પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ

February, 2024

પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ : કૅનેડાના પૂર્વ ભાગમાં આવેલો ટાપુ. ભૌ. સ્થાન : 47° ઉ. અ. અને 64° પ. રે. કૅનેડાના ચાર દરિયાઈ આબોહવાવાળા પ્રાંતો પૈકીના એક પ્રાંતમાં આવેલો તે ટાપુ છે. તે સેંટ લૉરેન્સ અખાતના દક્ષિણ ભાગમાં આવેલો છે અને નોવા સ્કોશિયા અને ન્યૂ બ્રુન્સવિકને નૉર્ધમ્બર સામુદ્રધુનીથી જુદા પાડે છે. આ કૅનેડાનો સૌથી નાનો પ્રાંત છે. શાર્લોટટાઉન તેનું મુખ્ય શહેર છે.

નૅશનલ પાર્કના ભાગરૂપ પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડનો રમણીય સમુદ્રકિનારો

યુરોપીય અભિયાનો શરૂ થયાં તે અગાઉ મુખ્ય ભૂમિના ‘મિકમેક ઇન્ડિયન્સ’ લોકોનું આ ઉનાળુ મનોરંજન માટેનું સ્થળ હતું. તેઓ આ ટાપુનો ઉપયોગ મચ્છીમારી, શિકાર અને થોડા વિસ્તારમાં વાવણી માટે કરતા હતા. મિકમેક લોકો આ ટાપુને ‘મોજાં પરનું પારણું’ કહેતા.

ઇતિહાસકારો આ ટાપુની શોધનો યશ ફ્રેન્ચ દરિયાખેડુ જેક્વિસ કાર્ટિયરને આપે છે (1534). આ ટાપુ પર સેમ્યુઅલ ડી. ચેમ્પ્લેઇને ફ્રાન્સ વતી હક્ક દર્શાવ્યો હતો અને તે આ ટાપુને ‘સેન્ટ જીન’નો ટાપુ કહેતો. 1720માં આ ટાપુ પર 300 ફ્રેન્ચ નાગરિકોએ વસાહત ઊભી કરેલી. 1763માં ગ્રેટ બ્રિટને આ ટાપુ પોતાને હસ્તક કરી લીધેલો. 1799માં એ વખતના ઉત્તર અમેરિકાના બ્રિટિશ લશ્કરના વડા એડવર્ડ, ડ્યુક ઑવ્ કૅન્ટના માનમાં આ ટાપુનું નામાભિધાન ‘પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ’ કરવામાં આવ્યું હતું. 1873 સુધી આ ટાપુને પ્રાંતનો દરજ્જો મળી શક્યો ન હતો. 1970માં તેને નોવા સ્કોશિયા અને ન્યૂ બ્રુન્સવિક સાથે જોડી દેવામાં આવ્યો.

પ્રિન્સ એડવર્ડ ટાપુ પર અનેક નદીપ્રવાહો, નાના નાના ઉપસાગરો અને ભરતીથી ઉદભવતા નદીનાળ-વિભાગો જોવા મળે છે. તેની દક્ષિણ અને પૂર્વ બાજુ પરના ઉપસાગરો કુદરતી બારાં માટે અનુકૂળ છે. ટાપુના ભૂમિભાગથી દરિયો બધી બાજુએ લગભગ 8 કિમી. દૂર આવેલો છે.

આ ટાપુની આબોહવા ખુશનુમા છે અને જમીન ફળદ્રૂપ છે. અહીંનાં સ્થળો શેલ ફિશ માટે ખૂબ જ અનુકૂળ છે. અહીં મોટાભાગની વસ્તી શરૂઆતના બ્રિટિશ વસાહતીઓના વંશજોની છે; અંદાજે ત્રીજા ભાગની વસ્તી સ્કૉટિશ છે અને એટલી જ આયરિશ છે. આ ટાપુનો વિસ્તાર 5,660 ચો.કિમી છે અને વસ્તીનું પ્રમાણ 2021 મુજબ 1,54,331 છે. આજુબાજુના પ્રાંતોના પ્રમાણમાં આ ટાપુ ઓછી મજૂરી આપતો વિસ્તાર ગણાય છે, તેથી નોકરી માટેની તકો ખૂબ ઓછી છે. પરિણામે યુવાનો અન્ય પ્રાંતમાં ચાલ્યા જાય છે. 1960 પછીથી અહીંની સરકારે આર્થિક સુધારાઓ કર્યા છે, જેમાં ખેતીના પૂરા લાભ મેળવવા, પ્રવાસન-સુવિધાઓ વધારવી, જંગલોનો વિકાસ કરવો, મચ્છીમારીની સુધારણા, આરોગ્ય અને શિક્ષણ-સુધારણા વગેરેનો સમાવેશ થાય છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (બારમા સુધી) મફત અને ફરજિયાત છે. ઉચ્ચ શિક્ષણ હોલૅન્ડ કૉલેજ અને પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ યુનિવર્સિટી દ્વારા અપાય છે. અહીં શાર્લોટટાઉન સંઘનું ઑડિટોરિયમ, આર્ટ ગૅલરી, મ્યુઝિયમ અને બાળ-થિયેટર આવેલાં છે. આર્ટ ગૅલેરીમાંનો કલાસંગ્રહ ખૂબ મૂલ્યવાન છે, તેમાં પ્રાંતના પ્રખ્યાત કલાકાર રૉબર્ટ ક્લેરિસનો કલાસંગ્રહ પણ રાખવામાં આવેલો છે.

પ્રાંતનો મુખ્ય ભૂમિ સાથેનો વ્યવહાર મોટર દ્વારા થાય છે અને શિયાળાની ઋતુ સિવાય ફેરી-સર્વિસ ચાલે છે.

ગિરીશ ભટ્ટ