પ્રિટોરિયા : દક્ષિણ આફ્રિકાનું વહીવટી પાટનગર, ચોથા ક્રમે આવતું મોટામાં મોટું શહેર અને ટ્રાન્સવાલ પ્રાંતની રાજધાની. ભૌ. સ્થાન : 25° 45´ દ. અ. અને 28° 10´ પૂ. રે. તે જોહાનિસબર્ગની ઉત્તરે 48 કિમી. દૂર એપીઝ નદીના કિનારે વસેલું છે. માર્ટિનસ પ્રિટોરિયસે તેના પિતા એન્ડ્રિઝ પ્રિટોરિયસની યાદમાં આ સ્થળનું નામ આપીને 1855માં તેની સ્થાપના કરી હતી. આ શહેર ટ્રાન્સવાલના ઉત્તર ભાગ માટેનું તથા ઝિમ્બાબ્વેનું પ્રવેશદ્વાર છે. તે એપીઝ નદીના બંને કાંઠે મૅગેલીએસબર્ગ ગિરિમાળાની તળેટી-ટેકરીઓ પર 592 ચોકિમી.માં  વિસ્તરેલું છે, તેનો મ્યુનિસિપલ વિસ્તાર 630 ચોકિમી. જેટલો છે. અહીં જાકારેન્ડા નામનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થતાં હોવાથી સ્થાનિક લોકો તેને ‘જાકારેન્ડા શહેર’ (Jacaranda city) તરીકે ઓળખે છે.

આબોહવા : આ શહેર દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્તની નજીક આવેલું હોવાથી તેમજ સમુદ્રસપાટીથી પ્રમાણમાં ઓછી ઊંચાઈએ આવેલું હોવાથી તેની દક્ષિણે આવેલા જોહાનિસબર્ગ કરતાં વધુ હૂંફાળું તથા સૂર્યપ્રકાશિત રહે છે. અહીં ઉનાળામાં જાન્યુઆરીનું તાપમાન 15°થી 28° સે. જેટલું તથા શિયાળામાં જુલાઈનું તાપમાન 6°થી 23° સે. જેટલું રહે છે. શિયાળામાં હવામાન માફકસરનું, સમધાત તેમજ સૂર્યપ્રકાશિત રહે છે. અહીં ઝાકળ ભાગ્યે જ જોવા મળે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 700 મિમી. જેટલો પડે છે. વનસ્પતિમાં ઘાસનો પ્રદેશ વધુ અને વૃક્ષો તથા છોડવાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

આ શહેર બે ફળદ્રૂપ ખીણપ્રદેશો વચ્ચે આવેલું છે. પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી ડુંગરધારો આ શહેરને વીંધીને જાય છે. એપીઝ અહીંની મુખ્ય નદી છે અને તેના પર 12 જેટલા પુલ આવેલા છે.

પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકાનું વહીવટી મથક અને ટ્રાન્સવાલની રાજધાની હોવાથી અહીં વિવિધ સરકારી ખાતાંની કચેરીઓ આવેલી છે, તેથી તે વિશેષે કરીને ધંધાકીય તથા હજારો લોકોની નોકરી માટેનું કેન્દ્ર બની રહેલું છે. અહીં લોખંડ-પોલાદ, મોટરગાડીઓ, રાચરચીલા, કાચ, કાગળ, સિમેન્ટ, ઇજનેરી સાધનો, પ્રક્રિયા કરેલા ખાદ્ય પદાર્થો, તમાકુ વગેરેનાં કારખાનાં; તથા રેલવેની વર્કશૉપ આવેલાં છે. પ્રિટોરિયા સમગ્ર દક્ષિણ ગોળાર્ધમાંનું દારૂ ગાળવાનું એકમાત્ર મોટામાં મોટું મથક ગણાય છે. 10,80,200 (1991) મુજબ વસ્તી ધરાવતા પ્રિટોરિયા શહેરના લોકોનો મોટોભાગ નોકરિયાતોનો છે; 16 % લોકો ઔદ્યોગિક ઉત્પાદન-ક્ષેત્રમાં; 13 % લોકો વેપારમાં અને 5 % લોકો બાંધકામમાં, નાણાકીય પેઢીઓમાં તથા પરિવહનમાં કામ કરે છે.

