભોજન લઈ શકતા ન હતા. તેથી ઉપરના અર્થમાં પ્રીતિ-ભોજન થયાં હોય તેવાં ઉદાહરણો બહુ ઓછાં મળે છે.
ભારતમાં કેટલાક રાજાઓ કે શ્રેષ્ઠીઓ સમગ્ર ગામ કે નગરના લોકોને જમાડતા, જેને ધુમાડા-બંધ જમણવાર કહેવામાં આવતો; પરંતુ તેમાં જ્ઞાતિનાં બંધનો જાળવવામાં આવતાં હતાં. આથી આ જમણ પ્રેમપૂર્વક આપવામાં આવતું હોવા છતાં તેને ભેદભાવ વગરનું પ્રીતિ-ભોજન તો ન જ કહી શકાય.
1865–66માં નાત બહાર મુકાયેલા સૂરતના મહિપતરામને અમદાવાદના સમાજ-સુધારક ભોળાનાથે ભોજન આપેલું, તેને પ્રીતિ-ભોજન એવું નામ આપવામાં આવેલું. 1889–90માં મુંબઈના નાત બહાર મુકાયેલા આત્મારામ પાંડુરંગે જમણવાર કરેલો, તેને પણ પ્રીતિ-ભોજન નામ આપેલું. તેમાં ઉદ્દેશ સમાજસુધારાનો હતો; પરંતુ તેમાંથી એ સમયે જ્ઞાતિ-પ્રથા કેટલી ચુસ્ત હતી તેનો નિર્દેશ સાંપડે છે.
જાતિ-ભેદોને દૂર કરવા અને ખાસ કરીને અસ્પૃશ્યોને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે બ્રહ્મો-સમાજ, પ્રાર્થના-સમાજ, આર્ય-સમાજ વગેરેના અનુયાયીઓએ ભેદભાવ રાખ્યા વગર પ્રીતિ-ભોજન કે સમૂહ-ભોજન આપવાની પ્રથા પાડેલી. તેથી પાછળથી પ્રીતિ-ભોજન અસ્પૃશ્યતા-નાબૂદી માટેનો એક કાર્યક્રમ બન્યો હતો.
જાતિભેદથી હિંદુ પ્રજાને થતી હાનિ દૂર કરવાના આશયથી 1912માં મુંબઈમાં સ્થપાયેલી આર્યન બ્રધરહુડ નામની સંસ્થામાં દર અઠવાડિયે ‘વનસ્પતિની સામગ્રી’નું ભોજન નાતજાતના ભેદ વગર બધા સાથે બેસીને કરતા હોવાનું ‘જ્ઞાનસુધા’ના ડિસેમ્બર 1912ના અંકમાં નોંધાયું છે. આર્યન બ્રધરહુડની પહેલી કૉન્ફરન્સમાં અંત્યજો સહિત પ્રત્યેક જ્ઞાતિ માટે પ્રીતિ-ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જુદી જુદી જ્ઞાતિના 250 સભ્યોએ ભાગ લીધો હતો. આ સાથે અનેક જ્ઞાતિઓએ તેનો વિરોધ પણ કર્યો હતો. તેમાં ભાગ લેવા માટે રમણભાઈ નીલકંઠને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યા હતા; પરંતુ તેને પડકારવા પ્રાર્થના-સમાજે ગોઠવેલા પ્રીતિ-ભોજનમાં પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા અગ્રણી ડૉ. સુમંત મહેતાએ ભાગ લીધો હતો. તેના તરફ સનાતની સમાજે લક્ષ આપ્યું ન હતું.
આ સિવાય અસ્પૃશ્યતા-નિવારણના કાર્ય સાથે સંકળાયેલા ગાંધીજીના સાબરમતી આશ્રમમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ સાથે ભોજન લેતાં, જોકે તેને ‘પ્રીતિ-ભોજન’ એવું નામ આપવામાં આવેલું ન હતું, છતાં તે પ્રચલિત થયેલા અર્થમાં પ્રીતિ-ભોજન હતું. કેટલાક આ પ્રકારના ભોજનનો સ્વીકાર મનથી કરતા, તો કેટલાક ગાંધીજીના પ્રભાવથી બોલી ન શકતા, તેથી તેનો સ્વીકાર કરતા.
આઝાદી પછી હરિજનસહિત પ્રત્યેક જ્ઞાતિના ભેદ વગરના ભોજનનું ઇરાદાપૂર્વકનું આયોજન ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ શિક્ષણ સાથે સમજ વિકસતાં અને શહેરીકરણ વધતાં લગ્ન-સત્કાર-સમારંભો કે અન્ય સમાજિક-ધાર્મિક પ્રસંગોમાં કે જુદી જુદી પરિષદોમાં ભેદભાવ વગર આપવામાં આવતું સ્વરુચિ-ભોજન એ પ્રીતિ-ભોજન જ બની રહે છે. તેમાં સામાન્ય રીતે જ્ઞાતિજનો ઉપરાંત મિત્રો અને સંબંધીઓને જ્ઞાતિના સંબંધથી નહિ, પરંતુ પ્રેમસંબંધને નાતે આમંત્રણ આપવામાં આવ્યું હોય છે.
નલિની ત્રિવેદી