પ્રિથિપાલસિંહ (જ. 28 જાન્યુઆરી 1932, પંજાબ; અ. 20 મે 1989, પંજાબ) : ભારતના મહાન હૉકી-ખેલાડી. તેમણે સતત ત્રણ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ સમગ્ર  વિશ્વમાં ‘પેનલ્ટી-કૉર્નરના રાજા’ તરીકે પ્રખ્યાત છે; કારણ કે પેનલ્ટી- કૉર્નર લેવામાં તેઓ અત્યંત કુશળ હતા. 1958માં તેઓ સૌપ્રથમ ભારત તરફથી રમ્યા હતા. ત્યારબાદ 1959માં તેઓ ભારતની ટીમ સાથે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશોની મુલાકાતે ગયા હતા અને ત્યાં પ્રભાવશાળી રમત બતાવી હતી.

પ્રિથિપાલસિંહ

1960ની રોમ ઓલિમ્પિકમાં હોલૅન્ડ અને ડેન્માર્ક સામે સતત ત્રણ ગોલ કરી બંને દેશો સામે ‘હૅટ્રિક’ નોંધાવી હતી. 1961માં અમદાવાદમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય હૉકી-સ્પર્ધામાં જર્મની સામે ગોલ કરીને ભારતને વિજય અપાવ્યો હતો. એ વર્ષે તેઓ ભારતની ટીમ સાથે ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયા હતા. 1962માં ભારત તરફથી જાકાર્તા એશિયન રમતોત્સવમાં અત્યંત પ્રભાવશાળી દેખાવ કરીને તેમણે નામના મેળવી હતી. 1964 ટોકિયો ઓલિમ્પિકમાં પણ તેમણે શાનદાર રમત બતાવીને ભારતને વિજય અપાવ્યો હતો. ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે કુલ 22 ગોલ નોંધાવ્યા હતા. તેમાંથી એકલા પ્રિથિપાલસિંહે 11 ગોલ કર્યા હતા. 1966માં બૅંગકૉક એશિયન રમતોત્સવ માટે પણ તેમની પસંદગી થઈ હતી. 1967માં તેમની પસંદગી ભારતીય ટીમના સુકાની તરીકે થઈ હતી અને તેમના નેતૃત્વ હેઠળ ભારતના પ્રવાસે આવેલા હોલૅન્ડ અને પૂર્વ જર્મની સામે ભારતીય ટીમે સુંદર રમત બતાવી હતી. 1968ની મેક્સિકો ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમના સુકાની તરીકે તેમણે સુંદર રમત બતાવી હતી.

હૉકીની રમતમાં સૌપ્રથમ ‘અર્જુન ઍવૉર્ડ’ 1961માં તેમને એનાયત થયો હતો. 1967માં તેમને ‘પદ્મશ્રી’થી પણ નવાજવામાં આવ્યા હતા. તેમણે ઘણા સમય સુધી પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં ‘સ્પૉર્ટ્સ ઑફિસર’ તરીકે સેવાઓ આપી હતી. 20 મે, 1989ના રોજ જ્યારે તેઓ પોતાની મોટરસાઇકલ પાર્ક કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી.

પ્રભુદયાલ શર્મા