સરકારનાં વહીવટી ભવનોના સંકુલમાં આવેલું વીર રાજપુરુષ લૂઈ બોથાનું ભવ્ય સ્મારક, પ્રિટોરિયા

આ શહેરમાં માર્ગોનું આયોજન સારી રીતે થયેલું છે. અહીંનો ચર્ચ-ચોક (Church-Square) શહેરનું મધ્યસ્થ સ્થાન ગણાય છે. ચર્ચ સ્ટ્રીટ પ્રિટોરિયાની મુખ્ય શેરી છે, પશ્ચિમ તરફ જતી આ શેરી 25 કિમી.થી વધુ લાંબી છે, દુનિયાભરમાં તે લાંબામાં લાંબી શેરી ગણાય છે. માર્ગની બંને બાજુએ જાકારેન્ડા વૃક્ષોની હાર છે. વસંતઋતુમાં શહેર અને પરાં આ વૃક્ષોનાં જાંબલી રંગનાં પુષ્પોની સુવાસથી મહેકી ઊઠે છે. ઉત્તર-દક્ષિણ પસાર થતી પૉલ ક્રુગર શેરી પણ ચર્ચ-ચોકમાંથી જતી બીજી મુખ્ય શેરી છે. ચર્ચ-ચોકમાં તેમજ શહેરના અન્ય માર્ગો પર પૉલ ક્રુગર અને અન્ય બૉઅર વીરોની પ્રતિમાઓ શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહેલી છે. ચર્ચ-ચોકની આજુબાજુ બીજા વિશ્વયુદ્ધ પછીનાં સમૃદ્ધિસૂચક ગગનચુંબી મહાલયો આવેલાં છે. ટેકરી ઉપર સરકારી ઇમારતો તથા શ્રીમંતોનાં ભવ્ય મકાનો જોવા મળે છે. પ્રિટોરિયાનું મધ્યસ્થ ધંધાકીય વેપારી મથક પણ આ ચોકની આસપાસ જ વિકસ્યું છે. રહેણાકના મુખ્ય વિસ્તારો ચોકની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ તરફ વિસ્તરેલા છે. વૉલ્ટલૂ અને રૉસલીન મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો છે. મોટાભાગની અશ્ર્વેત પ્રજા મૅમેલોડી (Mamelodi) અથવા ઍટરીજવિલે(Atteridgeville)માં રહે છે. અહીં સ્થાનિક હવાઈમથક ‘વન્ડરબ્રુમ’ અને પ્રિટોરિયાથી 50 કિમી. દૂર જાન સ્મટ્સ (Jan Smuts) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલાં છે.

પ્રિટોરિયા ઉદ્યાનોના શહેર તરીકે પણ પ્રસિદ્ધ બનેલું છે. અહીં આશરે 140 ઉદ્યાનો અને બાગ-બગીચાઓ છે. આ પૈકી આફ્રિકાનો સર્વપ્રથમ ‘ફાઉન્ટન ખીણ’ નામનો નૈસર્ગિક ઉદ્યાન, બર્જર ઉદ્યાન, રાષ્ટ્રીય વનસ્પતિ-ઉદ્યાન, રાષ્ટ્રીય પ્રાણીશાસ્ત્રીય ઉદ્યાન, સમુદ્રપ્રાણીઓનો ઉદ્યાન, સર્પ-ઉદ્યાન, વેનિંગ પાર્કમાં આવેલો જળનિમગ્ન ઉદ્યાન મુખ્ય છે. આફ્રિકી યુનિયનનાં ભવ્ય મકાનોની અગાશીઓમાં પણ ઉદ્યાનો (terrace gardens) છે. ઑસ્ટિન રૉબર્ટ્સ પક્ષી અભયારણ્ય, નગરપાલિકા સંચાલિત અભયારણ્યો પણ છે.

