પ્રીતમ (જ. 1718, ચૂડા (રાણપુર); અ. 1798) : ભક્તિ તેમજ જ્ઞાનધારાની મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મહત્વનું પ્રદાન કરનાર કવિ. નાની ઉંમરે ગૃહત્યાગ કરીને રામાનંદી સાધુ તરીકે દીક્ષા લઈને 1761માં સંદેસર(ચરોતર)ના કાયમી નિવાસી થયા હતા. આ સાધુકવિએ યોગમાર્ગનો પણ અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્રજ્ઞાનમાં પણ એમની સારી જાણકારી હતી; તેમ છતાં સંતપરંપરાનો એમનાં કાવ્યો ઉપર વિશેષ પ્રભાવ વરતાય છે. એમણે સદગુરુસેવન, સત્સંગ તેમજ નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ વગેરેનો મહિમા કર્યો છે તેમ પ્રેમલક્ષણાભક્તિપ્રવાહની કૃષ્ણભક્તિનું પણ નિરૂપણ કર્યું છે.

કવિનું મુખ્ય અર્પણ પદ અને સાખીના સાહિત્યપ્રકારમાં છે. કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં અનેક પદો એેમણે ગુજરાતી તથા હિંદીમાં લખ્યાં છે. અંદાજે એમનાં 500 ઉપરાંત પદો પ્રકાશિત થયેલાં મળે છે. થાળ, આરતી, ગરબી, ગરબા વગેરે પદના વિવિધ પેટાપ્રકારોમાં, જુદા જુદા રાગ-ઢાળમાં એમણે પદો લખ્યાં છે. એમાં જ્ઞાનવૈરાગ્યનાં પદોની સંખ્યા મોટી છે. સંસારની માયામાંથી મુક્તિ મેળવવા સદગુરુચરણસેવન કરવા અને સંતનો સમાગમ કરવા ઉપરાંત ઈશ્વરાભિમુખ બનવાનો ઉપદેશ છે. સાદી, સરળ અને તળપદી વ્યવહારુ વાણીમાં આ કવિ લોકોને સહજ રીતે સમજાય એવાં ર્દષ્ટાંતો આપીને તેમજ રૂપકો પ્રયોજીને દૈન્ય, આક્રોશ જેવા વિવિધ ભાવો પોતાનાં પદોમાં સબળ રીતે આલેખે છે.

‘હરિનો મારગ છે શૂરાનો’ જેવું લોકજીભે રમી રહેલું યુદ્ધની પરિભાષા દ્વારા ભક્તિનો મહિમા કરતું એમનું પદ અત્યંત પ્રસિદ્ધ છે. એવું જ બીજું પદ છે ‘ભક્તિ એવી રે ભાઈ એવી તરસ્યાંને પાણી જેવી.’ ‘આનંદમંગળ કરું આરતી હરિગુણ સંતની સેવા’માં સંતસેવાનું મહત્વ એમણે સમજાવ્યું છે. બ્રહ્મપ્રાપ્તિનો ઉલ્લાસ પ્રગટ કરતાં એમનાં કેટલાંક પદો પણ ધ્યાન ખેંચે છે. કૃષ્ણલીલા વર્ણવતાં કૃષ્ણજન્મ, બાળલીલા, દાણલીલા, રાધાકૃષ્ણવિવાહનાં પ્રેમલક્ષણાભક્તિપ્રવાહનાં એમનાં પદો પણ ખૂબ જાણીતાં છે. તુલસીવિવાહ અને મથુરાલીલાનાં પદો ઉપરાંત ગરબા અને આરતીની રચનાઓ પણ એમણે કરી છે. ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ’(1791)માં તત્કાલીન સામાજિક જીવનની ઘટના પણ કવિએ વર્ણવી છે, જે નોંધપાત્ર ગણાય. આ ઉપરાંત એમણે ‘ચેતવણીઓ’, ‘બ્રહ્મલીલા’, ‘જ્ઞાનપ્રકાશ’, ‘સપ્તશ્લોકી ગીતા’, 55 કડીની ‘વિનયસ્તુતિ’ – કળિયુગની લીલાનું વર્ણન, ‘બોડાણાના સલોકો’ વગેરે કૃતિઓ આપી છે. હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં એમણે ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યની રચનાઓ કરી છે. હિન્દીમાં 24 અંગોમાં વહેંચાયેલી 732 જેટલી સાખીઓ (મુદ્રિત) એમણે લખી છે જેમાં ઈશ્વર, માયા, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જેવા વિષયો પરના એમના વિચારો રજૂ થયા છે. ‘ચેતવણી–2’ની સાખીઓ ઉદબોધનાત્મક અને આલંકારિક વાણીયુક્ત છે.

‘સરસગીતા’ (1775) ઉદદ્ધવ-ગોપીસંવાદ નિરૂપણ દ્વારા ચોપાઈ અને સાખીના પદબંધમાં, 20 વિશ્રામોમાં, ભક્તિનો મહિમા ગાય છે. એમાં ભ્રમરગીતાની પરંપરા જોવા મળે છે. એમાં વર્ણનચમત્કૃતિ સાથે ગોપીઓના ઉપાલંભનું સુંદર નિરૂપણ થયું છે. ‘જ્ઞાનગીતા’ (1785) સાત વિશ્રામોમાં ગુરુશિષ્ય-સંવાદની શૈલીમાં જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપને યોગમાર્ગની પરિભાષામાં વર્ણવે છે.

ચિમનલાલ ત્રિવેદી