પ્રિગૉગીને ઇલ્યા (જ. 25 જાન્યુઆરી 1917, મૉસ્કો) : અપ્રતિવર્તી ઉષ્માગતિશાસ્ત્ર વિકસાવનાર રશિયન બેલ્જિયન ભૌતિક રસાયણવિદ્. રશિયામાં જન્મેલા પ્રિગૉગીને 1921માં કુટુંબ સાથે પશ્ચિમ યુરોપમાં વસાહતી તરીકે આવ્યા તથા 12 વર્ષની વયે બેલ્જિયમમાં બ્રસેલ્સ ખાતે અભ્યાસ શરૂ કર્યો. 1942માં બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાંથી તેઓ પીએચ.ડી. થયા અને ત્યાં જ 1951થી પ્રોફેસર બન્યા. તેઓ અમેરિકામાં પણ થોડો સમય ગાળી આવેલા. 1962માં તેઓ સૉલ્વે(બેલ્જિયમ)માં ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ કેમિસ્ટ્રીના ડિરેક્ટર બન્યા.
ચિરસમ્મત (classical) ઉષ્માગતિશાસ્ત્ર પ્રતિવર્તી વિધિઓ અને રસાયણશાસ્ત્રમાંની સમતોલન અવસ્થા સાથે સંકળાયેલું છે. વાસ્તવિક જગતમાં આવી પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. દા.ત., પૃથ્વીનું વાતાવરણ સૂર્યમાંથી સતત ઊર્જા મેળવે છે અને જીવંત કોષો પણ તેમના આસપાસના પરિવેશ (surroundings) સાથે સમતોલનમાં હોતા નથી. અચેતન (inanimate) પ્રણાલીઓ સામાન્ય રીતે વધતી જતી અવ્યવસ્થા(disorder)વાળી સ્થિતિને પામવાની (એન્ટ્રોપીમાં વધારો કરવાની) વૃત્તિ ધરાવે છે, જ્યારે જીવંત પ્રણાલીઓ પ્રમાણમાં અવ્યવસ્થિત દ્રવ્યોમાંથી સુગ્રથિત અને સુવ્યવસ્થિત અવસ્થાને પામે છે.
પ્રિગૉગીનેએ આવી અસમતુલિત પ્રણાલીઓ માટેનાં ગાણિતિક પ્રતિરૂપો (models) તૈયાર કર્યાં અને ઑનસેગરના સંશોધનને વિકસાવીને જેમને પોતે ક્ષયકારી (dissipative) સંરચનાઓ કહી હતી તે કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ટકી રહે છે તેની સમજૂતી આપી. તેમના વિચારો જીવનના ઉદગમ અને તેની ઉત્ક્રાંતિના તથા સામાન્ય અર્થમાં પારિસ્થિતિક તંત્ર(ecosystem)ના અભ્યાસમાં ઉપયોગી છે.
અસમતુલિત ઉષ્માગતિશાસ્ત્રના ખાસ કરીને ક્ષયકારી સંરચનાઓના સિદ્ધાંત અંગેના સંશોધન બદલ તેમને 1977માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
હાલ તેઓ બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણશાસ્ત્ર તથા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક છે તથા 1967થી યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ, ઓસ્ટિન(યુએસ.)માં સેન્ટર ફૉર સ્ટેટિસ્ટિકલ મિકૅનિક્સ ઍન્ડ થરમૉડાયનેમિક્સના ડિરેક્ટર છે.
જ. પો. ત્રિવેદી