પ્રિટોરિયાનાં જોવાલાયક ઐતિહાસિક સ્થળો તથા સ્મૃતિચિહ્નો પૈકી પ્રાંતિક સરકારી સચિવાલય-યુનિયન બિલ્ડિંગ, સ્ટ્રીજદોમ ચૉક, એંગ્લિકન અને રોમન કૅથલિક દેવળો, બોઅર અગ્રણીઓનું વુરટ્રેકકેર ‘ગ્રેટ ટ્રેક’ સ્મારક મુખ્ય છે. પ્રિટોરિયાના એન્ડ્રિઝ પિટ્રોરિયસ, જોહાનિસ સ્ટ્રીજદોમ અને હેન્રિક વેરવુડ જ્યાં દફનાવવામાં આવેલા તે ‘હીરોઝ એકર’ (Heroes’ Acre) કબ્રસ્તાન જાણીતું સ્થળ છે. દક્ષિણ આફ્રિકામાં જૂનું ગણાતું 1905માં બાંધેલું હિન્દુઓનું ‘મિરિઆમૅન મંદિર’ પણ છે. આ ઉપરાંત ઘણાં દેવળો, મઠ તથા મસ્જિદો પણ છે.

ઑપેરા, બૅલે, નાટકો, નૃત્ય અને સંગીતના સમારંભો તથા જલસાઓ યોજવા માટેનું ટ્રાન્સવાલનું રાજ્યકક્ષાનું કલા-થિયેટર, નગર-સભાગૃહ (city hall) અને રમતગમતો માટેનું લૉફ્ટસ વર્સફેલ્ડ સ્ટેડિયમ (Loftus Versfeld Stadium) તેમજ ઘણાં સંગ્રહસ્થાનો અહીં આવેલાં છે. સંગ્રહસ્થાનો પૈકી આર્ટ મ્યુઝિયમ, પિયરનિફ સંગ્રહસ્થાન (ટ્રાન્સવાલના ભૂતપૂર્વ પ્રમુખ પૉલ ક્રૂગરના મહેલમાં આવેલું સંગ્રહસ્થાન) રાષ્ટ્રીય સાંસ્કૃતિક-ઇતિહાસનું સંગ્રહસ્થાન અને ઓપન ઍર મ્યુઝિયમ મુખ્ય છે.

વસ્તી–લોકો–શિક્ષણ : મહાનગર પ્રિટોરિયાની વસ્તી 10,80,200 જેટલી છે (1991). 50%થી વધુ નિવાસીઓ મૂળ યુરોપીય વંશમાંથી ઊતરી આવેલા છે, તેઓ અંગ્રેજી કે આફ્રિકી ભાષા જ બોલે છે; બાકીના 50% જેટલા નિવાસીઓ અશ્વેત આફ્રિકી છે. તેમાં મુખ્યત્વે ઝુલુ, ત્સ્વાના, ઉત્તર અને દક્ષિણી સોથો (sotho) તેમજ ક્ષોઝા (xhosa) જાતિઓ છે. આ બધામાં 5% એશિયાઈ લોકોનો પણ સમાવેશ થઈ જાય છે.

અહીં પૂર્વપ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ સુધીની વિવિધ સંસ્થાઓ આવેલી છે. વિવિધ વિદ્યાશાખાઓની કૉલેજો, ઉચ્ચકક્ષાની ટેકનિકલ સંસ્થા, શિક્ષકો માટેનાં અધ્યાપન-મંદિર, વેટરનરી સંશોધન-સંસ્થા, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધનની રાષ્ટ્રીય સંસ્થા, આફ્રિકી સ્ટાન્ડર્ડ બ્યૂરો, આફ્રિકા ઇન્સ્ટિટ્યૂટ, કલા અને વિજ્ઞાનની અકાદમી; રસાયણશાસ્ત્રની, ભૌતિકશાસ્ત્રની, યાંત્રિકી અને વિદ્યુત ઇજનેરીની સંશોધન-સંસ્થાઓ; પ્રદૂષણ અંગેની સંશોધન-સંસ્થા; પુસ્તકાલયો, વગેરે આવેલાં છે. 1873માં દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીની અને 1930માં પ્રિટોરિયા યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે. મેડિકલ યુનિવર્સિટી ઑવ્ સાઉથ આફ્રિકા ‘Medusa’ – ગા-રંકુઆ (Ga-Rankuwa) પ્રિટોરિયાની ઉત્તરે આવેલી છે.

પ્રિટોરિયા ટ્રાન્સવાલનું મુખ્ય વહીવટી મથક છે. પ્રિટોરિયા મ્યુનિસિપાલિટી શહેરની કાળજી રાખવા ઉપરાંત લોકોને નોકરીઓ અપાવવાની વ્યવસ્થાનું સંચાલન પણ કરે છે. અહીં સરકારી ટંકશાળ, સરકારી છાપખાનું અને દક્ષિણ આફ્રિકાની રક્ષણપાંખ(ડિફેન્સ-ફોર્સ) લશ્કરી હવાઈ દળનું મથક (વૉટરક્લૂફ ઍરફોર્સ બેઝ) આવેલાં છે.

ઇતિહાસ : 17મી સદીની શરૂઆતના અરસામાં પ્રિટોરિયામાં ‘ગુની’ (guni) લોકો વસતા હતા. તેઓ માતેબેલે (matebele) અને દેબેલે (debele) જાતિસમૂહોના હતા. ત્યારપછીથી તેમની સાથે ઝુલુ જાતિના લોકો આવીને વસ્યા અને ભળ્યા. ઓગણીસમી સદીના મધ્યકાળમાં કેપ પ્રાંતમાંથી વુરટ્રેક્કેર કુટુંબો સ્થળાંતર કરીને આવ્યાં અને વસ્યાં. 1855ના અરસામાં મુખ્ય વસાહતો પોચેસ્ટરૂમ(Potchestroom) અને લીડેનબર્ગ(Lydenberg)માં વિકસી. 1860માં પ્રિટોરિયા ટ્રાન્સવાલ પ્રાંતની અને 1881માં દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્ય(ટ્રાન્સવાલ)ની રાજધાની બન્યું. 1863થી 1869 દરમિયાન ફાટી નીકળેલા બોઅર આંતરિક યુદ્ધમાં પ્રિટોરિયાએ મહત્વનો ભાગ ભજવેલો. તે પછીથી બીજી વારના આંતરિક યુદ્ધ બાદ 1902માં અંગ્રેજો અને બોઅરો વચ્ચે સંધિ થતાં યુદ્ધનો અંત આવ્યો. આ દરમિયાન 1899માં આ નિમિત્તે સર વિન્સ્ટન ચર્ચિલને કેદમાં રાખવામાં આવેલા. ત્યારબાદ 1910થી પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકાનું વહીવટી પાટનગર બન્યું. 1894માં હિન્દી મહાસાગર પરના ડેલાગોઆ ઉપસાગર કિનારાથી પ્રિટોરિયા સુધીનો રેલમાર્ગ શરૂ થયેલો, તેને પરિણામે 1931 સુધીમાં તેનો વિકાસ થતો ગયો અને વસ્તી વધતાં તે નગર મટીને શહેર બન્યું. 1961થી તેને દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યનું વહીવટી પાટનગર બનાવવામાં આવેલું છે. આ જ પ્રિટોરિયામાં ગાંધીજી અબ્દુલ્લા શેઠના કેસ અંગે એક વર્ષ રહ્યા હતા.

શિવપ્રસાદ રાજગોર